PM નરેન્દ્ર મોદીના નવા ઘર અંગે વિવાદ થઈ રહ્યો છે તે અંદરથી કેવું હશે?

    • લેેખક, ટીમ બીબીસી ગુજરાતી
    • પદ, નવી દિલ્હી

દિલ્હીમાં સેન્ટ્રલ વિસ્ટા આડેનું વધુ એક વિઘ્ન દૂર થઈ ગયું છે. દિલ્હી હાઈકોર્ટે પ્રોજેક્ટ સામે દાખલ કરવામાં આવેલી અરજીને 'હેતુપૂર્વક'ની ગણાવીને અરજદારને રૂ. એક લાખનો દંડ ફટકાર્યો છે.

મધ્ય દિલ્હીમાં કેન્દ્ર સરકારની કચેરીઓને નવા સ્થળે ખસેડવામાં આવશે, આ સિવાય નવી રાજ્યસભા તથા લોકસભાનું નિર્માણ કરવામાં આવશે, જે આગામી સમયમાં સાંસદોની સંખ્યાની વૃદ્ધિને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવી છે.

આ પ્રોજેક્ટ વર્ષ 2024 સુધીમાં પૂર્ણ થઈ જશે. આગામી તબક્કામાં ઉપરાષ્ટ્રપતિના નિવાસસ્થાન તથા વડા પ્રધાનના નિવાસસ્થાનને પણ નવા સ્થળે ખસેડવામાં આવશે.

વિપક્ષ આ પ્રોજેક્ટને કોરોનાકાળમાં 'મોદીના ઘર માટેનો ખર્ચ' ગણાવે છે, જ્યારે સરકારનું કહેવું છે કે વડા પ્રધાનના નવા ઘર ઉપર કામ નથી થઈ રહ્યું.

છેલ્લા લગભગ સાડા ત્રણ દાયકાથી ભારતના વડા પ્રધાન સાત લોકકલ્યાણ માર્ગ ખાતે રહે છે, જે બંગલાઓનો સમૂહ છે, જેમાં વડા પ્રધાનના નિવાસસ્થાન, ઉપરાંત કચેરી અને સુરક્ષાવ્યવસ્થા માટેની જોગવાઈ છે.

વડા પ્રધાનનું 'ઘર'

દેશ સ્વતંત્ર થયો ત્યારથી દેશમાં વડા પ્રધાનને માટે કોઈ નિશ્ચિત ઘર ન હતું. પ્રથમ વડા પ્રધાન જવાહરલાલ નહેરુ તીન મૂર્તી ભવન ખાતે રહેતા.

અગાઉ અંગ્રેજ સરકારના સમયગાળામાં બ્રિટિશ ભારતીય સેનાના કમાન્ડર-ઇન-ચીફ અહીં નિવાસ કરતા અને તે 'ફ્લૅગસ્ટાફ હાઉસ' તરીકે ઓળખાતું.

તેમના અવસાન પછી સત્તાવાર નિવાસસ્થાનને મૅમોરિયલ તથા લાઇબ્રેરીમાં ફેરવી નાખવામાં આવ્યું.

1964માં તેમના અવસાન બાદ લાલબહાદુર શાસ્ત્રી દેશના વડા પ્રધાન બન્યા. તેમણે 10, જનપથને પોતાનું નિવાસસ્થાન બનાવ્યું હતું.

'જય જવાન, જય કિસાન'માં માનતા શાસ્ત્રી અહીં ખેતી પણ કરતા હતા.

1965માં પાકિસ્તાન સાથે યુદ્ધ થયું, તે પછી કરાર કરવા માટે તેઓ રશિયાના તાશ્કંદ ગયા હતા, જ્યાં ભેદી સંજોગોમાં તેમનું અવસાન થયું.

સત્તાવાર રીતે હૃદયરોગના હુમલાથી તેમનું અવસાન થયું એમ જાહેર કરવામાં આવ્યું હતું.

આ બંગલાના પરિસરમાં એક તરફ (જે અકબર રોડ પર પડે છે) મુખ્ય વિપક્ષ કૉંગ્રેસનું મુખ્યાલય આવેલું છે. જ્યારે બીજી તરફ મોતીલાલ નહેરુ માર્ગ ઉપર બીજા વડા પ્રધાનનું સ્મૃતિ સ્થળ આવેલું છે.

જ્યારે વાસ્તવિક 10 જનપથ ખાતે કૉંગ્રેસનાં કાર્યકારી અધ્યક્ષા સોનિયા ગાંધી રહે છે.

1991માં જ્યારે રાજીવ ગાંધી વડા પ્રધાન ન હતા, ત્યારે તેઓ સોનિયા ગાંધી અને બાળકો સાથે આવીને 10 જનપથ ખાતે રહ્યાં હતાં.

તામિલનાડુમાં ચૂંટણીપ્રચાર દરમિયાન તેમની હત્યા કરી દેવામાં આવી હતી.

નિવાસસ્થાનની મુલાકાત લેનારના કહેવા પ્રમાણે, "ત્યાં એક ઝાડ નીચે મઝાર આવેલી છે. એવું માનવામાં આવે છે કે મઝાર, દરગાહ, મંદિર કે ધાર્મિકસ્થળની નજીક ન રહેવાય. એટલે કદાચ તેમના ઉપર એક પછી એક વિપત્તી આવતી હશે અને આટલાં વર્ષોથી કૉંગ્રેસ સત્તાથી વંચિત છે."

જોકે, એ વાત પણ હકીકત છે કે 2004થી 2014 સુધી વિપક્ષનો આરોપ હતો કે 10 જનપથ એ 'સત્તાનું બીજું કેન્દ્ર' છે.

આ સિવાય ઇંદ્રકુમાર ગુજરાલ તથા એચ. ડી. દેવેગૌડાના કાર્યકાળ દરમિયાન પણ તેઓ સોનિયા ગાંધીની વાતને અવગણી શકતા ન હતા.

જોકે, આ સિવાયના પણ સત્તાના કેન્દ્ર ખાતે સોનિયા ગાંધી રહી ચુક્યાં છે.

એ સરનામું એટલે સાત, લોકકલ્યાણ માર્ગ.

દેશનાં પ્રથમ મહિલા વડાં પ્રધાન ઇંદિરા ગાંધીએ તેમના નિવાસસ્થાન તરીકે એક સફદરજંગ રોડને પસંદ કર્યું હતું.

31મી ઑક્ટોબર 1984ના દિવસે શીખ અંગરક્ષકોએ સત્તાવાર નિવાસસ્થાને જ તેમની ગોળી મારીને હત્યા કરી દીધી.

તેમના દીકરા રાજીવ ગાંધી દેશના વડા પ્રધાન બન્યા.

સફદરજંગના નિવાસસ્થાનેને ઇંદિરા ગાંધીનું સ્મારકસ્થળ તરીકે ફેરવી નાખવામાં આવ્યું.

રાજીવ ગાંધી પણ જૂની સ્મૃતિઓથી દૂર જવા માટે નવા ઘરની શોધમાં હતા.

સુરક્ષા અધિકારીઓને પણ લાગતું હતું કે વડા પ્રધાનની સુરક્ષા માટે અલગથી વિશેષ વ્યવસ્થા હોવી જોઈએ. આથી, સ્પેશિયલ પ્રૉટેક્શન ગ્રૂપ અસ્તિત્વમાં આવ્યું. જેનું કામ પૂર્વ વડા પ્રધાન તથા તેમના પરિવારજનોને સુરક્ષા આપવાનું છે.

સુરક્ષા અધિકારીઓનો સમાવેશ થઈ શકે તથા વડા પ્રધાનની ઘર તથા નિવાસસ્થાનની જરૂરિયાત પોષાય તે માટે સાત રેસકોર્સ રોડને પસંદ કરવામાં આવ્યું.

જે વાસ્તવમાં બંગલાઓનો સમૂહ છે. ત્યારથી લઈને આજપર્યંત તે દેશના વડા પ્રધાનનું 'સત્તાવાર સરનામું' છે.

વી. પી. સિંહના કાર્યકાળ દરમિયાન નવી વ્યવસ્થા કાયમી બની.

7, લોકકલ્યાણ માર્ગ

વીપી સિંહ, ચંદ્રશેખર, પીવી નરસિંહ્મારાવ, ઇંદ્રકુમાર ગુજરાલ, એચ. ડી. દેવેગૌડા, અટલબિહારી વાજપેયી, ડૉ. મનમોહન સિંઘ તથા નરેન્દ્ર મોદીનું તે નિવાસસ્થાન છે.

જે વાસ્તવમાં એક, ત્રણ, પાંચ, સાત અને નવ એમ પાંચ બંગલાનું સામૂહિક પરિસર છે.

હાલના વડા પ્રધાન નિવાસસ્થાનના ફરતે કૉંક્રિટની ઊંચી દિવાલો આવેલી છે, તેની ઉપર લોખંડના તારની ઊંચી કાંટાળી વાડ આવેલી છે, જેની ઉપર રિંગફેન્સ હોય છે.

દીવાલની ફરતે ફરજ પરના સિક્યૉરિટીકર્મીઓ માટેનાં વૉચ ટાવર આવેલાં છે.

એસપીજી ઉપરાંત સીઆરપીએફ તથા દિલ્હી પોલીસ દ્વારા પૂરક સુરક્ષા પૂરી પાડવામાં આવે છે.

રાજીવ ગાંધી અહીં બંગલા નંબર પાંચમાં તેમનાં પત્ની અને પરિવાર સાથે રહેતા હતા. બાદમાં જરૂર મુજબ વધારાના બંગલા ભેળવવામાં આવ્યા.

ઇન્ટેલિજન્સ બ્યૂરો દ્વારા સમયાંતરે સુરક્ષા અંગે એસપીજીને ઇનપુટ્સ આપવામાં આવે છે.

એસપીજી દ્વારા પણ નિયમિત કવાયતના ભાગરૂપે અલગ-અલગ પ્રકારના અકસ્માત કે સુરક્ષા સંબંધે સમીક્ષા કરવામાં આવે છે. આ 'સતત ચાલતી' પ્રક્રિયા છે.

વડા પ્રધાનના નિવાસસ્થાનની મુલાકાત લેનારા ગુજરાતના એક નેતાના કહેવા પ્રમાણે, "દરેક બંગલામાં સરેરાશ પાંચેક રૂમ છે. તે લુટિયન્સકાળના છે જે મોકળા છે, તેને મૉડિફાય કરવામાં આવ્યા છે, પરંતુ તે મૂળતઃ ભૂકંપરોધી નથી."

"વડા પ્રધાનની કચેરીમાં અધિકારીઓ અને કર્મચારીઓ હોય છે, આ સિવાય પત્રકારોની પણ અવરજવર રહેતી હોય છે. જ્યારે નિવાસસ્થાને નજીકના કે વિશ્વાસુ અને બહુ થોડા કર્મચારીઓ હોય છે એટલે માત્ર મોદી જ નહીં, કોઈ પણ વડા પ્રધાન અલગ-અલગ લોકોને સરળતાથી, સહજતાથી તથા ગુપ્તતા સાથે મળી શકે છે. "

"જોકે, વડા પ્રધાનના નિવાસસ્થાનમાં પ્રવેશ સરળ નથી હોતો. વડા પ્રધાનના અંગત સચિવ દ્વારા યાદી આપવામાં આવી હોય તે અધિકારીઓ અને પ્રધાનો જ પ્રવેશ કરી શકે છે. વ્યક્તિ પહોંચે એટલે નવ નંબરના બંગલા ખાતે એસપીજી રિસૅપ્શન ખાતે મુલાકાતીઓની યાદીમાં આંગતુકનું નામ ચકાસવામાં આવે છે."

ત્યારબાદ એસપીજીની વિશેષ વાહનવ્યવસ્થામાં તેમને નિવાસસ્થાન સુધી લઈ જવામાં આવે છે. વડા પ્રધાન પાંચ નંબરના બંગલા ખાતે રહે છે, જ્યાં અગાઉ વાજપેયી અને રાજીવ ગાંધી રહેતા, જ્યારે ડૉ. સિંઘે ત્રણ નંબરનો બંગલો પસંદ કર્યો હતો.

કેટલાક દેશોમાં મુખ્ય વહીવટકર્તાના નિવાસસ્થાન તથા કચેરી એક જ પરિસરમાં આવેલા હોય છે, પરંતુ ભારતના કિસ્સામાં આવું નથી.

સાઉથ બ્લૉક ખાતે વડા પ્રધાનનું કાર્યાલય (PMO) આવેલું છે. જેના માટે તેમના કાફલાએ રોડ પરથી અવરજવર કરવાની રહે છે.

વડા પ્રધાનના નિવાસસ્થાનમાં સંચાર અને વીજવ્યવસ્થા ક્યારેય ખોરવાય નહીં, તે પ્રકારની વ્યવસ્થા છે. આ સિવાય આઇસીયુ પણ છે, જ્યાં ઑલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઑફ મેડિકલ સાયન્સનો સ્ટાફ ફરજ બજાવે છે અને જીવનરક્ષક દવાઓ અને વ્યવસ્થા ઉપલબ્ધ રહે છે. આ સિવાય ઍમ્બુલન્સ પણ હાજર રહે છે.

અહીં 50થી વધુ માળી, પટાવાળા, ઇલેક્ટ્રિશિયન તથા પ્લમ્બર કામ કરે છે.

આવતાંજતાં તેમની કડક તપાસ કરવામાં આવે છે. આ સિવાય નિમણૂક પૂર્વે તેમની પૃષ્ઠભૂમિ પણ ચૅક કરવામાં આવે છે.

દિલ્હીના એક પત્રકારના કહેવા પ્રમાણે, "વડા પ્રધાન નરેન્દ્ર મોદીના આગમન પછી સાત રેસકોર્સ રોડ બાબતે ઢીલ અપાવા લાગી છે. અગાઉ તેની કલ્પના કરવી પણ મુશ્કેલ હતી. પહેલાં વડા પ્રધાન કે મુલાકાતીઓના ક્લોઝ-અપ શોટ જ મળતા તથા આસપાસનું વિવરણ જાહેર ન થાય તેની વિશેષ કાળજી લેવામાં આવતી."

"યોગ કરતા વડા પ્રધાનના વીડિયો હોય કે માતા હીરાબાને ગાર્ડનમાં ફેરવવાના વીડિયો કે પછી અક્ષય કુમારનો ઇન્ટરવ્યૂ, પરિવર્તન આવી રહ્યું છે. તમને બંગલાઓના પરિસરમાં શું-શું છે, તે વીડિયોમાં જોઈ શકો છો. ફિલ્મ અભિનેતા અક્ષય કુમાર સાથે લોકસભા ચૂંટણી પૂર્વેના સંવાદ સમયે જીમી જેબનો પણ ઉપયોગ કરવામાં આવ્યો હતો, જેની કલ્પના પણ અગાઉ કરવી મુશ્કેલ હતી."

આ ઘર સપ્ટેમ્બર-2016 પહેલાં સાત રેસકોર્સ રોડ તરીકે ઓળખાતું હતું. નરેન્દ્ર મોદીના પ્રથમ કાર્યકાળના શરૂઆતના સમયમાં તેનું પુનઃનામકરણ કરવામાં આવ્યું હતું.

વું ઘર, નવીફિસ

મધ્ય દિલ્હીને નવા રંગરૂપ આપવાનું કામ અમદાવાદસ્થિત આર્કિટેક્ટ ડૉ. બીમલ પટેલની કંપનીને મળ્યું છે.

જેઓ વર્ષ 2002માં ભૂકંપથી ભાંગી પડેલા ભૂજના પુનઃનિર્માણ સમયે વડા પ્રધાનની નજીક આવ્યા હતા.

આ પછી સાબરમતી રિવરફ્રન્ટ અને તેમના મતવિસ્તાર વારાણસીમાં 'કાશી વિશ્વનાથ કૉરિડોર' માટે તેમણે મોદીના વિચાર મુજબ કામ કર્યું હતું.

વર્ષ 2019માં મોદી સરકાર દ્વારા તેમને પદ્મશ્રીથી નવાજવામાં આવ્યા હતા.

સેન્ટ્રલ વિસ્ટાના આગામી તબક્કા માટે મંજૂરી આપવામાં આવી છે અને મે મહિનાના શરૂઆતમાં આ અંગેની વિગતો બહાર આવવાની શરૂ થઈ હતી, જે મુજબ વડા પ્રધાન નરેન્દ્ર મોદીના નવા નિવાસસ્થાનના પ્રોજેક્ટને મંજૂરી આપી દેવામાં આવી છે.

ગત સપ્તાહે શહેરી વિકાસમંત્રી હરદીપસિંહ પુરીએ કહ્યું કે 'વડા પ્રધાનના નવા નિવાસસ્થાન માટે કામ શરૂ નથી થયું અને માત્ર નવી સંસદ તથા સરકારી કચેરીઓ માટે કામ શરૂ થયું છે. વિપક્ષ દ્વારા આ મુદ્દે અફવા ફેલાવવામાં આવી રહી છે.'

સ્વતંત્રતાની 75મી વર્ષગાંઠ પહેલાં સરકાર સંસદનિર્માણનું કામ પૂર્ણ કરી દેવા માગે છે. તેનું આયુષ્ય 150થી 200 વર્ષ હશે તેવો દાવો કરવામાં આવી રહ્યો છે, જે કોઈ વૃક્ષને ખસેડવાની જરૂર પડી રહી છે, તેમને અન્યત્ર પ્રત્યારોપિત કરવામાં આવી રહ્યાં છે.

ટૅકનિકલી કદાચ તેમની વાત સાચી છે, પરંતુ પ્રોજેક્ટના આગામી તબક્કા માટે ક્લીયરન્સ મળી ગયું છે.

સેન્ટ્રલ વિસ્ટાના વર્તમાન તબક્કા મુજબ રાજપથની (જ્યાં દર 26મી જાન્યુઆરીના પરેડ થાય છે) બંને બાજુએ કુલ નવ (એક બાજુ પાંચ, બીજી બાજુ ચાર) ઇમારતો બનશે. જે અંડરગ્રાઉન્ડ રીતે એકબીજા સાથે જોડાયેલી હશે. તેમની ઊંચાઈ ઇન્ડિયા ગેટ કરતાં ઓછી રહેશે.

વડા પ્રધાનનું નવું નિવાસસ્થાન કેવું હશે, તે અંગે ડિઝાઇનરો તથા કેન્દ્રીય માર્ગ અને નિર્માણ વિભાગના અધિકારીઓ દ્વારા મૌન સેવવામાં આવી રહ્યું છે.

પરંતુ અલગ-અલગ સ્રોતો અને પ્રસારમાધ્યોમાંથી મળતી માહિતી મુજબ, નવા નિવાસસ્થાન સંકુલમાં ઘરની સાથે સપૉર્ટ સ્ટાફ, સિક્યૉરિટીના અધિકારીઓ, મિનિ પીએમઓ જેવી કચેરી, કૉન્ફરન્સ રૂમ, લૉન, આપાતકાલીન તબીબી વ્યવસ્થા અને નાનકડા થિયેટરની વ્યવસ્થા હશે.

આ સિવાય દેશના કે વિદેશી મહેમાનોને માટે પાર્ટી આપી શકાય તે રીતે 200-300 મહેમાનોનો સમાવેશ થઈ શકે તે પ્રકારના હૉલની પણ વ્યવસ્થા હશે.

વડા પ્રધાનના સુરક્ષા કાફલા તથા આવનારા મંત્રી-મહેમાનના કાફલાને માટે અલગ પાર્કિંગની વ્યવસ્થા હશે. તેની ડિઝાઇન ભૂકંપરોધી હશે.

વડા પ્રધાનનું નવું નિવાસસ્થાન હાલના સાઉથ બ્લોક પાસે આવેલું હશે, જે અંડરગ્રાઉન્ડ રીતે પીએમઓ સાથે જોડાયેલું હશે, જેના કારણે વડા પ્રધાન કે વીઆઇપીની અવરજવર દરમિયાન રસ્તા પરની અવરજવર અટકાવવી નહીં પડે.

આ સિવાય ઉપરાષ્ટ્રપતિનું નિવાસસ્થાન હાલના નૉર્થ બ્લૉકની પાસે ખસેડવામાં આવશે. હાલમાં બંને બ્લૉક ખાતે અનેક કેન્દ્રીય મંત્રાલયો તથા આર્મી અને નૅવીનાં મુખ્યાલય આવેલાં છે. આ બંને બ્લૉકને સાર્વજનિક મ્યુઝિયમમાં ફેરવવામાં આવશે.

રાયસીના હિલ્સ પર આવેલું રાષ્ટ્રપતિ ભવન (અગાઉ વાઇસરૉય નિવાસસ્થાન) યથાવત્ રહેશે. જોકે, ભૂકંપની તેની ઉપર અસર અંગે અગાઉ ચિંતા વ્યક્ત થયેલી છે.

હાલમાં સંસદ ચાલુ હોય ત્યારે જનતાને વિશેષ હાલાકી પડે છે. રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ, વડા પ્રધાન, લોકસભામાં વિપક્ષના નેતા, રાજ્યસભામાં વિપક્ષના નેતા, કૅબિનેટ પ્રધાનોની અવરજવર કે મુખ્ય મંત્રીઓની મુલકાત વેળાએ રસ્તા બંધ કરવા પડે છે.

હાલમાં વડા પ્રધાનને સ્પેશિયલ પ્રૉટેક્શન ગ્રૂપની (એસપીજી) સુરક્ષા મળે છે.

વડા પ્રધાનની સુરક્ષા માટેનું આ વિશિષ્ટ જૂથ છે. નવા સેન્ટ્રલ વિસ્ટા પ્રોજેક્ટમાં સંગઠનને માટે વિશેષ કચેરી પણ ઊભી કરવામાં આવશે.

કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ, સંરક્ષણ મંત્રી રાજનાથસિંહને ઝેડ પ્લસ સિક્યૉરિટી મળેલી છે.

જોખમ અંગેની સમીક્ષા બાદ મુખ્ય મંત્રીઓને પણ ઝેડ પ્લસ સિક્યૉરિટી આપવામાં આવે છે.

દિલ્હીના લુટિયન્સ વિસ્તારના લગભગ 70 બંગલા કૅબિનેટ તથા વીઆઇપી લોકોના માટે અનામત રાખવામાં આવ્યા છે.

લુટિયન્સ ઝોનએ રાજધાની દિલ્હીનો સૌથી હરિયાળો વિસ્તાર છે.

કેન્દ્રીય શહેરી વિકાસ મંત્રાલય દ્વારા પ્રધાનો તથા સંસદસભ્યોને બંગલાની ફાળવણી કરવામાં આવે છે. સેન્ટ્રલ પબ્લિક વર્ક્સ ડિપાર્ટમેન્ટ દ્વારા તેની જાળવણી કરવામાં આવે છે.

નવા રહેવા આવનારાઓ દ્વારા બંગલાના ફર્નિચરમાં કે આંતરિક ડિઝાઇનમાં નાના-મોટા ફેરફાર સૂચવવામાં આવે છે, જે મુજબ કરી આપે છે.

જો કોઈને રામ મનોહર લોહિયા હૉસ્પિટલ કે સ્ટેશન તરફ જવું હોય તો સીધું જ જવાને બદલે તાલ કટોરા થઈને જવું પડે છે. આવા લોકોને માટે સેન્ટ્રલ વિસ્ટાને કારણે માર્ગ સુગમ બનશે.

હાલમાં વડા પ્રધાનના અંગરક્ષકોને સેના, અર્ધલશ્કરી દળો તથા કેન્દ્રીય પોલીસદળોમાંથી ચૂંટીને વિશેષ તાલીમ બાદ હંગામી ધોરણે એસપીજીમાં મોકલવામાં આવે છે.

અગાઉ પૂર્વ વડા પ્રધાન તથા તેમના પરિવારજનોને પણ આ સુરક્ષા મળતી હતી, જેના કારણે તેમને ઍરપૉર્ટ ઉપર પણ સુરક્ષા તપાસમાંથી મુક્તિ મળતી હતી.

આ જોગવાઈ હેઠળ કૉંગ્રેસનાં અધ્યક્ષા સોનિયા ગાંધી, પુત્રી પ્રિયંકા ગાંધી તથા રાહુલ ગાંધીને પણ એસપીજી સુરક્ષા મળતી હતી.

જોકે, વર્તમાન મોદી સરકારે એસપીજી ઍક્ટમાં ફેરફાર કરીને માત્ર વડા પ્રધાનને જ સુરક્ષા મળે તેવી જોગવાઈ કરવામાં આવી છે. વિપક્ષ કૉંગ્રેસે તેની ટીકા કરી તેને ગાંધી પરિવાર પ્રત્યે દ્વેષ ગણાવ્યો હતો.

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો