યુરોપ ઉપર વર્ષો બાદ યુદ્ધનાં વાદળો કેમ ઘેરાઈ રહ્યાં છે?

અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડને આશંકા વ્યક્ત કરી છે કે પુતિનના નેતૃત્વમાં રશિયા દ્વારા યુક્રેનમાં પ્રવેશ કરવામાં આવશે, પરંતુ તે "પૂર્ણ કદનું યુદ્ધ" નહીં હોય.

તેમણે કહ્યું હતું કે રશિયાએ તેની કિંમત ચૂકવવી પડશે અને જો તે સામાન્ય છમકલું હશે તો તેને અલગ રીતે જોવામાં આવશે.

રશિયા દ્વારા યુક્રેનની સરહદે એક લાખ જેટલા જવાનોને ખડકી દેવામાં આવ્યા છે, છતાં તેનું કહેવું છે કે યુદ્ધ કરવાનો તેનો કોઈ ઇરાદો નથી.

તેની માગ છે કે યુક્રેન તથા સોવિયેટ સંઘના પૂર્વ દેશોને પશ્ચિમી દેશોના સૈન્યસંગઠન નાટોમાં સ્થાન આપવામાં ન આવે તથા પૂર્વ યુરોપમાં નાટો તેની સંરક્ષણાત્મક પ્રવૃત્તિઓને પડતી મૂકે.

આ પહેલાં યુરોપિયન સંઘના વરિષ્ઠ રાજદૂતે બીબીસી યુરોપના સંપાદક કાત્યા એડલર સાથે અનૌપચારિક વાતચીતમાં કહ્યું હતું કે, "યુગોસ્લાવિયાના વિઘટન પછી વધુ એક વખત યુરોપ ઉપર યુદ્ધનો ઓછાયો જોવા મળી રહ્યો છે."

શું થઈ રહ્યું છે?

અમેરિકા અને રશિયાના વિદેશમંત્રીઓ વચ્ચે જીનીવા ખાતે એક બેઠક શુક્રવારે મળી રહી છે. રશિયા દ્વારા જે માગણીઓ મૂકવામાં આવી છે, તેને અગાઉથી નકારી કાઢવામાં આવી છે.

રશિયા 'ગમે ત્યારે' હુમલો કરી શકે છે, તેવી શક્યતાની વચ્ચે આ મુલાકાતને મહત્ત્વૂપર્ણ માનવામાં આવે છે.

આ સિવાય યુરોપિયન દેશોના વિદેશમંત્રીઓની એક બેઠક પણ 24મી જાન્યુઆરીના મળવાની છે. જેમાં આ મુદ્દે ચર્ચા થશે. ઈયુમાં આ મુદ્દે અંધાધૂંધી પ્રવર્તે છે અને દાયકાઓમાં ન જોયો હોય તેવો સશસ્ત્ર સંઘર્ષ શરૂ થવાની આશંકા સેવવામાં આવી રહી છે.

આ અંગે અગાઉથી ચેતવણી હોવા છતાં હવે તેઓ સફાળા જાગ્યા છે, છતાં રશિયા સામે કેવી કાર્યવાહી કરવી, તેના વિશે એકમત પ્રવર્તમાન નથી. ઈયુ દ્વારા યુક્રેન સામેની કોઈ પણ કાર્યવાહી બદલ "ગંભીર પરિણામો"ની ચેતવણી આપવામાં આવી છે.

બાઇડને પોતાની પત્રકારપરિષદ દરમિયાન નાટોમાં પ્રવર્તમાન મતભેદો અંગે સાર્વજનિક રીતે ખુલાસો કરી દીધો હતો અને જે ઑપન સિક્રેટ હતું, તેને સત્તાવાર રીતે અનુમોદન આપી દીધું હતું.

જોકે, વ્હાઇટ હાઉસે તત્કાળ ખુલાસો કરતાં કહ્યું હતું કે જો રશિયા દ્વારા યુક્રેન ઉપર હુમલો કરવામાં આવશે તો અમેરિકા તથા સાથીદળો દ્વારા તેનો સજ્જડ જવાબ આપવામાં આવશે.

આ સિવાય રશિયા તથા પુતિનની ઉપર નિષેધો લાદવાની વાત પણ કહેવામાં આવી છે. આ પહેલાં ફ્રાન્સ તથા યુરોપિયન સંઘના અધિકારીઓએ પણ અલગ-અલગ અને સ્વતંત્ર રીતે આ મુદ્દે રશિયા સાથે વાત કરી હતી.

રશિયા, યુક્રેન અને આક્રમણ

2014માં રશિયાએ યુક્રેઇનના દક્ષિણમાં આવેલા ક્રિમિયાને પોતાનામાં ભેળવી દીધું હતું. અહીં રશિયન બોલનારા લોકોની બહુમતી છે. રશિયા તરફી રાષ્ટ્રપતિની હકાલપટ્ટી બાદ આ કાર્યવાહી કરવામાં આવી હતી.

ત્યારબાદ આ વિસ્તારના નાગિરકોનો જનમત સંગ્રહ કરવામાં આવ્યો હતો, જેમણે રશિયા સાથે ભળવાને મંજૂરીની મહોર મારી હતી, પરંતુ યુક્રેન તથા પશ્ચિમી દેશોએ તેને નકારી કાઢ્યો હતો.

રશિયાની તાજેતરની સૈન્યકવાયત બાદ સ્વિડન દ્વારા બાલ્ટિક સમુદ્રમાં વ્યૂહાત્મક રીતે મહત્ત્વપૂર્ણ એવા ગોટલૅન્ડ દ્વીપ ખાતે સેંકડોની સંખ્યામાં સૈનિકોને ખસડેવામાં આવ્યા હતા. આ પહેલાં ડેનમાર્કે પણ આ વિસ્તારમાં પોતાની સૈન્યસંખ્યા વધારી હતી.

તાજેતરના સૈન્યસંકટ બાદ ફિનલૅન્ડ તથા સ્વિડને નાટોમાં જોડાવું જોઈએ કે નહીં, તેના વિશેની ચર્ચાએ વધુ એક વખત જોર પકડ્યું છે.

અમેરિકા, નાટો, યુકે તથા યુરોપિયન સંઘને આશંકા છે કે રશિયાનો યુક્રેન સાથે પરંપરાગત યુદ્ધ કરવાનો ઇરાદો નથી, પરંતુ તે યુરોપિયન સંઘમાં અસ્થિરતા ઊભી કરીને રશિયા તરફી વલણ ઊભું કરવા માગે છે.

રશિયા હવે શું કરવા માગે છે તે અંગે અસ્પષ્ટતા પ્રવર્તે છે, પરંતુ જાણકારોનું માનવું છે કે આ મુદ્દો એટલો મોટો બની ગયો છે કે ઘરઆંગણે રશિયા પર કંઈક કરવા માટે દબાણ છે અને પાછળ નહીં હઠી શકે.

અમેરિકાને આશંકા છે કે રશિયાના એજન્ટો દ્વારા હુમલો કરવામાં આવશે, જેનું આળ યુક્રેન ઉપર મૂકવામાં આવશે અને પછી તેના આધારે હુમલો કરવાનું આયોજન કરવામાં આવશે.

તે યુક્રેનમાં પ્રવેશ, યુક્રેન ઉપર હુમલો, સાયબર ઍટેક કે દુષ્પ્રચાર અભિયાન જેવાં હથિયારોનો સહારો લઈ શકે છે.

રશિયા દ્વારા યુરોપના અનેક દેશોને ગૅસ પૂરો પાડવામાં આવે છે. યુરોપમાં શિયાળો ચાલી રહ્યો છે અને પહેલાંથી જ ગૅસના ભાવો ખૂબ જ ઊંચા છે.

ત્યારે રશિયા તરફથી મળતો પુરવઠો અટકે તો આ પરિસ્થિતિ વધુ વકરે તેમ છે. બીજી બાજુ, અમેરિકાએ યુરોપને સસ્તો ગૅસ મળી રહે તે માટે વૈકલ્પિક વ્યવસ્થા ઉપર કામ કરવાનું શરૂ કરી દીધું છે. અમેરિકા ઇચ્છે છે કે ઈયુ દ્વારા એકસૂરમાં સ્પષ્ટપણે રશિયાનો વિરોધ કરવામાં આવે.

બીજી બાજુ, યુકે દ્વારા યુક્રેનને ટૂંકા અંતરની મિસાઇલ્સ પૂરી પાડવામાં આવી છે અને કહ્યું છે કે તે યુક્રેનની પડખે છે, ચાહે સંઘર્ષ ગમે તેટલો આગળ વધે.

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો