You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ઉત્તર પ્રદેશની ચૂંટણી જીતવા ભાજપ ગુજરાતના હિંદી ભાષીઓનો ઉપયોગ કઈ રીતે કરે છે?
- લેેખક, રોક્સી ગાગડેકર છારા
- પદ, બીબીસી સંવાદદાતા
યજુવેન્દ્ર દુબે આમ તો સુરતના રહેવાસી છે, પરંતુ આજકાલ તેઓ ઉત્તર પ્રદેશમાં પોતાના ગામ જવાની તૈયારી કરી રહ્યા છે.
આ વખતે તેઓ પોતાના શહેર જોનપુરમાં તો જશે જ પરંતુ તેની સાથોસાથ આખા પૂર્વાંચલ વિસ્તારમાં રહેતા તેમના સગા સંબંધીઓને પણ મળવાના છે. પોતાના ઓળખીતા લોકો તેમજ સગા સંબંધીઓને મળવાની આ મુલાકાતને તેઓ અંગત મુલાકાત નહીં પરંતુ એક રાજકીય મુલાકાત ગણે છે.
તેમની મુલાકાત દરમિયાન તેઓ ગુજરાતનો વિકાસ, માર્ગો, ધંધો કરવામાં સહેલાઈ, સલામતી વગેરે જેવા મુદ્દાઓ અંગે વાત કરવાના છે.
તેઓ ભારતીય જનતા પક્ષના કાર્યકર છે. પાર્ટીના આદેશ પ્રમાણે તેઓ અને તેમના જેવા અનેક લોકો થોડા જ દિવસોમાં પોત-પોતાનાં ગામ પ્રવાસ કરીને 'ગુજરાતના વિકાસની વાતો' કરશે.
જો ગુજરાતમાં સુરતની વાત કરીએ તો માત્ર ઉત્તર પ્રદેશથી આવીને અહીં કામ કરતા લોકોની સંખ્યા લાખોમાં છે. યજુવેન્દ્ર દુબેનો તો દાવો છે કે સુરતમાં ઉત્તર પ્રદેશના 10 લાખથી વધુ લોકો રહે છે અને મોટા ભાગના સુરતના વોટર પણ બની ગયા છે. જોકે ઘણા લોકો હજી સુધી પોતાનાં ગામમા જ વોટ કરતા હોય છે.
દુબે વર્ષ 2017 અને અને 2012માં પણ ઉત્તર પ્રદેશ વિધાનસભાની ચૂંટણીઓમાં પૂર્વાંચલના અનેક વિસ્તારોમાં ગુજરાતની વાત થકી ભાજપનો પ્રચાર કરવા ગયા હતા.
બીબીસી ગુજરાતી સાથે વાત કરતાં તેઓ કહે છે કે, "સુરતમાં એક વખત (એ વખતના) મુખ્ય મંત્રી નરેન્દ્ર મોદીએ સભા યોજી હતી અને તેમાં કહ્યું હતું કે અમે બધા ગુજરાતના બ્રાન્ડ ઍમ્બૅસૅડર છીએ, જે પોતાના જિલ્લામાં જઈને ગુજરાતની વાત કરશે."
"હું તે સમયથી ભાજપમાં જોડાયો અને 2012 અને 2017ની ચૂંટણી સમયે બધોહી અને પ્રતાપપુર વિધાનસભામાં પ્રચાર માટે ગયો હતો. બધોહી વિધાનસભા અમે લોકોએ 2017માં માત્ર 1300 વોટથી જિતાડી હતી."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
જોકે આ રીતે ભાજપનો પ્રચાર કરનારા દુબે એકલા નથી. ગુજરાતમાં રહેતા અને ભાજપમાં કામ કરનારા બીજા હિંદી ભાષીઓને પણ આ પ્રકારની જવાબદારી સોંપવામાં આવે છે.
બુંદેલખંડમાં જન્મેલાં અને સુરતમાં લગ્ન કરીને સ્થાઈ થયેલાં સુધા પાંડે ભાજપનાં એક સક્રિય કાર્યકર રહી ચૂક્યાં છે અને હવે સુરત મહાનગરપાલિકામાં ભાજપના કૉર્પોરેટર પણ છે.
બીબીસી ગુજરાતી સાથે વાત કરતાં તેઓ કહે છે, "2017ની ચૂંટણી વખતે મેં બુંદેલખંડના ઉમેદવાર ચંદ્રીકાપ્રસાદ ચૌધરી માટે પ્રચાર કર્યો હતો. હું મારા પિતાના ઘરે જ રહી હતી અને તે સમયે સુરતના માર્ગોની અનેક વાતો લોકો સુધી પહોંચાડી હતી. એ બાદ હું વારાણસીમાં પણ પ્રચારાર્થે ગઈ હતી."
ભાજપના 'અન્ય ભાષાભાષી વિંગ'ના ગુજરાત પ્રદેશના કન્વીનર રોહીત શર્માએ બીબીસી ગુજરાતી સાથે વાત કરતાં કહ્યું :
"હાલમાં વિવિધ કાર્યકર્તાઓ સાથે વાત ચાલી રહી છે અને ટૂંક સમયમાં જ કોણ ક્યાં જશે અને કેટલા દિવસ રોકાશે, ત્યાં શું વાત કરશે, એવી તમામ વિગતો તેમના સુધી પહોંચી જશે."
ભારતીય જનતા પક્ષ ઉત્તર પ્રદેશ વિધાનસભાની છેલ્લી બે ચૂંટણીઓથી આ પ્રકારે ગુજરાતમાં રહેતા હિંદી ભાષી લોકોને ઉત્તર પ્રદેશ જેવા વિસ્તારોમાં ચૂંટણીપ્રચાર માટે મોકલી રહ્યો છે.
ગુજરાતમાં મુખ્યત્વે જોનપુર, વારાણસી, પ્રતાપગઢ, ગોંડા તેમજ બાંદા વિધાનસભા-ક્ષેત્રના લોકો સુરત, અમદાવાદ, ગાંધીધામ જેવાં શહેરોમાં વસે છે.
માત્ર હિંદી ભાષી લોકો જ નહીં પરંતુ ગુજરાતના નેતાઓ પણ ઉત્તર પ્રદેશમાં હાલમાં પ્રચારાર્થે પ્રવાસ કરી રહ્યા છે.
આ માટે બીબીસી ગુજરાતીએ ભાજપના પ્રવક્તા યમલ વ્યાસ સાથે વાત કરી.
તેમણે કહ્યું કે દરેક ચુંટણીમાં એક પૂર્ણ યોજના ઘડાય છે અને ધારાસભ્યો તેમજ કાર્યકરો વિવિધ વિધાનસભામાં જતા હોય છે.
યુપીમાં ગુજરાતના હિંદીભાષીઓ કઈ રીતે કામ કરે છે?
ભાજપના પ્રચારાર્થે જે લોકો ઉત્તર પ્રદેશ પહોંચે, તેમાંથી મોટા ભાગના લોકો પોતાનાં ગામ કે શહેરમાં ઉતારો મેળવે છે. સગાંસંબંધીઓ સાથે આ લોકો નાની-નાની 'ઇન્ફોર્મલ મિટિંગ'માં ભાગ લેતા હોય છે અને તેમની સમક્ષ 'ગુજરાત મૉડલ'ની વાત રાખતા હોય છે.
સુરતમાં જન્મેલા શૈલેશ ત્રિપાઠી મૂળ જોનપુર જિલ્લાના છે. તેમના પિતાનો જન્મ પણ સુરતમાં જ થયો હતો.
તેઓ ઉત્તર પ્રદેશની ગત બે વિધાનસભાની ચૂંટણીઓથી જોનપુર અને આઝમગઢમાં પોતાના સંબંધીઓને મળવા જાય છે.
બીબીસી ગુજરાતી સાથે વાત કરતાં તેઓ કહે છે, "સૌથી પહેલાં અમારે જે-તે વિસ્તારના ભાજપ કાર્યાલય પર રિપોર્ટ કરવાનો હોય છે. અમે ત્યાં તેમને અમારાં ગામ અને સંબંધીઓનાં ઘર વગેરેની વિગતો રજૂ કરીએ છીએ. જે અનુસાર અમારા પ્રવાસની યોજના ઘડાય છે. જોકે અમારે રહેવા માટે તો અમારા સગાંસંબંધીઓના ઘરનો જ ઉપયોગ કરવાનો હોય છે."
કૉંગ્રેસ પણ આવી કોઈ રણનીતિ બનાવે છે?
જોકે, ગુજરાત પ્રદેશ કૉંગ્રેસ સમિતિએ હજુ સુધી આ પ્રકારની રણનીતિ અમલમાં મૂકી હોય એવું જણાતું નથી.
આ વખતે ઉત્તર પ્રદેશ કે પંજાબમાં જનારા કૉંગ્રેસના કાર્યકરોની યાદીઓ તૈયાર કરાઈ રહી હોવાનું જાણવા મળી રહ્યું છે.
બીબીસી ગુજરાતીએ આ માટે ગુજરાત પ્રદેશ કૉંગેસ સમિતિના પ્રમુખ જગદીશ ઠાકોર સાથે વાત કરી.
ઠાકોરે જણાવ્યું, "આ દિશામાં હજી વિચારણા ચાલી રહી છે અને કોણ ક્યાં જશે તેની વિગત ટૂંક સમયમાં જ બહાર પાડવામાં આવશે."
ગુજરાત કૉંગ્રેસના મુખ્ય પ્રવક્તા મનીષ દોશીએ બીબીસી ગુજરાતીને જણાવ્યું, "એવા અનેક લોકો છે જે ઉત્તર પ્રદેશ જેવાં રાજ્યોથી આવીને અહીં રહે છે અને કૉંગ્રેસની વિચારધારામાં માને છે. આવા લોકોની યાદી બનાવવાની પ્રક્રિયા ચાલી રહી છે અને તેમને વહેલી તકે ત્યાં મોકલવામાં આવશે."
જોકે, કૉંગ્રેસની ભગિની સંસ્થા 'સેવાદળ' આ દિશામાં વધુ સક્રિય રીતે કામ કરી રહી છે.
સેવાદળના રાષ્ટ્રીય પ્રમુખ લાલજી દેસાઈ હાલમાં જ ઉત્તર પ્રદેશનો એક પ્રવાસ પૂરો કરીને આવ્યા છે અને ટુંક સમયમાં ફરીથી ઉત્તર પ્રદેશ જવાના છે.
દેશભરથી સેવાદળની આશરે 170 ટીમો ઉત્તર પ્રદેશમાં પ્રચારાર્થે પહોંચવાની છે.
બીબીસી ગુજરાતી સાથે વાત કરતાં તેઓ જણાવે છે, "ગુજરાતમાંથી માત્ર એક જ ટીમ જવાની છે. આ ટીમમાં આશરે 50 માણસો હશે."
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો