You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ઉત્તર પ્રદેશની ચૂંટણીના મુદ્દામાં છવાયા પાકિસ્તાન, ઝીણા, તાલિબાન – શું કરશે મુસ્લિમો?
- લેેખક, દિલનવાઝ પાશા
- પદ, બીબીસી સંવાદદાતા
પાકિસ્તાન, ઝીણા, તાલિબાન – આ શબ્દો ઉત્તર પ્રદેશની ચૂંટણીચર્ચાઓમાં અને ભાષણોમાં બહુ સંભળાઈ રહ્યા છે. વસતિની દૃષ્ટિએ ભારતના સૌથી મોટા રાજ્ય ઉત્તર પ્રદેશમાં વિધાનસભાની ચૂંટણી થવાની છે. આ રાજ્યમાં દેશના સૌથી મોટા લઘુમતી સમુદાય મુસલમાનોની ઘણી મોટી વસતી છે.
ઉત્તર પ્રદેશને પાકિસ્તાન સાથે સીધો કોઈ સંબંધ નથી. નથી તો ઉત્તર પ્રદેશની સીમા પાકિસ્તાનને અડતી. પરંતુ ઉત્તર પ્રદેશના ચૂંટણી માહોલ પર પાકિસ્તાન અને ઝીણા હાવી થતા જાય છે.
તાજેતરના દિવસોમાં સૌથી પહેલાં સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવે પોતાના વક્તવ્યમાં પાકિસ્તાનના સંસ્થાપક અને ભારતની આઝાદીના આંદોલનમાં સક્રિય રહેલા મોહમ્મદ અલી ઝીણાનો ઉલ્લેખ કર્યો હતો. એ પછીથી ઝીણા રાજકીય ભાષણો અને ચર્ચાઓના કેન્દ્રમાં આવી ગયા છે.
તો એક ઇન્ટરવ્યૂ દરમિયાન અખિલેશ યાદવે કહેલું કે, ‘આપણો નંબર વન દુશ્મન પાકિસ્તાન નથી, એ તો ભાજપ…’ એમનું આ નિવેદન પણ મીડિયામાં ખૂબ ચર્ચાસ્પદ બની ગયું.
અખિલેશ યાદવના આ નિવેદન પર પ્રતિક્રિયા આપતાં ભાજપના પ્રવક્તા સંબિત પાત્રાએ કહ્યું, “જો જિન્ના સે કરે પ્યાર, વો પાકિસ્તાન સે કૈસે કરે ઇનકાર.”
ઉત્તર પ્રદેશના મુખ્ય મંત્રી યોગી આદિત્યનાથે પણ અખિલેશ યાદવ પર નિશાન સાધતાં કહ્યું કે, ‘જેમને પાકિસ્તાન દુશ્મન નથી લાગતું, એમને ઝીણા દોસ્ત લાગે છે.’
એટલું જ નહીં, બુધવારે ઉત્તર પ્રદેશમાં જાટ સમુદાયના એક રાજકીય કાર્યક્રમમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું, “અમારો–તમારો સંબંધ તો સાડા છસ્સો વર્ષ જૂનો છે. તમે પણ મુગલો સામે લડ્યા, અમે પણ લડીએ છીએ.”
તાજેતરમાં જ મુઝફ્ફરનગરના ભાજપના ધારાસભ્ય અને ઉમેદવાર વિક્રમસિંહ સૈનીએ એક ગામમાં ચૂંટણીસભાને સંબોધતાં કહ્યું, “પાકિસ્તાનમાં હિંમત છે શું. પાકિસ્તાનમાં જઈને મારીએ. જો પાકિસ્તાનને આ રીતે જ મારપીટ કરવા માગતા હો અને અહીં જે દેશદ્રોહી છે, ગદ્દાર છે (ગાળ) ધાન (રોટી) અહીંનું ખાય છે, જો ઇચ્છતા હોવ કે આવા લોકોની મારપીટ થતી રહે, ગોળી (ગાળ) કે ઘૂંટણ પર વાગતી રહે તો કમલના ફૂલનું બટન દબાવી દેજો.”
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
જોકે લઘુમતીઓ વિરુદ્ધ અપાયેલા આ ભાષણ પછી ગ્રામજનોએ વિક્રમસિંહ સૈનીને ગામમાંથી ભગાડ્યા હતા અને લોકો વચ્ચે ઘેરાયેલા ધારાસભ્યએ માફી માગીને ભાગવું પડ્યું હતું.
પાકિસ્તાન, ઝીણા, મુસલમાન પર થઈ રહી છે ચર્ચા
પાકિસ્તાન, ઝીણા, તાલિબાન અને મુગલ જેવા શબ્દ ખાલી રાજકીય બયાનબાજી નિવેદનો સુધી જ સીમિત નથી રહ્યા, બલકે ટીવી ચેનલોની ચર્ચાઓ એનાથી જ છવાયેલી રહી છે, જેનાથી એવો સવાલ ઊભો થયો છે કે શું આ બધામાં વાસ્તવિક મુદ્દા નજરઅંદાજ થઈ શકે છે?
સમાજવાદી પાર્ટીના પ્રવક્તા અબ્દુલ હફીઝ ગાંધીએ કહ્યું, “ભાજપ વિકાસનું રાજકારણ રમવામાં નિષ્ફળ રહી છે, યુપીનો વિકાસ નથી કરી શક્યો, તેથી જ ધ્રુવીકરણની રાજનીતિ કરે છે.”
આવા આરોપોને ભારતીય જનતા પક્ષ પહેલેથી જ નકારે છે. પાર્ટી પ્રવક્તા રાકેશ ત્રિપાઠીએ કહ્યું કે, પાકિસ્તાનની ચર્ચા અને ઝીણાની એન્ટ્રી અખિલેશ યાદવે કરાવી છે.
તેમણે જણાવ્યું કે, "સરદાર પટેલ જયંતીના દિવસે આખો દેશ રાષ્ટ્રીય એકતા દિવસ ઊજવતો હતો અને અખિલેશ યાદવ કોઈ પ્રસંગ વગર ઝીણાનાં ગુણગાન ગાતા હતા. પાકિસ્તાનનું નામ અખિલેશ લે છે, ઝીણાનું નામ અખિલેશ લે છે, એમની પાર્ટીના સાંસદ શફીકુર્રહમાન બર્ક તાલિબાનને સ્વતંત્રતા આંદોલનકારી કહે છે અને આક્ષેપો ભાજપ સામે કરવામાં આવે છે કે અમે પાકિસ્તાન અને ઝીણાને ચૂંટણીમાં લાવીએ છીએ."
"અમે માત્ર એમના નિવેદન પર પ્રતિક્રિયા આપીએ છીએ. એ સ્પષ્ટ છે કે ચૂંટણીમાં પાકિસ્તાન, ઝીણા અને તાલિબાનનું નામ લઈને કોણ લાભ લેવા માગે છે."
આ વાતનો જવાબ આપતાં સમાજવાદી પાર્ટીના પ્રવક્તા અબદુલ હફીઝ ગાંધીએ જણાવ્યું કે, "જ્યાં સુધી સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવના નિવેદનનો સવાલ છે, એમણે ડૉક્ટર લોહિયાના વક્તવ્ય વિશે વાત કરી હતી."
"એમના નિવેદનને એ પ્રસંગથી છૂટું પાડીને અલગથી ગણાવાય છે."
“ઇન્ટરવ્યૂમાં એમને ચીનના રોકાણ અંગે સવાલ પુછાયો હતો. ભૂતપૂર્વ સીડીએસ બિપિન રાવતે પણ કહેલું કે ભારત માટે સૌથી મોટો ખતરો ઉત્તરી સીમા એટલે કે ચીન તરફથી છે."
"એમણે ચીનને મોટો ખતરો ગણાવ્યું હતું. અખિલેશ યાદવે પણ એવું જ બયાન આપ્યું હતું, ભાજપ એનો ઉપયોગ પ્રોપેગેંડા તરીકે કરી રહ્યો છે.”
બીજી તરફ, ઉત્તર પ્રદેશમાં કૉંગ્રેસના લઘુમતી બાબતોના અધ્યક્ષ શાહનવાઝ આલમે કહ્યું કે, ચૂંટણીમાં પાકિસ્તાન અને ઝીણાનો ઉપયોગ એકલો ભાજપ જ નથી કરતો.
આલમે જણાવ્યું કે, "જો ધ્રુવીકરણ થાય તો એનાથી સમાજવાદી પાર્ટીને પણ ફાયદો થશે. માત્ર એક પક્ષ કરે તો ધ્રુવીકરણ નહીં થાય."
"અખિલેશે એ જ દિવસે ઝીણાનું નામ લીધું જે દિવસે પ્રિયંકા ગાંધીની મોટી રેલી હતી. અખિલેશે કહ્યું કે ઝીણા બહુ સેક્યુલર અને સારા માણસ હતા. અખિલેશને ઝીણા તો યાદ આવ્યા પણ પોતાની જ પાર્ટીના આઝમખાન યાદ ન આવ્યા."
આલમે જણાવ્યું કે, "ચૂંટણીને જનતાના મુદ્દાથી હઠાવીને ધ્રુવીકૃત કરવાની એક સ્પષ્ટ કોશિશ થતી દેખાય છે અને એ ભાજપ અને સમાજવાદી પાર્ટી બંને કરી રહ્યા છે."
"સપા અને ભાજપ આને દ્વિપક્ષીય સ્પર્ધા બનાવી દેવા માગે છે. સામાન્ય રીતે એવું લાગે છે કે ધાર્મિક ધ્રુવીકરણની આ રાજનીતિમાં માત્ર ભાજપ સામેલ છે, પરંતુ એવું નથી."
જે નિવેદન પર થયો આ વિવાદ
અખિલેશ યાદવે સરદાર વલ્લભભાઈ પટેલની જયંતી અને રાષ્ટ્રીય એકતા દિવસ, 31 ઑક્ટોબરના રોજ હરદોઈમાં આપેલા એક ભાષણમાં ઝીણાનો ઉલ્લેખ કર્યો હતો.
યાદવે કહેલું કે, "સરદાર પટેલ, ભારતના રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી, જવાહરલાલ નેહરુ અને ઝીણા એક જ સંસ્થાનમાં ભણીને બૅરિસ્ટર બન્યા હતા."
"એમણે ભારતને આઝાદ કરાવ્યું. તેઓ કોઈ પણ સંઘર્ષમાં પાછા ન પડ્યા. લોખંડી પુરુષ સરદાર પટેલે આરએસએસની વિચારધારા પર પ્રતિબંધ મૂકી દીધો હતો."
અખિલેશ યાદવે પોતાના નિવેદનમાં માત્ર એક વાર ઝીણાના નામનો ઉપયોગ કર્યો હતો. પરંતુ હવે આ શબ્દ યુપીની ચૂંટણીમાં સતત સાંભળવા મળી રહ્યો છે.
રાજકીય વિશ્લેષક સુનીલ યાદવે જણાવ્યું કે, "અખિલેશ યાદવે પોતાના વક્તવ્યમાં સ્વાતંત્ર્ય આંદોલનની વાત કરતાં ઝીણાનું નામમાત્ર લીધું હતું, જેને લઈને સતત ચર્ચાઓ થઈ રહી છે."
"એ નાનકડી એક વાતને ખેંચીને મોટી કરવાનો પ્રયાસ થઈ રહ્યા છે. મીડિયાની ચર્ચાઓ અને સત્તાવર્ગના નેતાઓનાં બયાનોમાં એવો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે કે ચૂંટણી કોઈ પણ રીતે ધાર્મિક પિચ પર આવી જાય."
શું વિચારે છે મુસલમાન?
આ બધાં નિવેદનો અંગે મોટા ભાગના મુસલમાન નેતાઓ ચૂપ છે, ના તો આ મુદ્દાને લઈને મુસલમાન સમુદાય તરફથી કોઈ વિરોધ કે પ્રતિક્રિયા થઈ છે.
વરિષ્ઠ પત્રકાર વસીમ અકરમ ત્યાગી માને છે કે મુસલમાન ધ્રુવીકરણની રાજનીતિથી આગળ નીકળી ગયા છે.
તેમણે જણાવ્યું કે, "ઉત્તર પ્રદેશના મુસલમાન આ ચૂંટણીમાં કોઈ પણ સામુદાયિક મુદ્દાને મહત્ત્વ નથી આપતા. તેઓ સમજી ગયા છે કે ભારતીય જનતા પાર્ટીના પક્ષમાં મતોનું ધ્રુવીકરણ ત્યારે જ સંભવ છે જ્યારે મુસલમાન એના પર પ્રતિક્રિયા આપે."
"હાલના નિવેદનો અખિલેશ યાદવ તરફથી શરૂ થઈ છે, એ જોતાં મુસલમાનો માટે એ વધારે અનિવાર્ય બની જાય છે કે તેઓ આ તોફાનને ચૂપચાપ નીકળી જવા દે."
પરંતુ જ્યારે રાતદિવસ ધાર્મિક મુદ્દા પર વાતો થતી રહેશે, તો શું એની જનતા પર સીધી અસર નહીં પડે?
આ સવાલનો જવાબ આપતાં સુનીલ યાદવે જણાવ્યું કે, "એવું લાગી રહ્યું છે કે આ ચૂંટણીમાં જનતા ધર્મ કરતાં વધારે અન્ય મુદ્દા સાથે કનેક્ટ થઈ રહી છે. જાતિઓની સંગઠન મજબૂત બનતું દેખાય છે."
"ગત ચૂંટણીમાં ભાજપ જાતિઓની સાંઠગાંઠથી જ ચૂંટણી જીત્યો હતો. આ વખતે અખિલેશ યાદવ એને (જાતિ સમીકરણ) પોતાના પક્ષમાં કરવાનો પ્રયત્ન કરી રહ્યા છે."
"કહો કે ના કહો, સત્તાપક્ષને એવું લાગે છે કે જો અમે જાતિગત સીમકરણોમાં આ મુદ્દાથી ભટકી ગયા તો એની ભરપાઈ ધાર્મિક ધ્રુવીકરણથી કરી શકાય છે.”
બીજી તરફ, કૉંગ્રેસના શાહનવાઝ આલમે કહ્યું કે, "રાજકીય પક્ષ આવા પ્રયાસ કરે છે, સમાજનો એક ભાગ છે જે એનાથી પ્રભાવિત પણ થાય છે, મીડિયા પણ એને વધારે મહત્ત્વ આપે છે. આ પ્રકારનાં નિવેદનનોથી જનતાના દિમાગ પર અસર ઊભી કરવાનો પ્રયત્ન જરૂર થાય છે, પરંતુ અમને લાગે છે કે મોટા ભાગના લોકો મુદ્દાના આધારે જ વોટ આપે છે."
શું મુદ્દા દબાઈ ગયા છે?
કોરોના મહામારી, એનાથી ઊભું થયેલું આર્થિક સંકટ, બેરોજગારી, ખેડૂતોનું આંદોલન – આ કેટલાક એવા મુદ્દા છે જેની ચર્ચાઓ થતી રહી છે. તો શું ધ્રુવીકરણના રાજકારણે પણ જનતાના મુદ્દાને દબાવી દીધા છે?
સમાજવાદી પાર્ટીના પ્રવક્તા હફીઝ ગાંધીએ જણાવ્યું કે, "ભાજપ ના તો વીજળીના વધેલા દર પર વાત કરવા ઇચ્છે છે કે ના તો બેરોજગારીની ભયાનક સ્થિત કે ઊબડખાબડ રસ્તાની હાલત વિશે વાત કરવા માગે છે."
"તેઓ મહિલાઓના ઉત્પીડન અંગે વાત કરવા નથી માગતા. ભાજપ પાસે કોઈ મુદ્દો નથી, તેથી જ તેઓ ધાર્મિક ધ્રુવીકરણ કરી રહ્યા છે."
આ આરોપોને નકારતાં ભાજપના પ્રવક્તા રાકેશ ત્રિપાઠીએ કહ્યું કે, “અખિલેશ યાદવ ઝીણાનું નામ લેશે તો શું અમે ચૂપ રહીશું? અમે એમને જવાબ આપીશું જ. તેઓ તાલિબાનની સરખામણી ભારતના સ્વાતંત્ર્યસંગ્રામના સેનાનીઓ સાથે કરશે અને અમે પ્રતિક્રિયા પણ નહીં કરીએ?"
ત્રિપાઠીએ વધુમાં જણાવ્યું કે, "સમાજવાદી વિકાસના મુદ્દાને પાટા પરથી ઉતારવા માટે જાણીબૂઝીને પાકિસ્તાન અને ઝીણાનો ઉલ્લેખ કરે છે. ભાજપે ક્યારેય આવું નથી કર્યું. સમાજવાદી પાર્ટીએ પોતાના શાસનકાળમાં કબ્રસ્તાનોની ચાર દીવાલો બનાવી પરંતુ સ્મશાન માટે કશું ના કર્યું. શું અમે એ કહીએ પણ નહીં?"
ત્રિપાઠીનો તર્ક એ છે કે ભાજપનો મુદ્દો વિકાસ જ છે, ધ્રુવીકરણ નહીં. તેમણે જણાવ્યું કે, "અમે પડકાર ફેંકીને કહીએ છીએ કે વિપક્ષી પાર્ટી વીજળીના મુદ્દે અમારી સાથે ચર્ચા કરે; રસ્તા, આરોગ્ય, શિક્ષણના મુદ્દે ચર્ચા કરે."
"અમે એ દરેક મૂળભૂત મુદ્દા પર ચર્ચા કરવા માગીએ છીએ પરંતુ સમાજવાદી પાર્ટીની પોલ ખૂલી જાય છે, કેમ કે અમે સાફ-સાફ તફાવત દેખાડી દઈએ છીએ."
ભાજપના શાસનકાળમાં લઘુમતીઓની ઉપેક્ષાના આરોપોને ખારિજ કરતાં ત્રિપાઠીએ જણાવ્યું કે, "અમે આંકડાની સાથે એ સાબિત કરી શકીએ છીએ કે લઘુમતીઓની સાથે કોઈ ભેદભાવ નથી થયો."
"અમારા કાર્યકાળમાં 43 લાખ વડા પ્રધાન આવાસની ફાળવણી કરવામાં આવી. એમાં 27 ટકા મુસલમાનોને અપાયા, આ એમની વસતીના (ગુણાત્તર)પ્રમાણમાં વધારે છે."
"અમે યોજનાઓના લાભ આપવામાં મુસલમાનોને એમની વસતીના ગુણોત્તરથી વધારે હિસ્સો ફાળવ્યો છે."
પરંતુ જાણકારો કહે છે કે યુપીના મુસલમાનોએ ભાજપ પ્રતિ ઝુકાવ નથી બતાવ્યો.
ભાજપ ગઠબંધને પણ હજુ સુધી માત્ર એક જ મુસલમાન ઉમેદવારને ટિકિટ આપી છે. વસીમ અકરમ ત્યાગી માને છે કે આ માહોલે મુસલમાનોને સમાજવાદી પાર્ટી તરફ ધકેલ્યા છે.
ત્યાગીએ જણાવ્યું કે, "ભારતીય જનતા પક્ષે 80:20નું સૂત્ર ગજાવીને મુસલમાનોને ફરી એક વાર સમાજવાદી પાર્ટી તરફ ધકેલવાની ભૂમિકા ભજવી છે. અખિલેશ યાદવ જ ચૂંટણીમાં ભૂલો નથી કરતા, બલકે ભારતીય જનતા પક્ષ તરફથી પણ મોટી ભૂલો કરાઈ રહી છે."
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો