અલ્પેશ કથીરિયા : પાટીદાર અનામત આંદોલનના નેતા ભાજપને હરાવવા કેમ માગે છે?

    • લેેખક, હિંમત કાતરિયા
    • પદ, બીબીસી ગુજરાતી

ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીઓ જેમ નજીક આવે તેમ ખાસ કરીને પાટીદાર નેતાઓની સરકાર સમક્ષની માગણીઓ અને તેમના રાજકીય જોડાણના સમાચારો પ્રગટ થવાનો સિલસિલો શરૂ થાય છે.

આ વર્ષના અંતમાં ગુજરાત વિધાનસભાનો કાર્યકાળ પૂરો થવા જઈ રહ્યો છે ત્યારે પાટીદાર અનામત આંદોલનના નેતા અલ્પેશ કથીરિયા સાથે કૉંગ્રેસના ચાર ધારાસભ્યોની મુલાકાતને લઈને અટકળો વહેતી થઈ છે કે તેઓ કૉંગ્રેસમાં જોડાવા જઈ રહ્યા છે.

અલ્પેશ કથીરિયા પાટીદાર અનામત આંદોલનના નેતા છે. તેઓ હાર્દિક પટેલ સાથે આ આંદોલનમાં જોડાયા હતા. હાર્દિક પટેલ રાહુલ ગાંધીની હાજરીમાં કૉંગ્રેસમાં જોડાયા હતા. તો શું અલ્પેશ કથીરિયા પણ હાર્દિકને પગલે કૉંગ્રેસમાં જોડાશે?

મીડિયા અહેવાલો અનુસાર, ગુજરાત કૉંગ્રેસના પ્રભારી રઘુ શર્મા અને પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોર પણ કહી ચૂક્યા છે તેઓ અનેક નેતાઓ અને આગેવાનોના સંપર્કમાં છે.

ચૂંટણી નજીક આવતાં રાજકીય ગતિવિધિ તેજ

ઉલ્લેખનીય છે કે લેઉઆ પટેલ સમાજની ધાર્મિક સંસ્થા ખોડલધામના નરેશ પટેલે ગત ડિસેમ્બરમાં કહ્યું હતું કે જો સમાજ 'આદેશ' કરશે તો તેઓ રાજકારણમાં આવશે.

એ પહેલાં તેમણે કૉંગ્રેસના વરિષ્ઠ નેતા ભરતસિંહ સોલંકી સાથે મુલાકાત કરી હતી અને કહ્યું હતું કે આ મુલાકાત રાજકીય ન હતી અને કૉંગ્રેસમાં જોડાવું કે નહીં, તે સમય આવ્યે નક્કી થશે.

પત્રકારો સાથે વાત કરતાં નરેશ પટેલે કહ્યું હતું, "ભરતસિંહ સોલંકી સાથેની મુલાકાત રાજકીય ન હતી. કૉગ્રેસમાં જોડાઈશ કે નહીં તે સમય નક્કી કરશે."

સાથે જ ઉમેર્યું હતું, "ભાજપ અને કૉંગ્રેસ બંને બોલાવી રહ્યા છે, પરંતુ હાલમાં રાજકારણમાં જવાનો મારો કોઈ વિચાર નથી, પરંતુ જો સમાજ આદેશ કરશે તો રાજકારણમાં આવવું પડશે."

આ પહેલાં જૂન મહિનામાં તેમણે નિવેદન આપ્યું હતું કે 'ગુજરાતનો આગામી મુખ્ય મંત્રી પાટીદાર સમાજનો હોવો જોઈએ, એમ અમે ઇચ્છીએ છીએ અને ગુજરાતમાં આમ આદમી પાર્ટી માટે તક છે.'

અલ્પેશ કથીરિયા કૉંગ્રેસમાં જોડાશે?

અલ્પેશ કથીરિયા બીબીસી ગુજરાતી સાથે વાત કરતા કહે છે, "એ અટકળોમાં કોઈ તથ્ય નથી. તેઓ જ્યારે સુરત આવતા હોય ત્યારે અમે મળીએ છીએ. મૂળ અમે બધા પાટિદાર આંદોલનના સાથીઓ છીએ એટલે આંદોલન બાબતની ચર્ચા થતી હોય છે."

તેઓ કહે છે કે આ વખતે પણ મહદંશે આંદોલન મુદ્દે જ ચર્ચા થઈ છે. જેમાં રાજદ્રોહ સહિતના તમામ કેસો પરત ખેંચવાના અને આંદોલન વખતે શહીદ થયેલા યુવકોના પરિવારજનને નોકરી મળે એ બે મુદ્દે વાતો થઈ હતી.

"કૉંગ્રેસમાં જોડાવાના નિમંત્રણ અંગે એ કહેવાનું કે જાહેર જીવનની વ્યક્તિને પોતાના પક્ષમાં સમાવવા દરેક પક્ષો પ્રયત્નો કરતા હોય છે. અમે એ બાબતે કોઈ ચર્ચા નથી કરી."

હાર્દિક પટેલે તમને કોંગ્રેસમાં જોડાવાનો આગ્રહ કર્યો છે? પ્રશ્નના જવાબમાં અલ્પેશ કહે છે, "ના, હાર્દિકભાઈ સાથે આ બાબતે કોઈ વાત નથી થઈ."

આગામી ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા તમે કોઈ પાર્ટી સાથે જોડાવાનો હો તો કોની સાથે જોડાશો? અલ્પેશ કહે છે, "મેં અગાઉ કહેલા બે મુદ્દાઓ અમારા માટે મહત્ત્વના છે. ભાજપ જો આ બે મુદ્દાઓને ઉકેલવાના પ્રયાસો નહીં કરે તો ભાજપને હરાવવાના અમારાથી શક્ય પ્રયાસો કરીશું."

પાસના કાર્યકર્તાઓ ઉપર કેસ થયા પછી ત્રણ સીએમ બદલાયા અને ત્રણેય મુખ્ય મંત્રીએ કેસો પાછા ખેંચવાની બાંહેધરી આપી હતી પણ તેમ નથી થયું. ચૂંટણી સમયે રાજકીય વચનો આપવાં અને પછી વચનપૂર્તિ નહીં કરવી તેવી રાજકીય પરંપરા બની છે એવો અલ્પેશનો આક્ષેપ છે.

જોકે રાજકીય વિશ્લેષક અજય નાયક આ મુદ્દાને અલગ રીતે સમજાવતા કહે છે, "ચૂંટણી આવી રહી છે એટલે સરકારનું નાક દબાવવા માટે અલ્પેશ કથીરિયાનો આ દાવ હોઈ શકે, પરંતુ હું નથી માનતો કે સરકાર કેસ પાછા ખેંચશે. એ લટકતી તલવાર રાખીને સરકાર પોતાનું કામ કરાવતી રહેશે."

પાટીદાર આંદોલનથી શું મળ્યું?

જોકે અલ્પેશ કથીરિયાએ આંદોલનકારી નેતાઓના રાજકારણમાં પ્રવેશને યોગ્ય ઠેરવતા આમ કહ્યું, "અમે સરકાર પાસેથી પાટીદાર સમાજને જેટલું અપાવી શક્યા તેટલું આઝાદી પછીથી પાટીદાર સમાજને આટલું ક્યારેય મળ્યું નથી. સરકાર પાસે અમે ઘણી માગણીઓ પૂરી કરાવી શક્યા. આજે ઈડબલ્યુએસ, મુખ્ય મંત્રી સ્વાવલંબન યોજના, સ્વ-રોજગાર લોન વગેરે આંદોલનની દેન છે."

"સમાજનાં કામ પૂરાં થાય પછી વ્યક્તિ પોતાની વિચારધારા પ્રમાણેના પક્ષ સાથે જોડાય તો તે તેને મુબારક છે."

જ્યારે અલ્પેશ કથીરિયાની કૉંગ્રેસમાં જોડાવાની અટકળો અંગે પ્રદેશ ભાજપ પ્રવક્તા યમલ વ્યાસે કહ્યુ, "ચૂંટણીનું વર્ષ આવે એટલે અંસતુષ્ટો, દુખીઓ જેમ બીજા પક્ષનો સંપર્ક કરતા હોય છે એમ રાજકીય મહેચ્છા ધરાવનારાઓ પણ પક્ષનો સંપર્ક કરતા હોય છે. ચૂંટણીના વર્ષમાં આ ગતિવિધિ તેજ બની જતી હોય છે."

આપ, કૉંગ્રેસ કે ભાજપ?

અજય નાયક આને વિચારધારાની કટોકટી ગણાવતા કહે છે, "અત્યારે રાજકારણમાં આવતા મોટા ભાગના લોકો વિચારધારાને વરેલા નથી હોતા. માત્ર પોતાનો સ્વાર્થ સાધવા માટે જ તેઓ રાજકારણમાં આવે છે."

અજય નાયક કહે છે, "પાટીદાર નેતાઓએ આમ આદમી પાર્ટીમાં જવાનો પ્રયત્ન કર્યો અને થોડી સફળતા પણ મળી. પરંતુ પાછળથી અનામત આંદોલન વખતના પાટીદાર નેતાઓને ખ્યાલ આવ્યો હશે કે ‘આપ’નું ગુજરાતમાં લાંબું ભવિષ્ય નથી."

"કેમ કે ગુજરાતમાં કદી ત્રીજો પક્ષ સફળ થયો નથી. કેશુભાઈ પટેલ, શંકરસિંહ વાઘેલા, ગોરધન ઝડફિયા વગેરે નેતાએ ત્રીજો મોરચો ખોલ્યો અને સફળતા નહીં મળતા ફરી મોટા પક્ષમાં જોડાઈ ગયા."

"આંદોલન ભાજપ સરકાર સામે હતું એટલે તેમાં જઈ શકાય તેમ નથી. કૉંગ્રેસ મજબૂત વિકલ્પ છે એટલે અલ્પેશ કથીરિયા નજીકના ભવિષ્યમાં કૉંગ્રેસમાં જોડાય તો નવાઈ નહીં."

આમ આદમી પાર્ટીના ગુજરાતના પ્રવક્તા યોગેશ જાદવાણી કહે છે, "કૉંગ્રેસ પાસે કોઈ મુદ્દાઓ નથી. આમ આદમી પાર્ટી લોકોની પાયાની જરૂરિયાતો શિક્ષણ, આરોગ્ય, બેરોજગારી જેવા મુદ્દાઓને લઈને લડી રહી છે. જે 50થી 60 સીટો ઉપર પાટીદારોનું પ્રભત્વ છે ત્યાં આમ આદમી પાર્ટી મજબૂત રીતે આગળ વધી રહી છે."

તેમનો આરોપ છે કે ભાજપ આપના પાટીદાર નેતાઓને એનકેન પ્રકારે તોડી રહી છે. આપ ગુજરાતના યુવાનોના મુદ્દાઓને લઈને લડી રહી છે તો અલ્પેશ કથીરિયાએ આમ આદમી પાર્ટી સાથે આવવું જોઈએ.

પાટીદાર યુવકો પર ચાલી રહેલા કેસ અંગે વાત કરતા અલ્પેશ કથીરિયા કહે છે, "અત્યારે રાજદ્રોહ સહિતના સમગ્ર ગુજરાતમાં 150 કરતા વધુ કેસો ચાલી રહ્યા છે."

"જે તે સમયે તો 800 જેટલા કેસો નોંધાયા હતા. પરંતુ કેટલાક કેસોમાં ચાર્જશીટ ન થઈ હોવાથી રદ્દ થયા, કેટલાક કોર્ટે રદ્દ કર્યા, કેટલાક કેસમાં કોર્ટે નિર્દોષ છોડ્યા અને 200 જેટલા કેસો સરકારની સૂચનાથી પાછા ખેંચ્યા હતા."

કેસને પગલે વિદ્યાર્થીઓની કારકિર્દી ઉપર થતી અસર અંગે વાત કરતા અલ્પેશ કથીરિયા કહે છે, "કેસને પગલે તેમના પાસપૉર્ટ ઈસ્યૂ નથી થતા તેથી અભ્યાસાર્થે વિદેશ નથી જઈ શકતા. તેમજ પોલીસ તરફથી એનઓસી નહીં મળતા સરકારી નોકરીની તૈયારી નથી કરી શકતા."

પ્રદેશ કૉંગ્રેસ પ્રવક્તા જયરાજસિંહ પરમાર બીબીસી ગુજરાતી સાથે વાત કરતા કહે છે, "અલ્પેશ કથીરિયા ઘણા સમયથી ભાજપ સરકાર સામે લડી રહ્યા છે. પાટીદાર અનામત આંદોલન દરમિયાન અને આંદોલન પછી પણ. અલ્પેશને ઘણા સમયથી જેલમાં રાખવામાં આવ્યા છે. તેમણે ઘણું સહેવાનું આવ્યું છે. પ્રજાના પ્રશ્નો સામે જે પણ લડે તેમનું કૉંગ્રેસમાં સ્વાગત છે."

કૉંગ્રેસે 2007ની ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ગોરધન ઝડફિયા, બાવકુ ઉંધાડ, ધીરુ ગજેરા જેવા ભાજપના અસંતુષ્ટોએ ઊભા કરેલા માહોલનો અને 2012ની ચૂંટણીમાં કેશુભાઈ પટેલની ગુજરાત પરિવર્તન પાર્ટીએ ઊભા કરેલા માહૌલનો લાભ લેવાનો પ્રયત્ન કર્યો હતો.

2017માં પાટીદાર અનામત આંદોલન અને હાર્દિક પટેલના ચહેરાનો ઉપયોગ કરીને મહેનત કરી પણ તેમાં પણ તેમને સફળતા ન મળી.

તો હવે 2022ની ચૂંટણીમાં કૉંગ્રેસ ફરી પાટીદાર નેતાઓને મળીને માહોલ બનાવી રહી છે કે કેમ એવો પણ સવાલ થઈ રહ્યો છે.

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો