યુએસ-કૅનેડા સીમા પર મૃત્યુ પામેલો ગુજરાતી પરિવાર વાહન વિના કેવી રીતે પહોંચ્યો?

    • લેેખક, હોલી હોન્ડરિચ
    • પદ, બીબીસી ન્યૂઝ, વૉશિંગ્ટન

કૅનેડાના સત્તાવાળાઓને આશંકા છે કે કે કૅનેડા-યુએસ બૉર્ડરે મળી આવેલા ચાર ગુજરાતી નાગરિકોના મૃત્યુના તાર માનવતસ્કરી સાથે જોડાયેલા છે.

જગદીશ પટેલ (39 વર્ષ), વૈશાલીબહેન પટેલ (37 વર્ષ), અને તેમનાં બાળકો વિહાંગી (11 વર્ષ) અને ધાર્મિક (ત્રણ વર્ષ) કૅનેડાના માનિટોબા નજીક કાતિલ ઠંડીથી મૃત્યુ પામ્યાં હતાં.

પટેલ પરિવારે જે રાત્રે સરહદ ઓળંગીને યુએસમાં પ્રવેશવાનો પ્રયાસ કર્યો તે રાત્રે તાપમાન માઇનસ 35 ડિગ્રી સેલ્સિયસ જેટલું નીચું હતું.

આ મૃતક પરિવાર 19 જાન્યુઆરીએ સરહદની ઉત્તરે એક ખેતરમાંથી મળી આવ્યો હતો.

કૅનેડાના ભારતના હાઈ કમિશન દ્વારા તેમની ઓળખ જાહેર કરવામાં આવી હતી અને બાદમાં રોયલ કૅનેડિયન માઉન્ટેડ પોલીસ (આરસીએમપી) દ્વારા પુષ્ટિ કરવામાં આવી હતી.

માનવતસ્કરીની આશંકા?

ગુરુવારે એક પત્રકારપરિષદને સંબોધતા આરસીએમપી સુપરિન્ટેન્ડેન્ટ રોબ હિલે જણાવ્યું હતું કે "પટેલ પરિવાર 12 જાન્યુઆરીએ ટોરોન્ટોની ફ્લાઇટમાં કૅનેડા પહોંચ્યો હતો. ત્યાંથી તેઓ 18 જાન્યુઆરીના રોજ અથવા તેની આસપાસ સરહદી ગામ ઇમર્સન જતા પહેલા સરહદ નજીકના શહેર માનિટોબા ગયો હતો. જ્યાં બીજા દિવસે સાંજે તેમના મૃતદેહ મળી આવ્યા હતા."

કૅનેડા-યુએસ બોર્ડર નજીક એમર્સનમાં કોઈ વાહન મળ્યું ન હતું, જે સૂચવે છે કે કોઈ પટેલ પરિવારને ડ્રોપ-ઑફ પૉઇન્ટ સુધી મૂકી ગયું હતું, જ્યાંથી તેમણે પગપાળા પ્રવાસ શરૂ કર્યો હતો.

રોબ હિલે કહ્યુ, "કૅનેડાથી અજાણ પરિવાર માટે આખા દેશમાં પ્રવાસ કરવા માટે આ વધારે લાંબો સમયગાળો છે."

એમણે આશંકા વ્યક્ત કરી હતી કે પરિવારને મુસાફરી દરમિયાન કોઈએ મદદ કરી હશે.

પટેલ પરિવારના મૃત્યુને પગલે માનિટોબામાં ભારતીય સમુદાય કંપી ઊઠ્યો

પટેલ પરિવારનો કેસ 19 જાન્યુઆરીની સાંજે બૉર્ડર ગાર્ડ્સને સરહદે મળી આવેલા અન્ય સાત ભારતીય નાગરિકોના ગ્રૂપ સાથે જોડાયેલો હતો કે કેમ તે અંગે આરસીએમપીએ ટિપ્પણી કરવાનું ટાળ્યું હતું.

ફ્લોરિડાના રહેવાસી સ્ટિવ શેન્ડ (ઉં.વ. 47) પર માનવતસ્કરીનો આરોપ મૂકવામાં આવ્યો છે, કારણ કે સત્તાવાળાઓએ તેમને 15 વ્યક્તિ ભરેલી વાનને બૉર્ડર પર ચલાવતાં જોયો હતો અને તે જ રાત્રે પટેલ પરિવારના મૃતદેહ મળી આવ્યા હતા.

સ્ટિવ સેન્ડની કારમાં મુસાફરો તરીકે બે ભારતીય નાગરિકો હતા અને તેના વાહનની ડેક્કીમાં ખોરાક અને પાણીનાં પાઉચ મળી આવ્યાં હતાં.

પટેલ પરિવારના મૃત્યુને પગલે માનિટોબામાં ભારતીય સમુદાય કંપી ઊઠ્યો છે.

ઇન્ડિયા ઍસોસિયેશન ઑફ માનિટોબાના પ્રમુખ રમણદીપ ગ્રેવાલે બીબીસીને જણાવ્યું હતું કે, "કંઈક ખોટું થઈ ગયું હોય, એવા દોષની લાગણી અનુભવી રહ્યા છીએ."

કૅનેડાના શિયાળાની આકરી ઠંડીમાં પટેલ પરિવાર અંધારામાં પગપાળા શા માટે નીકળ્યો તે અંગે પ્રશ્નો અનુત્તર રહે છે.

રણદીપ ગ્રેવાલે કહ્યું કે તેમને સાંભળવા મળ્યું કે પરિવાર 11 કલાક સુધી પગપાળા ચાલ્યો હતો. તેમણે "તમે આવી ઠંડીમાં થોડી મિનિટો માટે પણ ચાલી ન શકો, કલાકો ચાલવાની વાત જ જવા દો."

આ અઠવાડિયે પટેલ પરિવાર માટે વર્ચ્યુઅલ પ્રાર્થનાનું આયોજન કરનાર હેમંત શાહે જણાવ્યું હતું કે આવા પ્રશ્નોએ વિનીપેગમાં ભારતીય સમુદાયોને અધ્ધરશ્વાસ કર્યા છે.

તેમણે કહ્યું, "અહીં ઘણા પટેલ પરિવાર રહે છે, ઘણા ઇન્ડો-કૅનેડિયન છે. સૌ કોઈ વાતો કરી રહ્યા છે, પોતપોતાની થિયરીઓ આપી રહ્યા છે."

જ્યારે સરહદની જોખમી ઘૂસણખોરી યુનાઇટેડ સ્ટેટ્સની દક્ષિણ સરહદે સામાન્ય બની ગઈ છે, પરંતુ ઉત્તર સરહદે આ પ્રકારની ઘૂસણખોરી જવલ્લે જ જોવા મળે છે.

હેમંત શાહે કહ્યું, "મેં કૅનેડામાં આવું ક્યારેય જોયું કે સાંભળ્યું નથી."

આરસીએમપીએ યુએસ અને ભારત સાથે સંકલન કરીને પટેલોએ કેવી રીતે કૅનેડામાં પ્રવેશ કર્યો તેની "વ્યાપક" તપાસ શરૂ કરી છે.

મૃતક પટેલ પરિવારના સબંધીઓ કૅનેડા કે યુએસમાં હતા કે કેમ તે હજુ સુધી જાણી શકાયું નથી.

કૅનેડિયન સત્તાવાળાઓને તપાસમાં મદદ કરવા માટે વરિષ્ઠ ભારતીય કૉન્સ્યુલર ઑફિસરની આગેવાની હેઠળની એક વિશેષ ટીમને માનિટોબા રવાના કરવામાં આવી હતી. ટોરન્ટોમાં ભારતના કૉન્સ્યુલેટ જનરલ સહાય પૂરી પાડવા સંબંધીઓના સંપર્કમાં છે.

ગયા અઠવાડિયે યુએસ હૉમલૅન્ડ સિક્યૉરિટીના અધિકારીએ જણાવ્યું હતું કે તેઓ પટેલ કેસની પણ તપાસ કરી રહ્યા છે, જેમાં "મોટા પાયે માનવતસ્કરીમાં સ્ટિવ શૅન્ડની ભૂમિકાની શંકા છે".

કોર્ટમાં દાખલ કરવામાં આવેલા દસ્તાવેજો અનુસાર, જ્યાંથી સ્ટિવ શેન્ડની ધરપકડ કરવામાં આવી હતી તે જ સ્થળે ડિસેમ્બર અને જાન્યુઆરીમાં માનવતસ્કરીની અન્ય ત્રણ ઘટના બની હતી.

ઇન્ડિયા ઍસોસિયેશનના રણદીપ ગ્રેવાલે કહ્યું કે તેમને આશા છે કે આવા પ્રવાસ વિશે વિચારતા અન્ય પરિવારો હવે સોવાર વિચાર કરશે.

"જો આવી જ રીતે કોઈ જવા માગતું હોય... તો જશો નહીં અને તમને મદદ કરવાનું કહેતા લોકોનું લોકોનું સાંભળશો નહીં."

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો