'બિહાર બંધ'નું વિદ્યાર્થીઓનું એલાન, રેલવેમાં નોકરી માટેનું આદોલન 'હિંસક' કેમ થયું? પ્રેસ રિવ્યૂ

બિહારમાં આરઆરબી-એનટીપીસીની પરીક્ષાને લઈને વિદ્યાર્થીઓનું વિરોધપ્રદર્શન જારી છે. આજે વિદ્યાર્થી સંગઠનોએ 'બિહાર બંધ'નું એલાન આપ્યું છે.

બિહારનાં મહાગઠબંધન દળોએ આ બંધને સમર્થન આપ્યું છે. વામપંથી વિદ્યાર્થી સંગઠન 'ઑલ ઇન્ડિયા સ્ટુડન્ટ્સ ઍસોસિયેશન' સહિત ઘણાં વિદ્યાર્થી સંગઠનો આ વિરોધપ્રદર્શનમાં સામેલ છે.

સવારથી જ પ્રદર્શનકારીઓ રસ્તા પર ઊતરી આવ્યા છે અને ઘણા રસ્તાઓને બ્લૉક કરી દીધા છે.

રાજધાની પટનામાં પોલીસ તહેનાત છે અને સુરક્ષાની પૂરતી તૈયારી કરવામાં આવી છે.

14 જાન્યુઆરીએ રેલવે રિક્રૂટમૅન્ટ બોર્ડે એનટીપીસી (નૉન ટૅક્નિકલ પૉપ્યુલર કૅટેગરી) પરીક્ષાનું પરિણામ જાહેર કર્યું ત્યારથી વિદ્યાર્થીઓ ક્રોધિત છે.

વિદ્યાર્થીઓનો આરોપ છે કે પરિણામોમાં કોઈ ગડબડ કરવામાં આવી છે અને તેનાથી એવા વિદ્યાર્થીઓને બાકાત કરી દેવામાં આવી શકે, જેની પાસે મૅરિટ છે.

વિદ્યાર્થીઓમાં એ વાતને લઈને પણ નારાજગી છે કે ભરતીઓ યોગ્ય સમયે બહાર પાડવામાં આવતી નથી અને જો યોગ્ય સમયે બહાર પાડવામાં પણ આવે તો તેમાં ઘણો સમય લાગી જાય છે.

વિરોધ કરી રહેલા વિદ્યાર્થીઓએ આ પહેલાં બિહારમાં બે જગ્યાઓએ ટ્રેનોમાં આગ લગાવી દીધી હતી અને પોલીસ તેમજ વિદ્યાર્થીઓ વચ્ચે અથડામણ પણ સર્જાઈ હતી.

દેશભરમાં રેલવેમાં ભરતી માટે 21 રેલવે ભરતી બોર્ડ (આરઆરબી) છે. તેમનું કામ રેલવેમાં ભરતી સંબંધિત પરીક્ષાઓનું આયોજન કરવાનું છે.

વિદ્યાર્થીઓનું કહેવું છે કે આરઆરબી દ્વારા 2019માં ગ્રૂપ ડી (એનટીપીસી)ની 35000 જગ્યાઓ પર ભરતીની જાહેરાત બહાર પાડી હતી, જેની પરીક્ષા બે વર્ષની રાહ જોયા બાદ સપ્ટેમ્બર, 2021માં લેવામાં આવી હતી અને આ પરિણામોમાં અનેક પ્રકારે ગોટાળા કરવામાં આવ્યા હતા.

વિદ્યાર્થીઓનો આક્ષેપ છે કે પરીક્ષાને બે તબક્કામાં વહેંચી નાખવામાં આવી છે.

પ્રદર્શનકારીઓના જણાવ્યા અનુસાર, રેલવે ભરતી બોર્ડનો આ નિર્ણય 'મનસ્વી' છે. વિદ્યાર્થીઓની માગ છે કે ગ્રૂપ ડીની ભરતીની પ્રક્રિયા પહેલાંની જેમ એક જ તબક્કામાં લેવામાં આવે.

ગુજરાતમાં ત્રણ દિવસમાં કોરોના કેસની સંખ્યમાં ઘટાડો, મૃત્યુ વધ્યાં

ગુજરાતમાં છેલ્લા ત્રણ દિવસથી કોરોના કેસની સંખ્યામાં ઘટાડો જોવા મળી રહ્યો છે. છેલ્લા ત્રણ દિવસમાં કોરોના દર્દીઓની સંખ્યામાં 9 હજાર જેટલો ઘટાડો નોંધાયો છે.

'ટાઇમ્સ ઑફ ઇન્ડિયા'ના અહેવાલ પ્રમાણે ગુજરાતમાં મંગળવારે 16,608 નવા દર્દીઓ નોંધાયા હતા. જ્યારે ગુરુવારે 12,911 નવા કેસ નોંધાયા છે.

ઍક્ટિવ કેસની જો વાત કરવામાં આવે તો અમદાવાદમાં છેલ્લા ત્રણ દિવસમાં 9 હજારનો ઘટાડો જોવા મળ્યો છે. જોકે, રાજ્યમાં મૃત્યુની સંખ્યામાં વધારો થયો છે.

પાછલા ત્રણ દિવસમાં ગુજરાતમાં 26 દર્દીઓના મૃત્યુ થયા હતા. જે ત્યાર પહેલાનાં ત્રણ દિવસોની સરખામણીએ 9 મૃત્યુ વધારે છે.

અમેરિકન અર્થવ્યવસ્થામાં દાયકાઓ બાદ જોવા મળી તેજી

અમેરિકન અર્થવ્યવસ્થા દાયકાઓ બાદ પાછલા વર્ષની સરખામણીએ વધારે તેજીમાં આવી છે. કોરોના મહામારીના લીધે લાગેલા લૉકડાઉનથી સર્જાયેલી મંદી બાદ અર્થવ્યવસ્થાએ ફરીથી ગતિ પકડી છે.

અમેરિકન નાણાવિભાગના સત્તાવાર આંકડા પ્રમાણે, અર્થવ્યવસ્થામાં 5.7 ટકાની વૃદ્ધિ જોવા મળી છે. જે 1984 બાદનું સૌથી શાનદાર પ્રદર્શન છે.

જોકે, વિશેષજ્ઞોનું અનુમાન છે કે, આ વર્ષે આર્થિક વૃદ્ધિદરની ગતિ ધીમી હશે. કારણ કે સરકારે પ્રોત્સાહન પૅકેજ પર થનારો ખર્ચ ઓછો કર્યો છે અને અમેરિકન ફૅડરલ રિઝર્વે વ્યાજદરોમાં વધારો કર્યો છે.

આ સિવાય અમેરિકન અર્થવ્યવસ્થા પર મોંઘવારી અને ઓમિક્રૉન જેવા નવા કોરોના વાઇરસ વૅરિયન્ટનો ખતરો પણ મંડરાઈ રહ્યો છે.

વિશ્વ બૅન્કના અનુમાન પ્રમાણે, આ વર્ષે અમેરિકન અર્થવ્યવસ્થા 3.7 ટકાના દરે વધશે.

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો