ઍર ઇન્ડિયા : 70 વર્ષ પહેલાં તાતા પાસેથી સરકારે કેવી રીતે ઍર ઇન્ડિયાને આંચકી લીધી હતી?

    • લેેખક, ટીમ બીબીસી ગુજરાતી
    • પદ, નવી દિલ્હી

ગુરુવારે તાતા જૂથ દ્વારા ઔપચારિક રીતે સરકારી વિમાન ઉડ્ડયન કંપની ઍર ઇન્ડિયાને હસ્તગત કરી હતી. તાતા સન્સના વડા એન. ચંદ્રશેખરન નવી દિલ્હી ખાતે ઍર ઇન્ડિયા હાઉસ પહોંચ્યા હતા અને ઔપચારિકતાઓ પૂર્ણ કરી હતી.

આ તકે ઉડ્ડયન સચિવ રાજીવ બંસલ તથા દીપમ મંત્રાલયના સચિવ તુહીન કાંતા પાંડે ઍર ઇન્ડિયાના મુખ્યાલય ખાતે પહોંચ્યા હતા.

ખોટ કરતી સરકારી વિમાન કંપની અગાઉ તાતા જૂથની માલિકીની જ હતી, પરંતુ જવાહરલાલ નહેરુની સરકાર દ્વારા તેનું રાષ્ટ્રીયકરણ કરી દેવામાં આવ્યું હતું.

ઑક્ટોબર-2021માં સ્પર્ધાત્મક બોલી દ્વારા તાતા જૂથને રૂ. 18 હજાર કરોડમાં લગભગ સાત દાયકા બાદ તાતા જૂથને JRDનો 'પ્રથમ પ્રેમ' પરત મળ્યો હતો.

તાતા જૂથ દ્વારા અગાઉથી ભારતમાં બે ઍરલાઇન્સનું સંચાલન કરવામાં આવી રહ્યું છે, જેમાં તાતા જૂથ તથા સિંગાપુર ઍરલાઇન્સના સંયુક્ત ઉપક્રમ 'વિસ્તારા' તથા 'ઍર એશિયા'માં 83 ટકા કરતાં વધુ હિસ્સો ધરાવે છે.

તાતા ઍરલાઇન્સનો ઇતિહાસ

બ્રિટિશ કાર્યકાળ દરમિયાન 1932માં જેઆરડી તાતાએ પ્રથમ ભારતીય વિમાન કંપની તાતા ઍરલાઇન્સની સ્થાપના કરી હતી, જેઓ કંપનીના પાઇલટ પણ હતા. કંપનીની સ્થાપના પાછળ રૂ. બે લાખનો ખર્ચ થયો હતો. જેઆરડીને લોકો 'જેહ'ના હુલામણા નામથી ઓળખતા.

કરાચીથી તેઓ પહેલી ઉડ્ડાણમાં 27 કિલોગ્રામ જેટલી ટપાલ લઈને બૉમ્બે પહોંચ્યા હતા. રસ્તામાં તેમણે અમદાવાદમાં ઉતરાણ કર્યું હતું અને તત્કાલીન બૉમ્બેથી હાલના ચેન્નાઈની ઉડ્ડાણ ભરી હતી.

બીજા વિશ્વયુદ્ધ પછી ઍરલાઇન્સને બહાલ કરવામાં આવી ત્યારે જુલાઈ-1946માં કંપની પબ્લિક લિમિટેડ બની અને તેનું નામ ઍર ઇન્ડિયા લિમિટેડ રાખવામાં આવ્યું. 1949માં સરકારે કંપનીમાં 49 ટકા હિસ્સો લઈ લીધો તથા 1953માં તેનું રાષ્ટ્રીયકરણ કરી દેવામાં આવ્યું.

આ જાહેરાત પછી જેઆરડીએ તત્કાલીન વડા પ્રધાન જવાહરલાલ નહેરુ સાથે મુલાકાત કરી હતી. નહેરુએ કહ્યું કે 'તમામ પ્રકારના પરિવહનની વ્યવસ્થાનું રાષ્ટ્રીયકરણ કરવાનો નીતિવિષયક નિર્ણય લેવામાં આવ્યો છે.' આથી તાતા સમસમી ગયા. બાદમાં નહેરુએ તેમને કંપનીના ચૅરમૅનપદે ચાલુ રાખ્યા.

સામાજિક રીતે નહેરુ-ગાંધી પરિવાર સાથે તેમની નિકટતા હતી, પરંતુ તેમને સમાજવાદી આર્થિક મોડલ પસંદ ન હતું. એટલે તેમની વચ્ચે અંતર વધવા લાગ્યું હતું.

જવાહરલાલનાં પુત્રી ઇંદિરા વડાં પ્રધાન બન્યાં, ત્યારે તેમણે પણ જેઆરડીને ઍર ઇન્ડિયાના ચૅરમૅનપદે રહેવા દીધા હતા.

જેહ પણ વિમાનની સીટ, પડદા, ઇન્ટિરિયર, કટલરી સહિતની બાબતોમાં વ્યક્તિગત રસ લેતા હતા. તેઓ જાણતા હતા કે મોટું નાણાકીય ભંડોળ ધરાવતી આંતરરાષ્ટ્રીય વિમાનન કંપનીઓ સામે ટકવું ઍર ઇન્ડિયા માટે મુશ્કેલ હશે. એટલે તેમણે સેવા તથા સમયસરતા ઉપર ભાર મૂક્યો હતો.

1978માં મોરારજી દેસાઈના નેતૃત્વવાળી જનતા સરકાર દ્વારા જેઆરડીને ઍર ઇન્ડિયાના બોર્ડમાંથી પડતા મૂકવામાં આવ્યા. તેમના સ્થાને જેની નિમણૂક કરવામાં આવી હતી, તેણે જ આ માહિતી આપી હતી.

આથી, જેહ ખૂબ જ નારાજ થયા હતા, જે કંપનીની તેમણે 46 વર્ષ સુધી માવજત કરી હતી, તેનાથી અચાનક જ અળગા કરી દેવામાં આવ્યા હોવાથી તેમને લાગ્યું કે છેહ મળ્યો છે.

જેઆરડીએ તેમને હઠાવવા માટે સીધી જાણ ન કરવા બદલ તથા જે રીતે હઠાવવામાં આવ્યા, તેની સામે નારાજગી વ્યક્ત કરી. જક્કી સ્વભાવના મનાતા મોરારાજી દેસાઈએ આ વિશે માફી માગી. આ અંગે પત્રાચાર લંબાતા દેસાઈએ કહ્યું કે 'નવા લોકો તૈયાર થાય તે માટે આમ કરવું જરૂરી હતું.'

1984માં ઇંદિરા ગાંધીની હત્યા બાદ રાજીવ ગાંધી વડા પ્રધાન બન્યા. 1986માં તત્કાલીન રાજીવ ગાંધી સરકાર દ્વારા ઍર ઇન્ડિયાના બૉર્ડનું પુનર્ગઠન કરવામાં આવ્યું. આ સમયે 82 વર્ષની જઈફ વયે જેઆરડીનું નામ પડતું મૂકવામાં આવ્યું.

આમ છતાં તેઓ ખુશ હતા, કારણ કે નવા ચૅરમૅન તાતાનું જ 'રતન' હતા. રતન તાતા અત્યારે તાતા જૂથના Chairman Emeritus છે અને કદાચ તેમના નેતૃત્વમાં ઍર ઇન્ડિયાનું ચક્ર પૂર્ણ થયું છે.

'મહારાજા' ગુલામ હતા?

હરીશ ભટ્ટે તેમના પુસ્તક '#Tatastories: 40 Timeless Tales to Inspire You'માં 35મી કહાણી 'ધ મહારાજા મૅન' એ ઍર ઇન્ડિયાના માસ્કોટ મહારાજા વિશે હતી.

તેની પાછળ જેઆરડી તાતાના મિત્ર સોરાબ કાકીખુશરો કોકા ઉર્ફે બોબી કોકા હતા, જેમની ગણતરી ભારતના માર્કેટિંગ દિગ્ગજોમાં થાય છે.

તાતા ઍરલાઇન્સના સૅક્રેટરી તરીકે અમુક વર્ષ પસાર કર્યા બાદ બોબી કોકાને લાગ્યું કે ઍર ઇન્ડિયાને 'માનવીય ચહેરો' આપવાની જરૂર છે, જેમાં ભારતીય મોહકતા તથા આકર્ષણ હોય.

તેમણે તત્કાલીન બૉમ્બેની ચર્ચગેટ બુકિંગ ઑફિસ ખાતે આ અંગે પ્રયાસો શરૂ કર્યા. જ્યાં તેમણે એવા રાજવીનું પોસ્ટર મૂક્યું જે જાદુઈ ચટ્ટાઈ ઉપર બેઠા છે અને હુક્કો ગગડાવી રહ્યા છે. જે 'મહારાજા'નું પ્રારંભિક સ્વરૂપ હતું. આગળ જતાં ભારતના આ ઍડ્વર્ટાઇઝિંગ માસ્કોટે પોતાના પ્રચાર અભિયાન દ્વારા લાખો કરોડો ભારતીયોનાં હૃદય જીત્યાં.

કોકાએ ઍડ્વર્ટાઇઝિંગ એજન્સી વૉલ્ટર થૉમસનના ઉમેશ રાવ સાથે મળીને વર્ષ 1946માં તેનું સર્જન કર્યું હતું. જેનો ચહેરો ગોળ હતો, મૂછો મોટી હતી, માથા પર પાઘડી હતી અને નાક લાંબું હતું.

આજે ગૂગલ દ્વારા ડૂડલ મારફત લોકોનું ધ્યાન આકર્ષિત કરવાનો પ્રયાસ થાય છે, પરંતુ મહારાજા આવું કંઈક લગભગ 75 વર્ષ પહેલાં કરવામાં આવતું. જે પેરિસમાં લવરબૉય બને છે, જાપાનમાં સુમો, રોમમાં રોમિયો તો ઋષિકેશમાં ગુરુ બની જાય છે.

હાલમાં જેમ અમુલની જાહેરાતો દ્વારા સાંપ્રત રાજકીય સામાજિક પરિસ્થિતિ ઉપર કટાક્ષ કરવામાં આવે છે, એવું જ કંઈક અગાઉ મહારાજા દ્વારા કરવામાં આવતું અને JRDએ તેના માટે પ્રધાનો, સંસદસભ્યો તથા અધિકારીઓની માફી માગવી પડતી.

છતાં કોકાની કટાક્ષયાત્રા ચાલુ રહેવા પામી હતી. કોકાએ તાતા ઍરલાઇન્સની આંતરરાષ્ટ્રીય ઑફિસોમાં તસવીરો, પેઇન્ટિંગ, ડાન્સ તથા સ્થાપત્યો દ્વારા 'ભારતીયતા' લાવવાનો પ્રયાસ કર્યો.

કેટલાક ટીકાકારોનું કહેવું છે કે મહારાજાએ સંસ્થાનવાદી માનસિકતાનું પ્રતિનિધિત્વ કરે છે. જેવી રીતે અંગ્રેજો દ્વારા તેમના વેઇટરોને પાઘડી તથા રાજવી જેવાં કપડાં પહેરાવીને તત્કાલીન રાજવીઓને ઊતરતા દર્શાવવાનો પ્રયાસ કરવામાં આવતો.

અધૂરામાં પૂરું તેનું નામ પણ 'મહારાજા' રાખવામાં આવ્યું હતું. જોકે કોકાએ મહારાજાને લૉન્ચ કરતી વખતે કહ્યું હતું, 'અમે સારું વિવરણ ઇચ્છતા હતા એટલે તેને 'મહારાજા' નામ આપ્યું હતું, પરંતુ તે રાજવી નથી. તેનામાં રાજવી ભવ્યતા છે, પરંતુ તે રજવાડી નથી.'

ઍર ઇન્ડિયાના સ્મૃતિસ્તંભો

15 ઑક્ટોબર 1932ના દિવસે જેઆરડી તાતાએ કરાચીથી મુંબઈની પહેલી ઉડ્ડાણ ભરી હતી. ત્યારબાદ તેની 30મી તથા 50મી વર્ષગાંઠે પણ જેઆરડીએ અગાઉ જેવા જ જોશ સાથે યાત્રાનું પુનરાવર્તન કર્યું હતું.

ફેબ્રુઆરી-2020માં કોરોનાને કારણે આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ અટકાવી દેવામાં આવી હતી. ત્યારે કોરોનાના ઉદ્દભવબિંદુ એવા ચીનના વુહાન શહેરમાંથી ઍર ઇન્ડિયા ભારતીયોને સલામત રીતે પરત લાવ્યું હતું.

લૉકડાઉન દરમિયાન દવા તથા તબીબી સામગ્રીની હેરફેર કરી હતી.

'વંદે ભારત મિશન' હેઠળ વિદેશમાં ફસાયેલા હજારો ભારતીયોને વતન પરત લાવવા માટે ઍર ઇન્ડિયાના સ્ટાફે દિવસરાત જોયા વગર સેંકડો વિશેષ ઉડ્ડાણ ભરી હતી.

1985માં ભારતની સરકારી ઍરલાઇન કંપનીના 'કનિષ્ક' વિમાનને ખાલિસ્તાની ઉગ્રાવાદીઓ દ્વારા ઉડાવી દેવામાં આવ્યું, જેમાં 300થી વધુ લોકોનાં મૃત્યુ થયાં.

આ ઘટનાએ દુનિયાભરની ઍરલાઇન્સ કંપનીઓને સુરક્ષાસંબંધિત વધુ પગલાં લેવા માટે મજબૂર કરી. ઉગ્રવાદીઓએ 9/11ના વિમાનોનું અપહરણ કરીને તેને વર્લ્ડ ટ્રૅડ સેન્ટર, પેન્ટાગોન સાથે ટકરાવીને હજારો લોકોનાં મૃત્યુ માટે કારણરૂપ બન્યા, તે પહેલાં કનિષ્ક હુમલો હવાઈ ઇતિહાસની સૌથી મોટી ઉગ્રવાદી દુર્ઘટના હતી.

1999માં ઍર ઇન્ડિયાના ઘટક એવા ઇન્ડિયન ઍરલાઇન્સના વિમાન આઈસી-814નું અપહરણ કરીને તેને કંધહાર લઈ જવામાં આવ્યું હતું. જે સાત દિવસ સુધી ચાલ્યું હતું અને નવી સહસ્ત્રાબ્દીની પૂર્વ સંધ્યાએ યાત્રિકોની મુક્તિ થઈ હતી.

બહુ થોડા લોકોને યાદ હશે કે 1999 આસપાસ ઍર ઇન્ડિયા દ્વારા દિલ્હી અને મુંબઈ વચ્ચે મેટ્રો શટલની યોજના શરૂ કરવામાં આવી હતી, જેમાં દર એક કલાકે ફ્લાઇટ ઊડતી.

1990માં ઇરાક દ્વારા કુવૈત ઉપર હુમલો કરવામાં આવ્યો ત્યારે ખાડી દેશોમાં ફસાયેલા લગભગ દોઢ લાખ લોકોને 59 દિવસમાં વતન પરત લાવવામાં આવ્યા હતા. આ માટે રાષ્ટ્રીયકૃત ઍરલાઇન્સના સ્ટાફે દિવસરાત મહેનત કરી હતી. આ અભિયાનને વર્લ્ડ રેકર્ડમાં સ્થાન મળ્યું હતું.

આજે ખાનગીક્ષેત્રની અનેક વિમાનીય કંપનીના વરિષ્ઠપદ પર બેઠેલા લોકોની પૃષ્ઠભૂમિ ઍર ઇન્ડિયાની છે જેનો કંપની ગર્વ પણ લઈ શકે છે. જોકે, કંપનીના ગુણદોષ જાણતા લોકોને કારણે સરકારી કંપનીના ભોગે ખાનગી ઍરલાઇન્સ કંપનીઓનો વિકાસ શક્ય બન્યો.

ઍર ઇન્ડિયાનું તાતા માટે 'નમસ્તે'

ઍર ઇન્ડિયાના પૂર્વ મૅનેજિંગ ડાયરેક્ટર તથા 'ડિસ્સેંટ ઑફ ઍર ઇન્ડિયા' નામનું પુસ્તક લખનારા જિતેન્દ્ર ભાર્ગવે અગાઉ બીબીસી હિંદી સાથે વાત કરતા કહ્યું હતું, "જો થોડા સમય માટે ઍર ઇન્ડિયાના દેવાને અવગણીને વિચારવામાં આવે તો ઍર ઇન્ડિયાની અનેક સબળ બાબતો છે. તેની પાસે ખૂબ જ સબળ ઍરોનોટિકલ ઍસેટ્સ છે."

"જેમાં વરિષ્ઠ અને અનુભવી પાઇલટ, એન્જિનિયર અને પ્રશિક્ષિત સ્ટાફનો સમાવેશ થાય છે. કંપની પાસે સારાં વિમાન છે અને દુનિયાનાં અનેક શહેરમાં તેના સ્લૉટ છે એટલે તાતા જૂથ માટે તે ફાયદાનો સોદો બની રહે તેમ છે."

ઍર ઇન્ડિયાના કર્મચારીઓને આશંકા છે કે ખાનગી કંપની દ્વારા અધિગ્રહણથી તેમની કામ કરવાની સ્થિતિ ઉપર માઠી અસર પડશે. નવા મૅનેજમૅન્ટ સાથે પાઇલટ તથા અન્ય કર્મચારી સંગઠનોનું વલણ કહેવું રહે છે, તે પણ જોવું રહ્યું.

જે માહિતી સાર્વજનિક કરવામાં આવી છે, તે મુજબ આગામી બે વર્ષ સુધી ઍર ઇન્ડિયાની કચેરીઓ અને બુકિંગ ઑફિસો તાતા જૂથ પાસે રહેશે અને કામગીરી પૂર્વવત્ ચાલતી રહેશે.

બીજી બાજુ, કેટલાક નિષ્ણાતોનું માનવું છે કે યુનિયનો અગાઉ જેટલા પ્રાસંગિક નથી રહ્યા. ખાનગી કંપનીને પણ ઍર ઇન્ડિયા ચલાવવા માટે કૉન્ટ્રાક્ટ ઉપર રહેલા કર્મચારીઓની જરૂર રહેશે જ.

છેલ્લા કેટલાક સમયથી હવાઈ ઇંધણના ભાવ સતત વધી રહ્યા છે, ડૉલરની સામે રૂપિયો નબળો પડવાથી વહીવટી ખોટ વધી ગઈ છે, વૈશ્વિક અર્થતંત્રમાં અનિશ્ચિતતા પ્રવર્તમાન છે. કોવિડ-19ની વચ્ચે મુસાફરોને ફરી હવાઈ મુસાફરી તરફ વાળવા પડે તેમ છે.

આ સિવાય સરકારી ઍરલાઇન્સને ખરીદવા માટે ચૂકવવામાં આવેલી જંગી રકમ માત્ર તાતા જૂથ માટે પડકારરૂપ બની રહેશે.

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો