દક્ષિણ કોરિયાની આ નદી લોહીથી કેમ લાલ થઈ ગઈ

ઉત્તર અને દક્ષિણ કોરિયાની સરહદ પાસે આવેલી એક નદી સૂવરોના લોહીના કારણે સંપૂર્ણ લાલ થઈ ગઈ છે.

દેશમાં આફ્રિકન સ્વાઇન ફીવર ફેલાવાનો ખતરો પેદા થવાને કારણે દક્ષિણ કોરિયાના પ્રશાસને તેને ફેલાતો રોકવા માટે 47,000 સૂવરોને મારવાના આદેશ આપ્યા છે.

પરંતુ વરસાદને કારણે સરહદ પાસે સ્થિત ડમ્પિંગ ગ્રાઉન્ડથી લોહી વહીને નજીકમાં આવેલી ઇમજિન નદીના પાણીમાં ભળી ગયું.

આફ્રિકન સ્વાઇન ફીવર ખૂબ જ ચેપી હોય છે અને તેનો ઇલાજ સંભવ નથી. જે સૂવરોને થતી બીમારી છે.

આના ચેપનો ભોગ બનેલાં સૂવરના બચવાની કોઈ સંભવાના હોતી નથી, જોકે માણસોને તેનાથી ખતરો નથી હોતો.

નદીમાં પાણી સાથે વહી રહેલા લોહીને કારણે અન્ય જાનવરોને પણ તેનાથી ખતરો હોવાની વાતને સ્થાનિક અધિકારીઓએ નકારી દીધી છે.

તેમનું કહેવું છે કે સૂવરોને મારતા પહેલાં તેમના ચેપનો ઇલાજ કરવામાં આવ્યો હતો.

પાણીમાં લોહી ભળ્યું કેવી રીતે?

ગયા અઠવાડિયે અહીં સૂવરોને મારવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

જોકે, એવું કહેવામાં આવે છે સૂવરોને માર્યા બાદ બંને કોરિયાની સરહદ પાસે આવેલા ડમ્પિંગ ગ્રાઉન્ડ પાસે અનેક ટ્રકોમાં જ રહેવા દીધાં હતાં.

વાસ્તવમાં તેને દફનાવવા માટે જરૂરી પ્લાસ્ટિક કન્ટેનર બનાવવામાં લાગેલા સમયને કારણે આવું થયું હતું. મૃત સૂવરોને તાત્કાલિક દફન કરી શકાયાં ન હતાં.

હાલમાં જ દક્ષિણ કોરિયામાં આફ્રિકન સ્વાઇન ફીવરના ચેપની જાણ થઈ હતી.

એવી અફવા હતી કે ઉત્તર કોરિયા અને દક્ષિણ કોરિયાની સરહદ પાસે અસૈન્યકૃત ક્ષેત્રના વાડાઓ પાર કરીને આવેલા સૂવરોએ દેશમાં આ બીમારી ફેલાવી હતી.

સ્વાઇન ફીવરનો પ્રથમ મામલો ઉત્તર કોરિયામાં ગયા મે મહિનામાં સામે આવ્યો હતો.

આ ચેપી રોગ દક્ષિણ કોરિયામાં ના પહોંચે તે માટે સરકારે અનેક પગલાં લીધાં હતાં, ત્યાં સુધી કે સીમા પર વાડ પણ કરવામાં આવી હતી.

ચીને 12 લાખ સૂવરોને મારી નાખ્યાં

દક્ષિણ કોરિયાની સેનાને મંજૂરી અપાયેલી છે કે તે સીમા પર અસૈન્ય ક્ષેત્રને પાર કરનારા કોઈ પણ જંગલી જાનવરને મારી શકે છે.

જોકે, આ ઉપાયો છતાં દક્ષિણ કોરિયામાં આફ્રિકન સ્વાઇન ફીવરનો પ્રથમ મામલો 17 સપ્ટેમ્બરના રોજ સામે આવ્યો હતો.

અત્યાર સુધીમાં અહીં કુલ 13 મામલા સામે આવી ચૂક્યા છે. દક્ષિણ કોરિયામાં કુલ 6,700 પિગ ફાર્મ છે.

આ બીમારીના ચેપથી ચીન. વિયેતનામ અને ફિલિપાઇન્સ સહિત એશિયાના અનેક દેશો પ્રભાવિત થયા છે.

માત્ર ચીનમાં જ આ બીમારીને કારણે 12 લાખ સૂવરોને મારી નાખવમાં આવ્યાં છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો