World Hypertension Day : હાઈ બ્લડપ્રેશર હોય તો મીઠું ખાવાથી શરીરને થતા નુકસાનથી કેવી રીતે બચવું?

    • લેેખક, સેલિયા બાનુલ્સ મોરાંટ અને ન્યૂસ બૉશ સિઍરા
    • પદ, બીબીસી

મીઠું એ આપણા ખાવા-પીવામાં સોડિયમનું મુખ્ય સ્રોત છે. આપણા શરીરને ઘણી પ્રક્રિયાઓ માટે સોડિયમની જરૂર રહે છે. કોષિકાઓ યોગ્ય રીતે કામ કરે, શરીરમાં હયાત ફ્લુઇડ્સ (તરલ પદાર્થ) અને ઇલેક્ટ્રોલાઇટ્સ સંતુલિત રહે અને બ્લડપ્રેશર કાબૂમાં રહે છે. આ તમામ કામ સોડિયમના કારણે થઈ શકે છે. જો મીઠું વધારે પ્રમાણમાં લેવામાં આવે તો હાઈ બ્લડપ્રેશર એટલે કે હાઇપરટેન્શનની બીમારીમાં મુશ્કેલીઓ થાય છે. તો શરીરને સોડિયમની જરૂર છે કે, સોડિયમ ધરાવતા મીઠાની?

સોડિયમ આપણા શરીર માટે એક જરૂરી વસ્તુ છે. તો પછી મીઠું શું કામ કરે છે? તે ખરેખર છે શું?

આપણા શરીરમાં જેટલા સોડિયમની જરૂર હોય છે, તેમાંથી 90 ટકા ભાગ ટેબલ સૉલ્ટ અથવા તો સામાન્ય મીઠામાંથી મળે છે. વૈજ્ઞાનિક ભાષામાં તેને સોડિયમ ક્લોરાઇડ પણ કહેવામાં આવે છે.

વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન સ્વસ્થ લોકોને રોજ પાંચ ગ્રામથી ઓછું મીઠું ખાવાની સલાહ આપે છે. આ અંદાજે એક ચમચી જેટલું થાય છે.

મીઠું ખાવાથી નુકસાન થાય?

કોઈ પણ ઉંમરમાં વધારે મીઠું ખાવું બ્લડપ્રેશર વધારી શકે છે. આ સિવાય પણ ખાવાપીવામાં વધારે મીઠું હોવાના ગેરફાયદા છે.

હૃદયરોગ, ગૅસ્ટ્રિક કૅન્સર અને મસ્તિષ્ક સુધી લોહીના પરિભ્રમણ પર નકારાત્મક અસર પડી શકે છે. અર્થાત મગજની કોઈ નસ ફાટી શકે છે અથવા તો લોહીની ગાંઠ થઈ શકે છે.

જોકે આપણે તે પણ જાણીએ છીએ કે ખાવાપીવામાં મીઠાનું પ્રમાણ ઘટાડીને બ્લડપ્રેશરના સ્તરને સુધારી શકાય છે અને બીમારીઓના જોખમને ઘટાડી શકાય છે.

કયા પ્રકારના મીઠામાં સૌથી ઓછું સોડિયમ હોય છે?

બજારમાં ઘણા પ્રકારનું મીઠું ઉપલબ્ધ હોય છે, જેનો ઉપયોગ કરીને ભોજનને વધુ સ્વાદિષ્ટ બનાવી શકાય છે.

આ તમામ પ્રકારોમાં સૌથી સ્વાસ્થ્યપ્રદ મીઠું એ જ છે જેમાં સોડિયમનું પ્રમાણ સૌથી ઓછું હોય.

વિશ્વના જુદાજુદા વિસ્તારોમાં મીઠું પકવવાની વિવિધ રીતો, તેમાં સમાવિષ્ટ સામગ્રીઓ, રંગ અને સ્વાદના આધારે તેના અલગઅલગ પ્રકાર તૈયાર થાય છે.

રિફાઇન્ડ મીઠું અથવાતો સામાન્ય મીઠું એ સૌથી વધારે વપરાતું મીઠું છે. તેમાં 97થી 99 ટકા સોડિયમ ક્લોરાઇડ હોય છે.

રિફાઇન્ડ મીઠું તૈયાર થયા બાદ તેમાં કોઈ અશુદ્ધિ હોતી નથી પરંતુ તેમાં પોષકતત્ત્વો પણ પૂરતા હોતા નથી.

સી સૉલ્ટની વાત કરવામાં આવે તો તે સમુદ્રના ખારા પાણીનું બાષ્પીભવન કરીને તૈયાર કરવામાં આવે છે. તે રિફાઇન્ડ હોતું નથી અને તેમાં વધારે ખનીજતત્ત્વો હોય છે.

સી સૉલ્ટ એટલે કે સમુદ્રી મીઠામાં સામાન્ય મીઠાની સરખામણીએ 10 ટકા ઓછું સોડિયમ હોય છે. જોકે તેમાં આયોડિન હોય છે, જે શરીર માટે સારું છે.

આ જ રીતે હિમાલયમાંથી મળી આવતા ગુલાબી મીઠામાં પણ સોડિયમનું પ્રમાણ ઓછું હોય છે. તેમાં મૅગ્નેશિયમ અને પોટેશિયમ જેવાં ખનીજતત્ત્વો હોય છે.

સેલ્ટિક સૉલ્ટ અથવા તો ગ્રે સૉલ્ટમાં પણ સોડિયમનું પ્રમાણ ઓછું હોય છે અને અન્ય ખનીજતત્ત્વો નોંધનીય પ્રમાણમાં હોય છે. આ મીઠું એટલું પ્રાકૃતિક હોય છે કે તેમાં બહારની અન્ય કોઈ વસ્તુ ઉમેરવામાં આવતી નથી.

ઓછું સોડિયમ ધરાવતું મીઠું

બજારમાં 'લાઇટ સૉલ્ટ' અથવા તો 'લો સૉલ્ટ' નામથી વેચાતું મીઠું પણ ઉપલબ્ધ છે, જેમાં સોડિયમનું પ્રમાણ પચાસ ટકાથી પણ ઓછું હોય છે.

આ સાથે જ પોટેશિયમ સૉલ્ટ નામથી ઉપલબ્ધ મીઠામાં સોડિયમ હોતું જ નથી અને જો હોય તો તે માત્ર નામ પૂરતું જ હોય છે.

આ મીઠું એવા લોકો માટે છે જેમને ખાવામાં વધારે મીઠું જોઈતું હોય.

જોકે, આ મીઠું ડૉક્ટરની સલાહ પર જ ખાવું જોઈએ. કોઈ ચોક્કસ બીમારી દરમિયાન જ આ મીઠું ખાવાની સલાહ આપવામાં આવે છે, કારણ કે તેનાથી શરીરમાં પોટેશિયમનું પ્રમાણ વધી શકે છે.

શું ટેબલ પરથી મીઠું હઠાવી લેવું પૂરતું છે?

જરૂરિયાત કરતાં વધારે મીઠું ખાવું એ સ્વાસ્થ્ય માટે સારું નથી. એવામાં મીઠાનો પ્રકાર પસંદ કરવાની જગ્યાએ તેના પ્રમાણને નિયંત્રિત કરવા પર ધ્યાન આપવું જોઈએ.

એ પણ ધ્યાન રાખવાની વાત છે કે ડાયટમાં મીઠું માત્ર રાંધેલા ભોજનથી જ નથી પહોંચતું. એવાં ઘણાં ઉત્પાદનો છે, જે વધારે પ્રમાણમાં ખાવામાં આવે તો સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડી શકે છે. ભલે ને તમે રોજિંદા ભોજનમાં મીઠાનું પ્રમાણ ઓછું કરી દીધું હોય.

અમેરિકન ખાદ્ય અને ડ્રગ ઍડમિનિસ્ટ્રેશન પ્રમાણે આપણી ડાયટમાં સોડિયમનું 70 ટકાથી વધુ પ્રમાણ પૅકેજ્ડ અને તૈયાર ફૂડમાંથી આવે છે.

આ સિવાય એવા ભોજનથી પણ બચવું જોઈએ, જેમાં ફ્લેવર વધારવા માટે મોનોસોડિયમ ગ્લૂટેમેટનો ઉપયોગ કરવામાં આવ્યો હોય.

સ્વાદ પર અસર પાડ્યા વગર કઈ રીતે મીઠું ઓછું કરી શકાય?

મીઠા સાથે જોડાયેલી તમામ બાબતો જાણ્યા બાદ ડાયટમાંથી મીઠું ઓછું કરવા માટે આ રસ્તો અપનાવી શકાય છે -

  • પહેલેથી તૈયાર ભોજન ખાવાનું ટાળવું જોઈએ
  • એવું ફરસાણ ખાવાનું રાખો જેમાં મીઠું ન હોય
  • પૅકેજ્ડ ફૂડ ખાવાનું ટાળો અથવા તો પહેલા તપાસો કે તેમાં મીઠું કે મોનોસોડિયમ ગ્લુટામેટ ન હોય
  • ખાવામાં મીઠાની જગ્યાએ મસાલા અને સુગંધિત જડીબુટ્ટીઓનો ઉપયોગ કરો, જેનાથી ભોજનનો સ્વાદ સારો થશે

જોકે, આપણે યાદ રાખવાની જરૂર છે કે સોડિયમ વગર જીવવું અશક્ય છે.

એ સંભવ છે કે પોતાની ડાયટમાંથી ટેબલ સૉલ્ટ અથવા તો વધારે મીઠું ધરાવતી વસ્તુઓને હઠાવી શકાય, કારણ કે બ્રેડ અને ચીઝ જેવી વસ્તુઓ બનાવતી વખતે મીઠાનો ઉપયોગ કરવામાં આવે છે.

ડૉક્ટરની સલાહ વગર ડાયટમાં એકદમ ઓછું મીઠું અથવા તો સોડિયમ લેવાથી સાઇડ ઇફૅક્ટ્સ પણ આવી શકે છે.

ઉદાહરણ તરીકે તેનાથી ઊંઘવામાં તકલીફ, સોડિયમની અછત અને કિડની સ્ટોન બનવાની સમસ્યા સર્જાઈ શકે છે.

આ કારણથી પોતાના ખાવાપીવામાં મીઠાનું પ્રમાણ ઓછું કરવું જોઈએ અને એવી વસ્તુઓ ખાવાની ટાળવી જોઈએ જેમાં વધારે મીઠું ન હોય.

પરંતુ ડૉક્ટરની સલાહ વગર મીઠું ડાયટમાંથી હઠાવવું જોઈએ નહીં.

(સેલિયા બેનુલ્સ મોરેંટ ફિસાબાયો ઇંડોક્રાઇનોલૉજી અને ન્યુટ્રિશિયનના ક્ષેત્રમાં શોધ કરી રહ્યાં છે. નિયસ બોસ સિઍરા એક ફિસાબાયો ડાયેટિશિયન અને લૅબ ટૅકનિશિયન છે.)

(આ અહેવાલ મૂળ સ્વરૂપે ધ કન્વર્ઝેશન પર પ્રકાશિત થઈ હતી અને ક્રિએટિવ કૉમન લાઈસન્સ અંતર્ગત અહીં પ્રકાશિત કરવામાં આવ્યો છે.)

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો