દૂધ આપણાં હાડકાંને મજબૂત કરે છે કે નબળાં?

સ્વાસ્થ્ય માટે પૌષ્ટિક ખોરાકની યાદીમાં દૂધનો પણ સમાવેશ થાય છે.

નાનપણમાં આપણે બધાએ કદાચ સાંભળ્યું જ હશે કે દૂધી પીવો.. દૂધ પીવાથી સ્વાસ્થ્ય સારું રહે છે.. હાડકાં મજબૂત બને છે... વગેરે...

આ સાંભળવામાં તો સાચું પણ લાગે છે, કેમ કે દૂધમાં કૅલ્શિયમ હોય છે જે હાડકાંમાં મળતા મિનરલ માટે ફાયદાકારક હોય છે.

પરંતુ દૂધ પીવાથી હાડકાં મજબૂત થવાનો સંબંધ જેટલો સરળ લાગે છે એટલો જ જટિલ છે.

દૂધ અને હાડકાં વચ્ચેનો સંબંધ સમજવા માટે વર્ષ 1997માં હાવર્ડ યુનિવર્સિટીએ 77,000 મહિલા નર્સો પર એક સંશોધન કર્યું હતું.

આ મહિલાઓના ખાનપાન પર 10 વર્ષ સુધી અધ્યયન કરવામાં આવ્યું.

શોધકર્તાઓને જાણવા મળ્યું કે જે મહિલાઓ અઠવાડિયામાં એક વખત કે તેના કરતાં ઓછું દૂધ પીવે છે અને જે અઠવાડિયામાં ત્રણ કે વધારે વખત દૂધ પીવે છે, તે બન્નેના હાડકાંમાં ફ્રૅક્ચર થવાની સંખ્યામાં કોઈ અંતર ન હતું.

આ ટીમે આવું જ એક અધ્યયન 3 લાખ 30 હજાર પુરૂષો પર કર્યું. અને અહીં પણ હાડકાંના ફ્રૅક્ચર થવા પર દૂધ પીવાની કોઈ અસર જોવા ન મળી.

દૂધ કેટલું ફાયદાકારક?

વર્ષ 2015માં ન્યૂઝિલૅન્ડની એક ટીમે દૂધની આ જ અસરને સમજવા માટે એક ટ્રાયલ કર્યું. જેમાં કેટલાક લોકોના આહારમાં કૅલ્શિયમ તત્ત્વો ધરાવતી વસ્તુઓને જોડવામાં આવી.

આ ટીમે આવાં જ જૂના 15 અધ્યયનોની ફરી સમીક્ષા કરી અને જાણ્યું કે બે વર્ષો સુધી તો કૅલ્શિયમથી હાડકાંના ઘનત્વ પર અસર પડી છે, પરંતુ બે વર્ષ બાદ સમય સાથે દૂધથી હાડકાં પર કંઈ ખાસ અસર ન પડી.

શરીરમાં કૅલ્શિયમની આપૂર્તિ માટે કૅલ્શિયમ સપ્લિમૅન્ટ પણ લેવામાં આવે છે પરંતુ તેના લાંબા ગાળા સુધી ઉપયોગના કેટલાક ગેરલાભ પણ છે.

ન્યૂઝિલૅન્ડની આ ટીમે કૅલ્શિયમના સપ્લિમૅન્ટની અસરને સમજવા 51 અન્ય ટ્રાયલ પણ કર્યાં. તેમાં બહાર આવ્યું કે તેનાથી હાડકાંનું મજબૂત થવાનું એક કે બે વર્ષ બાદ બંધ થઈ જાય છે.

આ કૅલ્શિયમ સપ્લિમૅન્ટ વધતી ઉંમર સાથે માત્ર હાડકાંના મિનરલના નુકસાનને ઓછું કરી શકે છે અથવા રોકી શકે છે.

આ જ ડેટાનું જ્યારે અન્ય દેશોએ અધ્યયન કર્યું તો તેમણે તેના આધારે રોજિંદા ખોરાકમાં કૅલ્શિયમની માત્રા અલગ અલગ નક્કી કરી.

જેમ કે, અમેરિકામાં રોજિંદા ખોરાકમાં કૅલ્શિયમની માત્રા યૂકે અને ભારતની સરખામણીએ બે ગણી વધારે રાખી.

અમેરિકામાં એક વ્યક્તિને દરરોજ 227 મિલી લીટર દૂધ પીવા માટે કહેવામાં આવે છે.

દૂધ આપણા માટે કેટલું ફાયદાકારક છે અને કેટલું નહીં એ ચર્ચા વચ્ચે વર્ષ 2014માં બે નવી સ્ટડી સામે આવી જેના આધારે જો લોકો દિવસમાં ત્રણ ગ્લાસ કે તેનાથી વધારે દૂધ પીવે છે તો તેમનાં હાડકાંને કોઈ ફાયદો થતો નથી પણ તે નુકસાનકારક હોઈ શકે છે.

દૂધ પર અધ્યયન

વર્ષ 1987 અને 1997માં સ્વીડનની ઉપ્પસલા યુનિવર્સિટી અને કારોલિસ્કા ઇન્સ્ટિટ્યૂટે કેટલાક લોકોને તેમના આહારમાં દૂધની ખામી સાથે જોડાયેલી એક પ્રશ્નાવલી આપી.

વર્ષ 2010માં આ લોકોના મૃત્યુદરનું અધ્યયન કર્યું, તેમાં જાણવામાં આવ્યું કે જે લોકો રોજ એક ગ્લાસ દૂધ પીવે છે, તેમનાં હાડકાં તૂટવાની સમસ્યા સામે આવી, સાથે જ તેમનું મૃત્યુ પણ જલદી થયું.

સ્વીડનના અધ્યયનમાં ભાગ લેતા લોકોને તેમના દૂધના ઉપયોગનું સરેરાશ પૂછવામાં આવ્યું હતું.

તેવામાં આ લોકોએ પ્રશ્નાવલીમાં માત્ર એટલું જણાવ્યું કે તેઓ કેટલું દૂધ પીવે છે, પરંતુ તેના સિવાય ભોજનમાં પણ દૂધની ઘણી વસ્તુઓનો ઉપયોગ પણ થાય છે.

આ અધ્યયનોમાં ખાસ કહેવામાં આવ્યું છે કે કોઈ પણ ડાયટની સલાહ આપતા પહેલા આ આંકડાનું ફરી એક વખત અધ્યયન કરવાની જરૂર છે.

અત્યાર સુધી જે પણ અધ્યયન સામે આવ્યા છે તેમની અંદરથી જે સામે આવી રહ્યું છે તેના આધારે જો તમે દૂધ પીવો છો તો ઠીક છે. શક્ય છે હાડકાં પર તેની અસર થાય.

પરંતુ હાડકાંને મજબૂત રાખવાની બીજી રીત પણ હોઈ શકે છે. કસરત અને વિટામિન ડી હાડકાંને મજબૂત બનાવવા માટે યોગ્ય વિકલ્પ સાબિત થઈ શકે છે.

તેના માટે તમે તડકો લો. શિયાળામાં વિટામિન ડી સપ્લિમૅન્ટ પણ લઈ શકાય છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો