જિજ્ઞેશ મેવાણીએ કહ્યું, "મારી ધરપકડ કાયદા વિરુદ્ધ, PM ઑફિસમાં રચાયું હતું ષડ્યંત્ર"

બનાસકાંઠા જિલ્લાના વડગામના ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણીને જામીન મળ્યા બાદ તેમણે દિલ્હીમાં પત્રકારપરિષદ યોજી હતી. આસામના કોકરાજાર અને તેની પાડોશમાં આવેલા બરપેટામાં પોલીસ કેસ નોંધાયા બાદ દસ દિવસે કોર્ટે તેમને જામીન આપ્યા છે.

મેવાણીએ પત્રકારપરિષદમાં કહ્યું કે ગુજરાતમાં પેપર લીક, મોટા પ્રમાણમાં ડ્રગ્સ મળવું જેવા મામલે કોઈ તપાસ નથી થઈ, પૂછપરછ નથી થઈ. એક મહિલા ભાજપના મંત્રી પર બળાત્કારનો આરોપ લગાવે છે, એના પર કોઈ એફઆઈઆર નથી થઈ, પણ તેમના વિરુદ્ધ એફઆઈઆર, ધરપકડ શું સૂચવે છે?

જિજ્ઞેશે પોતાની વાત રજૂ કરતાં કહ્યું, "કોર્ટે કહ્યું કે મારા પર કોઈ પ્રકારનો કેસ નથી બનતો."

નોંધનીય છે કે આસામના બારપેટા જિલ્લાની એક કોર્ટે પોલીસકર્મી પર કથિત હુમલાના કેસમાં જિજ્ઞેશ મેવાણીને જામીન આપ્યા હતા. જે બાદ તેમના પર મહિલા પોલીસકર્મીની છેડતીનો આરોપ લગાવાયો હતો.

બાદમાં આ કેસમાં પણ તેમને જામીન મળી ગયા. આ મામલે પોતાનો પક્ષ રાખતાં તેમણે આરોપ લગાવ્યો કે તેમના વિરુદ્ધ ષડ્યંત્ર રચવામાં આવ્યું હતું.

મેવાણીની પત્રકારપરિષદના મુદ્દા

  • હું વડા પ્રધાનને ચૅલેન્જ કરું છું કે તેઓ લાલ કિલ્લા પરથી 'ગોડસે મુર્દાબાદ'નો નારો લગાવે.
  • હું કાયદાનો જાણકાર હોવાથી મને ફરિયાદ ન આપી, મારા પરિવાર- વકીલ સાથે વાત ન કરવા દીધી. ધારાસભ્ય તરીકેના તમામ હકોનું ઉલ્લંઘન આસામ પોલીસે કર્યું છે.
  • એક મહિલાને આગળ કરીને કેસ કરાવ્યો, એ 56 ઇંચની કાયરતા કહેવાય. મહિલાએ જજ સમક્ષ આપેલ નિવેદન અને પોલીસ ફરિયાદમાં ફેરફાર હોવાથી કોર્ટે સૂચન કર્યું છે કે એફઆઈઆર બનાવટી છે.
  • પીએમઓમાં બેઠેલા કેટલાક ભક્તો દ્વારા મારા વિરુદ્ધ એફઆઈઆર કરાઈ.
  • આસામ પોલીસ અને આસામ સરકારને શું થયું કે 2500 કિલોમીટર દૂરના ધારાસભ્ય વિરુદ્ધ કેસ કર્યો? આ પીએમઓ ઑફિસથી ઘડાયેલું ષડ્યંત્ર છે.
  • આપણે અત્યારે પૅગાસસના સમયમાં જીવી રહ્યા છીએ. ત્યારે મારા ઘરે આવીને મારા અને મારી ટીમના સભ્યોના કમ્પ્યુટરો લૅપટોપ અને ફોન જમા કર્યાં. તો તેમાં પણ કોઈ છેડછાડ કરાઈ હોવાની શક્યતા નકારી શકાય તેમ નથી.
  • ગુજરાતની વિધાનસભામાં ભાજપના એક નેતા દ્વારા દલિત મહિલા પર દુષ્કર્મનો મામલો પણ ઉછળ્યો હતો. તેની પર કોઈ તપાસ કરાઈ નથી.
  • હું વડા પ્રધાન મોદીને મારા પર થયેલા કેસ પાછા લેવાનું નહીં કહું પણ હું એક ચૅલેન્જ આપું છું કે જે રીતે પાટીદાર આંદોલન સમયે થયેલા કેસ પાછા લેવાયા તે રીતે ઉના આંદોલન સમયે થયેલા કેસ પાછા લેવામાં આવે, રાજ્યમાં પેપર લીકની બનેલી ઘટનાઓ અંગે સીટની નિમણૂક કરીને તપાસ કરવામાં આવે અને ડ્રગ્ઝ મામલે ગૌતમ અદાણીની પૂછપરછ કરવામાં આવે.
  • જો આ એક મહિનામાં વડા પ્રધાનની સરકાર દ્વારા આમ નહીં કરવામાં આવે તો એક જૂને ગુજરાત કૉંગ્રેસ રસ્તા પર ઊતરીને રાજ્યભરમાં બંધ પાળશે.

શું ફરિયાદ નોંધાઈ હતી?

વડગામના ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણીએ સોશિયલ મીડિયા પર વડા પ્રધાન મોદી વિરુદ્ધ એક ટિપ્પણી કરી હતી. જે મામલે આસામમાં ભાજપના નેતા અરુપકુમાર ડે દ્વારા કોકરાજાર પોલીસમથકે ફરિયાદ નોંધાવવામાં આવી હતી.

ફરિયાદ નોંધાયા બાદ આસામ પોલીસ ગુજરાત આવી હતી અને મધરાતે પાલનપુર સર્કિટ હાઉસ ખાતેથી તેમની ધરપકડ કરીને આસામ લઈ જવામાં આવ્યા હતા.

તેમની ધરપકડને લઈને પણ વિવાદ સર્જાયો હતો. કૉંગ્રેસ નેતાઓએ આક્ષેપ કર્યો હતો કે મેવાણીને પાલનપુરથી અમદાવાદ ઍરપોર્ટ સુધી લઈ ગયા ત્યાર સુધી તેમને એફઆઈઆરની કૉપી આપવામાં આવી ન હતી.

જોકે, ભારે વિરોધ બાદ પોલીસ દ્વારા ફરિયાદની કૉપી આપવામાં આવી હતી.

બીબીસીના સહયોગી દિલીપ શર્માએ મેવાણી વિરુદ્ધ નોંધાયેલી ફરિયાદ અંગેની વિગતોની માહિતી આપતાં જણાવ્યું હતું કે, "કોકરાજાર જિલ્લાના ભવાનીપુરના રહેવાસી અનૂપ કુમાર ડેએ ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણી વિરુદ્ધ ફરિયાદ દાખલ કરાવી હતી. પોલીસે ભારતીય દંડ સંહિતાની કલમ 120 B (ગુનાહિત કાવતરું), કલમ 153 A (બે સમુદાયો વચ્ચે દુશ્મનાવટના વધારાને પ્રોત્સાહિત કરવી), 295 A (કોઈ પણ વર્ગના ધર્ણનું અપમાન કરવાના ઇરાદે પૂજાસ્થળને નુકસાન પહોંચાડવું કે અપવિત્ર કરવું), 504 (ઇરાદાપૂર્વક જાણીજોઈને અપમાન કરી શાંતિભંગ કરવી), 506 (ગુનાહિત ધમકી) અને આઇટી ઍક્ટની લાગતીવળગતી કલમો હેઠળ મામલો દાખલ કરાયો હતો."

બીજો કેસ ક્યો અને તેમાં કોર્ટે શું કહ્યું?

ઇન્ડિયન એક્સપ્રેસ અનુસાર જિજ્ઞેશ મેવાણીના વકીલ અંશુમન બોરાએ કહ્યું કે, "બરપેટા પોલીસે તેમને જામીન મળ્યા પછી ફરી તેમની ધરપકડ કરી હતી. તેમની વિરુદ્ધ ભારતીય દંડ સંહિતાની કલમ 294, 354, 353 અને 323 હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે જેના પરથી સમજી શકાય કે મેવાણીએ કસ્ટડીમાં પોલીસ અધિકારીઓ સાથે દુર્વ્યવહાર અથવા હુમલો કરવાનો મામલો હોઈ શકે છે."

ત્યારે જિજ્ઞેશ મેવાણી સામે કરાયેલી ફરિયાદ અનુસાર "કોકરાઝાર પોલીસ સ્ટેશન વિમેન સબ ઇન્સપેક્ટર દેબિકા બ્રહ્માએ કહ્યું કે આરોપી જિજ્ઞેશ મેવાણીને ધરપકડ પછી ગુવાહાટીના એલજીબી ઍરપોર્ટ પરથી કોકરાઝાર લાવવામાં આવી રહ્યા હતા ત્યારે બરપેટા જિલ્લામાં બપોરે 1.30 વાગ્યાની આસપાસ સિમલાગુરી પૉઇન્ટ પરથી પસાર થતાં ધરપકડ કરાયેલા આરોપી (જિજ્ઞેશ મેવાણી)એ મારી સામે અશિષ્ટતા ભરેલા શબ્દનો ઉપયોગ કર્યો."

"જ્યારે મેં તેમને સરખું વર્તન કરવાનું કહ્યું તો તેમણે વધુ અશિષ્ટતા કરી. તેમણે મારી સામે આંગળી ચીંધી અને મને ડરાવવાનો પ્રયત્ન કર્યો તથા મને જોરથી મારી સીટ પર ધક્કો માર્યો."

ફરિયાદમાં આગળ કહેવામાં આવ્યું છે કે, "આ રીતે તેમણે હું સરકારી કર્મચારી તરીકે મારી ફરજ બજાવતી હતી ત્યારે મારી પર હુમલો કર્યો અને ધક્કો મરતી વખતે મને અયોગ્ય રીતે અડીને મહિલાના શીલનો ભંગ કર્યો છે."

અંશુમન બોરાએ કહ્યું કે આ સંપૂર્ણ રીતે ખોટો અને બનાવટી કેસ છે.

ફરિયાદ નોંધાવનાર ભાજપ નેતા કોણ?

વર્ષ 2020ના અંતમાં થયેલી બીટીસીની ચૂંટણીમાં ફકીરાગ્રામ (બિન અનુસૂચિત જનજાતિ) સીટ પરથી જીતી આવેલા અરૂપ 2019માં ભાજપામાં જોડાયા હતા. લગભગ 34 વર્ષના અરૂપ જે અંદાજ અને જુસ્સા સાથે વાત કરે છે એનાથી એમની રાજકારણમાં આવવાની મહત્ત્વાકાંક્ષા આસાનીથી સમજાઈ જાય છે.

તેમણે કહ્યું, "હું ભાજપાનો એક સમર્પિત કાર્યકર્તા છું અને મને રાજકારણના ક્ષેત્રમાં ખૂબ કામ કરવું છે. હું અમારા નેતા મોદીજી અને હિમન્ત બિસ્વ સરમાજીથી પ્રેરિત થઈને રાજકારણમાં આવ્યો છું. હું એમને મારા આદર્શ માનું છું. જો હવે પછી પણ કોઈ અમારા આ નેતાઓની વિરુદ્ધ ભદ્દી ટિપ્પણીઓ કરશે તો એમની સામે પણ ફરિયાદ દાખલ કરાવીશ."

બીટીસી ચૂંટણીમાં ફકીરાગ્રામની યુપીપીએલના ઉમેદવાર રહેલા મોતિઉર રહમાને કહ્યું, "ત્રણ વર્ષ પહેલાં સુધી અરૂપકુમાર ડે બીટીસીમાં એક કૉન્ટ્રાક્ટર હતા."

"એમણે બીપીએફના શાસન દરમિયાન સરકારી કૉન્ટ્રાક્ટમાં ઘણી કમાણી કરી અને હવે એમની પાસે સારા એવા પૈસા આવી ગયા છે એટલે ભાજપામાં જોડાઈને ચૂંટણી લડ્યા."

"આ વ્યક્તિ ભાજપાના કોઈ જૂના કાર્યકર્તા નથી. મૂળમાં તો અરૂપનો પરિવાર કોલકાતાથી આવીને અહીં વસી ગયો છે. એમના પિતા એક શિક્ષક હતા. બંગાળી સમુદાયમાંથી આવતા અરૂપે અસમિયા યુવતી સાથે લગ્ન કર્યાં છે."

મોતિઉર રહમાનની વાત માનીએ તો અરૂપે ઘણા ઓછા સમયમાં આસામ ભાજપાના મોટા નેતાઓની સાથે સારા સંબંધો સ્થાપ્યા છે.

આ જ કારણ હતું કે બીટીસી ચૂંટણી દરમિયાન અગાઉના મુખ્ય મંત્રી તથા હાલના કેન્દ્રીય મંત્રી સર્બાનંદ સોનોવાલ, હાલના મુખ્ય મંત્રી હિમન્ત બિસ્વ સરમા સહિત ભાજપાના ઘણા મોટા નેતાઓએ અરૂપ માટે ચૂંટણીસભાઓ કરી હતી.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો