You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
રાજ ઠાકરેનું હિંદુત્વ ભાજપને ભારે પડશે કે શિવસેના માટે પડકાર બનશે?
- લેેખક, મયૂરેશ કોણ્ણૂર
- પદ, બીબીસી સંવાદદાતા
પાછલા અમુક દિવસોથી રાજ ઠાકરેનું આક્રમક હિંદુત્વ ચર્ચામાં છે. મુંબઈ અને થાણેમાં રેલી કર્યા બાદ તેમણે પુણેમાં હનુમાનચાલીસા પાઠમાં ભાગ લીધો. રાજ ઠાકરેએ અક્ષયતૃતીયાના અવસરે સમગ્ર મહારાષ્ટ્રમાં મહાઆરતી પાઠ માટે પણ આહ્વાન કર્યું છે. આ પહેલાં તેઓ પોતાની પાર્ટીના ત્રણ રંગના ધ્વજને બદલીને ભગવો ધ્વજ અપનાવી ચૂક્યા છે.
પોતાના રાજકારણના બદલાતા જતા રંગને દર્શાવ્યા બાદ તેમણે આ દિશામાં વાસ્તવિક સ્વરૂપે પગલું ભરવામાં ઘણો સમય લાગ્યો છે.
તેમના આ પગલાથી મહારાષ્ટ્રનું રાજકારણ અઝાન અને હનુમાનચાલીસાની આસપાસ ચકરાવો લઈ રહ્યું છે.
એવી પણ ચિંતા વ્યક્ત કરાઈ રહી છે કે આના કારણે મહારાષ્ટ્રમાં સામાજિક તણાવ પેદા થઈ શકે છે.
શરૂઆતમાં મહારાષ્ટ્રની સરકાર અને સત્તાધારી મહાવિકાસ અઘાડી ગઠબંધને રાજ ઠાકરે, તેમનાં નિવેદનો અને તેમની રેલીઓને ગંભીરતાપૂર્વક ન લીધી. પરંતુ જલદી જ સરકાર જવાબ આપતી નજરે પડવા લાગી.
સોશિયલ મીડિયા પર રાજ ઠાકરેને લઈને ચર્ચા
રાજ ઠાકરે દ્વારા મહાઆરતીનું આહ્વાન કરવાના પગલાનો જવાબ પોતપોતાની આરતીઓ અને ઇફ્તાર પાર્ટી કરીને અપાઈ રહ્યો છે.
જવાબમાં શિવસેના અને રાષ્ટ્રવાદી કૉંગ્રેસ પાર્ટી ખાસ કરીને રાજ ઠાકરે પર શાબ્દિક હુમલા કરી રહી છે.
રાજ ઠાકરે દ્વારા જૂનના શરૂઆતના દિવસોમાં અયોધ્યાનો પ્રવાસ કરવાની ઘોષણા બાદ હવે આદિત્ય ઠાકરે પણ કહ્યું છે કે તેઓ જલદી જ અયોધ્યા જઈ રહ્યા છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
રાજ ઠાકરેના સમર્થક તેમને નવા હિંદુ હૃદયસમ્રાટ કહી રહ્યા છે, કોલહાપુર પેટાચૂંટણી પ્રચાર દરમિયાન મુખ્ય મંત્રી ઉદ્ધવ ઠાકરેએ રાજ ઠાકરેને નકલી હિંદુ હૃદયસમ્રાટ કહીને તેમને ચાબખા માર્યા.
મરાઠી માનુષનો ધ્વજ
કેટલાક લોકોનું એવું કહેવું છે કે શિવસેનાએ કૉંગ્રેસ અને રાષ્ટ્રવાદી કૉંગ્રેસ પાર્ટી સાથે હાથ મિલાવ્યા બાદ હવે ભાજપ રાજ ઠાકરેના આક્રમક હિંદુત્વને શિવસેના વિરુદ્ધ ઉપયોગમાં લેવાની વ્યૂહરચના બનાવી રહ્યો છે.
ભાજપ એવો દાવો પણ કરી રહ્યો છે કે શિવસેનાએ હિંદુત્વનું રાજકારણ ત્યાગી દીધું છે. મહારાષ્ટ્ર નવનિર્માણ સેના પહેલાંથી જ મરાઠી ઓળખને લઈને આક્રમક છે અને ભાજપ તેનો ઉપયોગ શિવસેના વિરુદ્ધ કરે છે. સામે શિવસેનાએ પણ ભાજપના હિંદુત્ત્વ સામે સવાલ કર્યો છે.
શિવસેના હંમેશાંથી જ મરાઠી માનુષનો ઝંડો ઉઠાવવાનો દાવો કરતી રહી છે.
સવાલ એ છે કે પોતાની જાતને હિંદુ જનનાયક તરીકે સ્થાપિત કરવાની કોશિશ કરી રહેલા રાજ ઠાકરે શું શિવસેના-ભાજપના હિંદુઓને તેમની તરફ આકર્ષિત કરશે કે કેમ? શું તેઓ ભાજપના રસ્તામાં અવરોધ બની શકે?
શિવસેના કૉંગ્રેસથી મોટી બની ગઈ
એવું કહેવાઈ રહ્યું છે કે રાજ ઠાકરે પોતાના કાકા બાલ ઠાકરેને અનુસરી રહ્યા છે. બાલ ઠાકરેએ પણ મરાઠી ઓળખનું રાજકારણ શરૂ કર્યું હતું અને પછી હિંદુત્વને અપનાવી લીધો હતો.
ઇતિહાસમાં પણ ભાજપ માટે એક મહત્ત્વપૂર્ણ શીખ છે. ભૂતપૂર્વ કૉંગ્રેસી મુખ્ય મંત્રી વસંતરાવ નાઈકે મુંબઈમાં ડાબેરીઓ સામે શિવસેનાને પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું.
આચાર્ય અત્રેએ તો શિવસેનાને વસંતસેના કહી હતી. આખરે મુંબઈ પર ડાબેરીઓની અસર ઓછી થઈ ગઈ અને દત્તા સામંત હડતાળ બાદ મજૂરઆંદોલનો પણ સમાપ્ત થઈ ગયાં.
તેમાં કૉંગ્રેસના રાજકારણે પણ પોતાની ભૂમિકા ભજવી. આ દરમિયાન શિવસેનાનું કદ વધતું ગયું.
અંતે શિવસેનાએ મુંબઈ નગરપાલિકા ચૂંટણીમાં કૉંગ્રેસને હરાવી. શિવસેનાએ રાજ્યમાં પણ પગપેસારો કર્યો અને અમુક વર્ષ બાદ રાજ્યની વિધાનસભા અને દેશની સંસદમાં શિવસેના કૉંગ્રેસ કરતાં મોટી પાર્ટી બની ગઈ.
જો ભાજપ શિવસેનાનો સામનો કરવા માટે બીજા ઠાકરે એટલે કે રાજ ઠાકરેનો ઉપયોગ કરવા માટે વ્યૂહરચના તૈયાર કરવા અંગે વિચારી રહ્યો છે તો તેમણે આ વાત ધ્યાનમાં રાખવી જોઈએ.
ઇતિહાસનું ફરી પુનરાવર્તન થશે કે કેમ તે એ વાત પર આધારિત છે કે ભાજપ અને મહારાષ્ટ્ર નવનિર્માણ સેના એકબીજાની મદદ માટે કઈ હદ સુધી જાય છે.
હિંદુત્વનું મોજું અને રાજ ઠાકરેનો કરિશ્મા
ભારતના હાલના રાષ્ટ્રીય રાજકારણમાં હિંદુત્વ અને રાષ્ટ્રવાદ બે સૌથી શક્તિશાળી ટ્રૅન્ડ છે. ભાજપ સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે આ બંને પર સવાર છે. ભાજપની સફળતા ચૂંટણીમાં આ મુદ્દો અને ચૂંટણીનાં પરિણામોથી સ્પષ્ટ જોઈ શકાય છે.
બીજી તરફ રાજ ઠાકરે પાસે પોતાનો કરિશ્મા છે અને તેઓ ખૂબ સારા વક્તા છે. ભારે સંખ્યામાં લોકોને પોતાની તરફ આકર્ષિત કરી શકે છે.
આવી પરિસ્થિતિમાં ઠાકરે મહારાષ્ટ્રમાં હિંદુત્વનો ઝંડો ઉઠાવે છે તો આ એક પ્રભાવશાળી મિશ્રણ હોઈ શક છે. પરંતુ પ્રશ્ન એ છે કે ભાજપ એક સંગઠન તરીકે રાજ ઠાકરેના નવા રાજકીય અવતાર અને હિંદુત્વ વોટ બૅંક પર તેના પ્રભાવને કેવી રીતે જુએ છે.
'મોદી કરતાં વધુ પ્રભાવશાળી નહીં બની શકે રાજ ઠાકરે'
વરિષ્ઠ રાજકીય પત્રકાર સંદીપ પ્રધાન માને છે કે ભલે રાજ ઠાકરેને આક્રમક હિંદુત્વના કારણે લોકો પસંદ કરતા હોય અને તેમની રેલીઓમાં ભારે ભીડ આવી રહી હોય પરંત હિંદુ મતદારો પોતાની નિષ્ઠા મોદી પ્રત્યે જ રાખશે.
પ્રધાન કહે છે કે, "જ્યાં સુધી મોદીના કરિશ્માનો સવાલ છે, રાજ ઠાકરે હોય કે અન્ય કોઈ ક્ષેત્રીય નેતા તે તેમનાથી પાછળ જ રહે છે. ભાષણ તો ઘણા લોકો આપે છે પરંતુ મોદી કામ કરે છે. આ મોદીની છબિ છે અને તે રામમંદિર, અનુચ્છેદ 370 અને ટ્રિપલ તલાક જેવા મુદ્દાથી તે વધુ મજબૂત થઈ છે. આવી પરિસ્થિતિમાં રાજ ઠાકરે ભાષણ કરે કે તેને રજૂ કરીને બતાવે. જ્યાં સુધી હિંદુ રાષ્ટ્ર બનાવવાનો પ્રશ્ન છે તો તે વ્યક્તિ મોદી છે જે વાસ્તવમાં કંઈક કરી શકે છે - ભારતના સંપન્ન અને મધ્યમ વર્ગ હિંદુ મતદારોની આ માન્યતા છે. હજુ સુધી કોઈ આ પરિસ્થિતિ બદલી શક્યું નથી. મને નથી લાગતું કે ભાજપને રાજ ઠાકરે કોઈ નુકસાન પહોંચાડી શકશે."
પ્રધાન કહે છે કે, "બીજી તરફ શિવસેના વ્યાકુળ છે. શિવસેનાને ફરીથી પોતાનું હિંદુત્વ દેખાડવું પડી રહ્યું છે અને તેનાથી તેમના નવા બનેલા પ્રગતિશીલ મિત્રો અંતર જાળવી શકે છે. અંતે ભાજપ ફરીથી શિવસેનાની નજીક આવી શકે છે કારણ કે રાજ ઠાકરે પાસે મજબૂત પાર્ટી સંગઠન નથી. સવાલ એ ઊઠે છે કે રાજ ઠાકરે માટે વાસ્તવમાં કેટલા મત આપશે? જેવી રીતે 2019ની સામાન્ય ચૂંટણીમાં તેમનો ઉપયોગ કરાયો હતો હાલ પણ કંઈક આવું જ થશે."
રાજકીય પત્રકાર મૃણાલિની નાનીવેદકર કહે છે કે, "એ સત્ય છે કે હિંદુત્વની બસમાં ભીડ થઈ ગઈ છે. પરંતુ લોકોએ તો એ નક્કી કરવાનું છે કે કોના પર વિશ્વાસ કરી શકાય અને કોના પર નહી. રાજ ઠાકરેને અગાઉ મત મળી ચૂક્યા છે પરંતુ રાજકારણમાં તે સમયે મોદી સામે નહોતા આવ્યા. હવે મોદી સૌથી મોટી બ્રાન્ડ છે. અમુક લોકો એવો દાવો કરી રહ્યા છે કે ભાજપ રાજ ઠાકરેને દિશા દેખાડી રહ્યો છે. પરંતુ આપણે આ સ્થિતિને ફરીથી ચકાસવાની રહેશે. મોદી એક અભિમાની નેતા છે અને જો ભાજપ તેમની છબિને ટક્કર આપી શકે તેવા નેતાને તક આપે તો તે વાતનું મને આશ્ચર્ય થશે."
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો