છથી 12 વર્ષનાં બાળકો માટે કોવૅક્સિનને મંજૂરી મળી

ભારતમાં છથી 12 વર્ષના બાળકો માટે ભારત બાયોટેકની કોરોના રસી કોવૅક્સિનને ઇમર્જન્સી યુઝ માટેની મંજૂરી મળી ગઈ છે.

ડ્રગ્સ કંટ્રોલર જનરલ ઑફ ઇન્ડિયા (ડીજીસીઆઈ)એ આની મંજૂરી આપી છે.

શાળાનાં બાળકોમાં કોરોના સંક્રમણના વધતાં મામલાને જોતાં આને મહત્ત્વનો નિર્ણય માનવામાં આવી રહ્યો છે.

સૅન્ટ્રલ ડ્રગ્સ કંટ્રોલ ઑર્ગેનાઇઝેશનની કોવિડ-19 પર બનેલી ઍક્સપર્ટ કમિટીની ભલામણો બાદ ડિજીસીઆઈએ આ મંજૂરી આપી દીધી છે.

ડિજીસીઆઈએ ભારત બાયોટેકને સંપૂર્ણ વિશ્લેષણ સાથે રસીની નકારાત્મક અસર અને સેફ્ટી ડેટાને 15 દિવસની અંદર જમા કરવા કહ્યું છે.

એ બાદ કંપનીને આગામી પાંચ મહિના સુધી દર મહિને આ ડેટા જમા કરાવવા પડશે.

આસામમાં જિજ્ઞેશ મેવાણી પાંચ દિવસના પોલીસ રિમાંડ પર મોકલાયા

આસામના બરપેટા જિલ્લામાં સ્થાનિક અદાલતે બનાસકાંઠાની વડગામ વિધાનસભા બેઠકથી અપક્ષ ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણીને 'પોલીસ અધિકારીઓ પર હુમલા'ના મામલામાં પાંચ દિવસના પોલીસ રિમાન્ડ પર મોકલ્યા છે.

અદાલતે જિજ્ઞેશ મેવાણીના જામીન ફગાવી દીધા છે.

સોમવારે તેમને ટ્વીટ મામલામાં જામીન મળ્યા હતા પરંતુ તે બાદ તરત જ તેમની અન્ય એક મામલામાં ધરપકડ કરવામાં આવી હતી.

જિજ્ઞેશ મેવાણીના ફેસબુક વૉલ પર પોસ્ટમાં કહેવામાં આવ્યું કે "રાજનીતિક પજવણીની હદ છે પર અપના નેતા ઝૂકેગા નહીં."

જિજ્ઞેશ મેવાણી સામે કરાયેલી ફરિયાદ અનુસાર "કોકરાઝાર પોલીસ સ્ટેશન વિમેન સબ ઇન્સપેક્ટર દેબિકા બ્રહ્માએ કહ્યું કે આરોપી જિજ્ઞેશ મેવાણીને ધરપકડ પછી ગુવાહાટીના એલજીબી ઍરપોર્ટ પરથી કોકરાઝાર લાવવામાં આવી રહ્યા હતા ત્યારે બરપેટા જિલ્લામાં બપોરે 1.30 વાગ્યાની આસપાસ સિમલાગુરી પૉઇન્ટ પરથી પસાર થતાં ધરપકડ કરાયેલી આરોપી (જિજ્ઞેશ મેવાણી)એ મારી સામે અશિષ્ટતા ભરેલા શબ્દનો ઉપયોગ કર્યો.

"જ્યારે મેં તેમને સરખું વર્તન કરવાનું કહ્યું તો તેમણે વધુ અશિષ્ટતા કરી. તેમણે મારી સામે આંગળી ચીંધી અને મને ડરાવવાનો પ્રયત્ન કર્યો તથા મને જોરથી મારી સીટ પર ધક્કો માર્યો."

ફરિયાદમાં આગળ કહેવામાં આવ્યું છે કે, "આ રીતે તેમણે હું સરકારી કર્મચારી તરીકે મારી ફરજ બજાવતી હતી ત્યારે મારી પર હુમલો કર્યો અને ધક્કો મરતી વખતે મને અયોગ્ય રીતે અડીને મહિલાના શીલનો ભંગ કર્યો છે."

જિજ્ઞેશ મેવાણીના વકીલ અંશુમન બોરાએ સોમવારે કહ્યું કે આ સંપૂર્ણ રીતે ખોટો અને બનાવટી કેસ છે.

આની પહેલાં આસામનાં કોકરાજાર પોલીસ સ્ટેશન દ્વારા જે FIR જિજ્ઞેશની ધરપકડ માટે રજૂ કરવામાં આવી હતી તેમાં જિજ્ઞેશનાં બે ટ્વીટનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. જેમાં તેમણે વડા પ્રધાનનો ઉલ્લેખ ગોડસેને પોતાના આરાધ્ય દેવ માનવાવાળા તરીકે કર્યો છે. તે ટ્વીટમાં તેમને અપીલ કરવામાં આવી છે કે ખંભાત, હિંમનગર અને વેરાવળમાં થયેલી હિંસા મામલે શાંતિની અપીલ કરે.

FIRમાં જણાવાયું છે કે આ ટ્વીટની વ્યાપક ટીકા થઈ છે. શાંતિ અને ભાઈચારાને ખલેલ ન પહોંચે તે માટે તેમની સામે કાયદાકીય પગલાં લેવામાં આવે છે. આ કેસમાં તેમને સોમવારે જામીન મળી ગયા હતા.

કરાચી યુનિવર્સિટીમાં બૉમ્બ વિસ્ફોટ, ત્રણ ચાઇનીઝ નાગરિકો સહિત ચારનાં મૃત્યુ

કરાચી યુનિવર્સિટીમાં મંગળવારે થયેલા એક બૉમ્બ વિસ્ફોટમાં ત્રણ ચાઇનીઝ શિક્ષકોનાં મૃત્યુ થઈ ગયાં છે. બૉમ્બ વિસ્ફોટ ફોરેન ફૅકલ્ટીના કન્ફ્યુશિયસ સેન્ટર તરફ આવી રહેલી એક વાનમાં થયો.

આ સેન્ટરમાં નવનિયુક્ત ડાયરેક્ટર અને બે શિક્ષકોનાં મૃત્યુ થયાં છે. વાનના ડ્રાઇવરનું પણ મૃત્યુ થયું છે.

મૃતકોની ઓળખ હુનાન ગુઇપિંગ, દિંગ મુપેંગ અને ચેન સાઇ તરીકે થઈ છે. ગુઇપિંગ સેન્ટરના ડાયરેક્ટર હતા. જ્યારે દિંગ મુપેંગ અને ચેન સાઇ સેન્ટરમાં ભણાવતા હતા.

મૃતક ડ્રાઇવરની ઓળખ ખાલિદના રૂપે કરાઈ છે. આ વિસ્ફોટમાં એક ચાઇનિઝ નાગરિક અને એક સ્થાનિક નાગરિકને પણ ઇજા પહોંચી છે.

સિક્યૉરિટી ડ્યૂટી પર તહેનાત બે રેન્જરોને પણ ઈજા પહોંચી છે. ઘાયલોને પટેલ હૉસ્પિટલમાં દાખલ કરાવાયા છે. પોલીસે સીસીટીવી ફૂટેજ હાંસલ કર્યાં છે અને તેની તપાસ ચાલી રહી છે.

પોલીસે કહ્યું છે કે વિસ્ફોટના પ્રકાર અંગે હાલમાં કહેવું ઉતાવળ ગણાશે અને આ સંબંધમાં તપાસ ચાલુ છે.

ગુજરાતમાં 'આપ-બીટીપી'નું ગઠબંધન, એકસાથે મળીને લડશે વિધાનસભાની ચૂંટણી

ગુજરાતમાં આમ આદમી પાર્ટી(આપ) અને ભારતીય ટ્રાઇબલ પાર્ટી (બીટીપી) વચ્ચે ગઠબંધનની જાહેરાત કરવામાં આવી છે.

આ પ્રસંગે પત્રકારોને સંબોધતાં બીટીપીના નેતા મહેશ વસાવાએ ગુજરાતને 'નવી ગુજરાતનું મૉડલ' આપવાનું વચન આપ્યું છે. આ મૉડલના આધારે તેમણે ગુજરાત ઉપરાંત દેશભરના આદિવાસી વિસ્તારોમાં પ્રભાવ વધારવાની આશા પણ વ્યક્ત કરી છે.

ગુજરાત વિધાનસભાની આગામી ચૂંટણી આ બન્ને પક્ષો સાથે મળીને લડવાના છે. જેના ભાગરૂપે 1 મેના રોજ દિલ્હીના મુખ્ય મંત્રી અને આપના સંયોજક અરવિંદ કેજરીવાલ ગુજરાતની મુલાકાત લઈ રહ્યા છે.

ગુજરાતના સ્થાપનાદિને ભરૂચ જિલ્લાના ચંદેરિયામાં બીટીપીનું મહાસંમેલન યોજાશે. કેજરીવાલ પણ આ સંમેલનમાં હાજર રહેશે.

આ આદિવાસની સંમેલનને અરવિંદ કેજરીવાલ અને બીપીટીના નેતા છોટુ વસાવા સંબોધશે. અહીં બન્ને પક્ષો સાથે મળીને વિધાનસભા ચૂંટણી અંગેની પોતાની રણનીતિ જાહેર કરશે.

હાર્દિક પટેલ સામેનો કેસ પાછો ખેંચવાની ગુજરાત સરકારની અરજી ફગાવાઈ

સોમવારે અમદાવાદની મેટ્રોપૉલિટન મૅજિસ્ટ્રેટની કોર્ટે રામોલ પોલીસ સ્ટેશનમાં હાર્દિક પટેલ અને અન્ય 17 લોકો વિરુદ્ધ વર્ષ 2017માં નોંધાયેલ ગુનાહિત ફરિયાદ રદ કરવાની રાજ્ય સરકારની વિનંતી ફગાવી દીધી હતી.

ટાઇમ્સ ઑફ ઇન્ડિયાના એક અહેવાલ અનુસાર કેસ પાછો ખેંચવાની અરજી નામંજૂર કરતાં એડિશનલ ચીફ મેટ્રોપૉલિટન મૅજિસ્ટ્રેટ વી. ડી. મોઢે આરોપીઓને ચાર્જ ફ્રેમિંગ માટે 2 મેના રોજ કોર્ટમાં હાજર રહેવા હુકમ કર્યો હતો.

હાર્દિક અને અન્યો સામે વસ્ત્રાલ મ્યુનિસિલપલ કાઉન્સિલર પરેશ પટેલની ફરિયાદ બાદ રાયોટિંગ, ગેરકાયદેસર મંડળી, ગુનાહિત ધમકી અને કાવતરાને લગતો ગુનો દાખલ કરાયો હતો. તેમણે ફરિયાદમાં કહ્યું હતું કે ટોળા દ્વારા તેમના ઘર પર હુમલો કરાયો હતો, તેમજ તેમને અને તેમના પરિવારને ગાળો આપીને ગેરવર્તન કર્યું હતું.

રાજ્ય સરકારે આ કેસો પાછા ખેંચી લેવા માટે જાહેર હિત અને ન્યાયના હિત અંગેનાં કારણ અપાયાં હતાં. પરંતુ કોર્ટે આ દલીલને લગતા પુરાવા કે ખુલાસાના અભાવના કારણે દલીલ સ્વીકારી નહોતી.

કંડલા ખાતેથી પકડાયેલ હેરોઇનના આયાતકાર ઝડપાયા

ગુજરાત ઍન્ટિ ટેરરિઝ્મ સ્ક્વૉડ અને ડિરેક્ટોરેટ ઑફ રેવન્યૂ ઇન્ટેલિજન્સ (DRI)ના એક સંયુક્ત ઑપરેશનમાં કચ્છના કંડલા બંદર ખાતેથી 1,439 કરોડ કિંમતનું 205.6 કિલોગ્રામ હેરોઇન અને એક આયાતકાર ઝડપાયાં હતાં.

ઉત્તરાખંડ ખાતેની એક ફર્મ દ્વારા મગાવાયેલ કન્સાઇન્મૅન્ટની હાલ DRI દ્વારા તપાસ કરાઈ રહી છે. તે ઈરાનના બાંદેર અબ્બાસ બંદર પરથી કંડલા ખાતે આવ્યું હતું. તેમાં જિપ્સમ પાઉડરના 17 કન્ટેનર હતા.

DRIના પ્રયત્નોથી પંજાબના એક નાનકડા ગામમાંથી આ કન્સાઇન્ટમેન્ટના આયાતકાર પકડાયા હોવાનું કહેવાઈ રહ્યું છે.

આરોપી આયાતકારની NDPS ઍક્ટ, 1985ની કલમો હેઠળ ધરપકડ કરાઈ છે. તેમને અમૃતસર કોર્ટમાં રવિવારે રજૂ કરાયા હતા. કોર્ટે આરોપીના ટ્રાન્ઝિટ રિમાન્ડ મંજૂર કર્યા છે.

LICનો IPO 4 મેના રોજ લૉન્ચ થશે

બિઝનેસ સ્ટાન્ડર્ડના અહેવાલ પ્રમાણે ભારતીય જીવનવીમા નિગમ એટલે કે એલઆઈસીનો આઈપીઓ મે માસના પ્રથમ સપ્તાહમાં લૉન્ચ થશે.

મંગળવારે એલઆઈસી બોર્ડ કંપનીના આઈપીઓને લૉન્ચ કરવાની તારીખ પર વિચારણા કરવા મળશે. આ બેઠકમાં પૉલિસીધારકો, કર્મચારીઓ અને છૂટક શૅરધારકોને આપનારી રાહત પર પણ વિચાર કરવામાં આવશે.

અખબાર એક અધિકારીને ટાંકીને કહે છે કે 4 મેના રોજ આઈપીઓ ઑપન થવા પર નવ મેના રોજ બંધ થવા પર વાત થઈ શકે છે.

બોર્ડ તારીખ ફાઇનલ કરે એ પછી ઇસ્યૂ ડેટ, રિઝર્વેશન અને રાહતની જાહેરાત થઈ શકે છે.

  • એલઆઈસી બોર્ડે શનિવારે આઈપીઓના ઇસ્યૂની સાઇઝને અગાઉ પાંચ ટકાથી ઘટાડીને સાડા ત્રણ ટકા કરવાની મંજૂરી આપી છે. એવું માનવામાં આવે છે કે સાડા ત્રણ ટકા શૅરમાંથી કેન્દ્ર સરકાર 21 હજાર કરોડ રૂપિયાની કમાણી કરી શકે છે. ઉલ્લેખનીય છે કે એલઆઈસીનું કુલ વેલ્યુએશન છ ટ્રિલિયન રૂપિયા છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો