You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
રમઝાન: જકાત શું છે, તમે ઇસ્લામના આ કાયદા વિશે કેટલું જાણો છો?
જકાત એ ઇસ્લામના પાંચ સ્તંભ પૈકીનો એક છે. ઇસ્લામધર્મને માનનારાઓ અનુસાર, જ્યારે પયગંબર મોહમ્મદ ઈસવીસન 622માં મદીના ગયા અને ઇસ્લામિક રાજ્ય વ્યવસ્થા શરૂ કરી, ત્યારે ત્યાં જકાત પ્રથા પણ શરૂ કરી હતી.
પરંતુ કેવી રીતે અને કેટલી જકાત એટલે કે સખાવત આપવી તે અંગે વિભિન્ન મત પ્રવર્તે છે.
ઇસ્લામી વિચારકોનું કહેવું છે કે મુસ્લિમોના પવિત્ર ધર્મગ્રંથ કુરાનમાં જકાતને લઈને માર્ગદર્શિકા આપવામાં છે. તેમ છતાં, કુરાનની જોગવાઈઓ અને તેના વિગતવાર અર્થઘટન વિશે અનેક મત છે ત્યારે જકાત ખરેખર શું છે અને નીતિનિયમો શું છે એ જાણવું રસપ્રદ બની રહે છે.
ઈસ્લામિક ફાઉન્ડેશનના મુફ્તી મુહમ્મદ અબ્દુલ્લાનું કહેવું છે કે જકાત સંબંધિત પ્રશ્નોના જવાબ મેળવવા માટે વિવિધ પાસાંઓને ધ્યાનમાં લેવાની જરૂર છે.
કયામતના દિવસના ચુકાદા અને જકાતને લઈને ઘણા લોકોના મનમાં વિવિધ પ્રશ્નો ઉદ્ભવે છે, જેમ કે જકાત (દાન) માટે કેટલી રકમ ચૂકવવી, કેવી રીતે ચૂકવવી. આના નિર્ણય પર આવવું એ પણ મહત્વપૂર્ણ પ્રશ્ન છે.
એ તો બધા જાણે છે કે એક વર્ષ કરતા વધુ સમય સુધી રાખેલા સોનાના આભૂષણો અને રોકડ ઉપરાંત શેર સર્ટિફિકેટ, પ્રાઇઝ બોન્ડ અને નાણાકીય મૂલ્ય ધરાવતા તમામ દસ્તાવેજોનું કુલ મૂલ્ય, જો નિસાબ (સંપત્તિ)નું પ્રમાણ જકાત આપવા જેટલું હોય અને તેને એક વર્ષથી વધુનો સમય થઈ ગયો હોય તો ઇસ્લામિક કાયદા અનુસાર તે વ્યક્તિ માટે જકાત ચૂકવવી ફરજિયાત છે.
પરંતુ કયા સંજોગોમાં જકાત આપવી જોઈએ અને કયા સંજોગોમાં ન આપવી? તમારી પાસેથી જકાત કોણ લઈ શકે? સરકારી વ્યવસ્થાપન વિશે શું કહેવાય છે? જકાત સંબંધિત આઠ પ્રશ્નો અને તેના જવાબો જાણો:
1. જો કોઈ વ્યક્તિ બૅન્કમાંથી લોન લે તો તેને જકાત આપવી પડે?
મુફ્તી મોહમ્મદ અબ્દુલ્લાનું કહેવું છે કે જો તમે કોઈ બૅન્કમાંથી પર્સનલ લોન લો છો, તો પછીના એક વર્ષ માટેના હપ્તાની કુલ રકમ સિવાયની રકમ પર જકાત લાગુ પડશે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ધંધામાં પૈસા ન લગાવી જો તે પૈસાને એમ જ રાખવામાં આવે તો પણ તેના પર જકાત લાગુ પડે. પરંતુ જો કોઈ વ્યક્તિનું દેવું એટલું બધું હોય કે તેને બાદ કર્યા બાદ વ્યક્તિ પાસે સંપત્તિના મૂલ્યને અનુરૂપ જકાતની રકમ ન હોય, તો તેની માટે જકાત ફરજિયાત નથી.
2. જકાત કયા પ્રકારની મિલકત પર લાગુ પડે?
મોહમ્મદ અબ્દુલ્લાએ કહ્યું કે, વ્યાપારી હેતુ માટે રાખવામાં આવેલી જમીન, ફ્લેટ અથવા ખેતરો પર પણ જકાત ચૂકવવી પડે. પરંતુ ઘર બનાવવા માટે રાખવામાં આવેલી જમીન પર જકાત આપવાની રહેતી નથી.
જો કોઈ વ્યક્તિ તેના બાળક માટે અથવા એવા ઉપયોગ માટે ફ્લેટ રાખે તો તેને પણ જકાત લાગુ પડતી નથી.
જો કોઈની દુકાન હોય તો તેમાં રાખેલા માલ પર જકાત આપવાની થાય, પરંતુ દુકાનની ઇમારત કે જમીન પર જકાત લાગુ ન પડે.
ઘણાને લાગે છે કે જો તેમની પાસે અથવા તેમના પરિવારમાં સોના-ચાંદીના ઘરેણાં, કિંમતી રત્નો અથવા એવી વસ્તુઓ હોય તો જ તેમને જકાત ચૂકવવી પડે.
ઇસ્લામિક ફાઉન્ડેશનના જકાત ફંડના ડાયરેક્ટર મોહમ્મદ હારુનુર રશીદ કહે છે કે એવું નથી.
તેઓ કહે છે, "હાથ ઉપરની રોકડ, શેર પ્રમાણપત્ર, પ્રાઇઝ બૉન્ડ અને સર્ટિફિકેટ, સોના-ચાંદી, કિંમતી ધાતુ અને સોના-ચાંદીના દાગીના, વ્યાપારી મિલકત અને ઔદ્યોગિક વેપારમાંથી થતો નફો, ઉત્પાદિત પાક, પશુધનમાં - 40થી વધુ ઘેટાં-બકરાં અને 30થી વધુ ગાય-ભેંસ અને અન્ય ઢોર, ખનીજ પદાર્થ, પ્રોવિડન્ટ ફંડ - આ બધાની પણ જકાત ચૂકવવી પડશે, જોકે આ બધું પણ નિસાબ યાને કે સંપત્તિની રકમ અનુસાર થશે.
3. શું સખાવતી સંસ્થાઓને આપવામાં આવતા દાનને જકાત તરીકે ગણી શકાય?
મુફ્તી મોહમ્મદ અબ્દુલ્લા કહે છે કે જકાત આપવી પવિત્ર ફરજ છે, આ માટે જરૂરી છે કે જકાત મેળવનારને તે પૈસાનો માલિક બનાવવામાં આવે. આમ કરવાથી, તે તેની જરૂરિયાત મુજબ અથવા સ્વતંત્ર રીતે તેનો ઉપયોગ કરી શકે છે.
તેમણે કહ્યું, "જો તમે કોઈ સંસ્થાને પૈસા આપો, તો તેને ખર્ચ કરવાનો અધિકાર કોઈ ગરીબ અથવા જરૂરિયાતમંદ વ્યક્તિને રહેશે નહીં. તે પૈસાનો માલિક ગરીબ અથવા જરૂરિયાતમંદ નહીં હોય. તેથી જકાતના સ્વરૂપમાં માત્ર રોકડ આપવાનું વધુ યોગ્ય છે."
4. પત્નીનાં સોનાના દાગીના પર જકાત કોણ આપશે?
અબ્દુલ્લાએ કહ્યું કે પત્ની અને પુત્રીની જકાતની પણ પતિ કે પિતાની જવાબદારી છે.
તેમ છતાં ધારો કે કોઈ પુરુષની પત્ની પાસે 11.66 ગ્રામ સોનું છે પણ રોકડ નથી. આવી સ્થિતિમાં, તે સોનું અથવા તેનો અમુક હિસ્સો વેચીને પણ જકાત ચૂકવી શકે.
આ જકાત પતિ દ્વારા પણ ચૂકવી શકાય છે, પરંતુ તે લોન તરીકે લઈ શકાતી નથી.
તેમણે કહ્યું કે ઘરેણાંનો મતલબ સોનું અને ચાંદી થાય છે. તેમણે કહ્યું, "જોકે, તે સ્પષ્ટ નથી કે હીરા, રત્નો અથવા અન્ય કોઈ ઘરેણાંના કિસ્સામાં શું કરી શકાય. જો આ વસ્તુઓ વ્યવસાય માટે લાવવામાં આવી હોય, તો તેના પર જકાત ચૂકવવી પડશે."
5. શું કપડાં દ્વારા જકાત આપી શકાય?
મુફ્તી અબ્દુલ્લાએ કહ્યું, "તે સાચું છે, પરંતુ સારું નથી." આનું કારણ આપતા તેઓ કહે છે કે, જેમનાં માટે જે જરૂરી હોય તેમને તે આપીને જકાત આપવી વધુ યોગ્ય છે.
તેમણે કહ્યું, "કદાચ કોઈને કપડાંની નહીં પણ ખોરાકની જરૂર હોય. શક્ય છે કે બીજા કોઈને રોકડની જરૂર હોય. આ બધાને ધ્યાનમાં રાખીને, જેને જે જોઈએ તે આપીને મદદ કરવી જોઈએ. જો આમ શક્ય ન હોય તો રોકડ આપવી જ વધુ યોગ્ય છે."
6. નિસાબ શું છે?
નિસાબ એક ઇસ્લામિક શબ્દ છે. તેનો અર્થ એ છે કે રોજિંદી જરૂરિયાતો પૂરી કર્યા પછી અને રોજિંદી જરૂરિયાતની વસ્તુઓને છોડીને, જો કોઈ વ્યક્તિ પાસે 52.2 તોલા ચાંદી અથવા 7.5 તોલા સોનું અથવા તેની સમકક્ષ કોઈપણ વેપારી વસ્તુ હોય, તો તેને જકાતની નિસાબ કહેવામાં આવે છે.
ધર્મના નિયમો અનુસાર, જો કોઈ વ્યક્તિ પાસે એક વર્ષથી વધુ સમય માટે નિસાબની રકમ જેટલી મિલકત હોય, તો તેણે જકાત ચૂકવવી પડશે.
ધારો કે કોઈ વ્યક્તિ પાસે 7.5 તોલા કરતાં થોડું વધારે સોનું હોય અને ધારી લઈએ કે તેમનું સોનું બજારમાં 4 લાખ રૂપિયામાં વેચી શકાય છે. તો આ નિસાબની માત્રા છે. હવે તેમણે આ નિસાબ માટે 2.5 ટકાના દરે દસ હજાર રૂપિયાની જકાતની રકમ ચૂકવવી પડે.
7. જકાત કોને આપવાની હોય છે?
જકાત આપવાને લઈને જે ચર્ચા છે એવી જ ચર્ચા જકાત કોને આપવી તેને લઈને પણ હોય છે. ઇસ્લામના નિયમો અનુસાર જકાત ફક્ત મુસ્લિમોને જ આપી શકાય છે અને એમાં પણ ચોક્કસ શ્રેણી નિયત કરવામાં આવી છે.
જેમને જકાત આપી શકાય તેમાં નીચેની વ્યક્તિઓનો સમાવેશ થાય છે.
ગરીબ લાચાર મુસ્લિમ
દેવામાં દબાયેલી વ્યક્તિ
જેહાદી અને પ્રવાસી
ગરીબ ધર્મઉપાસક
ગરીબ લાચાર સંબંધી
મુસ્લિમ ધર્મ અપનાવતા લોકો
8. સરકારનું જકાત ફંડ કેવી રીતે કામ કરે છે?
બાંગ્લાદેશ સરકારનું એક જકાત ફંડ છે, જે 1982માં બનાવવામાં આવ્યું હતું. આ જકાત ફંડના માધ્યમથી દેશના 64 જિલ્લાઓમાં લોકો પાસેથી જકાત વસૂલવામાં આવે છે અને એકત્ર કરાયેલા નાણાંમાંથી 70 ટકા રકમ સરકારના નિયમો અનુસાર સંબંધિત જિલ્લાઓમાં ખર્ચવામાં આવે છે.
ઇસ્લામિક ફાઉન્ડેશનના જકાત ફંડના માધ્યમથી 1982થી નાણાકીય વર્ષ 2019-20 સુધીમાં લગભગ સાડા નવ લાખ લોકોને લગભગ 35 કરોડ રૂપિયાનું જકાત વિતરણ કરવામાં આવ્યું છે.
વ્યક્તિઓને જકાત આપવા ઉપરાંત સંસ્થાઓને પણ જકાત આપી શકાય છે.
બાંગ્લાદેશમાં સરકાર દ્વારા એકત્રિત કરવામાં આવતી જકાત વિવિધ ક્ષેત્રો જેવા કે જકાત બોર્ડની બાળકોની હોસ્પિટલ, સિલાઇ તાલીમ વગેરેમાં ખર્ચવામાં આવે છે.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો