જિજ્ઞેશ મેવાણી : આસામની કોર્ટમાંથી જામીન મળ્યા પછી જિજ્ઞેશ મેવાણીની ફરી ધરપકડ

બનાસકાંઠાની વડગામ બેઠકના અપક્ષ ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણીની આસામની બારાપેટા પોલીસે ફરીથી ધરપકડ કરી લીધી છે. તેમને અદાલતની આસામની કોર્ટે જામીન આપ્યા હતા પરંતુ સમાચાર સંસ્થા એએનઆઈ અનુસાર જિગ્નેશ મેવાણીના વકીલ એડવોટ અંશુમન બોરાએ ટ્વીટ કરીને જણાવ્યું કે જામીન મળ્યા પછી તેમની અન્ય એક કેસમાં ધરપકડ કરવામાં આવી છે.

બનાસકાંઠાની વડગામ બેઠકના અપક્ષ ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણીને આસામની કોકરાજાર જિલ્લાની કોર્ટે જામીન આપ્યા છે .

એએનઆઈ વકીલ જિજ્ઞેશ મેવાણીના વકીલને ટાંકીને જણાવે છે કે અદાલતે જામીન આપ્યા છે. તેમના વકીલ અનુસાર 'જામીન મળ્યા પછી પાડોશના બારપેટા અને અન્ય એક જિલ્લામાં જિગ્નેશ મેવાણી સામે કેસ નોંધાયા છે જેમાં તેમને ફરી કસ્ટડીમાં લેવાના પ્રયાસ થઈ રહ્યા છે'.

જિજ્ઞેશ મેવાણી સામે નવો કેસ શું છે?

ઇન્ડિયન એક્સપ્રેસ અનુસાર જિજ્ઞેશ મેવાણીના વકીલ અંશુમન બોરાએ કહ્યું કે, "બરપેટા પોલીસે તેમને જામીન મળ્યા પછી ફરી તેમની ધરપકડ કરી હતી. તેમની વિરુદ્ધ ભારતીય દંડ સંહિતાની કલમ 294, 354, 353 અને 323 હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે જેના પરથી સમજી શકાય કે મેવાણીએ કસ્ટડીમાં પોલીસ અધિકારીઓ સાથે દુર્વ્યવહાર અથવા હુમલો કરવાનો મામલો હોઈ શકે છે."

ત્યારે જિજ્ઞેશ મેવાણી સામે કરાયેલી ફરિયાદ અનુસાર "કોકરાઝાર પોલીસ સ્ટેશન વિમેન સબ ઇન્સપેક્ટર દેબિકા બ્રહ્માએ કહ્યું કે આરોપી જિજ્ઞેશ મેવાણીને ધરપકડ પછી ગુવાહાટીના એલજીબી ઍરપોર્ટ પરથી કોકરાઝાર લાવવામાં આવી રહ્યા હતા ત્યારે બરપેટા જિલ્લામાં બપોરે 1.30 વાગ્યાની આસપાસ સિમલાગુરી પૉઇન્ટ પરથી પસાર થતાં ધરપકડ કરાયેલી આરોપી (જિજ્ઞેશ મેવાણી)એ મારી સામે અશિષ્ટતા ભરેલા શબ્દનો ઉપયોગ કર્યો."

"જ્યારે મેં તેમને સરખું વર્તન કરવાનું કહ્યું તો તેમણે વધુ અશિષ્ટતા કરી. તેમણે મારી સામે આંગળી ચીંધી અને મને ડરાવવાનો પ્રયત્ન કર્યો તથા મને જોરથી મારી સીટ પર ધક્કો માર્યો."

ફરિયાદમાં આગળ કહેવામાં આવ્યું છે કે, "આ રીતે તેમણે હું સરકારી કર્મચારી તરીકે મારી ફરજ બજાવતી હતી ત્યારે મારી પર હુમલો કર્યો અને ધક્કો મરતી વખતે મને અયોગ્ય રીતે અડીને મહિલાના શીલનો ભંગ કર્યો છે."

અંશુમન બોરાએ કહ્યું કે આ સંપૂર્ણ રીતે ખોટો અને બનાવટી કેસ છે.

તેમણે ઉમેર્યું કે મેવાણીને બરપેટા ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ કોર્ટમાં મંગળવારે રજૂ કરવામાં આવશે. હવે જામીન માટે તેમની સમક્ષ અરજી કરાશે.

ગુજરાત આમ આદમી પાર્ટીના અધ્યક્ષ ગોપાલ ઇટાલિયાએ એક ફેસબુક પોસ્ટ લખીને જિગ્નેશ મેવાણીનું સમર્થન કરતાં લખ્યું હતું કે, ''અગાઉ સામાન્ય ટ્વીટ બાબતે તેમની સામે છેક આસામમાં ખોટા કેસ કરીને ચાર દિવસ સુધી લૉકઅપમાં રાખ્યા પછી આજે જ્યારે જિગ્નેશ મેવાણીની ફરી ધરપકડ કરવામાં આવી છે. ભાજપ દ્વારા આવી રીતે ખોટા કેસ કરીને ડરાવવા અને ધમકાવવાની રાજનીતિ એકદમ વ્યાજબી નથી.''

અગાઉ રવિવારે કોર્ટે જિજ્ઞેશ મેવાણીને એક દિવસની ન્યાયિક કસ્ટડીમાં મોકલી આપ્યા હતા.

ગત 20 એપ્રિલના રોજ મધરાતે આસામ પોલીસે પાલનપુરથી તેમની ધરપકડ કરી હતી અને તેમને આસામ લઈ ગઈ હતી.

અગાઉ ધરપકડ બાદ ત્રણ દિવસ માટે તેમની કસ્ટડી પોલીસને આપવામાં આવી હતી. આ દરમિયાન ગુજરાતમાં અને દેશમાં અન્ય સ્થળોએ જિજ્ઞેશ મેવાણીની ધરપકડના વિરોધમાં, તેમને મુક્ત કરવાની માગ સાથે વિરોધપ્રદર્શનો થઈ રહ્યાં છે.

નોંધનીય છે કે જિજ્ઞેશ મેવાણીની ગત 20 એપ્રિલ બુધવારના રોજ આસામની કોકરાજાર પોલીસ દ્વારા ધરપકડ કરાઈ હતી.

વડા પ્રધાન નરેન્દ્ર મોદી અંગે વિવાદિત ટ્વીટ મામલે આસામના કોકરાજાર જિલ્લામાં ભાજપના સ્થાનિક નેતા અરૂપકુમાર ડે દ્વારા જિજ્ઞેશ મેવાણી સામે મુકદમો કરાયો હતો.

જેમાં તેમના પર બે વર્ગ વચ્ચે વેરભાવ વધારવાના પ્રયત્ન અને ગુનાહિત કાવતરા સહિતની કલમો અંતર્ગત ગુનો દાખલ કરાયો હતો.

જિજ્ઞેશ મેવાણી તરફે તેમના સમર્થકો અને કૉંગ્રેસના નેતાઓએ આ ધરપકડનો વિરોધ કરી અને તે ગેરકાયદેસર હોવાનું ઠરાવ્યું હતું.

હાલ જિજ્ઞેશને કોકરાજારની જેલમાં રાખવામાં આવ્યા છે.

તેમને રવિવારે રાત્રે ચીફ જ્યુડિશિયલ મૅજિસ્ટ્રેટના ઘરે રજૂ કરાયા હતા. જ્યાં તેમના કેસ અંગે સાડા નવ વાગ્યા સુધી દલીલો ચાલી હતી.

જે બાદ તેમને ન્યાયિક હિરાસતમાં મોકલવાનો હુકમ કરાયો હતો.

જિજ્ઞેશ રવિવારની સુનાવણીમાં આસામના પરંપરાગત ગમછામાં જોવા મળ્યા હતા.

તેમની ધરપકડના વિરોધમાં સ્થાનિક કૉંગ્રેસના નેતાઓ દ્વારા મૂક રેલીનો પણ આયોજન કરાયું હતું.

શું છે સમગ્ર મામલો?

ગુજરાતના બનાસકાંઠાની વડગામ વિધાનસભાની બેઠક પર ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણીની બુધવાર રાત્રે 11:30 વાગ્યે પાલનપુર સર્કિટ હાઉસ ખાતેથી આસામની કોકરાજાર પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી.

ગુરુવારે તેમને આસામની કોકરાજારની જિલ્લા કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. જિજ્ઞેશ મેવાણીના સહયોગી સુબોધ કુમુદે કહ્યું કે, પોલીસે 14 દિવસના રિમાન્ડ (પોલીસ કસ્ટડી)ની માગણી કરી હતી. અદાલતે ત્રણ દિવસની પોલીસ કસ્ટડી આપી છે.

બુધવારે આસામની પોલીસે તેમની ધરપકડ કરી હતી અને તે બાદ તેમને અમદાવાદ ઍરપૉર્ટથી આસામ લઈ જવામાં આવ્યા હતા.

ઉલ્લેખનીય છે કે જિજ્ઞેશ મેવાણીએ સોશિયલ મીડિયામાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી વિરુદ્ધ પોસ્ટ કરી હતી જે મામલે આસામના ભાજપના નેતાએ 19 એપ્રિલના રોજ તેમની સામે ફરિયાદ કરી હતી અને 20 તારીખે મધરાતે આસામ પોલીસે તેમની પાલનપુરમાં આવીને ધરપકડ કરી.

બુધવારે મધરાતે અને અને ગુરુવારે જિજ્ઞેશ મેવાણી સામે સરકાર કિન્નાખોરી અને તાનાશાહી દાખવી રહી હોવાને લઈને કૉંગ્રેસ સહિત અનેક કર્મશીલોએ દેખાવો કર્યા હતા. ગુરુવારે સોશિયલ મીડિયામાં મેવાણીની ધરપકડનો કૉંગ્રેસના દિગ્ગજ નેતાઓ સહિત અનેક લોકોએ વિરોધ કર્યો હતો. ઉલ્લેખનીય છે કે જિજ્ઞેશ મેવાણી હાલ વડગામથી અપક્ષ ધારાસભ્ય છે અને તેઓ કૉંગ્રેસમાં જોડાવાની જાહેરાત કરી ચૂક્યા છે.

ગુરવારે આસામ કૉંગ્રેસના વકીલો તેમન મદદ માટે કોર્ટે પહોંચ્યા હતા.

મધરાતે ધરપકડનો નાટકીય ઘટનાક્રમ

જિજ્ઞેશ મેવાણી દ્વારા રજૂ કરાયેલી પ્રેસનોટમાં જણાવાયું હતું કે "સમગ્ર મામલામાં આસામ પોલીસ દ્વારા શરૂઆતમાં અમદાવાદ ઍરપૉર્ટ લાવવામાં આવ્યા ત્યાં સુધી ધરપકડનું કોઈ કારણ આપવામાં આવ્યું ન હતું. FIRની નકલ પણ આપવામાં આવી નહોતી તથા વકીલ સાથે વાત પણ કરવા દેવામાં નહોતી આવી.

જ્યારે અમદાવાદ ઍરપૉર્ટ ખાતે જિજ્ઞેશ મેવાણીના સમર્થકો અને ગુજરાત પ્રદેશ કૉંગ્રેસના પ્રમુખ જગદીશભાઈ ઠાકોર, ધારાસભ્યો સી.જે. ચાવડા, ગ્યાસુદ્દીન શેખ, ઇમરાન ખેડાવાલા, પૂર્વ ધારાસભ્ય વિમલ શાહ, શહેરપ્રમુખ નીરવ બક્ષી, શાહનવાઝ શેખ દ્વારા વિરોધ કરવામાં આવ્યો તે બાદ જ FIRની કૉપી આપવામાં આવી હતી.

બીબીસીના સહયોગી દિલીપ શર્માએ મેવાણી વિરુદ્ધ નોંધાયેલી ફરિયાદ અંગેની વિગતો અંગે માહિતી આપતાં જણાવ્યું હતું કે, "કોકરાજાર જિલ્લાના ભવાનીપુરના રહેવાસી અનૂપ કુમાર ડેએ ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણી વિરુદ્ધ ફરિયાદ દાખલ કરાવી હતી. પોલીસે ભારતીય દંડ સંહિતાની કલમ 120 B (ગુનાહિત કાવતરું), કલમ 153 A (બે સમુદાયો વચ્ચે દુશ્મનાવટના વધારાને પ્રોત્સાહિત કરવી), 295 A (કોઈ પણ વર્ગના ધર્ણનું અપમાન કરવાના ઇરાદે પૂજાસ્થળને નુકસાન પહોંચાડવું કે અપવિત્ર કરવું), 504 (ઇરાદાપૂર્વક જાણીજોઈને અપમાન કરી શાંતિભંગ કરવી), 506 (ગુનાહિત ધમકી) અને આઇટી ઍક્ટની લાગતીવળગતી કલમો હેઠળ મામલો દાખલ કરાયો હતો."

આ સમગ્ર મામલે વિરોધ પ્રદર્શિત કરતાં ગુજરાત કૉંગ્રેસ પ્રદેશપ્રમુખ જગદીશ ઠાકોર સહિતના કૉંગ્રેસના નેતાઓએ સૂત્રોચ્ચાર કરી જિજ્ઞેશ મેવાણીની ધરપકડનો વિરોધ કર્યો હતો.

તેમણે ટ્વીટર પર પોતાનો આક્રોશ ઠાલવતાં લખ્યું હતું કે, "આસામ પોલીસે MLA જિજ્ઞેશ મેવાણીની પાલનપુર સર્કિટ હાઉસમાંથી ધરપકડ કરી, અડધી રાત્રે ઍરપૉર્ટ મારફતે આસામ લઈ ગયા છે. મધરાત્રે સાડા ત્રણ વાગ્યે અમદાવાદ ઍરપૉર્ટ ખાતે મુલાકાત કરી. લડાયક યુવાનો ભાજપની સરકાર સામે પ્રજાનો અવાજ ઉઠાવે છે ત્યારે ભાજપ સરકાર ડરાવી રહી છે. પરંતુ અમે ડરીશું નહીં લડીશું."

સમાચર સંસ્થા ANIએ જિજ્ઞેશ મેવાણીની ધરપકડની પુષ્ટિ કરતાં ટ્વીટ કર્યું હતું.

ANIના ટ્વીટ અનુસાર કોકરાઝારના એસપી થુબે પ્રતીક વિજયકુમારે જણાવ્યું હતું કે કોકરાજાર પોલીસે ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણીની પાલનપુર સર્કિટ હાઉસ ખાતેથી બુધવારે રાત્રે ધરપકડ કરી હતી.

સોશિયલ મીડિયા પર વડા પ્રધાનને ગુજરાતમાં કોમી હુલ્લડ થયા હોય તેવા વિસ્તારોમાં જઈને શાંતિ જાળવી રાખવાની અપીલ કરતી ટ્વીટના કારણે ફરિયાદ દાખલ થવાના લીધે આ ધરપકડ કરવામાં આવી હોવાનું આસામ પોલીસ દ્વારા અંતે જણાવવામાં આવ્યું હતું.

જિજ્ઞેશના સાથી અને વકીલ એવા સુબોધ કુમુદે બીબીસી ગુજરાતીને જણાવ્યું હતું કે, "શરૂઆતમાં તો પોલીસ FIR પણ આપવા તૈયાર નહોતી. કોઈને વાત કરવા દેવા પણ તૈયાર નહોતી. આ એક પ્રકારે ડરાવવાનો પ્રયત્ન થઈ રહ્યો છે. આનાથી અમને કોઈ ફરક પડવાનો નથી. સરકારની તાનાશાહી સામે અમારી જે લડાઈ ચાલુ હતી તે ચાલુ જ રહેશે."

આસામનાં કોકરાજાર પોલીસ સ્ટેશન દ્વારા જે FIR જિજ્ઞેશની ધરપકડ માટે રજૂ કરવામાં આવી છે તેમાં જિજ્ઞેશનાં બે ટ્વીટનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. જેમાં તેમણે વડા પ્રધાનનો ઉલ્લેખ ગોડસેને પોતાના આરાધ્ય દેવ માનવાવાળા તરીકે કર્યો છે. તે ટ્વીટમાં તેમને અપીલ કરવામાં આવી છે કે ખંભાત, હિંમનગર અને વેરાવળમાં થયેલી હિંસા મામલે શાંતિની અપીલ કરે.

FIRમાં જણાવાયું છે કે આ ટ્વીટની વ્યાપક ટીકા થઈ છે. શાંતિ અને ભાઈચારાને ખલેલ ન પહોંચે તે માટે તેમની સામે કાયદાકીય પગલાં લેવામાં આવે છે.

FIRમાં શું હતું?

ફરિયાદીએ પોતાની ફરિયાદમાં જણાવ્યું હતું કે જિગ્નેશનું વડા પ્રધાન 'ગોડસેને ભગવાન' માનતા હોવાના ટ્વીટની વ્યાપક ટીકા થઈ હોવાનો દાવો કર્યો હતો.

ફરિયાદમાં જણાવાયું હતું કે, "આ ટ્વીટના કારણે જાહેર શાંતિનો માહોલ ડહોળાઈ શકે છે. આ ટ્વીટના કારણે સમાજના એક વર્ગના લોકો અન્ય વર્ગના લોકોને નુકસાન પહોંચાડવા હિંસક કૃત્ય કરવા માટે ઉશ્કેરાય તેવી આશંકા છે. તેમજ આ ટ્વીટના કારણે દેશના આ વિસ્તારમાં સામાજિક તાણાવાણાને નકારાત્મક અસર પહોંચી શકે છે એમ છે."

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો