111 વર્ષ બાદ પણ ટાઇટેનિક ડૂબ્યાનાં એ રહસ્યો, જેનો જવાબ નથી મળ્યો

    • લેેખક, એડિસન વેગા
    • પદ, બીબીસી ન્યૂઝ, બ્રાઝિલ

દુર્ઘટના સમયે ટાઇટેનિક 41 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ઇંગ્લૅન્ડના સાઉથમ્પટનથી અમેરિકાના ન્યૂ યૉર્ક તરફ આગળ વધી રહ્યું હતું અને માત્ર ત્રણ કલાકમાં જ વર્ષ 1912ની 14 અને 15 એપ્રિલની મધ્ય રાત્રિએ ટાઇટેનિક ઍટલાન્ટિક મહાસાગરમાં ડૂબી ગયું.

જે જહાજ કદી નહીં ડૂબે એવું કહેવાતું હતું, તે ડૂબી ગયું. આ અકસ્માતમાં લગભગ 1500 લોકોનાં મોત થયાં હતાં. 111 વર્ષ પછી પણ આ સૌથી મોટો સમુદ્રી અકસ્માત માનવામાં આવે છે.

સપ્ટેમ્બર 1985માં અકસ્માતના સ્થળેથી અવશેષો દૂર કરવામાં આવ્યા હતા. હિમશીલાને ટકરાયા પછી કૅનેડાથી 650 કિલોમીટર દૂર 3,843 મીટરની ઊંડાઈએ જહાજ બે ભાગમાં તૂટી ગયું હતું અને બંને ભાગો એકબીજાથી 800 મીટર દૂર જઈ પડ્યા હતા.

આ દુર્ઘટનાનાં 111 વર્ષ પછી પણ આ દુર્ઘટના વિશે હજુ પણ રહસ્યો અકબંધ છે, બીબીસી ન્યૂઝ બ્રાઝિલે કેટલાક નિષ્ણાતો સાથે વાત કરીને આ રહસ્યોના તાગ મેળવવાનો પ્રયાસ કર્યો છે.

1. 'આ જહાજ ડૂબી જ ન શકે'

આ વિશાળ જહાજ વિશે એવું કહેવામાં આવ્યું હતું કે તે ડૂબી શકે નહીં, ભગવાન પણ તેને ડૂબાડી શકે નહીં. આ માન્યતા પાછળનાં કારણો પણ હતાં.

રિયો ડી જાનેરોની ફૅડરલ યુનિવર્સિટીના નેવલ અને ઓશિયન એન્જિનિયરિંગ વિભાગના પ્રોફેસર અને ઇજનેર એલેક્ઝાન્ડર દ પિન્હો અલ્હોએ જણાવ્યું હતું કે, "એન્જિનિયરિંગની દૃષ્ટિએ જોઈએ તો ડિઝાઇનના આધારે વિકસિત થયેલું આ પ્રથમ જહાજ હતું."

"જહાજમાં કેટલાક વૉટરટાઈટ કમ્પાર્ટમેન્ટ બનાવવામાં આવ્યા હતા. એટલે કે જો જહાજના એક ઓરડામાં પાણી ભરાઈ જાય, તો તે બીજા ઓરડાને ડૂબાડી શકે નહીં."

આ જહાજને તૈયાર કરતી વખતે કેટલીક મુશ્કેલીઓ પણ આવી હતી, જહાજની ઊંચાઈ કેટલી રાખવી, જેથી વીજળીના તાર અને પાણીના પાઈપ યોગ્ય રીતે કામ કરતા રહે- તે અંગે ઘણો વિચાર કરવામાં આવ્યો હતો.

પ્રોફેસર અલ્હોના જણાવ્યા અનુસાર, "આ બાબતોને ધ્યાન રાખીને વહાણની ઊંચાઈ નક્કી કરવામાં આવી હતી. તેમનું આકલન હતું કે પાણી ભરાઈ જવાની સ્થિતિમાં પણ પાણી છતની ઊંચાઈ સુધી નહીં પહોંચી શકે. છત પર સલામત કમ્પાર્ટમેન્ટ બનાવવામાં આવ્યા હતા."

પરંતુ ત્યારે કોઈએ હિમશીલા સાથે ભીષણ અથડામણ વિશે વિચાર્યું નહીં હોય.

પ્રોફેસર અલ્હોએ કહ્યું, "ટક્કર એટલી જોરદાર હતી કે જહાજના મુખ્ય ભાગની અડધી લંબાઈમાં તિરાડ પડી ગઈ હતી અને પાણી છત સુધી પહોંચી ગયું હતું."

"આખા જહાજમાં પાણી ભરાઈ રહ્યું હતું. આવી સ્થિતિમાં બચાવ શક્ય નથી હોતો. તમે પાણીને દૂર કરવા માટે તમામ પંપને સક્રિય કરી શકો છો, તમે બધી રીતો અજમાવી શકો છો, પરંતુ જે ઝડપે પાણી અંદર આવે છે, એટલી ઝડપે બહાર કાઢી શકાતું નથી."

શિપબિલ્ડર અને નેવિગેટર સિવિલ એન્જિનિયર થિયરી સમજાવે છે, "ટાઇટેનિકને એવી રીતે પ્રમોટ કરવામાં આવ્યું હતું કે તે કદી ડૂબી જ શકશે નહીં. આનું કારણ એ હતું કે ઘણા માળ બાંધવામાં આવ્યા હતા જે વોટરટાઈટ દીવાલોથી બનેલા હતા."

"બેઝમૅન્ટની બે હરોળમાં પાણી ભરાવાથી જહાજ ડૂબી શકે તેમ ન હતું. પરંતુ હિમશીલા સાથે અથડાવાને કારણે જહાજને ભારે નુકસાન થયું હતું અને વોટરટાઈટ કમ્પાર્ટમેન્ટ્સની ઘણી દીવાલો તૂટી ગઈ હતી."

ફ્લુમિનેન્સ ફૅડરલ યુનિવર્સિટીના પ્રોફેસર અને ટ્રાન્સપૉર્ટ એન્જિનિયર ઓરિલો સોરસ મુર્તાના જણાવ્યા અનુસાર, "ટાઈટેનિકના વોટર-ટાઈટ કમરાઓને બંધ કરવાની સિસ્ટમ પણ યોગ્ય રીતે કામ નહોતી કરતી."

તે સમયે વહાણ બનાવવા માટે વપરાતી ધાતુ હાલના સ્ટીલ જેટલી મજબૂત ન હતી.

સોરસ મુર્તાએ કહ્યું, "જોરદાર ટક્કર બાદ જહાજનું માળખું પણ બદલાઈ ગયું હતું. દરવાજા બંધ થતા નહોતા, તે જામ થઈ ગયા હતા. તે સમયે પણ ટાઈટેનિક શુદ્ધ સ્ટીલનું બનેલું હતું પરંતુ તે સમયનું સ્ટીલ આજના સ્ટીલ જેટલું મજબૂત નહોતું."

સાઓ પાઓલોના મેકેન્ઝી પેર્સેબીટેરિયન યૂનિવર્સિટીના પ્રોફેસર અને ધાતુશાસ્ત્રના ઇજનેર જોન વૈતાવુક સમજાવે છે કે 1940ના દાયકા સુધી જહાજનો મુખ્ય ભાગ ધાતુની શીટથી બનતો હતો.

જોકે, તે પછીથી જહાજોના મુખ્ય ભાગની બનાવટમાં પીગાળેલી ધાતુઓનો ઉપયોગ કરવામાં આવતો હતો.

વૈતાવુક જણાવે છે કે, "ત્યારથી ટેક્નૉલૉજી અને સામગ્રીમાં ઘણો બદલાવ આવ્યો છે. હવે ધાતુને પીગાળીને શીટને જોડવામાં આવે છે. સ્ટીલ બનાવવામાં કાર્બનનો ઉપયોગ પણ ઘટી રહ્યો છે અને મેંગેનીઝનો ઉપયોગ વધવા લાગ્યો છે. આજનું સ્ટીલ ખૂબ જ મજબૂત છે."

વૈતાવુકના મતે, આજના દરિયાઈ જહાજ પાણી, દરિયાઈ મોજાં અને તોફાનોની વધઘટને સમાયોજિત કરવામાં વધુ સક્ષમ છે.

2. 'બ્લૂ બૅન્ડ' મેળવવાની હોડ

મોટી દુર્ઘટનાઓ પછી તેનાં કારણોમાં હંમેશાં માનવીય ખામી જોવા મળે છે.

નિષ્ણાતોના મતે, હિમશીલા ભરેલા વિસ્તારમાંથી પસાર થવામાં મુશ્કેલીઓ હોવા છતાં મુસાફરી ઝડપથી પૂરી કરવાનું તેના પર ઘણું દબાણ હતું.

વાસ્તવમાં આ દબાણ 'બ્લૂ બૅન્ડ' હાંસલ કરવાનું હતું. 1839માં શરૂ થયેલું આ સન્માન ઍટલાન્ટિક મહાસાગરને સૌથી ઝડપથી પાર કરનાર જહાજને આપવામાં આવ્યું હતું. ટાઇટેનિકને આ સન્માન માટે સૌથી પ્રબળ દાવેદાર માનવામાં આવતું હતું.

પ્રોફેસર અલ્હોએ કહ્યું, "તે જમાના પ્રમાણે ટાઇટેનિક બનાવવા માટે શ્રેષ્ઠ એન્જિનિયરિંગ અને ટેક્નૉલૉજીનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. તે સમયે દરિયાઈ જહાજ બનાવવા માટે વિશ્વની મોટી કંપનીઓ વચ્ચે સ્પર્ધા ચાલતી હતી. તે સમયે ઇંગ્લૅન્ડ અને જર્મની વચ્ચે સૌથી લાંબા અને ઝડપી જહાજ બનાવવાની સ્પર્ધા ચાલતી હતી."

સૌથી મોટા અને ઝડપી જહાજને સત્તાવાર રીતે બ્લૂ બૅન્ડ મળતા હતા. આ સિદ્ધિ હાંસલ કરવા માટે કોઈ પણ જહાજ માટે પ્રથમ સફર સૌથી મહત્ત્વપૂર્ણ માનવામાં આવતી હતી.

અલ્હોના જણાવ્યા અનુસાર, "પ્રથમ સફરમાં જહાજની સ્થિતિ સૌથી શ્રેષ્ઠ હોય છે, પ્રથમ સફરમાં જહાજ સૌથી ઝડપી ગતિ મેળવી શકે છે, અને ટાઇટેનિકે પણ ઝડપી ગતિ મેળવવાનો પ્રયાસ કર્યો હતો."

દુર્ઘટનામાં જે બચી ગયા તે પૈકી ઘણા લોકોએ કહ્યું કે જહાજના કૅપ્ટનને રસ્તામાં નજીકમાં હિમશીલાની સૂચના મળી ગઈ હતી, પરંતુ તેમણે વહાણની ગતિ ઓછી કરી ન હતી, કારણ કે તે ઍટલાન્ટિક મહાસાગરને સૌથી વધુ ગતિ સાથે પાર કરવાનું લક્ષ્ય હાંસલ કરવા માગતા હતા.

3. ટાઇટેનિક એકલું ન હતું

ટાઇટેનિક એકલું નહોતું. આ જહાજને ચલાવતી વ્હાઇટ સ્ટાર લાઇન કંપનીએ 20મી સદીની શરૂઆતમાં બેલફાસ્ટ શહેરના હારલેન્ડ અને વોલ્ફ શિપયાર્ડમાં ત્રણ જહાજો બનાવવાનો ઑર્ડર આપ્યો હતો.

એવી અપેક્ષા રાખવામાં આવતી હતી કે આ ત્રણેય જહાજો વિશ્વની શ્રેષ્ઠ ડિઝાઇન ટીમ દ્વારા નિર્મિત વિશ્વના સૌથી લાંબા, સલામત અને સુવિધાયુક્ત હશે. એન્જિનિયર સ્ટંપે કહ્યું, "તે સમયે આ પરિયોજનાઓનો પણ ઘણો પ્રચાર કરવામાં આવ્યો હતો."

1908 અને 1915 ની વચ્ચે બાંધવામાં આવેલા આ જહાજોને ઑલિમ્પિક ક્લાસનાં જહાજો કહેવામાં આવતા હતા. 1908માં ઑલિમ્પિક અને 1909માં ટાઇટેનિક એમ પ્રથમ બે જહાજ તૈયાર કરવાનું કામ શરૂ થયું હતું. ત્રીજા જહાજ, જાઇગેન્ટિકનું ઉત્પાદન 1911માં શરૂ થયું હતું.

જોકે, ત્રણેય જહાજો સાથે કોઈને કોઈ અકસ્માત થયા હતા. ઑલિમ્પિક જહાજની સેવા જૂન 1911માં શરૂ થઈ હતી, તે જ વર્ષે તે યુદ્ધજહાજ સાથે અથડાઈ ગયું હતું. સમારકામ પછી ફરી તેને સેવામાં ઉપયોગમાં લેવાયું.

પ્રથમ વિશ્વયુદ્ધ દરમિયાન બ્રિટિશ નૌકાદળે તેનો ઉપયોગ સૈનિકોને એક જગ્યાએથી બીજી જગ્યાએ પહોંચાડવા માટે કર્યો હતો. 1918માં તે જર્મન સબમરીન સાથે ટકરાઈ ગયું હતું.

સમારકામ પછી 1920થી ફરીથી તેને ઉપયોગમાં લેવાનું શરૂ થયું. જૂના અને ભરોસાપાત્ર ગણાતા આ જહાજનો ઉપયોગ 1935 સુધી કરવામાં આવ્યો હતો.

10 એપ્રિલ, 1912ના રોજ ટાઇટેનિકની પ્રથમ સફર શરુ થઈ હતી. તે સાઉથમ્પટન બંદરની બહાર બીજા જહાજ સાથે અથડાતા સહેજમાં બચી ગયું હતું. અને 14 એપ્રિલે તે ઐતિહાસિક અકસ્માતનો શિકાર બન્યું હતું.

જાયગેન્ટિકનો પણ બહુ ઉપયોગ ન થયો. તેનું નામ બદલીને બ્રિટાનિક રાખવામાં આવ્યું. પ્રથમ વિશ્વયુદ્ધ દરમિયાન બ્રિટિશ નૌકાદળે તેને હૉસ્પિટલમાં ફેરવી દીધું હતું. આ જહાજ નવેમ્બર 1916માં ડૂબી ગયું હતું.

આ ત્રણેય જહાજો તેમના સમયમાં ખૂબ જ વિશાળકાય જહાજો હતા. જોકે આજની સરખામણીમાં તે ઘણાં નાનાં કહેવાય.

સોરસ મુર્તા કહે છે, "આજનાં જહાજોની સરખામણીમાં તેઓ તો માત્ર બોટ ગણાય."

ટાઇટેનિકની લંબાઈ 269 મીટર હતી. ક્રૂ અને મુસાફરો સહિત તેમાં લગભગ 3300 લોકો રહેવાની વ્યવસ્થા હતી. આજનું સૌથી મોટું દરિયાઈ જહાજ વન્ડર ઓફ ધ સી છે, જે 362 મીટર લાંબું છે અને તેમાં 2,300 ક્રૂ મેમ્બર સાથે 7,000 મુસાફરો યાત્રા કરી શકે છે.

4. આટલાં બધાં મૃત્યુનું કારણ શું હતું?

ટાઇટેનિક દુર્ઘટનામાં લગભગ 1500 લોકોનાં મૃત્યુ થયાં હતાં, ત્યાર બાદ દરિયાઈ જહાજોની સુરક્ષા વ્યવસ્થાને સુધારવાના પ્રયાસો શરૂ થયા હતા. આ દુર્ઘટના બાદ દરિયાઈ જહાજોની સુરક્ષા માટે રડાર જેવાં સાધનોનો ઉપયોગ શરૂ કરવામાં આવ્યો હતો.

પ્રોફેસર અલ્હો સમજાવે છે, "રડારનો ઉપયોગ બીજા વિશ્વયુદ્ધ પછી જ શરૂ થયો હતો. તે પહેલાં બધું નરી આંખે જોવા પર નિર્ભર હતું. એક નાવિકને એટલી ઊંચાઈ પર બેસાડવામાં આવતો હતો કે જ્યાંથી તે સામે આવતી હિમશીલાને જોઈને સાવધાન કરી શકે. આ જ રસ્તો હતો, વધુ ઝડપે આગળ વધી રહેલા જહાજ માટે તે સુરક્ષિત ન હતો."

ટાઇટેનિક અકસ્માતની સલામતી જોગવાઈઓ પર ભાર મૂકવામાં આવ્યો હતો. ટાઈટેનિક દુર્ઘટનામાં ઘણાં લોકો મૃત્યુ પામ્યાં હતાં, કારણ કે તેમના માટે કોઈ લાઈફ બૉટ ન હતી.

પ્રોફેસર અલ્હો સમજાવે છે, "આ જહાર ક્યારેય ડૂબી શકે નહીં, એવી માન્યતાને કારણે જહાજમાં માત્ર અડધી લાઇફ બૉટ રાખવામાં આવી હતી."

તો સોરસ મુર્તાએ કહ્યું, "આ ઘટના દરિયાઈ જહાજોની સુરક્ષાની દૃષ્ટિએ એક મહત્ત્વપૂર્ણ તબક્કો સાબિત થયું. દરિયાઈ જહાજોની સલામતી માટે એક સંસ્થાકીય માળખું બનાવવામાં આવ્યું હતું, નિર્માણ દરમિયાન સલામતીનાં પરિમાણોનું ધ્યાન રાખવામાં આવ્યું. તેને સતત સુધારવાની યોજના પર કામ કરવામાં આવ્યું."

"આજના સમયમાં રડાર અને સોનાર તો બહુ પહેલાં હિમશીલાની જાણ કરી દે છે. આજે સમુદ્ર મેપિંગ અથવા દરિયાઈ સફરના ચાર્ટ દરેકમાં વધુ આધુનિક સ્વરૂપ આવી ગયું છે."

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો