ભારતીય સેનામાં છેલ્લાં બે વર્ષથી ભરતી કેમ બંધ છે?

    • લેેખક, સૌતિક બિશ્વાસ
    • પદ, બીબીસી સંવાદદાતા

23 વર્ષીય એક યુવકે છેલ્લા અઠવાડિયે દાવો કર્યો હતો કે તે રાજસ્થાનથી 50 કલાક દોડીને રાજધાની દિલ્હી પહોંચ્યો હતો. યુવક એ વિરોધપ્રદર્શનમાં ભાગ લેવા માગતો હતો, જે સરકારને સેનામાં ભરતીની માગને લઈને યોજવામાં આવ્યું હતું.

સુરેશ ભિચારે 350 કિમીની દોડમાં ભારતનો રાષ્ટ્રધ્વજ પણ સાથે રાખ્યો હતો. સુરેશ કહે છે કે તે સેનામાં જવા માટે ઉત્સાહિત છે, પરંતુ છેલ્લાં બે વર્ષથી કોઈ ભરતી નથી થઈ.

સુરેશે કહ્યું કે સેનામાં ભરતીની તૈયારી કરનારા યુવાઓ સમયમર્યાદા પાર કરી ચૂક્યા છે, પણ કોઈ ભરતી થઈ નથી.

ભારતનો એ દેશમાં સમાવેશ થાય છે, જ્યાં સેનામાં મોટી સંખ્યામાં લોકોને રોજગાર મળે છે. ભારતીય સેનામાં 14 લાખ લોકોને નોકરી મળેલી છે.

ભારતના નવજવાનોમાં સેનામાં સામેલ થવાની તમન્ના બહુ ઘણા સમયથી પ્રબળ છે. ભારતીય સેનામાંથી દર વર્ષે 60 હજાર કર્મીઓ નિવૃત્ત થાય છે. સેના આ ખાલી પદો માટે ખુલ્લી ભરતી માટે 100થી વધુ રેલીઓનું આયોજન કરતી હતી.

અધિકારીઓનું કહેવું છે કે કોવિડ મહામારીને કારણે ભરતીઓ અટકેલી હતી. જોકે વિશ્લેષકોનું માનવું છે કે આ સંપૂર્ણ સત્ય નથી.

મોદી સરકાર સેનાનું કદ ઘટાડવા માગે છે?

તેમનું કહેવું છે કે વડા પ્રધાન નરેન્દ્ર મોદી કદાચ સેનાનું કદ ઘટાડવા માગે છે. તેનું મોટું કારણ એ છે કે ભારતના રક્ષાબજેટના 70 અબજ ડૉલરનો અડધાથી વધુ હિસ્સો કર્મીઓના પગાર અને પેન્શન બિલ આપવામાં ખર્ચ થઈ જાય છે. પછી સેનાના આધુનિકીકરણ અને ઉપકરણો માટે બહુ ઓછા પૈસા બચે છે.

અમેરિકા અને ચીન બાદ ભારત સેના પર ખર્ચ કરનાર ત્રીજો સૌથી મોટો દેશ છે. આ સિવાય ભારત દુનિયાનો શસ્ત્રોની આયાત કરનારો સૌથી મોટો બીજો દેશ છે.

મોદી સરકાર હવે અબજો ડૉલર એ બાબત પર ખર્ચ કરી રહી છે કે હથિયારો અને ઉપકરણોનું ઉત્પાદન દેશમાં થઈ શકે. તેમજ ભારત માટે પરમાણુ હથિયારો અને મિસાઇલોનો મોટો જથ્થો પહેલેથી જ છે.

રક્ષા સૂત્રોના હવાલાથી જાહેર કરાયેલા એક રિપોર્ટમાં કહેવાયું કે સરકાર સૈનિકોની ભરતીઓ હંગામી ધોરણે કરવાનું વિચારી રહી છે. જેમાં ત્રણ વર્ષની નિયુક્તિની વાત કરાઈ રહી છે.

મોદી ભારતનાં ઘણાં ક્ષેત્રોમાં સુધારાની વકીલાત કરતા રહ્યા છે. ભૂતકાળમાં મોદીએ આ રીતના સંકેત આપતાં કહ્યું હતું, "આપણને ચુસ્ત દળોની જરૂર છે. આપણે આધુનિક તકનીક આધારિત સેના જોઈએ, માત્ર લોકોની દિલેરી પર નિર્ભર નહીં. ભારતને એ ક્ષમતાની જરૂર છે, જેમાં યુદ્ધ સરળતાથી જીતી શકાય, ન કે યુદ્ધ લાંબું ખેંચવું પડે."

સેનાના એક અતિસન્માનિત સેવાનિવૃત્ત અધિકારી સેનાનું કદ ઘટાડવાની જરૂરિયાત જણાવે છે.

લેફ્ટનન્ટ જનરલ એચએસ પનાગે હાલમાં એક ટિપ્પણીમાં કહ્યું હતું કે હજુ પણ એક લાખથી વધુ કર્મીઓની ઘટ છે અને આ સુધારનો સારો મોકો છે.

લેફ્ટનન્ટ જનરલ પનાગે કહ્યું, "21મી સદીમાં સેના તકનીકથી સજ્જ હોવી જોઈએ, જે તત્કાળ કાર્યવાહી કરે. આ ઉપમહાદ્વીપના સંદર્ભમાં વધુ જરૂરી છે. પરમાણુ હથિયારોને કારણે અહીં પારંપરિક યુદ્ધ શક્ય નથી."

લેફ્ટનન્ટ જનરલ પનાગે આગળ કહ્યું, "મોટી સેના ગુણવત્તા પર ભારે પડે છે. આપણે ગુણવત્તાથી સમાધાન કરવું પડે છે. ભારત એક વિકાસશીલ અર્થવ્યવસ્થા છે અને રક્ષાબજેટ સતત વધારી ન શકે. એવામાં સેનામાં લોકોની સંખ્યા ઓછી કરવી પડશે."

ભારતમાં રક્ષા મામલો પર લખનારા ભારતીય સેનાના પૂર્વ અધિકારી અજય શુક્લા કહે છે, "સેનામાં હજુ પણ જેટલા લોકો છે, એમાં ઘટાડાને પૂરો અવકાશ છે. આપણે લોકોની સંખ્યા ઓછી કરવાની જરૂર છે."

ભારતીય સેનાની સીમા પર તહેનાતી

જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીમાં રક્ષા અધ્યયનના પ્રોફેસર લક્ષ્મણકુમાર બેહરા કહે છે, "ઉદાહરણ તરીકે ચીનને જોઈ શકો છો. ચીન પોતાના રક્ષાબજેટનો એક તૃતીયાંશ ભાગ જ સૈનિકોના પગાર પર ખર્ચ કરે છે, જ્યારે ભારત 60 ટકા કરે છે. ચીનનો સંપૂર્ણ ભાર તકનીક પર છે અને તે લોકોની સંખ્યા સતત ઓછી કરી રહ્યું છે."

પરંતુ શું અત્યારે આ કરવાનો યોગ્ય સમય છે? ચીન સાથે જોડાયેલી સીમા પર તણાવ રહે છે. ચીન અને પાકિસ્તાન પરમાણુ શક્તિ-સંપન્ન દેશ છે અને બંને દેશો સાથે જમીન પર યુદ્ધ છેડાવાની આશંકા રહે છે.

ચીન સાથે હિમાલયની સીમા પર હજારો ભારતીય સૈનિકો તહેનાત છે. આ સિવાય ભારત પ્રશાસિત કાશ્મીરમાં પણ અંદાજે પાંચ લાખ ભારતીય સૈનિકોની સ્થાયી તહેનાતી રહે છે. અહીં સીમા પરથી ઉગ્રવાદી હુમલાની આશંકા રહે છે.

સિંગાપુરમાં એસ રાજરત્નમ સ્કૂલ ઑફ ઇન્ટરનેશનલ સ્ટડીઝના અનીત મુખરજી કહે છે, "જ્યારે સીમા પર તણાવ છે અને ત્યાં સૈનિકોની હાજરી અનિવાર્ય છે, એવા સમયે ભરતીઓ બંધ કરવાથી નકારાત્મક અસર પડી શકે છે."

મુખરજી કહે છે કે 'ટૂર ઑફ ડ્યૂટી' પ્રસ્તાવને લઈને ઘણી ચિંતાજનક બાબતો છે. મુખરજી કહે છે કે પ્રોફેશનલ સૈનિકોની જગ્યાએ ઓછા સમયની અવધિવાળા સૈનિકો લેશે તો તેની અસર ક્ષમતા પર પડશે.

સેન્ટર ફૉર પૉલિસી રિસર્ચના સિનિયર ફેલો સુશાંતસિંહ કે છે કે આ પ્રસ્તાવથી તેઓ અસહજ છે. તેઓ કહે છે કે સેનામાં યુવાઓની ભરતી ઓછા સમય માટે કરાશે તો તેઓ 24 વર્ષના થતાં-થતાં સેનામાંથી બહાર થઈ જશે. તેનાથી દેશમાં બેરોજગારી વધશે.

બેરોજગારી વધશે?

દિલ્હીસ્થિત થિન્ક ટૅન્ક 'સેન્ટર ફૉર પૉલિસી રિસર્ચ'માં સિનિયર ફેલો સુશાંતસિંહ કહે છે કે સેનામાં ઘટાડાની વાત તેમને અસહજ કરે છે. તેઓ કહે છે, "તેનાથી યુવાસૈનિકોનો એવો વર્ગ તૈયાર થશે, જે એવા દેશમાં સેનામાંથી બહાર થઈ જશે, જ્યાં બેરોજગારીની સમસ્યા વિકરાળ છે."

સુશાંતસિંહે કહે છે, "શું તમે ખરેખર મોટી સંખ્યામાં સૈન્ય-પ્રશિક્ષણ લેનારા યુવાઓને નોકરીમાંથી બહાર કરવા માગો છો? આ યુવા પછી એ સમાજમાં આવશે, જ્યાં પહેલેથી જ હિંસા વધેલી છે. શું તમે ઇચ્છો છો કે આ પૂર્વ ફોજી પોલીસ અને સિક્યૉરિટી ગાર્ડ બને? મારો ભય એ છે કે ક્યાંક હથિયાર ચલાવવાની ટ્રેનિંગ લેનારા બેરોજગાર યુવાઓની ફોજ તૈયાર ન થઈ જાય."

લેફ્ટનન્ટ જનરલ પનાગ કહે છે કે કુશળ સેના કોઈ માટે નુકસાનકારક નથી. તેઓ કહે છે કે મોદી સરકારે સુધારા પર આગળ વધવુ જોઈએ અને યથાસ્થિતિ તોડવી જોઈએ.

પરંતુ સુશાંતસિંહ જેવા કેટલાક લોકો મહત્ત્વના સવાલ ઉઠાવી રહ્યા છે. જો વર્ષો સુધી ભરતી ન થઈ તો ઘટને કેવી રીતે પૂરી કરાશે? તમે ઓછી અવધિવાળા શિખાઉને કેટલી ઝડપથી ટ્રેનિંગ આપશો? જે ભરતીની માગ કરી રહ્યા છે, તેમની માગનું શું થશે? સૌથી મોટો સવાલ એ છે કે સેનામાં ક્યાં-ક્યાં કપાત થશે?

સુશાંતસિંહ કહે છે કે અહીં કોઈ રણનીતિ કે પ્લાન દેખાતો નથી. તેઓ કહે છે કે આ એવો સુધારો છે, જે ચોરીછૂપીથી થનારો છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો