મધ્યાહ્ન ભોજન યોજના : 11.80 કરોડ બાળકોની ભૂખ સંતોષનારી યોજના મહામારી પછી કેમ ખોડંગાઈ છે?

    • લેેખક, આસ્થા રાજવંશી
    • પદ, બીબીસી ન્યૂઝ

મહામારી દરમિયાન શાળાઓ બંધ હતી. તેથી શાળાઓમાં મધ્યાહ્ન ભોજન યોજના હેઠળ મફત આપવામાં આવતા ભોજનથી લાખો બાળકો વંચિત રહ્યાં હતાં.

કોવિડ મહામારીને કારણે સમગ્ર દેશમાં શાળાઓ બંધ કરવાની ફરજ પડ્યાના બે વર્ષ બાદ જાન્યુઆરીમાં અલ્ફિશા શંકરવાડી મુંબઈ પબ્લિક સ્કૂલમાં પાછી ફરી હતી.

13 વર્ષની આ છોકરી તેના દોસ્તો અને શિક્ષકોને ફરી મળવા ઉત્સાહિત હતી, પરંતુ તેનાથી વધુ આતુર, શાળામાં બપોરે આપવામાં આવતું ગરમગરમ ભોજન કરવા માટે હતી.

અલ્ફિશાએ કહ્યું હતું કે "મારી મમ્મી બિમાર રહે છે. તેથી એ મારા તથા મારા ભાંડુઓ માટે બપોરનું ભોજન કાયમ રાંધી શકતી નથી."

જોકે, સરકારની જંગી યોજના હેઠળ વિદ્યાર્થીઓને આપવામાં આવતા આ ભોજનની વ્યવસ્થા એપ્રિલના આરંભ સુધી ફરી શરૂ થઈ ન હતી. પરિણામે અલ્ફિશા બે મહિના સુધી ભૂખી રહી હતી અને હતાશ થઈ હતી.

મહામારી પહેલાના સમયમાં વિદ્યાર્થીનીઓને ખીચડી અથવા દાળ-ભાત ભોજનમાં આપવામાં આવતા હતા. તેના પર જીરું છાંટીને ખાવાની રોજિંદી ક્રિયાનો ઉલ્લેખ કરતાં અલ્ફિશાએ કહ્યું હતું કે "હું અને મારા દોસ્તો સાથે જમી શકતાં નથી એટલે મને દુઃખ થાય છે."

લૉકડાઉન દરમિયાન અલ્ફિશાએ ઘરે બપોરનું જમવાનું છોડી દીધું હતું. તે હવે અભ્યાસમાં, ખાસ કરીને તેના પ્રિય વિષય વિજ્ઞાનના અભ્યાસમાં ધ્યાન કેંદ્રિત કરી શકતી નથી.

મહામારી અને ભૂખ

સંયુક્ત રાષ્ટ્રસંઘના વર્લ્ડ ફૂડ પ્રોગ્રામનું સંચાલન ભારતમાં કરતા બિશો પરાજુલીએ તેનું કારણ આપતાં કહ્યું હતું કે "ભૂખ્યું બાળક ગણિત, અંગ્રેજી કે વિજ્ઞાન કે બીજી કોઈ બાબત પર ધ્યાન કેંદ્રિત કરી શકતું નથી."

ભારતમાં મધ્યાહ્ન ભોજન યોજનાની શરૂઆત દક્ષિણના ચેન્નાઈ શહેરથી 1925માં કરવામાં આવી હતી. આ યોજના વડે અલ્ફિશા જેવાં અંદાજે 11.80 કરોડ બાળકોની ભૂખ સંતોષી શકાઈ છે.

આ વર્ષે આ યોજનાનું નામ બદલીને પીએમ પોષણ કરવામાં આવ્યું છે. સમગ્ર દેશની સરકારી શાળાઓમાં અભ્યાસ કરતાં બાળકો પૈકીનાં 87 ટકાથી વધારે બાળકોને મહામારી પહેલાં આ યોજના હેઠળ આવરી લેવામાં આવ્યાં હતાં.

આ યોજનાને શિક્ષણશાસ્ત્રીઓ તથા અર્થશાસ્ત્રીઓ વખાણી છે. ભૂખ અને કુપોષણને નાબૂદ કરવા ઉપરાંત આ યોજના બીજું હકારાત્મક પરિવર્તન પણ લાવી છે. આ યોજનાને કારણે વંચિત સમાજનાં બાળકો, ખાસ કરીને છોકરીઓ શાળામાં અભ્યાસ કરતી થઈ છે.

બિશો પરાજુલીએ કહ્યું હતું કે "મેં બાળકોને ગરમાગરમ ભોજનના કોળિયા ક્ષણવારમાં ગળે ઉતારતાં જોયાં છે. તેથી તેમની ભૂખ, સતર્કતા અને અભ્યાસ પર થતી અસરનું મૂલ્ય ઓછું આંકી શકાય નહીં."

જોકે, લાંબા વિરામ પછી આ યોજનાનો ફરી અમલ કરવાનું ઘણી શાળાઓ માટે પડકારરૂપ બની રહ્યું છે.

ભોજન બનાવવા માટે વપરાતી ધાન્ય અને દાળ જેવી મૂળભૂત સામગ્રીનો પુરવઠો મેળવવામાં ગ્રામ્ય વિસ્તારોની ઘણી શાળાઓ વિલંબનો સામનો કરી રહી છે, જ્યારે શહેરોમાં આવેલી સ્કૂલોએ તો બાળકો માટેનું ભોજન રાંધનારા સેન્ટ્રલાઇઝ્ડ કિચન્સ સાથે કરાર સુદ્ધાં કર્યા નથી.

મુખ્ય વિરોધ પક્ષ કૉંગ્રેસનાં નેતા સોનિયા ગાંધીએ માર્ચમાં સરકારને આ યોજનાના પુનઃ પ્રારંભની વિનતી કરતાં જણાવ્યું હતું કે મહામારીની બાળકોને માઠી અસર થઈ છે.

સોનિયા ગાંધીએ સંસદમાં કહ્યું હતું કે, "શાળાઓમાં પાછાં ફરી રહેલાં બાળકોને હવે વધારે પોષણની જરૂર છે."

વૈશ્વિક ભૂખમરામાં ભારત ક્યાં છે?

116 દેશોના ગ્લોબલ હંગર ઇન્ડૅક્સમાં ગયા વર્ષે ભારતનું સ્થાન 101મું રહ્યું હતું, જે બાંગ્લાદેશ, પાકિસ્તાન તથા નેપાળ જેવા પાડોશી દેશો અને કેમરૂન તથા તાન્ઝાનિયા જેવા ગરીબ તથા રાજકીય રીતે વધારે અસ્થિર એવા દેશો કરતાં પણ નીચે હતું.

2019 અને 2021માં હાથ ધરવામાં આવેલા રાષ્ટ્રીય પરિવાર આરોગ્ય સર્વેક્ષણમાં જાણવા મળ્યું હતું કે દેશમાંના પાંચ વર્ષથી ઓછી વયનામ તમામ બાળકો પૈકીનાં એક-તૃતિયાંશ બાળકો અવિકસિત અને ઓછું વજન ધરાવે છે. 2015-16માં હાથ ધરવામાં આવેલા આગલા સર્વેક્ષણની સરખામણીએ બાળકોના પોષણના સ્તરમાં ખાસ કોઈ ફેરફાર થયો નથી.

ખાસ કરીને આર્થિક રીતે સધ્ધર ગણાતા પશ્ચિમના મહારાષ્ટ્ર અને દક્ષિણના કેરળ જેવાં રાજ્યોમાં ઓછું વજન ધરાવતાં અને અવિકસિત બાળકોના પ્રમાણમાં વધારો થયો હતો.

ખાદ્ય સલામતીના વૈશ્વિક નિષ્ણાતો માને છે કે આ તીવ્ર કુપોષણ વ્યાપક ગરીબી, સ્થાનિક ભૂખમરો, વસતીમાં ઝડપી વૃદ્ધિ, નબળા વહીવટ અને નબળી આરોગ્ય સેવાને આભારી હોય છે.

જોકે, મહામારીએ ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારો તથા ઝૂંપડપટ્ટીઓની સમસ્યાઓમાં વધારો કર્યો છે. આ વિસ્તારોમાં સરકારી સેવાઓ અને રોજગારની તકો આસાનીથી મળતી નથી.

સરકારી સેવામાંની કમીને પૂરવા માટે ઘણાં બિન-સરકારી સંગઠનો અને સ્વયંસેવી જૂથો ભોજન વિતરણ માટે આગળ આવ્યાં છે, પણ તેનાંથી ધાર્યું પરિણામ મળ્યું નથી.

દાખલા તરીકે, મુંબઈના શંકરવાડી વિસ્તારમાં કેટલાક વિદ્યાર્થીઓને 'ટીચ ફૉર ઇન્ડિયા' કાર્યક્રમ હેઠળ મફત ભોજન મળે છે. આ યોજના સમગ્ર મહારાષ્ટ્રની સરકારી શાળાઓમાં ખાનગી રોકાણ સાથે ચાલી રહી છે.

બીજી તરફ અન્યોએ ભોજન ખરીદવા માટે તેમના શિક્ષકો પર આધાર રાખવો પડે છે.

આ સરકારી શાળામાં શિક્ષક તરીકે 12થી વધુ વર્ષથી કાર્યરત ઇરફાન અંજુમે જણાવ્યું હતું કે મધ્યાહ્ન ભોજન યોજના અહીંના વિદ્યાર્થીઓને "ઈશ્વરે આપેલી ભેટ" છે.

ઇરફાનના ક્લાસમાં અભ્યાસ કરતા 26 વિદ્યાર્થીઓ પૈકીના આઠથી દસ વિદ્યાર્થીઓ ઘરેથી ભોજન લાવે છે અથવા તો ભોજન ખરીદવાના પૈસા લઈને આવે છે.

ઇરફાને સ્પષ્ટતા કરી હતી કે "આ બાળકો બહુ ગરીબ પરિવારનાં સંતાનો છે. શાળામાં ભોજનનું વિતરણ ન કરવામાં આવે ત્યારે તેમના પૈકીના ઘણાએ ભૂખ્યા રહેવું પડે છે."

શાળા ફરી શરૂ થઈ ગઈ છે ત્યારે 49 વર્ષના ઇરફાન તેમના વિદ્યાર્થીઓ માટે સ્થાનિક વેપારી પાસેથી ઘણીવાર સમોસાં કે મીઠાઈ ખરીદી લાવે છે.

તેમણે કહ્યું હતું કે "લાંબા સમય સુધી ભૂખ સહન ન થાય ત્યારે બાળકો રડવાં લાગે છે. મને લાગે છે કે તેમને જમાડવાં એ મારી ફરજ છે."

જવાબદારીના પ્રશ્નો

બિશો પરાજુલીએ જણાવ્યું હતું કે બાળકોને નિયમિત અને સમયસર ભોજન મળી રહે તે કેન્દ્ર સરકાર રાજ્ય સરકારો સાથે મળીને સુનિશ્ચિત કરે ત્યારે જ આ સમસ્યાનું નિરાકરણ શક્ય છે.

તેમણે કહ્યું હતું કે "જવાબદારી નિશ્ચિત થવી જરૂરી છે."

અન્ય દેશો કરતાં ભારતની મધ્યાહ્ન ભોજન યોજના અલગ હોવાનું કારણ એ છે કે ભારતમાં આ યોજનાનું સંચાલન ફૂડ સિક્યૉરિટી ઍક્ટ હેઠળ કરવામાં આવે છે.

બિશો પરાજુલીએ કહ્યું હતું કે, "બાળકોને શાળામાં અભ્યાસના ભાગરૂપે ભોજન આપવાનું કાયદામાં ફરજિયાત છે."

આ કાયદા મુજબ, ભારત સરકારે પ્રસ્તુત યોજના માટે અલાયદા ભંડોળની વ્યવસ્થા કરવી પડે છે એટલું જ નહીં, એ ભંડોળનો ઉપયોગ જાહેર વિતરણ વ્યવસ્થા અને સંકલિત બાળ વિકાસ સેવાઓ જેવા કાર્યક્રમો મારફતે બાળકોને ભોજન પૂરું પાડવા માટે થાય તે સુનિશ્ચિત પણ કરવું પડે છે.

બિશો પરાજુલીએ કહ્યું હતું કે "આ બહુજ સારી વાત છે, કારણ કે તેનો અર્થ, બાળકોને ભોજન મળશે, પરિવારોને થોડી આર્થિક રાહત મળશે અને સરકાર બાળ વિકાસના લક્ષ્યાંકોને હાંસલ કરી શકશે, એવો થાય."

આ યોજના ફરી ધીમેધીમે શરૂ થઈ રહી છે ત્યારે શિક્ષકો તથા માતા-પિતા ઇચ્છે છે કે તેમનાં બાળકો સ્કૂલે જાય અને ભોજન કરે.

મુંબઈના જોગેશ્વરી વિસ્તારની એક ઝૂંપડપટ્ટીમાં રહેતાં શાહનૂર અન્સારીએ લૉકડાઉનમાં તેમના સુતાર પતિની માસિક આવક બંધ થઈ ગઈ ત્યારે પરિવારને પોષવા જોરદાર સંઘર્ષ કરવો પડ્યો હતો.

33 વર્ષનાં શાહનૂરે પેરન્ટ-ટીચર મીટિંગમાં કહ્યું હતું કે "અમે મુઠ્ઠીભર ચોખાથી ગુજરાન ચલાવતાં હતાં."

શાળાઓ જાન્યુઆરીમાં ફરી શરૂ થઈ અને એપ્રિલથી તેમાં મધ્યાહ્ન ભોજન આપવાનું શરૂ થયું ત્યારથી શાહનૂરે રાહતનો શ્વાસ લીધો છે.

તેમણે ઉમેર્યું હતું કે, "અગાઉ મને મારાં બાળકોના ભોજનની ચિંતા થતી હતી, પરંતુ તેઓ ભણીગણીને એક દિવસ ડૉક્ટર થશે એવી આશા હું હવે ફરી રાખી શકું છું."

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો