You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
મડાગાસ્કર : એક મહિલાએ કેવી રીતે આખા ગામને ભૂખમરામાંથી બચાવી લીધું?
- લેેખક, કેથેરાઇન બાયરુહેંગા
- પદ, બીબીસી ન્યૂઝ
લોહારાનોનો સૌમ્ય સ્વભાવ તેમની આકરી મહેનત દેખાવા દેતો નથી. મડાગાસ્કરના દક્ષિણમાં આવેલા તેમના ગામને તેમણે સંકટમાંથી ઉગારી લીધું હતું.
દક્ષિણ વિસ્તારમાં પડેલા આકરા દુષ્કાળને કારણે 13 લાખ લોકો માટે અનાજની તંગી ઊભી થઈ હતી. લગભગ 28,000 બાળકો કુપોષણનો ભોગ બની ગયાં હતાં.
આવી મુશ્કેલી વચ્ચે સિમાનાનાન્ડા ગામના લોકો લોહારાનોની આગેવાનીને કારણે ટકી ગયા હતા.
પાછલાં અમુક વર્ષોથી ઘટતાં વરસાદને કારણે દુષ્કાળની સ્થિતિમાં આવી ગયેલા એન્ડ્રો પ્રાંતની રાજધાની એમ્બોવૉમ્બેથી 45 મિનિટના અંતરે આ ગામ આવેલું છે.
રેતાળ રસ્તો હોવાના કારણે 4x4 વ્હિકલને પણ ચાલવામાં મુશ્કેલી થાય તેવો આ રસ્તો છે. ધૂળિયા રસ્તે તમે ચારે બાજુ નજર નાખો ત્યાં ઉજ્જડ રણપ્રદેશ જેવું જ દેખાય છે.
આ જગ્યાએ કંઈ પણ ઊગી શકે તેવી કલ્પના કરવી પણ મુશ્કેલ લાગે, પરંતુ આ ઉજ્જડ પ્રદેશ વચ્ચે સિમાનાનાન્ડા ગામ જુદું તરી આવે છે.
ગામમાં પ્રવેશો એટલે લોહારાનોનું હાસ્ય તમારું સ્વાગત કરે. નાનાં કદકાઠીના લોહારાનો બહુ સૌમ્ય લાગે અને મને મીઠો આવકાર આપી ઘરે બેસાડે છે.
43 વર્ષનાં લોહારાનો 2013માં દુષ્કાળ શરૂ થયો તે વખતને યાદ કરતાં કહે છે, "અમે ભૂખભેગા થવા લાગ્યા હતા. વારેવારે વાવેતર કર્યું પણ નિષ્ફળ જતું હતું."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તે પછી સેન્ટ્રો એગ્રોઇકોલોજિકો ડેલ સૂર (CTAS) નામની સેવાભાવી સંસ્થાની મદદ લેવામાં આવી અને ચિત્ર બદલાયું.
અમે પહોંચ્યા તે પછી લોહારાનોએ ગામના લોકો માટે એક નાનકડો વર્ગ એક વૃક્ષના છાંયડામાં શરૂ કર્યો.
ખેતી કેવી રીતે કરી શકાય તે સમજાવવા માટે તેમણે પોસ્ટરથી ખેડૂતોને સમજાવ્યું. તેમના પતિ મેન્ડીલીમાના અને પડોશીઓની હાજરીમાં તેમણે સમજાવ્યું કે કેવા પ્રકારના પાક લેવાથી ઓછા વરસાદમાં પણ પાક લઈ શકાય અને કઈ રીતે જમીન પણ ફળદ્રુપ રહેશે.
"અમને ત્રણેય ટંકનું ભોજન હવે મળે છે"
પાછલાં સાત વર્ષથી CTAS તરફથી બાજરો અને બીજાં ઘરેલુ અનાજ આપવામાં આવે છે. રેતાળ પ્રદેશમાં પણ સહેલાઈથી ઊગી શકે તેવું બિયારણ આ સંસ્થા આપે છે. સાથે જ તેના કારણે જમીન પણ સુધરે છે.
આ ઉપરાંત જોરથી ફૂંકાતા પવનથી પાકને બચાવવા માટે કેવા પ્રકારની વાડ કરવી તે પણ ગામલોકોને સમજાવવામાં આવે છે.
પતિ સાથે પોતાનું ખેતર બતાવતાં લોહારાનો ગૌરવભેર કહે છે, "હવે અમને સવારે નાસ્તો, બપોરે ભોજન અને સાંજે વાળુ ત્રણેય ટંકનું ખાવાનું મળી રહે છે."
તેમના ખેતરમાં બાજરો ઊગેલો છે. તે સિવાય ચણા અને શક્કરિયા પણ વાવેલાં છે.
તેઓ કહે છે, "બાજરીને પીસીને તેમાં ખાંડ ભેળવીને બાળકોને આપીએ તે તેમને બહુ ગમે છે. આ છોકરા બાજરો ખાઈને જ મોટા થાય છે."
CTAS સંસ્થાએ આ ગામમાં સફળતા મળી તે પછી બીજાં 14 ગામમાં પણ આ રીતે ખેતી કરાવી છે, જેના કારણે લગભગ 10,000 ખેડૂત પરિવારોને ફાયદો થયો છે.
જોકે સમગ્ર વિસ્તારમાં દુષ્કાળની સ્થિતિ છે ત્યારે આ એક નાની સંસ્થા બધાને મદદરૂપ થઈ શકે તેમ નથી.
અમે એમ્બોવોમ્બ પાછા ફરી રહ્યા હતા ત્યારે આ સ્થિતિ સમજી શક્યા હતા, કેમ કે ચારે બાજુ યુદ્ધથી વિનાશ વેરાયો હોય તેવું લાગતું હતું.
વચ્ચે એક ઉજ્જડ જગ્યાએ ડઝન જેટલા પરિવારો કામચલાઉ ઝૂંપડાં બનાવીને, મચ્છરદાની રાખીને વસેલા જોયા. માથે પ્લાસ્ટિક ઢાંકેલું હતું. ભૂખમરાની સ્થિતિને કારણે 400 જેટલા લોકો આ રીતે ભટકવા માટે મજબૂર બન્યા છે.
લોહારાનોની જેમ તે લોકો પોતાના ખેતરમાં પાક લઈ શક્યા નહીં અને ખેતરો વેચીને નિરાશ્રિત જેવા થઈ ગયા છે.
જળવાયુ પરિવર્તનની સમસ્યા
માત્ર ખેતરો નહીં, લોકોએ ઘણું ગુમાવ્યું છે. મહોસો પત્ની અને 12 બાળકો સાથે ઝૂંપડામાં રહે છે. તેઓ કહે છે કે દુષ્કાળને કારણે તેમનાં ત્રણ સંતાન મૃત્યુ પામ્યાં છે.
"ગામમાં જ તેઓ ભૂખ્યા મરી ગયાં. એક પછી એક ત્રણેય જતાં રહ્યાં. અઠવાડિયાંઓ સુધી અમે કંઈ ખાધું નહોતું. કંઈ હતું જ નહીં, ખાવાનું કે પીવાનું."
મહોસો કહે છે કે તેમના કેટલાક છોકરાઓ શહેરમાં જઈને ખોરાક અને પાણી માગીને લઈ આવે છે.
તેમની ફરિયાદ છે કે સરકારે મદદનો વાયદો કર્યો હતો, પણ કંઈ મળ્યું નથી.
સત્તાવાળાઓએ દુષ્કાળગ્રસ્ત વિસ્તારોમાં અનાજ વહેચ્યું હતું અને વાયદો કર્યો હતો કે આ વિસ્તારમાં માળખાકીય સુવિધાના પ્રોજેક્ટ શરૂ કરાશે, જેથી લોકોને રોજી મળી રહે.
પ્રમુખ એન્ડ્રી રાજોલીનાની ટીકા થઈ રહી છે કે છેલ્લાં ઘણાં વર્ષોથી દુષ્કાળની સ્થિતિ છે, પણ તેઓ કંઈ કરી રહ્યા નથી.
સ્થાનિક લોકો કહે છે કે વર્ષોથી દક્ષિણ મડાગાસ્કરની ઉપેક્ષા થઈ છે.
પ્રોફેસર સિમિહોલે ટોવોન્ડ્રાફાલે કહે છે, "ફ્રેન્ચ સામ્રાજ્ય સામેની લડત વખતે એન્ડ્રોઇ વિસ્તારના લોકોએ લડત આપી હતી. ગોરીલા પદ્ધતિએ તે લોકો લડ્યા હતા."
આના કારણે ફ્રેન્ચશાસકોએ ક્યારેય આ વિસ્તારનો વિકાસ કરવામાં રસ લીધો નહોતો.
"તે લોકોએ અહીં રસ્તા બનાવવા, કૂવા ખોદવા કે એવું કોઈ કામ કર્યું નહોતું. એ જ રીતે સ્વતંત્રતા પછી પણ મડાગાસ્કરની સરકારે અહીં ઉપેક્ષા કરી છે."
જોકે પર્યાવરણમંત્રી આ વાતને નકારી કાઢે છે. વહિનાલા રાહારિનિરીના કહે છે, જળવાયુ પરિવર્તનને કારણે અહીં દુષ્કાળની સ્થિતિ ઊભી થઈ છે. આ કોઈ રાજકીય મુદ્દો નથી અને સંયુક્ત રાષ્ટ્રસંઘના ફૂડ પ્રોગ્રામના અધિકારીઓએ પણ આ વાત સ્વીકારી છે એવી તેમની દલીલ છે.
જોકે વર્લ્ડ વેધર એટ્રિબ્યૂશન સંસ્થાએ ક્લાઇમેટ ચેન્જની કેવી અસર થઈ છે તેનો અહેવાલ તૈયાર કર્યો છે તેમાં આ દાવાને પુષ્ટિ મળતી નથી. પ્રધાનના આ દાવાને પડકારવામાં આવ્યો છે.
મડાગાસ્કરના વિજ્ઞાની રોન્ડ્રો બારિમલાલા આ અભ્યાસમાં જોડાયા હતા. તેઓ કહે છે કે હાલના સમયમાં વરસાદ ઘટ્યો છે એ વાત સાચી, પરંતુ એટલો બધો નહીં કે લોકોની આટલી ખરાબ હાલત થઈ હોય.
દુષ્કાળને કારણે હોય કે બીજાં કારણો, પણ હજારો લોકો કફોડી સ્થિતિમાં મુકાયેલા છે. આવી સ્થિતિમાંથી પોતાના ગામને બચાવી લેવાનું કામ લોહારાનોએ કર્યું છે.
જોકે તેમને એ જોઈને દુ:ખ થાય છે કે ઘણા બધા લોકો બરબાદ થઈ ગયા છે અને તેમને મદદ મળી નથી.
તેઓ કહે છે, "મને દુ:ખ થાય છે કે તે લોકો ભૂખમરાનો ભોગ બનશે. એક દિવસ મેં એક જણને પૂછ્યું ત્યારે તેણે કહેલું કે ગઈ કાલથી તે લોકો ભૂખ્યા છે. આથી મેં તેમને મારા ખેતરમાંથી ચણા લઈ જઈને બાળકોને ખવરાવવા કહ્યું હતું."
તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો