જિજ્ઞેશ મેવાણી: આસામ ભાજપના નેતા અરૂપકુમાર ડેને ટ્વીટ સામે શું વાંધો પડ્યો?

    • લેેખક, દિલીપકુમાર શર્મા
    • પદ, ગુવાહાટીથી, બીબીસી ગુજરાતી માટે

આસામ પોલીસે બુધવારે મોડી રાત્રે ગુજરાતના વડગામના ધારાસભ્ય અને દલિત નેતા જિજ્ઞેશ મેવાણીની પાલનપુર સર્કિટ હાઉસ ખાતેથી ધરપકડ કરી છે. ધારાસભ્ય મેવાણીની આ ધરપકડ વાસ્તવમાં 18 એપ્રિલે એમણે કરેલી બે ટ્વિટના કારણે થઈ છે, જેમાં એમણે કથિતરૂપે વડા પ્રધાન નરેન્દ્ર મોદીને 'નાથુરામ ગોડસેના સમર્થક' ગણાવ્યા હતા.

જોકે, મેવાણીના ટ્વિટર અકાઉન્ટ પરથી ખબર પડે છે કે 18 એપ્રિલે એમના દ્વારા પોસ્ટ કરાયેલી બે ટ્વિટ અંગે 'કાયદાકીય માંગ'નું કારણ ટાંકીને ટ્વિટરે એમનું અકાઉન્ટ બંધ કરી દીધું છે. અર્થાત્ મેવાણી દ્વારા કરાયેલી ટ્વિટ્સ હાલ પૂરતી જોઈ શકાશે નહીં. આ સમગ્ર ઘટનાક્રમમાં પોલીસ દ્વારા તત્પરતાથી કરાયેલી કાર્યવાહી અને ફરિયાદીની ભૂમિકા વિશે ઘણી ચર્ચાઓ થઈ રહી છે.

ધારાસભ્ય મેવાણી વિરુદ્ધ પોલીસ ફરિયાદ કરનારા અરૂપકુમાર ડે બોડોલૅન્ડ વિસ્તારમાં ભારતીય જનતા પક્ષના નેતા છે. અત્યારે તેઓ 40 સીટ ધરાવતી બોડોલૅન્ડ ટેરિટોરિયલ કાઉન્સિલ (બીટીસી)માં સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ વિભાગના કાર્યકારી સભ્ય છે.

શું છે સમગ્ર ઘટના?

ભાજપા નેતા અરૂપકુમાર ડેએ 19 એપ્રિલ (મેવાણીની ટ્વિટના એક દિવસ પછી)એ કોકરાઝાર પોલીસથાણામાં એક ફરિયાદ નોંધાવી હતી, જેને પોલીસે એ જ દિવસે રજિસ્ટર કરીને કેસ દાખલ કરી દીધો. કોકરાઝાર પોલીસે આ કેસમાં તત્પરતા બતાવીને પોતાના અધિકારીઓને તે જ દિવસે ગુજરાત મોકલી દીધા અને 20 એપ્રિલની રાત્રે લગભગ 11 વાગ્યે ધારસભ્ય મેવાણીની ધરપકડ કરી લીધી.

ફરિયાદી અરૂપકુમાર ડેએ આ સમગ્ર મામલે બીબીસી સાથે વાત કરતાં કહ્યું, "જે વ્યક્તિએ મોદીજીની વિરુદ્ધ આટલી ખરાબ ટ્વિટ કરી એની સામે તો ફરિયાદ કરવી જ હતી. એમણે મોદીજી માટે ગોડસેની પૂજા કરવા જેવી વાત કહી દીધી. એમણે એવું નહોતું બોલવું જોઈતું. આ કોઈ ભાજપાની કે પછી વ્યક્તિગત ફરિયાદ નહોતી. હું ભાજપાનો કાર્યકર્તા છું અને અમારા મોદીજી સામે કોઈ બોલશે તો અમારે પણ અવાજ ઉઠાવવો પડશે."

ભાજપાના નેતા અરૂપે પોલીસમાં કરેલી પોતાની ફરિયાદમાં લખ્યું હતું, "ગુજરાતના વડગામાના ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણીએ પોતાની ટ્વિટમાં ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીને 'ગોડસે'ની પૂજા કરે છે અને એમને ભગવાન માને છે જેવી વાતો લખી હતી. સાથે જ સોશિયલ મીડિયા પર પ્રસારિત ટ્વિટમાં ધારાસભ્યએ પીએમ મોદીને ગુજરાતમાં તાજેતરના દિવસોમાં થયેલાં તોફાનોથી પ્રભાવિત વિસ્તારોના લોકોને શાંતિ અને સદ્‌ભાવ જાળવી રાખવા માટે અપીલ કરવાની વાત કહી હતી."

ફરિયાદી અનુસાર, ધારાસભ્ય મેવાણીની આ ટ્વિટના કારણે સાર્વજનિક શાંતિનો ભંગ થઈ શકતો હતો અને લોકોના એક નિશ્ચિત વર્ગ વચ્ચે સદ્‌ભાવ જાળવી રાખવા માટેનું વાતાવરણ ડહાળાઈ શકે છે.

કોકરઝાર પોલીસે ફરિયાદીની આ વાતોને ધ્યાનમાં રાખીને આઇપીસીની કલમ 120 (બી) (ગુનાહિત કાવતરું), કલમ 153 (એ) (બે સમુદાયો વચ્ચે દુશ્મનાવટના વધારાને પ્રોત્સાહિત કરવી), 295 (એ) (કોઈ પણ વર્ગના ધર્મનું અપમાન કરવાના ઇરાદે પૂજાસ્થળને નુકસાન પહોંચાડવું કે અપવિત્ર કરવું), 504 (ઇરાદાપૂર્વક જાણીજોઈને અપમાન કરી શાંતિ ભંગ કરવી), 506 (ગુનાહિત ધમકી) અને આઇટી ઍક્ટની કલમો હેઠળ તરત જ કેસ દાખલ કરી દીધો.

સોશિયલ મીડિયા પર ખાસ કરીને જુદાં જુદાં રાજકીય દળોના લોકો એકબીજાની વિરુદ્ધ ઘણી પ્રતિક્રિયાઓ આપતા રહે છે પરંતુ જિજ્ઞેશ મેવાણીની વિરુદ્ધ જ કેસ કેમ થયો?

આ સવાલનો જવાબ આપતાં અરૂપે કહ્યું કે, "ઘણા બધા લોકો એવી પ્રતિક્રિયાઓ આપતા રહે છે, પરંતુ હું એકલો તો બધાની સામે ફરિયાદ ન કરી શકું. પરંતુ મેવાણી એક દલિત નેતા હોવા છતાં આની પહેલાં પણ ઘણી ખરાબ રીતે ભાજપા અને અમારા ટોચના નેતા મોદીજીની વિરુદ્ધ આ પ્રકારની ભદ્દી ટિપ્પણીઓ કરતા રહ્યા છે. મારી પાસે એમની બધી પ્રતિક્રિયાઓની સાબિતી છે. જે લોકો (કૉંગ્રેસ) વિરોધ કરે છે, કર્યા કરે. એમને એ ખબર હોવી જોઈએ કે મેવાણીએ કેટલી ભદ્દી ટિપ્પણી કરી છે."

કોણ છે અરુપકુમાર ડે?

વર્ષ 2020ના અંતમાં થયેલી બીટીસીની ચૂંટણીમાં ફકીરાગ્રામ (બિન અનુસૂચિત જનજાતિ) સીટ પરથી જીતી આવેલા અરૂપ 2019માં ભાજપામાં જોડાયા હતા. લગભગ 34 વર્ષના અરૂપ જે અંદાજ અને જુસ્સા સાથે વાત કરે છે એનાથી એમની રાજકારણમાં આવવાની મહત્ત્વાકાંક્ષા આસાનીથી સમજાઈ જાય છે.

તેમણે કહ્યું, "હું ભાજપાનો એક સમર્પિત કાર્યકર્તા છું અને મને રાજકારણના ક્ષેત્રમાં ખૂબ કામ કરવું છે. હું અમારા નેતા મોદીજી અને હિમન્ત બિસ્વ સરમાજીથી પ્રેરિત થઈને રાજકારણમાં આવ્યો છું. હું એમને મારા આદર્શ માનું છું. જો હવે પછી પણ કોઈ અમારા આ નેતાઓની વિરુદ્ધ ભદ્દી ટિપ્પણીઓ કરશે તો એમની સામે પણ ફરિયાદ દાખલ કરાવીશ."

બીટીસી ચૂંટણીમાં ફકીરાગ્રામની યુપીપીએલના ઉમેદવાર રહેલા મોતિઉર રહમાને કહ્યું, "ત્રણ વર્ષ પહેલાં સુધી અરૂપકુમાર ડે બીટીસીમાં એક કૉન્ટ્રાક્ટર હતા."

"એમણે બીપીએફના શાસન દરમિયાન સરકારી કૉન્ટ્રાક્ટમાં ઘણી કમાણી કરી અને હવે એમની પાસે સારા એવા પૈસા આવી ગયા છે એટલે ભાજપામાં જોડાઈને ચૂંટણી લડ્યા."

"આ વ્યક્તિ ભાજપાના કોઈ જૂના કાર્યકર્તા નથી. મૂળમાં તો અરૂપનો પરિવાર કોલકાતાથી આવીને અહીં વસી ગયો છે. એમના પિતા એક શિક્ષક હતા. બંગાળી સમુદાયમાંથી આવતા અરૂપે અસમિયા યુવતી સાથે લગ્ન કર્યાં છે."

મોતિઉર રહમાનની વાત માનીએ તો અરૂપે ઘણા ઓછા સમયમાં આસામ ભાજપાના મોટા નેતાઓની સાથે સારા સંબંધો સ્થાપ્યા છે.

આ જ કારણ હતું કે બીટીસી ચૂંટણી દરમિયાન અગાઉના મુખ્ય મંત્રી તથા હાલના કેન્દ્રીય મંત્રી સર્બાનંદ સોનોવાલ, હાલના મુખ્ય મંત્રી હિમન્ત બિસ્વ સરમા સહિત ભાજપાના ઘણા મોટા નેતાઓએ અરૂપ માટે ચૂંટણીસભાઓ કરી હતી.

શું છે બીટીસી?

અટલ બિહારી વાજપેયીની સરકારે 10 ફેબ્રુઆરી, 2003ના રોજ અલગાવવાદી નેતા હાગ્રામા મોહિલારીની આગેવાની ધરાવતા વિદ્રોહી સંગઠન બોડોલૅન્ડ લિબરેશન ટાઇગર્સ (બીએલટી)ની સાથે એક સમજૂતી કરી હતી, જેના આધારે બીટીસીની રચના થઈ. પશ્ચિમ આસામના ચાર જિલ્લા કોકરાઝાર, ચિરાંગ, બાક્સા અને ઉદાલગુરીને સામેલ કરીને બંધારણની છઠ્ઠી અનુસૂચિ અંતર્ગત બીટીસીની રચના કરવામાં આવી હતી.

બીટીસીની રચના થયા પછી જ અહીં લાંબા સમય સુધી હાગ્રામા મોહિલારીની પાર્ટી બોડોલૅન્ડ પીપલ્સ ફ્રન્ટનું શાસન રહ્યું, પરંતુ 2020માં થયેલી બીટીસીની ચૂંટણીમાં વિદ્યાર્થી આંદોલન દ્વારા રાજનેતા બનેલા પ્રમોદ બોડોની પાર્ટી યુનાઇટેડ પીપલ્સ પાર્ટી લિબરલ (યુપીપીએલ)એ 40માંથી 12 સીટ પર જીત મેળવીને ભાજપા (9 સીટ)ની સાથે મળીને કાઉન્સિલનું ગઠન કર્યું.

તેથી ભાજપાએ અરૂપને બીટીસીમાં સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ વિભાગના કાર્યકારી સભ્ય (ઇએમ) બનાવી દીધા. બીટીસીમાં શાસન કરનારા આ કાર્યકારી સભ્યોના મોભા અને દરજ્જા કોઈ પણ રાજ્યમંત્રી કરતાં ઓછા નથી હોતા.

મોદી સરકારની સાથે 27 જાન્યુઆરી, 2020એ થયેલી અન્ય એક નવી બોડો શાંતિ સમજૂતીની જોગવાઈઓને લાગુ કર્યા બાદ આ વિસ્તાર હવે બોડોલૅન્ડ ટેરિટોરિયલ ક્ષેત્ર અર્થાત્ બીટીઆરના નામે ઓળખાય છે.

અત્યારે તો આસામની કોકરાઝાર પોલીસના અધિકારીઓ જિજ્ઞેશ મેવાણીને ગુવાહાટી લઈ આવે છે. એ દરમિયાન જિજ્ઞેશ મેવાણીની ધરપકડ મામલે ગુજરાત કૉંગ્રેસના નેતાઓએ વિરોધ પ્રકટ કર્યો છે, જ્યારે આસામમાં પણ કોકરાઝાર જિલ્લા કૉંગ્રેસના લોકો વિરોધપ્રદર્શન કરવાની વાતો કરી રહ્યા છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો