રાજસ્થાન : અલવરમાં બુલડોઝરથી મંદિર તોડવા મામલે ભાજપ-કૉંગ્રેસ વચ્ચે ઘમસાણ, વાસ્તવિકતા શું છે?

    • લેેખક, મોહરસિંહ મીણા
    • પદ, જયપુર, બીબીસી હિન્દી માટે

રાજસ્થાનમાં બીજી એપ્રિલે રમખાણો થયાં તેનો મામલો હજી શાંત નહોતો પડ્યો એટલામાં અલવર જિલ્લામાં બુલડોઝરથી મંદિર તોડવાનો વિવાદ જાગ્યો.

હકીકતમાં 22 એપ્રિલ 2022ના રોજ એક વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થયો હતો, જેમાં બુલડોઝરથી મંદિર તોડવામાં આવી રહ્યું છે.

અલવર જિલ્લાના રાજગઢ નગરપાલિકાના સત્તાધીશોએ કરેલી કાર્યવાહીનો આ વીડિયો હતો.

રાજગઢમાં 17 અને 18 એપ્રિલે નગરપાલિકાએ રસ્તો પહોળો કરીને ગૌરવપથ બનાવવા માટે દબાણો હઠાવવા કામગીરી કરી હતી.

આ દરમિયાન રાજગઢ મેલાના ચાર રસ્તાથી ગોલ ચક્કર સુધીના રસ્તાની બંને બાજુનાં મકાન, દુકાન અને ત્રણ મંદિર સહિત 85 મિલકતોને બુલડોઝરથી હઠાવાઈ હતી. આ કાર્યવાહીમાં પાંચ દિવસ સુધી કોઈ ચર્ચા થઈ નહોતી કે તેનો કોઈ વિરોધ પણ થયો હતો.

પરંતુ વીડિયો વાઇરલ થયો તે પછી વિવાદ વધ્યો અને ભાજપના રાજ્યથી માંડીને દિલ્હી સુધીના નેતાઓએ તેના માટે નિવેદનો આપ્યાં.

ભાજપે આ કાર્યવાહીનો વિરોધ કર્યો અને બુલડોઝરથી મંદિર હઠાવવા માટે અશોક ગેહલોતની સરકારને જવાબદાર ઠેરવી.

ભાજપના આરોપો પછી કૉંગ્રેસના નેતાઓએ પણ સામો જવાબ આપ્યો અને કહ્યું કે સૌહાર્દનો માહોલ બગાડવા અને મંદિર હઠાવવા માટે ભાજપ પોતે જ જવાબદાર છે.

ભાજપ અને કૉંગ્રેસના આક્ષેપ પ્રતિઆક્ષેપ

22 એપ્રિલ સાંજે આ મામલે રાજકીય ગરમીનો પારો ચડી ગયો. બંને પક્ષોના નેતાઓએ પત્રકારપરિષદ કરીને એકબીજા પર આક્ષેપો લગાવ્યા.

આ દરમિયાન ભાજપના રાજ્યસભાના સાંસદ કિરોડીલાલ મીણા રાજગઢ પહોંચી ગયા. તેમણે દોષિતો સામે કાર્યવાહી કરવાની માગણી કરી અને રાજગઢ પોલીસ સ્ટેશન સામે ધરણાં કર્યાં.

વિવાદ વધવા લાગ્યો એટલે અલવર જિલ્લા કલેક્ટર શિવપ્રસાદ નકાતે અને રાજગઢના એસડીએમ કેશવકુમાર મીણાએ 22 એપ્રિલે સાંજે જ વાસ્તવિક સ્થિતિનો અહેવાલ આપીને જણાવ્યું કે નગરપાલિકાની સાધારણ સભાની બીજી બેઠકમાં આ દબાણો હઠાવવા નિર્ણય થયો હતો અને તે પ્રમાણે કાર્યવાહી થઈ હતી.

આ મામલામાં રાજગઢ પોલીસને રજૂઆત થઈ છે, તેની તપાસ ચાલી રહી છે.

રાજગઢ પોલીસ સ્ટેશનના અધિકારી વિનોદ શર્માએ બીબીસીને ફોન પર જણાવ્યું કે, "આ બાબતમાં હજી કોઈ એફઆઈઆર દાખલ થઈ નથી. એક અરજી આવી છે, તેની તપાસ થઈ રહી છે."

રાજગઢ નગરપાલિકામાં ભાજપનું શાસન

અલવર જિલ્લા મથકથી રાજગઢ 40 કિમી દૂર આવેલું નગર છે, જ્યાં નગરપાલિકામાં 35 બેઠકો છે. તેમાં ભાજપના 24 નગરસેવકો છે અને 10 અપક્ષો છે. અપક્ષોએ ભાજપને સમર્થન આપેલું છે. કૉંગ્રેસનો માત્ર એક જ નગરસેવક છે.

34 નગરસેવકોના સમર્થનથી ભાજપના સતીષ દુહરિયા નગરપાલિકાના પ્રમુખ છે.

પ્રમુખ સતીષ દુહરિયાએ બીબીસીને જણાવ્યું કે, "કૉંગ્રેસ ભાજપના બોર્ડને બદનામ કરવા કોશિશ કરી રહી છે. આ ગૌરવ પથ બનાવવા માટે દબાણ દૂર કરવાનો નિર્ણય સર્વસંમતિથી લેવાયો હતો અને તેમાં કૉંગ્રેસના રાજગઢના ધારાસભ્ય જૌહરીલાલ મીણા અને એસડીએમ હાજર હતા."

તેમણે વધુમાં જણાવ્યું કે, "કાર્યવાહી થઈ તે દિવસે હું રાજગઢમાં હાજર નહોતો. એવું કહેવાઈ રહ્યું છે કે ત્રણ મંદિરોને તોડવામાં આવ્યાં છે."

પ્રમુખ દુહરિયાને પૂછવામાં આવ્યું કે ભાજપ તોડી પડાયેલા શિવમંદિરને 300 વર્ષ જૂનું હોવાનું કહે છે, પણ તેની કોઈ સત્તાવાર માહિતી છે ખરી. તેના જવાબમાં તેમણે કહ્યું કે, "શિવમંદિર 300 વર્ષ જૂનું હોવાનું કહેવામાં આવે છે. તેના માટે કોઈ સત્તાવાર માહિતી ઉપલબ્ધ નથી."

રાજકીય દબાણ માટેની કોશિશ

નગરપાલિકાની સાધારણ સભાની બીજી બેઠકમાં 8 ડિસેમ્બર 2021ના રોજ સર્વસંમતિથી નિર્ણય લેવાયો હતો અને તેના આધારે દબાણ હઠાવવાની કામગીરી થઈ હતી.

ભાજપનું જ શાસન નગરપાલિકામાં હોય અને તેના નિર્ણય આધારે જ કાર્યવાહી થઈ હોય અને છતાં ભાજપ આક્ષેપ કરવા લાગ્યું તે પછી હવે કૉંગ્રેસે પણ વળતા પ્રહારો કરીને ભાજપને આ મુદ્દે ઘેરી લીધો છે.

પોતાનું જ શાસન જ્યાં હોય તે નગરપાલિકાએ જ મંદિર તોડવા માટેનો નિર્ણય લીધો હોય તેવી સ્થિતિમાં ભાજપે બેકફૂટ પર જવું પડ્યું છે.

જોકે આ મામલાને આધાર બનાવીને ભાજપ અશોક ગેહલોત સરકાર પર રાજકીય દબાણ ઊભું કરવા માટેનો પ્રયાસ કરી રહ્યો છે.

ભાજપ દાવો કરી રહી છે કે શિવમંદિર 300 વર્ષ જૂનું હતું, પણ તેના માટે કોઈ સત્તાવાર આધાર નથી.

વસુંધરા રાજે સરકાર હતી ત્યારે રાજધાની જયપુરમાં પણ વિકાસકાર્યો માટે મોટી સંખ્યામાં મંદિરો હઠાવાયાં હતાં. હવે કૉંગ્રેસ એ વખતે કરવામાં આવેલી કાર્યવાહીને આગળ કરીને ભાજપ પર પ્રહારો કરવા લાગી છે.

જિલ્લાતંત્રનો અહેવાલ

વિવાદ વધવા લાગ્યો તે પછી જિલ્લાતંત્રે તથ્યોની તપાસ કરીને એક અહેવાલ મોકલ્યો હતો.

અલવરના જિલ્લા અધિકારી શિવપ્રસાદ નકાતેએ બીબીસીને કહ્યું કે, "રાજગઢ નગરપાલિકાના પ્રમુખની સાધારણ સભામાં આ નિર્ણય લેવાયો હતો કે દબાણો દૂર કરવામાં આવશે. તેમાં મંદિર હોય કે દુકાનો હોય તે દૂર કરવાનો નિર્ણય કરાયો હતો. સાધારણ સભાની મિનિટ્સ અમારી પાસે છે."

અહેવાલમાં જણાવ્યું છે કે, 'રાજગઢ નગરપાલિકા બોર્ડની બીજી બેઠક મળી તેમાં મેલા ચૌરાહાથી ગોલ ચક્કર સુધીના મુખ્ય રસ્તાને ગૌરવ પથ બનાવવા માટે અને ગેરકાયદે દબાણો દૂર કરવા માટેનો ઠરાવ સર્વસંમતિથી થયો હતો. 9 ડિસેમ્બર 2021ના રોજ આ નિર્ણય લેવામાં આવ્યો હતો."

જિલ્લાતંત્રના જણાવ્યા અનુસાર, "દબાણ કરનારાઓને 6 એપ્રિલે નોટિસ આપવામાં આવી હતી અને 17-18 એપ્રિલે કાર્યવાહી કરવામાં આવી હતી. એક ખાનગી મંદિર હાલમાં જ બનાવવામાં આવ્યું હતું, જે એક નાળા ઉપર બનાવાયું હતું. મંદિર બનાવનારાએ જાતે મૂર્તિઓ હઠાવી લીધી હતી અને કહ્યું હતું કે મૂર્તિઓને પુનઃસ્થાપિત કરી દેવામાં આવશે."

"બીજું મંદિર રસ્તામાં આડે આવતું હોવાથી તેનો કેટલોક હિસ્સો દૂર કરવામાં આવ્યો હતો. તેનું ગર્ભગૃહ સુરક્ષિત છે. બધી મૂર્તિઓને વિધિપૂર્વક હઠાવવામાં આવી હતી અને નગરપાલિકા હઠાવેલી મૂર્તિઓને અન્ય જગ્યાએ વિધિપૂર્વક પુનઃસ્થાપિત કરાવી રહી છે."

મંદિર 300 વર્ષ જૂનું હતું ખરું?

રાજગઢના ભાજપના જ પ્રશાસન પર કૉંગ્રેસ પર આરોપો મૂકી રહી છે તેના જવાબમાં ભાજપના પ્રદેશ અધ્યક્ષ ડૉ. સતીષ પુનિયાએ કહ્યું કે, "કૉંગ્રેસના લોકો 300 વર્ષ જૂનું મંદિર તોડવાનો આરોપ ભાજપના બોર્ડ પર લગાવે છે, પણ શું માત્ર બોર્ડે જ દબાણો દૂર કરવાનો નિર્ણય કર્યો હતો. તંત્ર, સરકાર અને અધિકારી વચ્ચે મળીને નિર્ણય લેવાય તેવી લાંબી પરંપરા છે."

તેમણે કહ્યું કે શું 300 વર્ષ જૂનું મંદિર દબાણ છે અને મુખ્ય મંત્રીની આ તુષ્ટીકરણની નીતિ છે કે પોતાની વોટબૅન્કને ખુશ રાખવી. તે ત્યારે જ ખુશ થાય જ્યારે હિન્દુની આસ્થા પર બુલડોઝર ચાલે.

કૉંગ્રેસના આરોપ

ડૉ. પુનિયાએ કૉંગ્રેસના સ્થાનિક ધારાસભ્ય જૌહરીલાલ મીણા પર પ્રહારો કર્યા.

તેમણે કહ્યું, "ધારાસભ્યે એક વીડિયોમાં કહ્યું હતું કે ભાજપના બોર્ડના 34 નગરસેવકો મારી સાથે આવી જાય નહીં તો કોઈ કાર્યવાહી થશે. તેમના પુત્રની સામે સગીરા પર ગૅંગ રેપનો મામલો દાખલ થયેલો છે."

"ધારાસભ્યના પુત્ર પર કોઈ કાર્યવાહી ના થાય તે માટે સરકાર પર દબાણ છે એટલે ધારાસભ્ય, મુખ્ય મંત્રી અને સરકારના ઇશારે આ કામગીરી થઈ છે."

કૉંગ્રેસના પ્રદેશાધ્યક્ષ ગોવિંદસિંહ ડોટાસરાએ કહ્યું કે, "જે મંદિરની વાત કરવામાં આવી રહી છે તેનું દબાણ દૂર કરવા માટેની કાર્યવાહી શરૂઆત વસુંધરા સરકાર વખતે થઈ હતી. મંદિર હઠાવી દેવા માટે ભાજપ અને તેના શાસન હેઠળની નગરપાલિકા સંપૂર્ણપણે જવાબદાર છે."

તેમણે વધુમાં જણાવ્યું કે, "વસુંધરા સરકારમાં 2018માં રાજગઢના તાલુકા અધ્યક્ષ સત્યેન્દ્ર સૈનીએ અલવર જિલ્લા કલેક્ટરને પત્ર લખીને આ દબાણ હઠાવવાની માગણી કરી હતી."

"વસુંધરા રાજેની સરકાર હતી ત્યારે જયપુરમાં સેંકડો મંદિર હઠાવવામાં આવ્યાં હતાં. ભાજપની કથની અને કરણીમાં બહુ ફેર છે. એ લોકો ભાઈ ભાઈને લડાવવા માગે છે અને ધાર્મિક ઉન્માદ ફેલાવીને પોતાના રાજકીય રોટલા શેકવા માગે છે. ચૂંટણી નજીક આવતી જશે તેમ આ લોકો ધાર્મિક માહોલને ખરાબ કરવાના પ્રયાસો કરતા રહેશે."

ભાજપનો જવાબ

અલવરના ભાજપના સાંસદ મહંત બાલકનાથે કહ્યું કે, "રાજસ્થાનના સીએમ આવાસથી ફતવા જાહેર થાય છે. મોગલો આપણા દેશ પર આક્રમણ કરતા હતા તેવી રીતે જ આ કૉંગ્રેસ સરકાર કામ કરી રહી છે અને સૌપ્રથમ અમારાં મઠ, મંદિરને તોડે છે."

રાજ્ય સરકારના કૅબિનેટમંત્રી પ્રતાપસિંહ ખાચરિયાવાસે પત્રકારોને જણાવ્યું કે, "રાજસ્થાનની ધરતી પર ભગવાન રામ અને માતા સીતાનું અપમાન કરનારા ભાજપના લોકોએ આજે રેકર્ડ તોડી નાખ્યો. રાજગઢમાં આખું બોર્ડ ભાજપનું છે. અમારો તો એક જ નગરસેવક છે. ભાજપ માનવા જ તૈયાર નથી કે તેનું બોર્ડ ત્યાં છે અને તેણે જ ઠરાવ કર્યો હતો."

આ વિશે ભાજપના રાષ્ટ્રીય પ્રવક્તા સંબિત પાત્રાએ કહ્યું કે, "ત્રણસોથી વધારે વર્ષ જૂના શિવમંદિર પર જે રીતે બુલડોઝર ચલાવી દેવાયું તે બહુ દુ:ખદ છે. રાહુલજી ઔર સોનિયાજી માત્ર ચૂંટણી વખતે મંદિરમાં જઈને પોતાને હિન્દુ દેખાડવાનો પ્રયાસ કરે છે. આ બધું મિથ્યા છે."

સાંસદ રાજ્યવર્ધનસિંહ રાઠોડે મીડિયાને કહ્યું કે, "સ્થાનિક કૉંગ્રેસ ધારાસભ્યે બદલાની દાનતથી આ કાર્યવાહી કરી છે કે મને વોટ નહીં આપો તો આવું કરીશ. મૂર્તિઓને ખંડિત કરવામાં આવી. આ સંદેશ માત્ર એક સમુદાય માટે છે, જે તેમની વોટબૅન્ક છે અને તેને સાચવી રહી છે. રાજસ્થાનને તાલિબાન બનાવી દીધું."

વિધાનસભાની ચૂંટણી નિકટ છે

આ બાજુ રાજગઢ - લક્ષ્મણગઢના કૉંગ્રેસના ધારાસભ્ય જૌહરીલાલ મીણાએ મીડિયા માટે જાહેર કરેલા નિવેદનમાં જણાવ્યું કે, "નગરપાલિકામાં ભાજપના નગરસેવકો 34 છે અને અમારો માત્ર એક જ નગરસેવક છે. 34 લોકોએ નિર્ણય લઈ લીધો હોય પછી હું એકલો તેને બદલવા સક્ષમ નથી. પ્રજાતંત્રમાં વોટનું રાજ છે."

તેમણે કહ્યું કે, "ભાજપના બોર્ડે આ નિર્ણય લીધો છે. તેમણે જ દબાણ હઠાવ્યું અને તેમણે જ મંદિર તોડ્યું છે. અમારે તેમાં કંઈ લાગતું-વળગતું નથી."

રાજ્યના સાલાસર ધામના દ્વાર પર બનેલા રામદરબાર હઠાવવાનો મામલો હોય કે પછી હાલમાં કરૌલીમાં સાંપ્રદાયિક તોફાનો થયાં તે અને હવે અલવરમાં મંદિરો તોડવાની ઘટના, આ બધા પર વિવાદો થયા છે અને રાજકારણ થઈ રહ્યું છે.

ડિસેમ્બર 2023માં વિધાનસભાની ચૂંટણી છે તે નજીક આવતી જાય છે, તેમ તેમ રાજ્યમાં વિવાદાસ્પદ ઘટનાઓ વધવા લાગી છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો