You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
નવનીત રાણા -રવિ રાણા : ઉદ્ધવ ઠાકરેના ઘર બહાર 'હનુમાન ચાલીસા' વિવાદમાં જેમને જેલ જવું પડ્યું તે નેતા કોણ છે?
મહારાષ્ટ્રના મુખ્ય મંત્રી ઉદ્ધવ ઠાકરેના ઘર 'માતોશ્રી' બહાર સાંસદ નવનીત રાણા, અને તેમના પતિ અને અપક્ષ ધારાસભ્ય રવિ રાણાએ શનિવારે હનુમાન ચાલીસાનો પાઠ કરવાની જાહેરાત કરી હતી, જે બાદ શિવસેનાના કાર્યકર્તા શનિવાર સવારથી શરૂ કરીને ઘણા સમય સુધી સાંસદ નવનીત રાણાના મુંબઈસ્થિત આવાસ બહાર પ્રદર્શન કર્યું હતું.
આ દરમિયાન નવનીત રાણા અને તેમના પતિ રવિ રાણાએ પોતાની યોજના ટાળી દીધી હોવાની જાહેરાત કરી હતી. જે બાદ તેમની મુંબઈ પોલીસ દ્વારા 'જુદાં જુદાં સમુદાયો વચ્ચે વેરઝેરના સર્જન'ના આરોપમાં ધરપકડ કરી હતી.
આ ગુના અંતર્ગત બંનેને બાંદ્રા ખાતેની મેટ્રોપૉલિટન મૅજિસ્ટ્રેટની કોર્ટમાં રજૂ કરવામાં આવ્યાં હતાં. કોર્ટે તેમને 14 દિવસ સુધીની ન્યાયિક કસ્ટડીમાં મોકલી દીધાં હતાં. હવે આ કેસની આગળની સુનાવણી 29 તારીખે થશે.
સમાચાર એજન્સી એએનઆઈ પ્રમાણે નવનીત રાણાએ કહ્યું, "મહારાષ્ટ્રના મુખ્ય મંત્રીએ શિવસેનાના કાર્યકર્તાઓને અમને પરેશાન કરવાનો હુકમ કર્યો. તેઓ (શિવસેનાના કાર્યકરો) બૅરિકેડ તોડી રહ્યા છે. હું ફરીથી કહું છું કે બહાર જઈશ અને 'માતોશ્રી' બહાર હનુમાન ચાલીસાનો જાપ કરીશ. મુખ્ય મંત્રી માત્ર લોકોને જેલભેગા કરવાનું જાણે છે."
નવનીત રાણા અમરાવતી જિલ્લાથી અપક્ષ સાંસદ છે અને એવું માનવામાં આવે છે કે તેમણે આ ચૂંટણી રાષ્ટ્રવાદી કૉંગ્રેસ પાર્ટીના સમર્થન સાથે જીતી હતી.
'હનુમાન ચાલીસા સામે ઉદ્ધવ ઠાકરેને શો વાંધો છે'
નવનીત રાણાએ પોતાના ફેસબુક પેજ પર કરેલા લાઇવમાં કહ્યું, "આજે સવારથી જ ઉદ્ધવ ઠાકરેજીએ અમારા ઘરની સામે શિવસૈનિક મોકલી દીધા છે. મને એ નથી સમજાતું કે તેમને હનુમાન ચાલીસા સામે શો વાંધો છે અને મેં તેમના ઘરની બહાર હનુમાન ચાલીસાનો પાઠ કરવાનું કહ્યું છે ના કે ઘરની અંદર જઈને. અમે અમારા ઘરેથી હનુમાનજીની પૂજા કરીને બહાર નીકળ્યા તે સમયે જ પોલીસપ્રશાસનના લોકો આવીને ઊભા રહી ગયા અને કહેવા લાગ્યા કે અમે બહાર નથી જઈ શકતાં."
"મારે પ્રશાસનને પણ પૂછવું છે કે આખરે એક સાંસદને કેમ ઘરમાં બંધ કર્યાં છે, અને જો અમને રોકવામાં આવ્યાં છે તો આ શિવસૈનિકોની અટક કેમ નથી કરાઈ રહી. તેઓ કોના દબાણ હેઠળ કામ કરી રહ્યા છે? આમની સરકાર બન્યા બાદથી મહારાષ્ટ્રમાં સુવ્યવસ્થા બગડી છે."
નવનીત રાણાના એલાન અંગે હજુ સુધી ઉદ્ધવ ઠાકરેએ કોઈ પ્રતિક્રિયા નથી આપી કારણ કે પાર્ટીના વરિષ્ઠ નેતા સંજય રાઉત પત્રકારો સાથેની વાતચીતમાં કહ્યું છે કે જેમને સ્ટન્ટ કરવા હોય તેમને કરવા દો, મુંબઈના પાણી વિશે તેમને ખબર નથી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
પત્રકારોએ સંજય રાઉતની રાણા દંપતી મુંબઈ ખાતે પહોંચ્યાં હોવાની વાત અંગે પ્રતિક્રિયા માગી હતી, જે અંગે તેમણે કહ્યું કે, "બંટી અને બબલી પહોંચે તે અંગે અમને કોઈ વાંધો નથી. આ લોકો ફિલ્મી છે અને આ બધું સ્ટન્ટબાજી છે. માર્કેટિંગ કરવાનું તેમનું કામ છે અને ભાજપને આવા લોકોની જરૂરિયાત છે પોતાની માર્કેટિંગ માટે. પરંતુ શિવસેનાને હિંદુત્વની માર્કેટિંગની જરૂરિયાત નથી."
સાથે જ તેમનું કહેવું હતું કે, "શિવસેનાને ખ્યાલ છે કે હિંદુત્વ શું છે, પરંતુ આ લોકો ઇચ્છે છે તો કરવા દો."
આ પહેલાં નવનીત રાણાના પતિ રવિ રાણા એવો આરોપ કરી ચૂક્યા છે કે, "ઉદ્ધવ ઠાકરે હિંદુત્વ ભૂલી ચૂક્યા છે. તેઓ અન્ય દિશામાં જઈ રહ્યા છે અને મહારાષ્ટ્રને નુકસાન પહોંચાડી રહ્યા છે."
પત્રકારો સાથેની વાતચીતમાં તેમણે કહ્યું હતું કે, "અમે મહારાષ્ટ્રની આ નડતરને ખતમ કરવા માટે હનુમાન ચાલીસાનો પાઠ કરવા માટે આવ્યાં છીએ અને અમે શનિવારે સવારે નવ વાગ્યે માતોશ્રી જઈશું."
રવિ રાણા અનુસાર તેમના આ એલાન બાદ મુંબઈ પોલીસે તેમની સામે IPC 149 હેઠળ નોટિસ પાઠવી હતી.
તેમણે આગળ કહ્યું, "અમે અહીં વાતાવરણ બગાડવા, ધાંધલ કરવા નથી આવ્યાં, અમારો એકમાત્ર હેતુ મહારાષ્ટ્રને સંકટથી બચાવવાનો છે. અમે બજરંગીબલીનું નામ લઈ રહ્યાં છીએ અને આ અંગે તેમને શું આપત્તિ છે જેથી તેઓ આનો વિરોધ કરશે."
નવનીત રાણા, રવિ રાણા કોણ છે?
લોકસભાની વેબસાઇટ પર અપાયેલ જાણકારી પ્રમાણે નવનીત રાણાનો જન્મ મુંબઈમાં થયો હતો અને તેમણે બી. કૉમ સુધીનો અભ્યાસ કર્યો છે.
તેઓ રાજકારણમાં આવ્યા એ પહેલાં મૉડલિંગ કરી ચૂક્યાં છે જે બાદ તેમણે હિંદી, તેલુગુ, કન્નડ, મલયાલમ અને પંજાબી ફિલ્મોમાં કામ કર્યું. એવા પણ સમાચાર હતા કે તેઓ વર્ષ 2019માં મહારાષ્ટ્રમાં લોકસભાની ચૂંટણી જીતનારાં એકમાત્ર અભિનેત્રી હતાં.
નવનીત રાણાના પતિ અપક્ષ ધારાસભ્ય છે અને નવનીતને રાજકારણમાં લાવવામાં તેમની મહત્ત્વપૂર્ણ ભૂમિકા રહી છે. એવું કહેવાય છે કે બંનેની મુલાકાત યોગગુરુ સ્વામી રામદેવના આશ્રમમાં થઈ હતી.
વર્ષ 2011માં બંનેએ લગ્ન કરી લીધાં. તેમણે સામૂહિક વિવાહ કાર્યક્રમમાં લગ્ન કરી લીધાં હતાં. આ કાર્યક્રમમાં લગભગ 3,200 યુગલોએ લગ્ન કર્યાં હતાં. એવું કદાચ પ્રથમ વખત બન્યું હતું કે કોઈ અભિનેત્રીએ સામૂહિક લગ્ન કાર્યક્રમમાં લગ્ન કર્યાં હોય. તેમનાં લગ્નમાં તત્કાલીન મુખ્ય મંત્રી પૃથ્વીરાજ ચવ્હાણ, ઉદ્યોગમંત્રી નારાયણ રાણે, સ્વામી રામદેવ, સહારા સમૂહના અધ્યક્ષ સુબ્રતો રોય, અભિનેતા વિવેક અને સુરેશ ઓબરૉય સામેલ થયા હતા. નવનીત અને રવિ રાણાનાં એક પુત્ર અને પુત્રી છે.
વર્ષ 2014માં નવનીતે રાષ્ટ્રવાદી કૉંગ્રેસ પાર્ટી (એનસીપી)ની ટિકિટ મેળવીને અમરાવતીના સાંસદપદ માટે ચૂંટણી લડી હતી. પરંતુ તેમને ભારે હારનો સામનો કરવો પડ્યો હતો.
આ બાદ વર્ષ 2019માં એનસીપી તરફથી તેમને ફરી ચૂંટણી લડવાનો પ્રસ્તાવ મળ્યો પરંતુ તેમણે તેનો સ્વીકાર ન કર્યો. અમરાવતીથી તેઓ અપક્ષ ઉમેદવાર તરીકે ચૂંટાઈ આવ્યાં હતાં.
37 વર્ષનાં નવનીત રાણા કેટલીક સમિતિઓમાં પણ રહી ચૂક્યાં છે. 13 સપ્ટેમ્બર 2019થી 13 સપ્ટેમ્બર 2020 સુધી તેઓ કૃષિસંબંધિત સ્થાયી સમિતિનાં સભ્ય રહ્યાં છે. તે બાદ હાલ તેઓ વિદેશ મામલની સ્થાયી સમિતિ અને નાણામંત્રાલય અને કૉર્પોરેટ મામલાના મંત્રાલયની સલાહકાર સમિતિનાં સભ્ય છે.
જાતિ પ્રમાણપત્ર અંગે વિવાદ
નવનીત રાણાની જાતિ અંગે પણ વિવાદ થઈ ચૂક્યો છે. શિવસેનાના ભૂતપૂર્વ સાંસદ આનંદરાવ અડસુલે તેમના પર નકલી પ્રમાણપત્ર બનાવડાવીને લોકસભાની ચૂંટણી લડી હોવાનો આરોપ કર્યો હતો. તેમણે બૉમ્બે હાઇકોર્ટમાં અરજી દાખલ કરી હતી.
બૉમ્બે હાઇકોર્ટે જૂન 2021માં તેમનું પ્રમાણપત્ર રદ કરી દીધું હતું. કોર્ટે કહ્યું હતું કે નવનીતકોર રાણાએ નકલી દસ્તાવેજોનો ઉપયોગ કરીને જાતિનું પ્રમાણપત્ર હાંસલ કર્યું હતું. અને તેમના પર બે લાખ રૂપિયાનો દંડ પણ થયો હતો.
હાઇકોર્ટે કહ્યું હતું કે, 'મોચી' જાતિ સાથે સંકળાયેલાં હોવાનો દાવો અનુસૂચિત જાતિનું પ્રમાણપત્ર મેળવવા માટે કરવામાં આવ્યો હતો. તેમનો ઇરાદો છેતરપિંડીનો હતો અને આ બધું આ વર્ગ માટે ઉપલબ્ધ સુવિધાઓને હાંસલ કરવાના હેતુથી કરાયું હતું. એ પણ ત્યારે જ્યારે તેઓ જાણતાં હતાં કે તેઓ આ સમુદાય સાથે સંબંધિત નથી.
જોકે, બાદમાં મામલો સુપ્રીમ કોર્ટ પહોંચ્યો અને કોર્ટે હાઇકોર્ટના નિર્ણય પર સ્ટે આપી દીધો.
નવનીત રાણાના જીવને ખતરો હોવાને લઈને આઈબીને મળેલ સૂચના બાદ તેમને એપ્રિલ માસમાં જ વાઈ પ્લસ સુરક્ષા અપાઈ હતી. તેમણે પોતાના સંસદીય ક્ષેત્રમાં હનુમાન ચાલીસાનો પાઠ કરાવ્યો હતો જે બાદ તેમને ધમકીઓ મળી રહી હતી. આને જોતાં તેમની સુરક્ષા વધારાઈ હતી.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો