જામનગરમાં કોરોનાગ્રસ્ત પાંચ વર્ષીય બાળકીનું મૃત્યુ, નવો વૅરિયન્ટ કેટલો ખતરનાક?

    • લેેખક, સાગર પટેલ
    • પદ, બીબીસી ગુજરાતી સંવાદદાતા

દેશભરમાં કોરોના દર્દીઓની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે ત્યારે ગુજરાતમાં આશરે એક મહીના પછી કોરોનાને કારણે મૃત્યુની ઘટના સામે આવી છે.

ગુજરાત સાથે સમગ્ર દેશમાં કોરોનાના નવા કેસોની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. એક તરફ કોરોનાના કેસોની વધતી સંખ્યાના કારણે ચિંતામાં વધારો થયો છે ત્યારે બુધવારે ગુજરાતના જામનગરમાં પાંચ વર્ષની બાળકીનું કોરોનાના સંક્રમણને કારણે મૃત્યુ થયું હતું.

જામનગરની જી. જી હૉસ્પિટલમાં 19 એપ્રિલ એટલે કે મંગળવારે પાંચ વર્ષની એક બાળકી તાવ અને શરદીનાં લક્ષણો સાથે દાખલ થઈ હતી.

હૉસ્પિટલના તબીબોએ બાળકીની માંદગીના કારણ અંગે રિપોર્ટ કરાવતાં તે કોરોના સંક્રમિત હોવાનું જાણવા મળ્યું.

બે દિવસની સારવાર દરમિયાન બુધવારે સાંજે બાળકીનું મૃત્યુ થયું હતું.

બીબીસી ગુજરાતી સાથેની વાતચીતમાં જી. જી. હૉસ્પિટલના ડૉ. ચેટરજીએ આ કેસ અંગે વધુ માહિતી આપતાં કહ્યું કે, "બાળકીને શરદી અને તાવની ફરિયાદ બાદ હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. જ્યાં તેનો રિપોર્ટ પૉઝિટિવ આવ્યો હતો. જે બાદ બાળકીની વૅન્ટિલેટર પર સારવાર ચાલી રહી હતી."

ડૉક્ટર ચેટરજીએ કહ્યું "બાળકીને અન્ય કોઈ બીમારી નહોતી. બાળકીને કોરોનાના કયા વૅરિયન્ટનો ચેપ લાગ્યો હતો તે અંગેની તપાસ માટે વૅરિયન્ટ ટેસ્ટ કરાવવામાં આવ્યો હતો, જોકે હજી સુધી તેનું પરિમાણ આવ્યું નથી."

બાળકોમાં કોરોના બાબતે ડૉક્ટરનું શું કહેવું છે?

અત્યાર સુધી કોરોના વાઇરસના સંક્રમણના કેસમાં બાળકો પર તેની ગંભીર અસર જોવા નહોતી મળતી તથા બાળકોના બહુ બીમાર થવા અને મૃત્યુ થવાનો દર પણ ખૂબ ઓછું હોવાનું માનવામાં આવ્યું છે.

ત્યારે ડિવાઅન ઇન્સ્ટિટ્યૂટ ઑફ ચાઇલ્ડ કેર, અમદાવાદના સિનિયર ડૉક્ટર હાર્દિક પટેલ સાથે બીબીસી ગુજરાતીએ વાત કરતાં તેમણે જણાવ્યું કે, "અત્યારે હાલ જે કોરોના ફેલાઈ રહ્યો છે તે ઓમિક્રૉનના વૅરિયન્ટ BA1-BA2ના રિકોમ્બિનન્ટ વૅરિયન્ટ છે. જેને ઓમિક્રૉન XE વૅરિયન્ટ તરીકે ઓળખવામાં આવે છે. આ વૅરિયન્ટની સંક્રમણની તાકાત ઓમિક્રૉન BA1-BA2 કરતાં બમણી છે. હાલ આ વૅરિયન્ટના જે કેસ યુ. કે. તથા ચીનમાં જોવા મળ્યા તેમાં કોરોનાનાં સામાન્ય લક્ષણો જેમ કે શરદી, તાવ અને માથાનો દુખાવો વગેરે જોવા મળી રહ્યા છે."

ડૉક્ટર હાર્દિક પટેલે બાળકોમાં કોરોના અંગે વાત કરતાં જણાવ્યું કે, "આ વૅરિયન્ટ બાળકોમાં મોટા પ્રમાણમાં જોવા મળતો નથી. અને તેનાં લક્ષણો પણ નહિવત્ જણાય છે. બાળકોને સારવાર માટે ડૉક્ટરની સલાહ મુજબ RTPCR ટેસ્ટ બાદ તાવ, શરદી, ઉધરસની દવા આપવી તથા પાણી અને અન્ય પ્રવાહી ખોરાક આપવો. સંક્રમિત બાળકોને ઍન્ટી વાઇરલ મેડિસિન જેમ કે રેમડેસિવિર અથવા અન્ય કોઈ અગ્રેસિવ ગણાતી મેડિસિન ન આપવી જોઈએ. પરંતુ એ ઉલ્લેખનીય છે કે આખા વિશ્વમાં બાળકોમાં XE વૅરિયન્ટનુ સંક્રમણ જોવા મળ્યું નથી."

શું ધ્યાન રાખવું જોઈએ?

ડૉક્ટર હાર્દિક પટેલ પ્રમાણે, "બાળકોને આ વૅરિયન્ટથી દૂર રાખવા માટે વધારે પુખ્ત વયના લોકોએ ધ્યાન રાખવું જોઈએ. કોરોનાની રસી બાકી હોય તેમણે રસી મુકાવવી જોઈએ અને બૂસ્ટર ડોઝનો સમય થઈ ગયો હોય તો તે પણ લઈ લેવો જોઈએ કારણકે આ રસીની ઇમ્યુનિટી જીવનભર માટે નથી માટે એવું શક્ય છે કે વાર્ષિક અથવા દ્વિવાર્ષિક રસીકરણ બૂસ્ટર ડોઝ સ્વરૂપે લેતા રહેવા પડશે.

"નાનાં બાળકોને માસ્ક અથવા સામાજિક અંતર જાળવવાનું સમજાવવું કરવાનું મુશ્કેલ છે માટે પુખ્ત લોકોએ આ સારસંભાળ રાખવી પડશે. બાળકોને ભીડભાડવાળી જગ્યા પર લઈ જવા ન જોઈએ. શાળાઓમાં પણ સંચાલકોએ હાઇજીનનું ધ્યાન રાખવુ જોઈએ. તેમજ શિક્ષકથી લઈને તમામ સ્ટાફે રસીકરણ કરાવેલું હોવું જોઈએ. આ ઉપરાંત સ્વચ્છ પીવાના પાણીની વ્યવસ્થા રાખવી જોઈએ."

આ ઉપરાંત તેઓ જણાવે છે કે, "રજાઓમાં ફન પાર્ક, વૉટર પાર્ક જેવાં સ્થળોએ બાળકોને લઈ જતાં પહેલાં વિચારવું જોઈએ અથવા ટાળવું જોઈએ. કારણકે નવા વૅરિયન્ટ કેટલા ઘાતક સાબિત થશે તે હજુ સમજી શકાયું નથી."

ગુજરાતમાં કોરોનાની શું સ્થિતિ છે?

ગુજરાત સરકારના સત્તાવાર આંકડાઓ પ્રમાણે શુક્રવારે રાજ્યમાં 11 નવા કોરોના કેસ નોંધાયા છે. આ સાથે જ રાજ્યમાં ઍક્ટિવ કેસોની સંખ્યા 97 થઈ છે. આરોગ્ય મંત્રાલયના આંકડાઓ પ્રમાણે દેશમાં શુક્રવારે 2,527 જેટલા કોરોના કેસ નોંધાયા હતા. જ્યારે કે 33 દર્દીઓનાં મોત થયાં છે. ઍક્ટિવ કેસોની સંખ્યા વધીને 15,079 થઈ છે.

જે રાજ્યોમાં ઝડપથી કેસો વધી રહ્યા છે તેમાં દિલ્હી સૌથી ઉપર છે જ્યાં શુક્રવારે એક દિવસમાં 1,042 નવા કેસ નોંધાયા છે. દિલ્હીનો પૉઝિટિવિટી રેટ એક જ સપ્તાહમાં ડબલ થઈને 4.64 ટકા થયો છે. દિલ્હીમાં પણ બે વ્યક્તિનાં મોત થયાં. દિલ્હી ઉપરાંત ઉત્તર પ્રદેશ, તામિલનાડુ, મહારાષ્ટ્રમાં પણ કેસોમાં વધારો જોવા મળી રહ્યો છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો