You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ગૌતમ અદાણી : વિશ્વના સૌથી ધનિકોની યાદીમાં ટોપ - 5માં પહોંચ્યા
ગુજરાતના ઉદ્યોગપતિ ગૌતમ અદાણી વિશ્વના સૌથી ધનાઢ્ય વ્યક્તિઓની યાદીમાં પાંચમા સ્થાને પહોંચી ગયા છે.
ફોર્બ્સની વેબસાઇટના અહેવાલ અનુસાર તેઓ વિશ્વના સૌથી ધનાઢ્ય વ્યક્તિઓની આ યાદીમાં વોરેન બફેટથી આગળ નીકળી ગયા છે જેઓ અગાઉ આ યાદીમાં પાંચમા સ્થાને હતા.
ફોર્બ્સના અંદાજ અનુસાર પાછલા શુક્રવારે સ્ટૉક માર્કેટ બંધ થયા બાદ 59 વર્ષના ગૌતમ અદાણીની સંપત્તિનું કુલ મૂલ્ય 123.7 બિલિયન ડૉલર થયું હતું જે 91 વર્ષના ઉદ્યોગપતિ વોરન બફેટની 121.7 બિલિયન ડૉલરની સંપત્તિ કરતાં વધુ થઈ ગયું હતું.
હજુ આ મહિનાની શરૂઆતમાં જ ગૌતમ અદાણી એશિયાના સૌથી ધનાઢ્ય વ્યક્તિ (અમેરિકન ડૉલર પ્રમાણે) બન્યા હતા. બંદરો અને ઊર્જાક્ષેત્રમાં અગ્રણી અદાણી જૂથના સ્થાપક ચૅરમૅન ગૌતમ અદાણીના જૂથની છ કંપનીઓ ભારતીય શૅરબજારોમાં લિસ્ટ થયેલી કંપનીઓ તરીકે કાર્યરત્ છે.
મનીકંટ્રોલ ડૉટ કોમ વેબસાઇટ અનુસાર અદાણી જૂથની ઊર્જાક્ષેત્રની કંપની અદાણી પાવર 1 ટ્રિલિયન રૂ. નું મૂલ્ય ધરાવતી કંપનીઓની યાદીમાં સામેલ થનારી આ જૂથની છઠ્ઠી કંપની હતી અને સોમવારે શૅરબજારના કારોબારની શરૂઆતમાં અદાણી પાવરના શૅરના ભાવ પાંચ ટકાના ઉછાળા સાથે 270.80 રૂપિયાની સર્વોચ્ચ્ સપાટીએ પહોંચ્યા હતા.
મહત્ત્વનું છે કે આ વર્ષમાં જ અદાણી જૂથની આ છ લિસ્ટેડ કંપનીઓના શૅરના ભાવમાં 19 ટકાથી 195 ટકા સુધીનો ઉછાળો જોવા મળ્યો છે, જે અદાણી જૂથ દ્વારા રીન્યુએબલ એનર્જી, મીડિયા, ઍરપોર્ટ સહિતનાં ક્ષેત્રોમાં આક્રમક વિસ્તરણનું પરિણામ છે.
એક ટેક્સ્ટાઇલ વેપારીના પુત્ર ગૌતમ અદાણીએ 1988માં કૉલેજનો અભ્યાસ અધૂરો છોડી દઈ કૉમોડિટી ઍક્સ્પૉર્ટ એકમ શરૂ કર્યું હતું. અને 2008 આવતાં સુધીમાં તો તેઓ અબજપતિ બની ગયા હતા અને પહેલી વાર ફોર્બ્સની અબજોપતિઓની યાદીમાં તેમને સ્થાન મળ્યુ હતું.
મુકેશ અંબાણી સરખામણીએ પણ ગૌતમ અદાણીની સંપત્તિ વધુ લગભગ 19 બિલિયન ડૉલર વધુ છે. નોંધનીય છે કે મુકેશ અંબાણીની કુલ સંપત્તિ લગભગ 104.7 બિલિયન ડૉલર છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ફોર્બ્સ રીઅલ-ટાઇમ બિલિયોનર ટ્રેકર પ્રમાણે વિશ્વમાં હવે ચાર જ વ્યક્તિઓ પાસે અદાણી કરતાં વધુ સંપત્તિ છે જેઓ છે માઇક્રોસોફ્ટના સ્થાપક બિલ ગેટ્સ(130.2 બિલિયન ડૉલર), ફ્રાંસના લક્ઝરી વસ્તુઓના ક્ષેત્રના અગ્રણી બર્નાર્ડ આર્નોલ્ટ(167.9 બિલિયન ડૉલર), ઍમેઝોનના સ્થાપક જેફ બેસોઝ(170.2 બિલિયન ડૉલર) અને ટેસ્લાના વડા એલન મસ્ક (269.7 બિલિયન ડૉલર).
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો