ડોર્નિયર ઍરક્રાફ્ટ : ભારતમાં મુસાફરો માટે પહેલું સ્વનિર્મિત વિમાન મોદી સરકારે બનાવ્યું? - ફૅક્ટ ચેક

    • લેેખક, જુગલ પુરોહિત
    • પદ, બીબીસી ડિસઇન્ફૉર્મેશન યુનિટ, દિલ્હી

ગયા અઠવાડિયે ભારતના નાગરિક ઉડ્ડયનમંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાએ ટ્વીટ કરીને સ્વદેશી ડોર્નિયર ઍરક્રાફ્ટની પહેલી વ્યાવસાયિક ઉડ્ડયન સેવા શરૂ કરવાની માહિતી આપી હતી.

સિંધિયાએ કરેલ ટ્વીટના એક દિવસ અગાઉ એમના મંત્રાલયે પ્રેસનોટ દ્વારા જણાવેલું કે, "મેડ ઇન ઇન્ડિયા ડોર્નિયર ઍરક્રાફ્ટ એચએએલ ડોર્નિયર ડીઓ-228ની પહેલી ઉડ્ડયન સેવા આસામના દિબ્રુગઢથી અરુણાચલ પ્રદેશના પાસીઘાટ વચ્ચે શરૂ થશે."

આ પ્રેસનોટમાં એમ પણ કહેવામાં આવ્યું હતું કે એલાયન્સ ઍર ભારતની પહેલી વ્યાવસાયિક ઉડાણ છે જે નાગરિક ઑપરેશન (હેતુઓ) માટે ભારતમાં નિર્મિત વિમાનોનો ઉપયોગ કરે છે.

સિંધિયા ઉપરાંત કેન્દ્ર અને રાજ્ય સરકારના અન્ય મંત્રીઓએ પણ સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા એની માહિતી આપી હતી. ભારત સરકારના સાંસ્કૃતિક બાબતોના મંત્રી જી. કિશન રેડ્ડીએ પોસ્ટ કરેલું કે, "ઉડ્ડયન અંતર્ગત મેડ ઇન ઇન્ડિયા ડોર્નિયર વિમાન 228 હવે સેવામાં છે. આ સ્વદેશી વિમાને પોતાની પહેલી ઉડાણ ભરી હતી."

ભારતના કાયદા અને ન્યાયમંત્રી કિરણ રિજિજૂએ સોશિયલ મીડિયા પોસ્ટમાં કહ્યું, "કેટલાક લોકો મેક ઇન ઇન્ડિયાને નકારે છે અને વડા પ્રધાન મોદીજીના આત્મનિર્ભર ભારત વિઝન અંગે સવાલો કરે છે. મેડ ઇન ઇન્ડિયા ડોર્નિયર ઍરક્રાફ્ટ નવા ભારતની ક્ષમતાને પ્રદર્શિત કરે છે."

ઘણાં મીડિયા પ્રકાશનોએ આ નૅરેટિવની સાથે આ સમાચારને પ્રકાશિત અને પ્રસારિત કર્યા છે.

પરંતુ શું સરકારનો દાવો સાચો છે? એનો કોઈ જવાબ નથી.

આ દાવાનું સત્ય જાણવા માટે અમે બે બાબતની જાણકારી મેળવી - ભારતમાં મુસાફરો માટે પહેલું સ્વનિર્મિત વિમાન કયું હતું અને ડોર્નિયર ઍરક્રાફ્ટ સાથે સંકળાયેલાં તથ્ય કયાં છે?

ભારત સરકારના પોતાના રેકૉર્ડ પ્રમાણે, દેશમાં બનેલું અને નાગરિકોને એક સ્થળેથી બીજા સ્થળે લઈ જનારું વિમાન ડોર્નિયર વિમાન નહોતું, તે એવરો વિમાન હતું.

ભારતમાં મુસાફરો માટે પહેલું સ્વનિર્મિત વિમાન કયું હતું?

25 જૂન, 1967ના રોજ પ્રસિદ્ધ થયેલી સરકારી પ્રેસ જાહેરાતમાં કહેવાયું છે, "28 જૂને કાનપુરમાં આયોજિત એક સમારોહમાં સુરક્ષામંત્રી સરદાર સ્વર્ણસિંહ પર્યટન અને નાગરિક ઉડ્ડયનમંત્રી ડૉ. કર્ણસિંહને દેશમાં નિર્મિત 14 એવરોનું પહેલું વિમાન સોંપશે, જેને ઇન્ડિયન ઍરલાઇન્સનાં ઉડ્ડયનો માટે મૂકાવામાં આવશે. હાલના સમયે દેશમાં એવરો એકમાત્ર મુસાફર વિમાન છે જેનું નિર્માણ દેશમાં થઈ રહ્યું છે. પ્રત્યેક વિમાનની કિંમત 82.53 લાખ રૂપિયા છે."

આ વિમાનની વાસ્તવિક નિર્માતા બીએઈ સિસ્ટિમ્સે આ વિમાન વિશે કહેલું કે, "કુલ 381 વિમાન બનાવવામાં આવ્યાં છે, જેમાં 89નું નિર્માણ હિન્દુસ્તાન ઍરોનૉટિક્સ લિમિટેડ (એચએએલ)એ કર્યું છે. ભારતમાં નિર્મિત પ્રથમ વિમાને 1 નવેમ્બર, 1961ના રોજ ઉડાણ ભરી હતી. એચએએલએ બનાવેલાં વિમાનનો ઉપયોગ ઇન્ડિયન ઍરલાઇન્સે પણ કર્યો હતો."

ઘણા પ્રયત્નો પછી પણ એચએએલએ અમારા કોઈ પ્રશ્નનો જવાબ નથી આપ્યો. હિન્દુસ્તાન ઍરોનૉટિક્સ લિમિટેડ ભારતના સુરક્ષા મંત્રાલય હેઠળ કામ કરે છે.

પહેલાં પણ ભારતના સ્વનિર્મિત વિમાનોનો ઉપયોગ થયો છે?

પરંતુ એક સરકારી અધિકારીએ ઓળખ છતી ના કરવાની શરતે કહ્યું, "ઇન્ડિયન ઍરલાઇન્સ ત્યારે મોટી ઍરલાઇન સર્વિસ હતી અને તે ભારતમાં બનેલાં વિમાનોનો ઉપયોગ પણ કરતી હતી."

બીબીસીએ આ અંગે કેટલાક સ્વતંત્ર નિષ્ણાતો સાથે વાત કરી. નાગરિક ઉડ્ડયનની બાબતોના વિશેષજ્ઞ કૅપ્ટન મોહન રંગનાથને બીબીસીને જણાવ્યું કે ઇન્ડિયન ઍરલાઇન્સમાં હતા ત્યારે તેઓ પોતે એવરો વિમાન ઉડાડી ચૂક્યા છે. એમણે નાગરિક ઉડ્ડયનમંત્રીના દાવાને 'જૂઠો' ગણાવ્યો.

ફેડરેશન ઑફ ઇન્ડિયન પાઇલટ્સના ફાઉન્ડર પ્રેસિડન્ટ કૅપ્ટન મીનુ વાડિયાએ કહ્યું, "સરકારનો આ દાવો ભ્રામક છે."

સરકારે પોતાની પ્રેસ જાહેરાતમાં દાવો કર્યો હતો કે એલાયન્સ ઍર, નાગરિક સેવા માટે ભારતમાં નિર્મિત વિમાનોનો ઉપયોગ કરનારી પહેલી વ્યાવસાયિક ઍરલાઇન છે.

આ દલીલને નકારી કાઢતાં મીનુ વાડિયાએ જણાવ્યું કે, "કોઈ પણ વિમાન જે નાગરિક વિમાન તરીકે નોંધાયેલું હોય અને ટિકિટના બદલામાં મુસાફરોને એક જગ્યાએથી બીજી જગ્યાએ પહોંચાડતું હોય એને વ્યાવસાયિક ઉડ્ડયન કહે છે. મુસાફરોને લઈ જનારું વિમાન અને વ્યાવસાયિક ઉડ્ડયનવાળા વિમાનમાં કોઈ તફાવત નથી. ભારતમાં નિર્મિત વિમાનનો ઉપયોગ ઍરલાઇન્સ પહેલાં પણ કરી ચૂકી છે."

હવે ભારતમાં નિર્મિત ડોર્નિયર વિમાન અંગે જે દાવા કરાઈ રહ્યા છે એના સત્યને પ્રમાણીએ.

બીબીસી પાસે ઉપલબ્ધ આંકડા પુષ્ટિ કરે છે કે ડોર્નિયર વિમાન (નાગરિકોને લઈ જનારા વિમાન સહિત)નું નિર્માણ દેશમાં પહેલાં પણ થઈ ગયું છે. સરકારી સાહસ હિન્દુસ્તાન ઍરોનૉટિક્સ લિમિટેડ આ વિમાનને 1980ના દાયકાથી બનાવી રહી છે અને એમાંનાં કેટલાંક ઘરેલુ ઉડ્ડયન સેવા (ડૉમેસ્ટિક ફ્લાઇટ સર્વિસ) ઇન્ડિયન ઍરલાઇન્સના કાફલામાં સામેલ હતાં.

ભારતીય નૌસેનાના સત્તાવાર ઇતિહાસમાં વાઇસ એડમિરલ જી.એમ. હીરાનંદાની (રિટાયર્ડ)એ લખ્યું છે કે, "1980નાં શરૂઆતનાં વર્ષોમાં વાયુસેના, નૌસેના, કોસ્ટ ગાર્ડ અને ઇન્ડિયન ઍરલાઇન્સની ફીડર સેવા વાયુદૂતની જરૂરિયાતને ધ્યાનમાં રાખીને હળવાં પરિવહનયોગ્ય વિમાનોના સ્વદેશી ઉત્પાદન અંગે વિચારવામાં આવ્યું હતું."

"ત્યારે ચાર વિમાનોનું આકલન કરવામાં આવ્યું હતું, બ્રિટિશ આઇલૅન્ડર, જર્મન ડોર્નિયર, ઇટાલિયન કાસા અને અમેરિકન ટ્વિન ઓટર. નૌસેના, કોસ્ટ ગાર્ડ અને વાયુદૂતે જરૂરિયાતોના આધારે ડોર્નિયરને સૌથી વધારે યોગ્ય માન્યું હતું. ત્યારે એચએએલ કાનપુરમાં ઉત્પાદન માટે ડોર્નિયરની પસંદગી કરવામાં આવી હતી."

બીબીસી પાસે જૂનું ડિફેન્સ મૅગેઝિન, વાયુ ઍરોસ્પેસ અને ડિફેન્સ રિવ્યૂના જૂના અંકની પ્રતિ છે. મૅગેઝિનના એપ્રિલ, 1986ના અંકમાં, ભારતમાં નિર્મિત વિમાન ડોર્નિયર ઇન્ડિયન ઍરલાઇન્સની સહયોગી વ્યાવસાયિક ઉડ્ડયન સેવા વાયુદૂતમાં સામેલ હોવાનો રિપોર્ટ પ્રકાશિત છે.

આ રિપોર્ટમાં કહેવાયું છે કે, "હિન્દુસ્તાન ઍરોનૉટિક્સ લિમિટેડના કાનપુર ડિવિઝનમાં 22 માર્ચ, 1986ની સવારે ચકેરી ઍરફીલ્ડમાં એચએએલ-નિર્મિત પાંચ ડોર્નિયર 228 લાઇટ ટ્રાન્સપૉર્ટ ઍરક્રાફ્ટમાંના પહેલા વિમાનને વાયુદૂતને સોંપવામાં આવ્યું હતું."

ઑબ્ઝર્વર રિસર્ચ ફાઉન્ડેશન સાથે જોડાયેલા અંગદસિંહે જણાવ્યું કે, "12 એપ્રિલ, 2022એ જે વિમાન ઊડ્યું તે એક પ્રકારે ઑરિજિનલ ડોર્નિયર 228 વિમાનનું અપગ્રેડેડ વર્ઝન છે. જોકે માળખું (દેખાવ) એક જેવું જ છે. ડોર્નિયર 228 એ પહેલી રેવન્યૂ ફ્લાઇટ હતી."

વાયુદૂતની શરૂઆત 26 જાન્યુઆરી, 1981એ નાના નાના વિસ્તારોને સાંકળવા માટે થઈ હતી. માર્ચ, 1982માં વાયુદૂતને ઉત્તર-પૂર્વ સહિત 23 જગ્યાએ અભિયાન શરૂ કરવાની મંજૂરી મળી ગઈ હતી. પછીથી તે સેવા ઇન્ડિયન ઍરલાઇન્સમાં સામેલ થઈ ગઈ અને એનાં વિમાનોનો ઉપયોગ પણ થોડા સમય માટે કરવામાં આવ્યો.

સ્પષ્ટ છે કે ભારતમાં દાયકાઓ પહેલાં એવાં સ્વનિર્મિત વિમાન બનાવાઈ ચૂક્યાં હતાં જેનો વ્યાવસાયિક ઉડ્ડયન માટે ઉપયોગ કરવામાં આવ્યો હતો. બીબીસીએ નાગરિક ઉડ્ડયન મંત્રાલયનો સંપર્ક કરવાની ઘણી કોશિશ કરી હતી.

મંત્રાલયે શું સ્પષ્ટતા કરી?

બીબીસીએ નાગરિક ઉડ્ડયન મંત્રાલયને આ અંગે પ્રશ્ન પૂછ્યા તેના એક અઠવાડિયા બાદ શનિવારે 23 એપ્રિલના મંત્રાલય તરફથી જવાબ મળ્યો હતો. મંત્રાલયે ડોર્નિયર ઍરક્રાફ્ટ વિશે પોતાનો મત સ્પષ્ટ કર્યો પરંતુ એવીઆરઓ વિમાનો વિશે કંઈ ન કહ્યું, જે અંગે બીબીસીના રિપોર્ટમાં જણાવવામાં આવ્યું કે મંત્રાલય કહે છે તેમ ડોર્નિયર નહીં પરંતુ એવીઆરઓ વિમાનો ભારતમાં બનનાર પ્રથમ ભારતીય ઍરક્રાફ્ટ છે.

નાગરિક ઉડ્ડયન મંત્રાલયે ટ્વીટ કરીને કહ્યું કે, "બંને મૉડલ જુદાં-જુદાં છે. તાજેતરના મૉડલમાં નવીનતમ અને વધુ સક્ષમ એન્જિન્સ તથા પાંચ બ્લેડવાળા કમ્પોઝિટ પ્રોપેલર્સ છે. ઉપરાંત તાજેતરની એવિઓનિક્સ અને નેવિગેશન સિસ્ટમ્સ પણ ઍરક્રાફ્ટમાં લગાવાઈ છે. "

"આજના ડો-228 ઍક્વિપમેન્ટ કન્ફિગરેશન અને સ્ટ્રક્ચરમાં અલગ છે અને એ ખરેખર પ્રથમ મેડ-ઇન-ઇન્ડિયા ડોર્નિયર કમર્શિયલ ઍરક્રાફ્ટ છે. બીજી બાજુ, વાયુદૂત ઍરક્રાફ્ટ તબક્કાવાર ટ્રાન્સફર ઑફ ટેકનૉલૉજીના પ્રથમ તબક્કાનું વિમાન હતું જ્યારે એચએએલનો ફાળો ઍક્વિપમેન્ટ ઇન્સટૉલેશન, પેઇન્ટિંગ અને ફાઇનલ ફર્નિશિંગ સુધી સીમિત હતો."

"એલાયન્સ ઍર દ્વારા વપરાતું તાજેતરનું ડોર્નિયર મૉડલ રૉ મટિરિયલના તબક્કાથી ભારતમાં જ બન્યું છે અને ડીજીસીએસ દ્વારા પ્રમાણિત છે."

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો