You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
અમૂલે 1 લાખથી વધારે મુસ્લિમોને નોકરીમાં કાઢ્યા હોવાનો દાવો કેટલો સાચો? ફેક્ટ ચેક
ટ્વિટર, ફેસબુક અને વૉટ્સઍપ પર હાલમાં એક મૅસેજ ફેલાવાઈ રહ્યો છે. આ મૅસેજ અમૂલ ડેરી સાથે જોડાયેલો છે.
વાઇરલ થઈ રહેલા આ મૅસેજમાં દાવો કરવામાં આવ્યો છે:
"એક પગલું હિંદુ એકતા તરફ. અમૂલ દૂધના માલિક આનંદ સેઠે પોતાની ફેકટરીમાંથી 1 લાખ 38 હજાર મુસ્લિમ લોકોને કાઢી મૂક્યા. કહ્યું - દેશમાં થૂકવાળી જેહાદ જોતાં અમે લોકોને ગંદાં દૂધ-ધી ખવડાવી-પીવડાવી ન શકીએ. સીઈઓ આનંદ સેઠે કહ્યું - ગાય આપણને દૂધ આપે છે અને એનાથી અમારો વેપાર ચાલે છે. અને બીજા સમુદાયના કેટલાક લોકો એને જ ખાય એ અમારા માટે શરમની વાત છે. અમે એવા હત્યારાઓને અમારી કંપનીમાં રાખી શકીએ નહીં. અમૂલ દૂધનો દિલથી આભાર આવું પગલું ભરવા માટે..."
ફેક્ટ ચેક
આણંદસ્થિત અમૂલ ડેરી દેશભરમાં તેનાં ડેરીઉત્પાદનો માટે પ્રખ્યાત છે.
આ મૅસેજને વૉટ્સએપથી લઈને ટ્વિટર અને ફેસબુક એમ તમામ સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ પર શૅર કરવામાં આવી રહ્યો છે.
બીબીસીને વૉટ્સઍપ થકી કેટલાય યૂઝરોએ આ દાવાની ખરાઈ કરવા માટે કહ્યું.
અમૂલે આ પ્રકારનો કોઈ નિર્ણય લીધો છે કે કેમ એ અંગે તપાસ કરવા માટે અમે સૌથી પહેલાં અમૂલનાં ટ્વિટર એકાઉન્ટ અને વેબસાઇટ ચકાવાનું શરૂ કર્યું.
કંપનીની વેબસાઇટ કે એના ટ્વિટર એકાઉન્ટ પર આવી કોઈ જાણકારી આપવામાં આવી નથી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
એ બાદ અમે કંપનીના મૅનેજિંગ ડાયરેક્ટર આર.એસ. સોઢીનો સીધો જ સંપર્ક કર્યો.
સોઢીને અમે જ્યારે સંબંધિત દાવા અંગે પૂછ્યું તો તેમણે કહ્યું, "આ પ્રકારના સમાચાર કોણ ફેલાવી રહ્યું છે એની અમને જાણ નથી. ગત બે વર્ષમાં અમે એક પણ કર્મચારીને નોકરીમાંથી નથી કાઢ્યો, કેમ કે અમારો વેપાર વધી રહ્યો છે. જો અમે કોઈને કાઢીએ તો પણ એનો આધાર ધર્મ ક્યારેય પણ ન હોઈ શકે. "
સોઢીના મતે અમૂલની દેશભરમાં આવેલી ફેકટરીઓમાં 16000થી 17000 કર્મચારી કામ કરે છે અને સામાજિક-ધાર્મિક પૃષ્ઠભૂમિના આધારે નહીં પણ મેરિટના આધારે તેમની પસંદગી થતી હોય છે.
આનંદ સેઠ કોણ છે?
વાઇરલ કરાઈ રહેલા મૅસેજમાં આનંદ સેઠ નામની વ્યક્તિને અમૂલના સીઈઓ બતાવવામાં આવ્યા છે. કોણ છે આ આનંદ સેઠ?
આ સવાલ અંગે વાત કરતાં સોઢી જણાવે છે કે અમૂલના કોઈ કર્મચારીનું આ નામ નથી.
અમૂલ સાથે કામ કરનારા 36000 ખેડૂતો છે, જે તમામ ધર્મ અને સમુદાયના છે. આનંદ સેઠ નામની કોઈ પણ વ્યક્તિ કંપનીના મૅનેજમૅન્ટનો ભાગ નથી.
અમૂલ એક કૉ-ઑરેટિવ સંસ્થા છે, જેની સ્થાપના વર્ષ 1950માં કરવામાં આવી હતી. ગાંધીવાદી ત્રિભુવનદાસ પટેલ અને ડૉ. વર્ગીસ કુરિયનના પ્રયાસોથી તે અસ્તિત્વમાં આવી હતી.
આજે કંપનીનું ટર્નઓવર 52 હજાર કરોડ રૂપિયાનું છે. કંપનીની ફેકટરીઓમાં કામ કરનારા કુલ કર્મચારીઓની સંખ્યા 17000 સુધી બતાવાઈ છે અને ગત બે વર્ષમાં કંપનીએ એક પણ કર્મચારીને નોકરીમાંથી કાઢ્યો નથી.
ઉપરોક્ત વાઇરલ મૅસેજમાં કરવામાં આવેલા તમામ દાવા ખોટા છે.
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો