મૉબાઇલ ફોનની બૅટરી જલદી ઊતરી જાય તો શું કોઈએ તમારો ફોન હૅક કર્યો હશે?

શું તમારા ફોનની બૅટરી જલદી ખતમ થઈ જાય છે? શું મોબાઇલ ફોનનો ડેટા પણ જલદી ખતમ થઈ જાય છે?

જો તમે વધુ સમય ફોનનો ઉપયોગ કરો છો તો બની શકે કે આ તમારા ડેટા પ્લાનને બદલવાનો સમય છે. જો નહીં તો, બની શકે કે કોઈ હૅકર તમારા ફોન સાથે છેડછાડ કરી રહ્યો છે.

ફોનની સુરક્ષા સાથે છેડછાડને કારણે તમારી ઓળખ અને તમારી પ્રાઇવસી સાથેનો ડેટા લીક થઈ શકે છે.

વર્તમાન સમયમાં ફોન હૅક કરવાની રીત બદલાઈ રહી છે અને હૅકરોને પકડવા મુશ્કેલ બની ગયા છે.

જોકે કેટલીક સાવધાનીથી તમે તમારો ફોન સુરક્ષિત રાખી શકો છો.

ફોન હૅક થયો એ કેવી રીતે ખબર પડે?

તમને અગાઉ જણાવ્યું એ પ્રમાણે જો તમારો ફોન વધુ ડેટા વાપરે છે તો એ હૅકિંગનો સંકેત હોઈ શકે છે.

અમેરિકન કમ્પ્યુટર સિક્યૉરિટી કંપની નૉર્ટન અનુસાર, "ડેટા વધુ ખર્ચ થવાનાં ઘણાં કારણ હોઈ શકે છે. જેમ કે ઍપ્લિકેશનનો વધુ ઉપયોગ. પણ જો તમે ફોનનો પહેલાંની જેમ જ ઉપયોગ કરી રહ્યા છો અને તમારો ડેટા વધુ વપરાઈ રહ્યો છે તો તમારે ફોનની તપાસ કરાવવાની જરૂર છે."

નૉર્ટન અનુસાર, બૅટરી કેટલી વપરાય છે તેના પર પણ ધ્યાન આપવાની જરૂર છે. જો તમે ફોનના વપરાશની રીત નથી બદલી અને છતાં પણ બૅટરી જલદી ખતમ થઈ જાય છે તો શક્ય છે કે તમારો ફોન હૅક થઈ ગયો છે.

અન્ય એક કમ્પ્યુટર સિક્યૉરિટી કંપની કૅસ્પરસ્કાઈ અનુસાર, "હૅક કરેલા એક ફોનમાં પ્રોસેસિંગના બધા પાવર હૅકરના હાથમાં હોય છે. આથી તમારો ફોન ધીમો ચાલી શકે છે. શક્ય છે કે ઘણી વાર ફોન બંધ થઈ જાય કે અચાનક રિસ્ટાર્ટ થઈ જાય."

કૅસ્પરસ્કાઇ અને નૉર્ટન બંને કંપનીનું કહેવું છે કે તમારા ફોનને મૉનિટરિંગ કરતા રહેવું જોઈએ.

ફોનમાં કેટલીક એવી ઍપ હોઈ શકે, જે તમે ઇસ્ટૉલ ન કરી હોય કે પછી એવો કોઈ ફોન કૉલ જે તમને યાદ ન હોય કે તમે કર્યો હોય.

કૅસ્પરસ્કાઇ અનુસાર, પોતાના ઈમેલ અને સોશિયલ મીડિયા એકાઉન્ટ પર ધ્યાન રાખો કે ઘણી વાર પાસવર્ડ બદલવા કે અલગઅલગ લોકેશન (જ્યાં તમે ગયા ન હોય) સાથે સંબંધિત નોટિફિકેશન તો તમારી પાસે આવતા નથી ને.

ફોનને કેવી રીતે સુરક્ષિત રાખવો?

તમારો ફોન અનેક રીતે હૅક કરી શકાય છે. તમારે ઍપ્લિકેશન ડાઉનલોડ કરતી વખતે સતર્ક રહેવું જોઈએ, કેટલાકમાં વાઇરસ હોઈ શકે છે. સામાન્ય રીતે તમારે ગૂગલ કે ઍપલ સ્ટોરમાંથી જ ઍપ્લિકેશન ડાઉનલોડ કરવી જોઈએ.

નૉર્ટન અનુસાર, "જે તમને એવી કોઈ વ્યક્તિનો ઈમેલ કે મેસેજ આવે, જેને તમે જાણતા ન હોવ તો એ મેસેજમાં રહેલી કોઈ લિંક પર ક્લિક ન કરો, તેમાં માલવેર હોઈ શકે છે."

કમ્પ્યુટર સિક્યૉરિટી કંપની મૅક્કૅફે અનુસાર, "હૅકર માટે બ્લુટ્રૂથ અને વાઇફાઇની મદદથી તમારા ફોનને હૅક કરવો સરળ હોય છે. આથી જરૂર ન હોય ત્યારે તેને બંધ રાખો."

કૅસ્પરસ્કાઇ અનુસાર, એ જરૂરી છે કે તમે તમારો ફોન હંમેશાં તમારી પાસે રાખો. તમારા ડિવાઇસ પર પાસવર્ડ સેવ ન રાખો અને ઍૅપ્લિકેશનને દરેક સમયે અપડેટ રાખો.

જો તમારો ફોન હૅક થઈ જાય તો શું કરવું જોઈએ?

સાવધાની રાખવા છતાં ઘણી વાર ફોન હૅક થવાનું જોખમ હોય છે. આવી સ્થિતિમાં નૉર્ટનના જણાવ્યા અનુસાર, સૌથી પહેલા ફોનમાં જે લોકોના નંબર સેવ હોય એને કહી દો કે તમારો ફોન હૅક થઈ ગયો છે અને તમારા નંબરથી મોકલેલી કોઈ લિંક પર ક્લિક ન કરે.

ત્યારબાદ કોઈ પણ એવી ઍપને કાઢી નાખો, જે તમને લાગે કે હૅકરને તેનાથી મદદ મળી છે.

ફોનમાં એન્ટિ વાઇરસ સોફ્ટવૅર નાખવાની પણ સલાહ આપવામાં આવે છે, જેથી તે સમયે વાઇરસની ઓળખ કરી લે અને તમને તેની જાણકારી આપી.

ફોનને રિસેટ પણ કરી શકાય, પણ તેનાથી તમારો ડેટા ગુમાવવાનો ખતરો રહે છે.

અંતે એ જરૂરી છે તમે બધા પાસવર્ડ બદલી નાખો. ફોન પર થયેલા હુમલાને કારણે પાસવર્ડ લીક થવાનો ખતરો પણ રહે છે.

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો