હિંમતનગર: રામનવમીમાં જ્યાં હિંસા થઈ હતી ત્યાં ફર્યું બુલડોઝર, દબાણ હઠાવવાની કામગીરી શરૂ

ગુજરાતના હિંમતનગરમાં રામનવમીના દિવસે યોજાયેલ શોભાયાત્રા દરમિયાન બે જૂથો વચ્ચે થયેલ અથડામણ બાદ સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા ઘટના બની તે છાપરિયા વિસ્તારમાં દબાણો હઠાવવાની કામગીરી શરૂ કરાઈ છે.

પરંતુ સ્થાનિક તંત્રનું કહેવું છે કે આ કાર્યવાહીનો રામનવમીના દિવસે બનેલ ઘટના સાથે કોઈ સંબંધ નથી.

નોંધનીય છે કે રામનવમીના દિવસે બનેલ ઘટના બાદ આણંદના ખંભાતમાંથી પણ ઘટનાના આરોપીઓ સાથે સંકળાયેલાં દબાણો દૂર કરાયાં હતાં.

જેને ઘણાએ 'બદલાની ભાવનાથી થયેલ કાર્યવાહી' ગણાવી હતી. તો કેટલાક સમર્થકોએ આ નિર્ણયને 'દાદાનું બુલડોઝર ફરી વળ્યું' જેવી પ્રશંસક ઉપમાઓ આપી હતી.

નોંધનીય છે કે હાલમાં હિંમતનગરના છાપરિયા વિસ્તારમાં દબાણ હઠાવવાની કામગીરી ચાલી રહી છે. કેટલાક સ્થાનિકોએ દબાણ હઠાવવાની કામગીરી જાતે જ શરૂ કરી દીધી છે, જ્યારે બીજી તરફ નગરપાલિકાના બુલડોઝરો દ્વારા કાચાં દબાણો અને અવાવરું કૂવો વગેરે દૂર કરવાની કામગીરી ચાલી રહી છે. આ સમગ્ર કાર્યવાહી માટે સ્થાનિક તંત્ર દ્વારા એક ડીવાય. એસ. પી., ચાર પી. આઈ, સાત પી. એસ. આઈ. અને 145 અન્ય પોલીસકર્મચારીઓનો કાફલો ખડકાયો છે.

ઉલ્લેખનીય છે કે તાજેતરમાં દિલ્હીના જહાંગીરપુરી વિસ્તારમાં બુલડોઝરની કાર્યવાહીને લઈને વિવાદ થયો છે અને મામલો સુપ્રીમ કોર્ટમાં ગયો છે. તાજેતરના દિવસોમાં ઉત્તર પ્રદેશથી કોમી હિંસા બાદ બુલડોઝરની કાર્યવાહીની શરૂઆત થઈ હતી. એ પછી મધ્ય પ્રદેશમાં પણ આવી કાર્યવાહી વિવાદાસ્પદ બની હતી.

ઘટના દિવસે શું બન્યું હતું?

શહેરના છાપરિયા અને તેની આસપાસના વિસ્તારમાં તોફાન બાદ અજંપાભરી શાંતિ હતી. છાપરિયાથી આગળ જતાં છાપરિયા ચોકનો વિસ્તાર આવે છે, જે મુસ્લિમ બહુમતી ધરાવતો વિસ્તાર છે. બીબીસી ગુજરાતીની ટીમ જ્યારે અહીં પહોંચી તો શેરીઓમાં પોલીસ સિવાય કોઈ જ દેખાતું ન હતું.

અહીં આવેલી કસબા જમાતની ઑફિસમાં બેઠક ચાલી રહી હતી. લાઇટ, પંખા બંધ હતાં અને જમાતના સભ્યો બેઠકમાં ચર્ચા કરી રહ્યા હતા.

કસબા જમાતના અધ્યક્ષ મહમદ ઇકબાલ પઠાણ કહે છે કે, "અમને પહેલાંથી જ આશંકા હતી કે કંઈક અજુગતું બનવાનું છે, એટલે અમે અમારા વિસ્તારમાં દુકાનો બંધ રાખી હતી."

પઠાણે બીબીસી ગુજરાતીની ટીમ સાથે આગળ વાત કરતાં જણાવ્યું, "અમારો રમજાન મહિનો ચાલે છે એટલે બપોરે 1.30 વાગ્યે ઝોહરની નમાઝ હોય છે. આ સમયે તલવારો સાથે જય શ્રીરામના નારા લગાવતાં ટોળાં નીકળ્યાં."

"અમે તોફાન ઇચ્છતા નહોતા, અમે મહોલ્લાની બહેનોને ઘરની અંદર જવા કહ્યું. નમાજનો સમય હતો તો મસ્જિદ પાસે પણ યુવાનો ઊભા હતા. તેમણે સામે અલ્લાહ હુ અકબરના નારા લગાવવાનું શરૂ કર્યું."

"આ સ્થિતિમાં મામલો ક્યારે બગડ્યો, એની કોઈને ખબર ન પડી અને સામસામે પથ્થરમારો શરૂ થયો."

રામનવમીની હિંસામાં ઈજાગ્રસ્ત થયેલા હિંદુ મહાસભાના અધ્યક્ષ જિગર મુથ્થાએ આ ઘટના અંગે જણાવ્યું હતું કે, "અમે શોભાયાત્રા લઈને જતા હતા અને અચાનક જ પાછળથી લાકડી, પાઇપ અને પથ્થરોથી હુમલો થયો."

તેમણે કહ્યું કે, "અમે રામમંદિરમાં પૂજા કરી 12.39 વાગ્યાના મુહૂર્તે શોભાયાત્રાની શરૂઆત કરી. અમે છાપરિયા ચોકથી પસાર થઈ રહ્યા હતા અને એ સમયે જય શ્રીરામનાં સૂત્રો બોલતા હતા."

તેમણે કહ્યું, "અમારી પાછળથી અલ્લાહ હુ અકબરના નારા લાગવાના શરૂ થયા. અચાનક જ પાછળથી લાકડી, પાઇપ અને પથ્થરોથી અમારા પર હુમલો થયો. મારા પગમાં પણ પાઇપ મારી છે, મને ઈજા થઈ છે અને હાલ હું ચાલી પણ નથી શકતો."

"પથ્થરમારો થયો એમાં જે રીતે અમારા પર પથ્થરો ફેંકવામાં આવતા હતા, એ જોતાં લાગે છે કે આ પૂર્વાયોજિત કાવતરું હતું. રામનવમીની યાત્રાને નિશાન બનાવવા પહેલાંથી જ પ્લાન બનાવવામાં આવ્યો હતો."

કસબા જમાતના મહમદ શેખ કહે છે કે, "આ ગરમાગરમી વચ્ચે રામનવમીની શોભાયાત્રા એક વખત તો અહીંથી પસાર થઈ ગઈ, પરંતુ અડધો કલાકમાં પથ્થમારો શરૂ થઈ ગયો."

"દુકાનો સળગાવી અને પરિસ્થિતિ કાબૂ બહાર જતી રહી. એટલામાં એક જીપ સહિત પાંચ વાહનો પણ સળગાવી દેવાયાં."

આ સમગ્ર ઘટના બાદ અન્ય જિલ્લામાંથી પોલીસકાફલો બોલાવીને કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સ્થિર કરવાના પ્રયાસો શરૂ થયા હતા. ઘટનાના થોડા દિવસો બાદ સ્થિતિ પૂર્વવત્ બનવાનો વિસ્તારના રહેવાસીઓની માન્યતા દબાણ હઠાવવાની કામગીરી શરૂ થયાથી દૂર થઈ છે.

અહીં નોંધનીય છે કે દબાણ હઠાવવાની કામગીરી અંગે કસબા જમાતને પણ નોટિસ પાઠવાઈ હતી જે બાદ તેમણે જાતે જ દુકાનોનું દબાણ હઠાવવાનું કામ ચાલુ કરી દીધું છે.

હિંમતનગર નગરપાલિકાના ચીફ ઑફિસર નવનીત પટેલે આ સંપૂર્ણ કામગીરીનો રામનવમીના રોજ બનેલી ઘટના સાથે કઈ સંબંધ નથી.

તેમણે કહ્યું હતું કે, "અહીંના દબાણ બાબતે અગાઉ પણ નોટિસો અપાઈ ચૂકી છે. જો હું રજા પર ન હોત તો આ કામ વહેલું શરૂ થઈ ચૂક્યું હોત. હાલ ત્રણ મિટર રસ્તો પહોળો કરવા માટે બે-ત્રણ દબાણ હઠાવાશે. બાકી કામગીરી સમયે અસ્થાયી દબાણ અંગે અન્ય અધિકારીઓના નિર્ણય અને સૂચન પ્રમાણ દબાણ હઠાવવાની કામગીરી કરાશે."

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો