You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
દિલ્હી જહાંગીરપુરી તોફાનઃ હનુમાન જયંતીની શોભાયાત્રા પર પથ્થરમારા મુદ્દે બન્ને પક્ષનું શું કહેવું છે? ગ્રાઉન્ડ રિપોર્ટ
- લેેખક, વિનીત ખરે
- પદ, બીબીસી સંવાદદાતા
હિન્દુ નવવર્ષ, રામનવમી પછી શનિવારે હનુમાનજયંતીની શોભાયાત્રા દરમિયાન ફરી તોફાન થયાં હતાં.
કરૌલી, ખરગોન જેવાં સ્થળો પછી સાંપ્રદાયિક તણાવની ઝાળ દિલ્હીના જહાંગીરપુરીને લાગી ગઈ છે. હવે આ ઘટના પર રાજકીય આરોપ-પ્રત્યારોપ થઈ રહ્યા છે.
2020નાં તોફાનો પછી દિલ્હીમાં સાંપ્રદાયિક અથડામણનો આ પ્રથમ મોટો બનાવ છે. જોકે, આ દરમિયાન જહાંગીરપુરીમાં રમખાણ નહોતું થયું.
પોલીસે કેટલાકની ધરપકડ કરી છે અને મામલાની તપાસ ચાલુ છે, પરંતુ સ્થાનિક લોકો સાથે વાત કરવાથી તણાવ સ્પષ્ટ અનુભવાય છે.
રવિવારે જ્યારે અમે જહાંગીરપુરીના પોલીસથાણાની બહાર પહોંચ્યા ત્યારે ત્યાં પકડાયેલા પુરુષોનાં ઘરોની મહિલાઓ કલાકોથી આકરા તાપમાં ગેટની બહાર રાહ જોતી ઊભી હતી. રોજો રાખનારી થાકેલી હારેલી એ મહિલાઓ ગુસ્સામાં હતી.
છેવટે, પોલીસકર્મીઓએ એમને થાણાની બહાર જવાનું કહ્યું અને મુખ્ય દ્વાર બંધ કરી દીધું.
એ બાબતે એક મહિલાએ કહ્યું કે, "જેમની વચ્ચે લડાઈ થઈ એમને તો પકડ્યા નથી, નિર્દોષને ઉઠાવી લાવ્યા છો."
બીજી મહિલાએ કહ્યું, "મારા દિયરને કહી રહ્યા છે કે આતંકવાદી છે, તમે તો ખરાને ખોટું, ખોટાને ખરું કરી દો છો."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
અન્ય એકે કહ્યું, "અમે મુસલમાનો શું જાનવર છીએ? અમારા બાળકોનો જો કોઈ રેકૉર્ડ છે તો શું એમને સુધરવાની તક ના આપી શકાય?"
સ્થાનિક લોકોએ જણાવ્યું કે જહાંગીરપુરીમાં ક્યારેય પણ આવો બનાવ નથી બન્યો, પરંતુ શનિવારના તોફાન પછી અહીં તણાવ છે.
આ તોફાન કઈ રીતે થયું, કેમ થયું - પહેલાંની જેમ જહાંગીરપુરીમાં જુદા જુદા જવાબો છે. જેને જુઓ મોબાઇલ પર તોફાનના વાઇરલ વીડિયો જોતા દેખાય છે.
સોમવારે શું-શું થયું?
જહાંગીરપુરીમાં થયેલી હિંસાના મામલામાં સોમવારે સામે આવ્યું કે શનિવારે હનુમાનજયંતીના અવસર પર શોભાયાત્રા પરવાનગી વગર યોજવામાં આવી હતી.
દિલ્હી પોલીસ દ્વારા જહાંગીપુરી વિસ્તારમાં કોઈ પરવાનગી વગર જુલૂસ કાઢવાના મામલામાં કેસ દાખલ કરાયો છે.
સમાચાર સંસ્થા એએનઆઈએ નૉર્થ વેસ્ટ દિલ્હીના ડીસીપી ઊષા રંગનાનીને ટાંકતાં કહ્યું છે કે આ મામલામાં વિશ્વ હિંદુ પરિષદ અને બજરંગ દળ દિલ્હી પ્રાંતની વિરુદ્ધ કેસ દાખલ કરાયો છે.
આ સંગઠનો પર આરોપ છે કે તેમણે પરવાનગી લીધા વગર જહાંગીરપુરી વિસ્તારમાંથી શોભાયાત્રા કાઢી. સાથે જ પોલીસે વિશ્વ હિંદુ પરિષદના જિલ્લા સેવા પ્રમુખ પ્રેમ શર્માની ધરપકડ કરી છે.
દિલ્હી પોલીસ આયુક્ત રાકેશ અસ્થાનાએ પણ પત્રકારોને જણાવ્યું કે પરવાનગી વગર શોભાયાત્રા કાઢવામાં આવી હતી.
પરંતુ શોભાયાત્રા કાઢવામાં આવી એટલે પોલીસે એ સુનિશ્ચિત કરવાનો પ્રયત્ન કર્યો કે શોભાયાત્રા શાંતિપૂર્ણ રીતે યોજાય.
આની પહેલાં એઆઈએમઆઈએમના પ્રમુખ અસદુદ્દીન ઓવૈસીએ દિલ્હી પોલીસ પર એકતરફી કાર્યવાહીનો આક્ષેપ કર્યો હતો.
તેમણે કહ્યું કે દિલ્હી પોલીસે પરવાનગી વગરના શોભાયાત્રા કેમ કાઢવા દીધી. આ દરમિયાન આ મામલામાં અભિયુક્ત અસલમ અને અંસારને અદાલતે બે વધારે દિવસ માટે પોલીસ અટકાયતમાં મોકલ્યા છે. જ્યારે ચાર અન્ય આરોપીઓને 14 દિવસની ન્યાયિક કસ્ટડીમાં મોકલવામાં આવ્યા છે.
શોભાયાત્રામાં સામેલ લોકોનો ગુસ્સો
શનિવારની શોભાયાત્રામાં ગૌરીશંકર ગુપ્તા પણ સામેલ હતા. તેમણે જણાવ્યું કે યાત્રા જ્યારે જહાંગીરપુરી 'સી બ્લૉક'ની મસ્જિદ સામેથી પસાર થતી હતી એ જ વખતે પથ્થરમારો શરૂ થઈ ગયો.
ગૌરીશંકરે જણાવ્યા અનુસાર, મસ્જિદના ધાબેથી પણ પથ્થરમારો થઈ રહ્યો હતો. જોકે મસ્જિદના પ્રબંધક મોહમ્મદ સલાઉદ્દીને બીબીસી સાથેની વાતચીતમાં એ વાતનો ઇનકાર કર્યો.
ગૌરીશંકરના જણાવ્યા અનુસાર, ઘરોની ઉપરથી મહિલાઓએ પણ શોભાયાત્રા પર પથ્થર માર્યા.
તેમણે કહ્યું, "ખૂબ જ મુશ્કેલીથી, જીવના જોખમે અમે શોભાયાત્રામાંથી હનુમાનજીની મૂર્તિ લઈ આવી શક્યા. પૂરું પ્લાનિંગ હતું. અમને ઘેરીને મારવામાં આવ્યા. પથ્થરોથી, તલવાર, ચાકુથી. અહીં રાશનની ગાડી ઊભી હતી, એના કાચ ફોડી નંખાયા છે. એમાંનું રાશન પણ લૂંટી લેવાયું છે. ગાડીઓને ઊંધી વાળી દેવાઈ છે. આગળ પરચૂરણ વસ્તુઓની દુકાન છે. એનો ગલ્લો લૂંટી લેવાયો છે. એક બાઇકને આગ ચાંપી દેવાઈ છે."
ગૌરીશંકરનો દાવો છે કે યાત્રામાં કશાં વિવાદાસ્પદ સૂત્રો નહોતાં બોલાયાં અને જય શ્રીરામનું સૂત્ર ત્યારે બોલાયું જ્યારે એમના ઉપર હુમલો થયો.
તેમણે કહ્યું કે, "એમની તરફથી પથ્થર, તલવાર, ચાકુ બધાંનો ઉપયોગ થયો છે. પેટ્રોલ બૉમ્બ સુધ્ધાં ફેંકાયા છે. ગોળીઓ સુધ્ધાં છોડાઈ છે. ચાર પોલીસવાળા પણ ઘાયલ થયા છે."
જહાંગીરપુરીની સાંકડી ગલીઓમાંથી પસાર થતાં અમે શોભાયાત્રાના સંયોજક સુખેન સરકારની પાસે પહોંચ્યા. એમની આસપાસનો માહોલ તણાવપૂર્ણ હતો. લોકો ગુસ્સામાં હતા.
જમીન પર એક ગાદી પર હનુમાનજીની સામે બેઠેલા સુખેન સરકારે જણાવ્યા અનુસાર, 'શોભાયાત્રા પર સેંકડો લોકોએ પથ્થરમારો કર્યો.'
તેમણે કહ્યું કે, "લોકો તો અમારા પણ હતા, પરંતુ અમે તો લડાઈ-ઝઘડો કરવાના મૂડમાં નહોતા. અમે તો શોભાયાત્રા કાઢીને ભગવો ધ્વજ લઈને આવી રહ્યા હતા. અમે તો નિઃશસ્ત્ર હતા. ઉપરથી જાણે પથ્થરો અને કાચનો વરસાદ થતો હતો."
સુખેને પોતાનાં કપડાં ઊંચાં કરીને અમને બતાવ્યું કે એમને ક્યાં-ક્યાં પથ્થરોથી ઈજા થઈ છે.
પરંતુ એ પથ્થરમારો કેમ થયો?, એ અંગે સુખેન સરકારે કહ્યું, "શી ખબર એમને જય શ્રીરામની ઈર્ષ્યા છે? એ લોકોને ભગવા રંગની ઈર્ષ્યા છે?"
સુખેનની નજીક એક કૂલરની સામે બેઠેલા બાબા યોગી ઓમનાથે જણાવ્યું, "મારી છાતી પર પથ્થર વાગ્યો. મારા પગમાં પણ વાગ્યો. આ જુઓ પગ સોજાઈ ગયો છે મારો." એમ કહીને એમણે પોતાનો પગ બતાવ્યો.
તેમણે કહ્યું કે, "દુકાનો લૂંટવામાં આવી છે. મારી પાસે પુરાવા છે એના. બાઇકો સળગાવી દેવાઈ છે. ઈંટો મસ્જિદની ઉપર રાખવામાં આવી. મારી પાસે એના પુરાવા છે. ધાબા પરથી પથ્થરોનો વરસાદ થયો, મારી પાસે એના પુરાવા છે, કેમ કે હું છેલ્લે સુધી લડ્યો હતો."
વાતચીત પછી નીકળતી વખતે એવું લાગ્યું જાણે વહીવટી તંત્ર સમક્ષ બનાવને ગંભીરતાને સંભાળવાનો પડકાર છે.
મસ્જિદની આસપાસ રહેતા લોકોની અલગ વાર્તા
ઘટના બની એ જગ્યાએથી થોડેક જ દૂર છે જહાંગીરપુરી સી બ્લૉકનો ગીચ વિસ્તાર.
અહીં મોટી સંખ્યામાં બંગાળી બોલનારા મુસલમાનો રહે છે. તોફાન કઈ રીતે શરૂ થયું એ અંગે અહીં જુદી જ વાતો સાંભળવા મળે છે.
એક રૂમમાં બેઠેલા મસ્જિદના પ્રબંધક મોહમ્મદ સલાઉદ્દીને કહ્યું કે, "અમારાં બાળકો છેલ્લે સુધી શાંત રહ્યા. જ્યારે એમણે જોયું કે મસ્જિદ પર કશો હુમલો થઈ રહ્યો છે કે મસ્જિદ પર પથ્થરમારો થઈ રહ્યો છે, તો અમે સહન તો ના કરી શકીએ."
એમણે જણાવ્યા અનુસાર, મસ્જિદની અંદરથી કશો પથ્થરમારો નથી થયો અને જે કંઈ થયું રોડ પર જ થયું.
એમણે જણાવ્યું કે, 'મસ્જિદ 1976માં બની છે અને તેઓ વર્ષોથી એની સારસંભાળ રાખે છે.'
ત્યાં જ બેઠેલા ઇનામુલ હક્કે જણાવ્યું કે સી બ્લૉકમાં રહેતા મોટા ભાગના મુસલમાન ગરીબ વર્ગના છે, જેઓ નાનાંમોટાં કામ કરીને ગુજરાન ચલાવે છે.
મોહમ્મદ સલાઉદ્દીનનો દાવો છે કે, "સૌથી પહેલાં યાત્રા બાજુથી પથ્થર ફેંકાયા હતા, જેના જવાબમાં પથ્થરમારો થયો."
સી બ્લૉકની ગીચ વસ્તીમાં મારી મુલાકાત શહાદત અલી સાથે થઈ. શનિવારે જ્યારે શોભાયાત્રા નીકળી ત્યારે એ ત્યાં હાજર હતા.
શહાદતે જણાવ્યા મુજબ, 'શરૂઆતમાં નીકળેલી યાત્રાઓ તો શાંતિપૂર્ણ પસાર થઈ, પરંતુ પાછળથી સ્થિતિ પલટાઈ.'
એમણે પોતાના મોબાઇલ પર એક વીડિયો બતાવ્યો. એમના જણાવ્યા અનુસાર, એ શોભાયાત્રાનો વીડિયો હતો જેમાં લોકો તલવારો સાથે દેખાતા હતા.
શહાદતે જણાવ્યા અનુસાર, ઇફ્તારી (રોજા છોડવાનો સમય) વખતે તેઓ પોતાના ઘરે જમવાનો પ્રબંધ કરી રહ્યા હતા, એટલામાં અચાનક યાત્રામાં સામેલ લોકો પથ્થરમારો કરવા લાગ્યા અને 'જય શ્રીરામ'નાં સૂત્રો પોકારીને કથિત રીતે મસ્જિદોમાં ઘૂસી ગયા.
શહાદતનો આરોપ છે કે કથિત રીતે લોકો મસ્જિદો પર ઝંડા લગાડવાની કોશિશ કરતા હતા.
તેમણે કહ્યું, "અમારા વડીલ વૃદ્ધોએ સમજાવવાની કોશિશ કરી પરંતુ કોઈ સમજ્યા નહીં."
નજીક જ ઊભેલાં રોશન, જેઓ પોતાને ભાજપમાં જોડાયેલાં હોવાનું કહે છે, એમનું કહેવું છે કે જહાંગીરપુરીમાં જે કંઈ બન્યું એ કરાવવામાં આવ્યું હતું.
તેમણે કહ્યું કે, "આમાં કોઈ મોટો હાથ છે. અમારા જહાંગીરપુરીમાં આવું ક્યારેય નથી બન્યું, આ કરાવવામાં આવ્યું છે."
જહાંગીરપુરી પોલીસથાણાની બહાર ઊભેલા ધરપકડ કરાયેલા એક આરોપીના સંબંધીએ કહ્યું, "એમના (શોભાયાત્રામાં સામેલ લોકોના) હાથમાં તલવાર, પિસ્તોલ કોણ જાણે શું-શું હતું. લાવી-લાવીને બતાવતા હતા. તેઓ કહેતા હતા કે હિન્દુસ્તાનમાં રહેવું હોય તો 'જય શ્રીરામ' કહેવું પડશે. ક્યાંય લખેલું છે શું?"
'સી બ્લૉકમાં કથિત રીતે બાંગ્લાદેશીઓ રહે છે' એવા મીડિયામાં છપાયેલા આરોપો વિશે એક મહિલા સાઝદાએ કહ્યું કે, "એ બધા લોકો કલકત્તાના છે. પ્રૂફ જોઈ લો. મુસલમાનોના કહ્યા પર તો વિશ્વાસ હોતો નથી. મીડિયાવાળાએ પહેલાંથી જ મુસલમાનોને બદનામ કરી દીધા છે. બાંગ્લાદેશી અને કલકત્તાના લોકોની ભાષા જુદી છે."
ઘટનાસ્થળે પહોંચેલા દિલ્હી પોલીસના સ્પેશિયલ પોલીસ કમિશનર (કાયદો અને વ્યવસ્થા) દીપેન્દ્ર પાઠકે બીબીસીને જણાવ્યું કે, ''પોલીસ તમામ ઍન્ગલ પર કામ કરી રહી છે અને "જે કોઈ પણ આ તોફાનની અપ્રિય ઘટનામાં સંકળાયેલું જોવા મળશે અને જોવા મળ્યા છે એ બધા સામે કાયદેસર કડક કાર્યવાહી થશે."''
મોહમ્મદ અંસારની ધરપકડ
ધરપકડ કરાયેલા લોકોમાં મોહમ્મદ અંસાર પણ સામેલ છે. અમે જ્યારે એમના ઘરે પહોંચ્યા ત્યારે એમના ઘરની બહાર ભીડ હતી.
એમનાં પત્ની સકીનાબીબીએ જણાવ્યા અનુસાર, તેઓ તો લોકોને બચાવવા ઘટનાસ્થળે ગયા હતા.
એમનાં પડોસણ કમલેશ ગુપ્તાએ પણ કંઈક એવું જ જણાવ્યું.
બીજી તરફ, સ્પેશિયલ પોલીસ કમિશનર દીપેન્દ્ર પાઠકે જણાવ્યા અનુસાર, અંસારનો ગુનાહિત રેકૉર્ડ છે અને એમના પર પોલીસની ચાંપતી નજર હતી.
પ્રાપ્ત અહેવાલો અનુસાર ધરપકડ કરાતા લોકોની સંખ્યા સતત વધી રહી છે.
વહીવટી તંત્ર શાંતિ જળવાઈ રહે તેવા પ્રયાસો કરે છે, માર્ગો પર સુરક્ષા દળો બંદોબસ્તમાં છે, પરંતુ લોકો સાથે વાત કરીએ તો લાગે છે કે એકબીજા પ્રત્યેની અસુરક્ષાની લાગણી વધતી જાય છે, અંતર વધી રહ્યું છે.
પોલીસની ભૂમિકા સામે પ્રશ્નો
જહાંગીરપુરી તોફાનના મામલે પોલીસે અત્યાર સુધીમાં 23 લોકોની ધરપકડ કરી છે. એમાં બે સગીર (પુખ્ત વયના ન હોય તેવા) છે. ધરપકડ કરાયેલા 14 લોકોને રવિવારે રોહિણી કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા.
કોર્ટે અંસાર અને અસલમ નામના બે આરોપીને એક દિવસની પોલીસ કસ્ટડીમાં મોકલી દીધા છે. ન્યૂઝ એજન્સી એએનઆઇ અનુસાર, બાકીના આરોપીઓને 14 દિવસની જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી આપવામાં આવ્યા છે.
હનુમાન જયંતીની શોભાયાત્રા દરમિયાન દિલ્હીના જહાંગીરપુરી વિસ્તારમાં થયેલા તોફાનને ધ્યાનમાં લેવા માટે સુપ્રીમ કોર્ટમાં એક અરજી દાખલ કરવામાં આવી છે. સુપ્રીમ કોર્ટમાં કરાયેલી અરજીમાં અદાલતની દેખરેખ હેઠળ આ ઘટનાની તપાસની માંગ કરવામાં આવી છે.
અરજી કરનારે આરોપ કર્યો છે કે દિલ્હી પોલીસની અત્યાર સુધીની તપાસ એકતરફી અને સાંપ્રદાયિક હોવા ઉપરાંત સાચા ગુનેગારોને બચાવવાનો પ્રયાસ રહી છે.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો