You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
દિલ્હી જહાંગીરપુરી હિંસા : હનુમાનજયંતીની શોભાયાત્રા દરમિયાન બે સમુદાય વચ્ચે અથડામણ, ભારે સંખ્યામાં સુરક્ષાદળના જવાન તહેનાત
ઉત્તર પશ્ચિમ દિલ્હીના જહાંગીરપુરી વિસ્તારમાં બે સમુદાયો વચ્ચે અથડામણ થયા બાદ વાતાવરણમાં તંગદિલી સર્જાઈ હતી.
ન્યૂઝ એજન્સી પીટીઆઈ પ્રમાણે, શનિવારે હનુમાનજયંતીની શોભાયાત્રા દરમિયાન હિંસા ફાટી નીકળી હતી જેમાં કેટલાક પોલીસકર્મચારીઓ પણ ઘાયલ થયા.
પોલીસ અનુસાર, પથ્થરમારો કરાયા બાદ કેટલાંક વાહનોમાં આગચંપી કરવામાં આવી હતી.
ન્યૂઝ એજન્સી પીટીઆઈએ સમાચાર આપ્યા છે કે ગૃહમંત્રી અમિત શાહે દિલ્હી પોલીસના ઉચ્ચ અધિકારીઓ સાથે વાતચીત કરીને જરૂરી પગલાં લેવાની સૂચના આપી છે.
દિલ્હી પોલીસ કમિશનર રાકેશ અસ્થાનાનું કહેવું છે કે સ્થિતિ હાલ નિયંત્રણમાં છે અને ઘટનાસ્થળે સુરક્ષાદળના વધુ જવાનો તહેનાત કરાયા છે.
તેમણે કહ્યું કે, "આ સાથે જ સમગ્ર દિલ્હીના સંવેદનશીલ વિસ્તારોમાં વિશેષ ધ્યા રાખવામાં આવી રહ્યું છે. બે પોલીસકર્મી ઘાયલ થયા છે. અમે આરોપીઓ વિરુદ્ધ કડક કાર્યવાહી કરીશું."
તેમણે લોકોને અફવા અને ખોટા સમાચારો પર ધ્યાન ન આપવાની અપીલ કરી છે.પોલીસ કમિશનરે ટ્વીટ કરીને કહ્યું છે કે વરિષ્ઠ અધિકારીઓને ફીલ્ડમાં રહેવા અને કાયદો વ્યવસ્થા જાળવી રાખવાની સૂચના અપાઈ છે.
ગૃહમંત્રીની સૂચના, મુખ્ય મંત્રીની અપીલ
બીજી તરફ દિલ્હીના મુખ્ય મંત્રી અરવિંદ કેજરીવાલે લોકોને શાંતિ જાળવી રાખવાની અપીલ કરી હતી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
કેજરીવાલે કહ્યું, "દિલ્હીના જહાંગીરપુરીમાં શોભાયાત્રામાં પથ્થરમારાની ઘટના બનવી એ અત્યંત નીંદનીય છે. આરોપીઓ પર કડક કાર્યવાહી થવી જોઈએ. તમામ લોકોને અપીલ છે કે તેઓ એકબીજાનો હાથ પકડીને શાંતિ જાળવી રાખે."
મીડિયા સાથેની વાતચીતમાં મુખ્ય મંત્રી અરવિંદ કેજરીવાલે કહ્યું, "લોકોને કહેવા માગીશ કે તેમણે શાંતિ જાળવી રાખવાની છે. કારણ કે તેના વગર દેશનો વિકાસ ન થઈ શકે. એજન્સીઓ, પોલીસ અને દિલ્હીમાં કેન્દ્ર સરકારની જવાબદારી છે તેથી તેમણે દિલ્હીમાં શાંતિ વ્યવસ્થા જાળવી રાખવી જોઈએ."
આ બાદ એક ટ્વીટમાં અરવિંદ કેજરીવાલે કહ્યું કે તેમણે એલજી સાથે વાતચીત કરી અને એલજીએ શાંતિ સુનિશ્ચિત કરવાનાં પગલાં ઉઠાવવાનો વિશ્વાસ અપાવ્યો છે.
શાંતિપૂર્ણ માહોલ જાળવી રાખવાની કોશિશ - પોલીસ
દિલ્હીમાં કાયદો અને વ્યવસ્થાના સ્પેશિયલ પોલીસ કમિશનર દીપેન્દ્ર પાઠકે જહાંગીરપુરીમાં રહેનારા લોકોને શાંતિ જાળવી રાખવાની અપીલ કરી છે.
સાથે જ કહ્યું છે કે સ્થિતિને નિયંત્રણમાં રાખવા માટે પૂરતું સુરક્ષાબળ તહેનાત છે. તેમણે જણાવ્યું કે શોભાયાત્રા દરમિયાન બે જૂથ વચ્ચે અથડામણ થઈ અને આ મામલાની તપાસ ચાલી રહી છે.
દીપેન્દ્ર પાઠકે જણાવ્યું કે ઈજાગ્રસ્તોનું આકલન કરાઈ રહ્યું છે અને લોકો સાથે વાતચીત કરીને શાંતિ જાળવવાની કોશિશ કરાઈ રહી છે.
એક પોલીસ અધિકારીએ પીટીઆઈને જણાવ્યું કે, "આ એક પરંપરાગત જુલૂસ હતું અને પોલીસકર્મી પણ જુલૂસ સાથે જ હતા. કુશલ સિનેમા પાસે પહોંચતાં જ બે સમુદાયો વચ્ચે ઘર્ષણ થયું. તેમણે જણાવ્યું કે હિંસાને રોકવાની કોશિશમાં સ્થળ પર હાજર બે પોલીસકર્મી ઘાયલ થઈ ગયા."
જુદી જુદી પાર્ટીઓના નેતાઓની આ મામલે પ્રતિક્રિયા સામે આવી રહી છે. ભાજપ સાંસદ મનોજ તિવારીએ દોષિતોને કડક સજા આપવાની માંગ કરી છે.
દિલ્હી કૉંગ્રેસે ઘટનાની નિંદા કરતાં લોકોને શાંતિ જાળવી રાખવાની અપીલ કરી છે.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો