You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
રામનવમીએ ગુજરાતમાં હિંસા : ખંભાત-હિંમતનગરમાં સરઘસ દરમિયાન પથ્થરમારો, દુકાનો-વાહનો સળગાવાયાં
ગુજરાતમાં રામનવમીના દિવસે હિંસાની ઘટનાઓ બની છે, આણંદના ખંભાત અને સાબરકાંઠાના હિંમતનગરમાં નીકળેલા સરઘસ દરમિયાન ઘર્ષણ થયું હતું અને પથ્થરમારો પણ થયો હતો. આ હિંસા બાદ બંને શહેરોમાં તંગદિલી સર્જાઈ હતી અને પોલીસ બંદોબસ્ત ખડકી દેવાયો હતો.
બીજી તરફ દ્વારકામાં પણ રામનવમીના દિવસે શાંતિ ડહોળવાના પ્રયાસ મામલે પોલીસે એક વ્યક્તિની અટકાયત કરી છે. કથિત રીતે દ્વારકામાં એક વ્યક્તિએ ધ્વજ સળગાવવાનો પ્રયત્ન કર્યો હતો.
હાલ આ ત્રણેય શહેરોમાં માહોલ શાંતિપૂર્ણ છે અને ખંભાત તથા હિંમતનગરમાં પોલીસનો ચાંપતો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.
700 લોકો સામે ફરિયાદ
હિંમતનગરમાં એ ડિવિઝન અને બી ડિવિઝન પોલીસસ્ટેશનમાં 700થી લોકોના ટોળા પર ફરિયાદ નોંધાઈ છે.
આ મામલે ત્રણ અલગ-અલગ ફરિયાદ નોંધીને પોલીસે કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.
પોલીસે 39 વ્યક્તિઓ સામે નામજોગ ફરિયાદ થઈ છે અને 700થી વધુના ટોળા સામે ડૅમેજ ટુ પબ્લિક પ્રૉપર્ટીને નુકસાન પહોંચાડવા અંગે ફરિયાદ નોંધાઈ છે.
ખંભાતમાં પથ્થરમારો, દુકાનો સળગાવાઈ
આણંદ જિલ્લાના ખંભાતમાં રામનવમી નિમિત્તે સરઘસ નીકળ્યું હતું, આ દરમિયાન પથ્થરમારાની ઘટના બની હતી. શહેરના શક્કરપુરા વિસ્તારમાં બનેલી આ ઘટના બાદ સ્થિતિ વણસી હતી.
જે બાદ કેટલીક દુકાનો અને કૅબિનોને આગ ચાંપી દેવામાં આવી હતી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
શહેરના મુખ્ય બજારમાં બનેલી આ ઘટના બાદ સ્થિતિને કાબૂમાં લેવા પોલીસે ટિયરગૅસનો ઉપયોગ કરવો પડ્યો હતો.
પોલીસના બંદોબસ્તમાં જ નીકળેલા આ સરઘસ પર પથ્થરમારો થતાં નાસભાગ મચી હતી.
ખંભાત પોલીસે આ મામલે 61 લોકો વિરુદ્ધ નામજોગ ફરિયાદ દાખલ કરી છે. આ ઉપરાંત અન્ય 100 લોકોના ટોળા વિરુદ્ધ પણ ફરિયાદ નોંધવામાં આવી છે. જ્યારે બીજા પક્ષે ચાર લોકો વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં આવી છે.
ખંભાતના નાયબ પોલીસ અધિક્ષક અજિત રાજીયનને કહ્યું કે, "હાલ તમામ વિસ્તારોમાં શાંતિ છે અને પોલીસ આ ઘટનામાં તપાસ કરી રહી છે."
"જવાબદાર લોકોને પકડવામાં આવશે અને કડક કાર્યવાહી કરવામાં આવશે."
તેમણે કહ્યું, "પોલીસ બંદોબસ્ત સાથે રામનવમીના દિવસે રેલી નીકળી હતી, જે દરમિયાન પથ્થરમારાની ઘટના બની હતી."
"પોલીસે તાત્કાલિક પગલાં લીધાં અને સ્થિતિને કાબૂમાં લીધી હતી. જુદી-જુદી ટીમો અનેક વિસ્તારોમાં ફરીને આરોપીઓને પકડવાની કામગીરી કરી રહી છે."
હિંમતનગરમાં બે વખત પથ્થરમારો, વાહનો સળગાવાયાં
સાબરકાંઠાના હિંમતનગરમાં પણ રામનવમી નિમિત્તે સરઘસ નીકળ્યું હતું અને એ દરમિયાન પથ્થરમારાની ઘટના બની હતી. શહેરમાં એક દિવસમાં બે વખત પથ્થરમારો થયો હતો.
રામનવમીની ઉજવણી કરવા માટે સરઘસ નીકળ્યું હતું, જેમાં છાપરિયા વિસ્તારમાં બપોરના સમયે પથ્થરમારાની ઘટના બની હતી. જે બાદ સાંજે પાંચેક વાગ્યે ફરી પથ્થરમારો થયો હતો.
જે બાદ સ્થિતિ વણસતા કેટલાક લોકોએ અહીં પડેલાં વાહનોમાં પણ આગ લગાડી હતી. બાઇક, કાર સહિતનાં આશરે પાંચ વાહનોમાં આગ લગાડવામાં આવી હતી.
પોલીસે પરિસ્થિતને થાળે પાડવા માટે ટિયરગૅસના સેલ છોડવા પડ્યા હતા. અહેવાલો મુજબ આ ઘટનામાં જિલ્લા પોલીસ વડા સહિત કેટલાક પોલીસકર્મીઓ પણ ઈજાગ્રસ્ત થયા હતા.
હિંમતનગરની ઘટના બાદ પહોંચેલા રૅન્જ આઈજી વી. ચંદ્રશેખરે કહ્યું, "રામનવમીના દિવસે નીકળેલી રેલી પર પથ્થરમારો થયો હતો, જે બાદ સ્થિતને કાબૂમાં લેવા માટે ગાંધીનગર, મહેસાણા તથા સાબરકાંઠાથી વધારે સુરક્ષાદળો બોલાવવામાં આવ્યાં, જે બાદ સ્થિતિ કાબૂમાં આવી હતી."
તેમણે કહ્યું, "સ્થિતિને કાબૂમાં લીધા બાદ પોલીસ આ વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહી હતી. જે બાદ ફરી સાંજે પાંચ વાગ્યાની આસપાસ પથ્થરમારો થયો હતો. અહીં કેટલાંક વાહનોને સળગાવી દેવામાં આવ્યાં છે અને કેટલાક પોલીસકર્મીઓને પણ ઈજા થઈ હતી."
હિંમતનગરના કેટલાક વિસ્તારોમાં કલમ 144 લગાવી દેવામાં આવી છે. ઉપરાંત આ વિસ્તારોમાં આરએએફ અને એસઆરપી સહિતની કંપનીઓને ખડકી દેવામાં આવી છે.
રાત્રે 11:30 વાગ્યે ગાંધીનગરમાં બેઠક
ગુજરાતના સાબરકાંઠાના હિંમતનગર અને આણંદના ખંભાત ખાતે રામનવમી નિમિત્તે નીકળેલી રેલીમાં બે જૂથો વચ્ચે પથ્થરમારાની ઘટના બનતા માહોલ તંગ બન્યો છે. રાત્રે 11.30 વાગ્યે આ મામલે ગૃહમંત્રીએ બેઠક બોલાવી હતી.
આ સંદર્ભે રાજ્ય કક્ષાના ગૃહમંત્રી દ્વારા રાત્રે 11.30 વાગ્યે બેઠક બોલાવાઈ હતી, જેમાં રાજ્યના ડીજીપી , રૅન્જ આઈજી, ગાંધીનગર રૅન્જ આઈજી, અમદાવાદ ગ્રામ્ય ક્રાઇમ બ્રાન્ચના ઉચ્ચ અધિકારીઓ તથા એસઆરપી રૅપિડ ઍક્શન ફૉર્સના અધિકારીઓ પણ હાજર રહ્યા હતા.
આ અગાઉ પણ ખંભાતમાં અનેક વખત હિંસા થઈ છે. ફેબ્રુઆરી 2020માં હિંસા થઈ ત્યારે પોલીસે દાખલ કરેલી એફઆઇઆરમાં 'હિંદુ જાગરણમંચ'ના સભ્યોનાં નામ સામે આવ્યાં હતાં.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો