You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ઇસ્લામને 'સંકટનો ધર્મ' ગણાવનારા મૅક્રોંના વિજય બાદ ફ્રાન્સમાં મુસલમાનોનું શું થશે?
ઇમેનુએલ મૅક્રોં પોતાના પ્રતિદ્વંદી મરીન લી પેનને ચૂંટણીમાં હરાવીને આગામી પાંચ વર્ષ માટે ફ્રાન્સના રાષ્ટ્રપતિપદ માટે ચૂંટાયા છે.
જોકે, ધ્યાન આપવા જેવી બાબત એ પણ છે કે આ ચૂંટણીમાં તેમની સામે ઊભેલા વિપક્ષના ઉમેદવારને ઇતિહાસમાં સૌથી વધારે વોટ મળ્યાં છે.
મૅક્રોંને 58.55 ટકા વોટ મળ્યાં છે. જ્યારે તેમના પ્રતિદ્વંદી લી પેનને 41.45 ટકા વોટ મળ્યાં છે. વિશ્લેષકોના મતે આ અંતર તેમની અપેક્ષાથી વધારે છે.
ચૂંટણી જીત્યા બાદ ઇમેનુએલ મૅક્રોંએ ફ્રાન્સના પ્રસિદ્ધ ઍફિલ ટાવર પાસેથી ભાષણ આપ્યું હતું. જ્યારે લી પેને પોતાના સમર્થકોને જણાવ્યું કે તેમની પ્રસિદ્ધી શીર્ષ સ્તર પર છે.
ઇમેનુએલ મૅક્રોંએ પોતાના ભાષણમાં જણાવ્યું હતું કે મને ખબર છે કે આજે જે લોકોએ મને વોટ આપ્યા, તેમાંથી મોટાભાગના લોકો મારાથી સહમત ન હતાં પરંતુ તેઓ દક્ષિણપંથી પાર્ટીઓને પણ સત્તામાં જોવા માગતા નથી. હું તેમનો આભાર વ્યક્ત કરવા માગું છું.
તેમણે કહ્યું કે "આ ગુસ્સા અને મતભેદનો જવાબ શોધવો પડશે. જેના કારણે લોકોના એક મોટા સમૂહે દક્ષિણપંથી પાર્ટીને વોટ આપ્યા. આ મારી અને મારી સાથેના લોકોની જવાબદારી રહેશે."
આ ચૂંટણી દરમિયાન વોટ શૅર વર્ષ 1969 બાદ સૌથી ઓછો એટલે કે લગભગ 72 ટકા જેટલો રહ્યો છે. એનો અર્થ એ છે કે લગભગ દર ત્રણમાંથી એક મતદાતાએ વોટ આપ્યો નથી અને આ રીતે વોટ ન કરનારાઓની સંખ્યા લગભગ 30 લાખ જેટલી થઈ છે.
ઇમેનુઅલ મૅક્રોંનું ફરી વખત સત્તા પર આવવાનું મોટું ઐતિહાસિક મહત્ત્વ છે. છેલ્લા 20 વર્ષમાં આ પહેલી વખત છે જ્યારે ફ્રાન્સમાં કોઈ રાષ્ટ્રપતિને બીજી વખત ચૂંટવામાં આવ્યા હોય.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
'નફરત ફેલાવનારા વિદેશીઓને કાઢી મૂકવા જોઈએ'
આમ તો ઇમેનુઅલ મૅક્રોંએ સત્તામાં રહીને ઘણા ઇસ્લામ વિરોધી નિવેદનો આપ્યા છે પરંતુ તેમના વિરોધી લી પેન એ મામલે થી ઘણાં આગળ છે.
દક્ષિણપંથી પાર્ટી નેશનલ ફ્રંટના નેતા મરીન લી પેન ફ્રાન્સને યુરોપમાંથી બહાર કાઢવા માગે છે અને મુસ્લિમોને લઈને તેમના વિચાર ઘણા કઠોર છે.
એમણે પોતાની પાર્ટીને જનતામાં વધુ લોકપ્રિય કરવા માટે કેટલીક કઠોર વિચારધારાઓથી હઠવાનો પ્રયાસ કર્યો છે. એમનો નારો છે, 'સૌથી પહેલા ફ્રાન્સ' અને એના હેઠળ તેઓ ફ્રાન્સને ઇસ્લામી કટ્ટરવાદ, વૈશ્વિકીકરણ અને યુરોપિયન સંઘથી છૂટકારો અપાવવા માંગે છે,
લી પેન અપ્રવાસી કાયદાઓને કડક બનાવવાનાં સમર્થક છે અને સન 2015માં પેરિસ હુમલાઓના અનેક વર્ષ પહલાં જ તેમણે અપ્રવાસી અને ઇસ્લામી ચરમંપંથ વિષે આગળ પડીને વાત કરી હતી.
પેરિસ હુમલા પછી તરત જ તેમણે ખૂબ જ કઠોર નિવેદન આપતાં કહ્યું હતું કે આપણે નફરત ફેલાવનારા અપ્રવાસીઓને આપણી ધરતી પરથી કાઢી મૂકવા જોઈએ.
તેમણે એમ પણ કહ્યું હતું કે કટ્ટરપંથી વિચાર ધરાવતા આવા મુસ્લિમોની બેવડી નાગરિકતા સમાપ્ત કરી દેવી જોઈએ. આ એક એવી વિચારસરણી છે જે સામાન્ય રીતે કટ્ટર ડાબેરી પક્ષોની ઓળખ કહેવામાં આવે છે.
મહત્વનું છે કે ફ્રાન્સમાં પયગંબર મોહમ્મદના વિવાદાસ્પદ કાર્ટૂનોને લઈને સમયાંતરે વિવાદ ઉગ્ર થતો રહ્યો છે. એટલું જ નહીં, ખાસ કરીને ફ્રાન્સમાં રહેતા સ્થાનિક મુસ્લિમો સામે પેરિસ હુમલા બાદથી આક્રમક વલણ અપનાવવામાં આવ્યું છે અને ગુનામાં વધારો થયો છે.
ઇસ્લામમાં પયગંબર મોહમ્મદનું કાર્ટૂન દોરવું એ અપમાન માનવામાં આવે છે. જ્યારે ફ્રાન્સમાં, બંધારણ મુજબ રાજ્યની બિનસાંપ્રદાયિકતા તેના નાગરિકોની ઓળખનો ભાગ છે અને રાષ્ટ્ર અભિવ્યક્તિની સ્વતંત્રતાનું રક્ષણ કરવા માંગે છે.
ફ્રાન્સના મુસ્લિમોનું ભવિષ્ય કેવું હશે?
ઇમેનુએલ મૅક્રોંના પ્રમુખપદ દરમિયાન વર્ષ 2020માં જ ફ્રાન્સમાં પયગંબર મોહમ્મદના વાંધાજનક કાર્ટૂનને લઈને એક ઘટના સામે આવી હતી. જ્યાર બાદ ફ્રાન્સમાં કથિત ઈસ્લામિક ચરમપંથ સામે અપનાવવામાં આવેલા વલણની વૈશ્વિક સ્તરે અનેક લોકોએ પ્રશંસા કરી હતી. જ્યારે ઇસ્લામિક દેશોએ આના પર પોતાનો ગુસ્સો વ્યક્ત કર્યો હતો.
નોંધનીય છે કે ઑક્ટોબર 2020માં શિક્ષક સેમ્યુઅલ પેટીની એક વર્ગમાં પયગંબર મોહમ્મદના કાર્ટૂન બતાવવા બદલ હત્યા કરવામાં આવી હતી. ઘટનાની નિંદા કરતા ઇમેનુએલ મૅક્રોં કહ્યું હતું કે ઇસ્લામ સમગ્ર વિશ્વમાં 'સંકટનો ધર્મ' બની ગયો છે.
તેમણે કહ્યું હતું કે શિક્ષક સેમ્યુઅલ પેટીની હત્યા કરવામાં આવી હતી, "કારણ કે ઇસ્લામવાદી લોકો આપણું ભવિષ્ય કબજે કરવા માંગે છે."
તેમણે મુસ્લિમ ચરમપંથી સંગઠનો સામે કાર્યવાહી કરવાની જાહેરાત કરી હતી. આ સિવાય એમ પણ કહેવામાં આવ્યું હતું કે તેમની સરકાર ધર્મ અને રાષ્ટ્રને અલગ કરતા 1905ના કાયદાને મજબૂત કરશે. મૅક્રોંએ દેશના બિનસાંપ્રદાયિક મૂલ્યોનું રક્ષણ કરવાનું વચન આપ્યું હતું.
ત્યાર બાદ નવેમ્બર 2020માં, ઇમેનુએલ મૅક્રોંએ ફ્રેન્ચ-મુસ્લિમ નેતાઓ સાથેની વાતચીતમાં તેમને 'લોકશાહી મૂલ્યો' સાથે સંમત થવા કહ્યું. જે ફ્રાન્સમાં ચરમપંથી ઇસ્લામ વિરુદ્ધ સરકારની કાર્યવાહીનો ભાગ હતો.
આ સંદર્ભમાં, રાષ્ટ્રપતિ મૅક્રોંના નિવેદન પછી, ફ્રેન્ચ ઉત્પાદનોનો બહિષ્કાર કરવાની ઝુંબેશ ઘણા મુસ્લિમ દેશોમાં, ખાસ કરીને મધ્ય પૂર્વમાં ઝડપી બની હતી.
ફ્રાન્સમાં મુસ્લિમો વિરુદ્ધ નફરત અને અપરાધ હવે ઘટશે કે તે તેની તાકાત પાછી મેળવશે કે કેમ તે જોવાનું બાકી છે કારણ કે કટ્ટર જમણેરી પાર્ટી તેના ઇતિહાસમાં સૌથી વધુ મત મેળવવામાં સફળ રહી છે. યુરોપમાં ફ્રાન્સ એકમાત્ર એવો દેશ છે જ્યાં સૌથી વધુ મુસ્લિમ વસતિ છે.
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો