You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
રાહુલ ગાંધીએ દાહોદમાં આદિવાસીઓને કહ્યું, 'નવું ગુજરાત બનાવવું પડશે'
રાહુલ ગાંધી આજે ગુજરાતની મુલાકાત છે અને તેઓ દાહોદ પહોંચ્યા છે. જ્યાં તેમણે નવજીવન આર્ટ્સ ઍન્ડ કૉમર્સ કૉલેજમાં 'આદિવાસી સત્યાગ્રહ રેલી'માં હાજરી આપી છે. ત્યાર બાદ તેઓ દાહોદના ગોવિંદનગરસ્થિત સ્વામી વિવેકાનંદ સંકુલમાં કૉંગ્રેસના ધારાસભ્યો અને આદિવાસી નેતાઓ સાથે બેઠક યોજશે.
રાહુલ ગાંધીએ દાહોદમાં આદિવાસીઓને સંબોધતાં કહ્યું કે "આદિવાસીઓ સાથે શું થઈ રહ્યું છે?"
"જળ, જમીન, જંગલ તમારાં છે, આ ગુજરાતની સરકારનાં નથી, આ ગુજરાતનાં મુખ્ય મંત્રીનાં નથી, આ ગુજરાતના ગણતરીના વેપારીઓનાં નથી."
"આ તમારાં છે, અને છતાં આ જળ, જમીન, જંગલનો લાભ તમને મળતો નથી."
ઉલ્લેખનીય છે કે તાજેતરમાં કૉંગ્રેસના દિગ્ગજ નેતા અશ્વિન કોટવાલ ભાજપમાં જોડાયા છે અને આમ આદમી પાર્ટીએ ભારતીય ટ્રાઇબલ પાર્ટી સાથે ગઠબંધનની જાહેરાત કરી છે.
ત્યારે રાહુલ ગાંધીની આ મુલાકાતને આદિવાસી મતદારો સાથે સંપર્ક અભિયાનના ભાગરૂપે જોવામાં આવી રહ્યું છે.
કૉંગ્રેસ નેતાઓનાં રાજીનામાં
થોડા દિવસ પહેલાં ખેડબ્રહ્મા વિધાનસભા બેઠકના ધારાસભ્ય અને આદિવાસી સમાજના આગેવાન અશ્વિન કોટવાલ રાજીનામું આપીને ભાજપમાં જોડાયા છે.
ભાજપમાં જોડાતી વખતે તેમણે કહ્યું કે, "જે પાર્ટીમાં હું કામ કરી રહ્યો હતો, તેની કામ કરવાની પદ્ધતિથી નારાજ હતો. વડા પ્રધાન મોદી જ્યારે ગુજરાતના મુખ્ય મંત્રી હતા, ત્યારે મેં વાત કરી હતી કે એનજીઓ આદિવાસીઓનું શોષણ કરે છે."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
"વડા પ્રધાન મોદી જ્યારે સંઘનું કામ કરતા હતા ત્યારે ઉમરગામથી અંબાજી સુધી આદિવાસીઓનાં ઘરેઘરે ફર્યા છે. ત્યાર બાદ રાજકારણમાં આવતાં પહેલાં આદિવાસીઓની પરિસ્થિતિ અંગેનો અભ્યાસ કર્યા બાદ તેમણે મને 2007માં કહ્યું હતું કે ગુજરાતનો દરેક આદિવાસી પાકા મકાનમાં રહેવો જોઈએ. વીજળી અને પાણીની વ્યવસ્થા મળવી જોઈએ. તેમને બે ટંકનું ભોજન મળવું જોઈએ."
આ સિવાય કૉંગ્રેસના નેતા શ્વેતા બ્રહ્મભટ્ટે પણ રાહુલ ગાંધીની મુલાકાતના એક દિવસ પહેલાં ફેસબુક પેજ પર રાજીનામું આપ્યું છે.
સોનિયા ગાંધીને સંબોધીને લખેલા રાજીનામામાં તેમણે કહ્યું છે કે વિચાર કૉંગ્રેસને પુનઃજીવિત કરવાનો હતો. હું જે વિઝન સાથે જોડાઈ હતી તે દેશના વિકાસ કાર્યોમાં યોગદાન આપવાનો હતો.
તેમના દાવા પ્રમાણે વડા પ્રધાનને મળ્યા બાદ પાર્ટીમાં મહિલાઓ સહિતના નેતાઓએ તેમની સાથે નિમ્ન કક્ષાની ભાષાનો પ્રયોગ કર્યો હતો અને અવારનવાર રજૂઆતો કરવા છતાં તેમને યોગ્ય ઉત્તર મળતો ન હતો.
છેલ્લા કેટલાક દિવસોમાં સંખ્યાબંધ નેતાઓ અને કાર્યકરોએ કૉંગ્રેસ સાથે છેડો ફાડ્યો છે અને ભાજપમાં જોડાયા છે.
આમ આદમી પાર્ટી અને બીટીપીનું ગઠબંધન
ભરૂચસ્થિત ભારતીય ટ્રાઇબલ પાર્ટી તથા આમ આદમી પાર્ટી વચ્ચે ગઠબંધનની જાહેરાત કરવામાં આવી છે. બંને પાર્ટીના શીર્ષસ્થ નેતાઓએ ગુજરાતના સ્થાપનાદિવસ પહેલી મેના રોજ ભરૂચ નજીક વાલિયા ખાતે આદિવાસી સભાને સંબોધી હતી.
દિલ્હીના મુખ્ય મંત્રી અરવિંદ કેજરીવાલ અને ગુજરાત આપના નેતા મંચ પર તો હતા, પરંતુ આ બીટીપીના છોટુભાઈ વસાવાનું શક્તિપ્રદર્શન વધારે હતું.
ભીલ સમુદાયના વસાવાનું રાજકારણ આદિવાસી અધિકાર, અસ્મિતા, અનુસૂચિ-5ના અમલીકરણ અને વિકાસ પર કેન્દ્રિત રહ્યું છે. આ માટે તેઓ ભૂતકાળમાં કૉંગ્રેસ, એઆઈએમઆઈએમ સાથે ગઠબંધન કરી ચૂક્યા છે.
ત્યારે આ વખતે આમ આદમી પાર્ટી સાથેના ગઠબંધનથી કૉંગ્રેસને બેઠકો પર ફટકો પડે તેવી પૂરેપૂરી શક્યતા છે. જેના કારણે પણ રાહુલ ગાંધીની આ મુલાકાતને સૂચક માનવામાં આવી રહી છે.
કૉંગ્રેસમાં જૂથબંધી અને નારાજગી
હાર્દિક પટેલ પાછલા ઘણા દિવસથી ગુજરાત કૉંગ્રેસ પ્રત્યે પોતાની નારાજગી વ્યક્ત કરી ચૂક્યા છે. તેમણે અવારનવાર આક્ષેપ કર્યા છે કે પ્રદેશના નેતાઓ અને કૉંગ્રેસનાં મોટાં માથાં કામ કરવા દેતાં નથી.
હાર્દિકની કૉંગ્રેસ પ્રત્યેની નારાજગીનો અર્થ ઘણા વિશ્લેષકો એવો કાઢે છે કે તેઓ ભાજપમાં સામેલ થઈ શકે છે.
અગાઉ પત્રકારો સાથેની વાતચીતમાં હાર્દિક ભાજપમાં સામેલ થવાની વાત અંગે કહ્યું હતું કે, "મારી કૉંગ્રેસ છોડવાની અને ભાજપમાં સામેલ થવાની વાતો પાછલા ઘણા સમયથી સમાચાર સંસ્થાઓ સૂત્રોને આધારે ચલાવી રહી છે."
"હાલના સંજોગો અનુસાર ભાજપમાં સામેલ થવાની વાત ક્યાંય આવતી નથી. પરંતુ ભવિષ્યમાં ગમે ત્યારે આવો રાજકીય નિર્ણય લેવાની પરિસ્થિતિ સર્જાશે તો જાણ કરીશ."
આ પરિસ્થિતિની વચ્ચે રાહુલ ગાંધી ગુજરાત આવ્યા છે અને તેઓ આદિવાસીઓની બહુમતી ધરાવતા પંચમહાલમાં સભા અને બેઠકો યોજી રહ્યા છે.
ઉલ્લેખનીય છે કે રાહુલ ગાંધીની મુલાકાત બાદ બુધવારે આમ આદમી પાર્ટીના નેતા અને દિલ્હીના મુખ્ય મંત્રી અરવિંદ કેજરીવાલ ગુજરાત આવી રહ્યા છે.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો