Asani વાવાઝોડું બન્યું વધારે ખતરનાક, કયા વિસ્તારોને થશે અસર?

બંગાળની ખાડીમાં પેદા થયેલું વાવાઝોડું અસાની આગળ જતાં નબળું પડી જવાની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગના કહેવા પ્રમાણે તે તીવ્ર ચક્રવાતી વાવાઝોડામાં ફેરવાઈ ગયું છે. હાલ દરિયામાં રહેલું આ વાવાઝોડું ભારતના દરિયાકિનારા તરફ આગળ વધી રહ્યું છે, જેના કારણે ઓડિશા, આંધ્ર પ્રદેશ અને પશ્ચિમ બંગાળના દરિયાકિનારાના વિસ્તારોને સાવધ રહેવાની સૂચના આપી દેવામાં આવી છે.

બંગાળની ખાડીમાં સર્જાયેલા હવાના દબાણને પગલે પેદા થયેલું વાવાઝોડું અસાની ઝડપથી આગળ વધી રહ્યું છે.

ઇન્ડિયા ટુડેના અહેવાલ અનુસાર સ્પેશિયલ રિલીફ કમિશ્નર પી.કે.જેનાએ કહ્યું કે, "ચક્રવાતી વાવાઝોડું ડિપ્રેશનમાં પરિવર્તિત થઈ જશે અને ઓડિશાના તટની સાથેસાથે 100 કિલોમિટર સુધી આગળ વધશે. જેના કારણે ઓડિશાના કેટલાક જિલ્લાઓમાં ભારે વરસાદ થઈ શકે છે."

પ્રદીપકુમાર જેના અનુસાર "ચક્રવાતી વાવાઝોડું અસાની બંગાળની ખાડીમાં મધ્ય પશ્ચિમ અને દક્ષિણ બંગાળની ખાડીની નિકટ છે જે ઓડિશાના પુરીથી 550 કિલોમિટર દૂર છે. આ વાવાઝોડું બંગાળની ખાડીમાં આઈએમડીના અનુમાન અનુસાર ઉત્તર પશ્ચિમ દિશમાં આગળ વધી રહ્યું છે. "

તેમણે કહ્યું કે, "મંગળવારના ઉત્તર આંધ્ર પ્રદેશ અને દક્ષિણ ઓડિશાના તટથી 150 કિલોમિટર દૂર વાવાઝોડું પહોંચી શકે છે. અને સમુદ્ર તટથી 150 કિલોમિટર દૂર તે જમણી બાજુ વળાંક લેશે અને ઉત્તર-પૂર્વ દિશા તરફ બંગાળની ખાડીના ઉત્તર સુધી પહોંચશે. આ વાવાઝોડું ઓડિશાના તટથી 100 કિલોમિટર દૂર આગળ વધતું રહેશે."

"આ વળાંક પછી તે ઓડિશાના તટ સુધી પહોંચશે અને ચક્રવાતી વાવાઝોડામાં પરિવર્તિત થઈ જશે અને પુરના દક્ષિણમાં પહોંચવા પર તે ડીપ ડિપ્રેશનમાં ફેરવાઈ જશે."

તેમણે વધુમાં કહ્યું કે, "12 મેની સાંજે આ વાવાઝોડું નબળું પડી જશે જેનાથી તટીય વિસ્તારોમાં 40થી 50 કિલોમિટર પ્રતિ કલાકની ઝડપથી પવન વહેતો થઈ શકે છે."

આ વર્ષનું સૌથી પ્રથમ વાવાઝોડું હાલ દરિયામાં સર્જાઈ ગયું છે અને તે તીવ્ર ચક્રવાતમાં ફેરવાઈ ગયું છે. એટલે કે તે ભયાનક બની રહ્યું છે.

હવામાન વિભાગે આપેલી માહિતી પ્રમાણે આ વાવાઝોડું હાલ દરિયામાં છે અને વધારે તાકતવર બન્યું છે.

અસાની નામ કોણે આપ્યું?

માહિતી પ્રમાણે પવનની ગતિ પ્રતિ કલાક 100થી 110 સુધીની છે, જે વધીને 120 સુધી જઈ શકે છે.

ભારતના હવામાન વિભાગના કહેવા પ્રમાણે વાવાઝોડું દરિયામાં 26 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે આગળ વધી રહ્યું છે.

વાવાઝોડા અસાનીનું નામ શ્રીલંકાએ આપ્યું છે, સિંહલા ભાષામાં તેનો અર્થ ક્રોધ થાય છે.

ઓડિશા-પશ્ચિમ બંગાળ પર ખતરો?

વાવાઝોડાની સ્થિતિને જોતાં ઓડિશા અને પશ્ચિમ બંગાળમાં તકેદારીના પગલાં લેવાની શરૂઆત કરી દેવામાં આવી છે.

વાવાઝોડાની સંભવિત અસરવાળા વિસ્તારોમાં એનડીઆરએફની ટીમો પણ ખડેપગે રાખવામાં આવી છે.

જોકે, હવામાન વિભાગનું કહેવું છે કે આ વાવાઝોડું ભારતની ભૂમિ પર ત્રાટકશે નહીં પરંતુ ઓડિશાના કિનારાની પાસે પહોંચ્યા બાદ વળાંક લેશે.

જે બાદ તે કિનારાની પાસે-પાસે જ દરિયામાં આગળ વધશે અને અંતે તે નબળું પડી જશે.

ઓડિશા કે પશ્ચિમ બંગાળના દરિયા કિનારા પર તે સીધું ત્રાટકે તેવી સંભવાના ખૂબ જ ઓછી છે.

જોકે, તેમ છતાં પણ આ વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની સંભવાના છે અને પવનની ગતિ પણ વધવાની સંભાવના છે.

વાવાઝોડું દરિયાકિનારા તરફ આવશે ત્યારે ઠંડા પાણી અને સૂકી હવા તેમાં ભળતાં તે નબળું પડી જવાની શક્યતા છે.

ગુજરાતમાં શું હશે સ્થિતિ?

એક તરફ બંગાળની ખાડીમાં જ્યારે અસાની વાવાઝોડું ખતરનાક બનીને આગળ વધી રહ્યું છે ત્યારે બીજી તરફ ગુજરાતમાં ગરમી પડી રહી છે.

આવનારા દિવસોમાં પણ ગુજરાતમાં ગરમી પડવાની સંભાવના છે, તો કેટલીક જગ્યાએ હવામાન વાદળછાયું બને તેવી શક્યતા છે.

જોકે, રાજ્યમાં હાલ ક્યાંય પણ વરસાદ પડે તેવી સંભાવના નથી અને સતત ગરમી ચાલુ રહે તેવી શક્યતા છે.

રાજસ્થાન, મધ્ય પ્રદેશ, મહારાષ્ટ્ર અને ગુજરાતના કેટલાક વિસ્તારોમાં હીટ વેવની શક્યતા પણ છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો