સ્પુતનિક-V : કોરોનાની રશિયન રસીની ભારત માટે કિંમત જાહેર, કેટલામાં અને ક્યારે મળશે?

કોરોના વાઇરસ સામે રક્ષણ આપતી રશિયાની સ્પુતનિક-V રસીના એક ડોઝની કિંમત 995.4 રૂપિયા નક્કી કરવામાં આવી છે.

રશિયન સ્પુતનિક-Vના ભારતીય પાર્ટનર ડૉ. રેડ્ડીઝ લૅબોરેટરીએ પ્રેસનોટમાં જણાવ્યું હતું કે રસીની કિંમત 948 રૂપિયા હશે અને તેની પર પાંચ ટકા બીજો જીએસટી લાગશે.

પ્રેસનોટમાં એમ પણ જણાવવામાં આવ્યું હતું કે સ્પુતનિક-Vને સેન્ટ્રલ ડ્રગ લૅબોરેટરી દ્વારા 13 મેના રોજ પરવાનગી આપી દેવામાં આવી હતી.

ઉપરાંત હાલ ભારતના છ ઉત્પાદનકર્તા સાથે આના ઉત્પાદનને લઈને ચર્ચા ચાલી રહી છે.

સ્પુતનિક-V એ ટ્વીટ કરીને જણાવ્યું હતું કે સ્પુતનિક-V એવી પહેલી વિદેશી રસી બની છે કે જેનો ઉપયોગ ભારતમાં કરવામાં આવશે.

ડૉ. રેડ્ડીઝ્ લૅબોરેટરીએ કહ્યું છે કે રસીની જે કિંમત હાલ નક્કી થઈ છે તે ઇમ્પોર્ટેડ ડોઝની કિંમત છે. આગામી દિવસોમાં સ્થાનિક સ્તરે ઉત્પાદન થતાં આની કિંમત ઘટી શકે છે.

આ ઉપરાંત આગામી દિવસોમાં રસીની આયાત પણ કરવામાં આવશે.

રશિયામાં બનેલી કોરોના વાઇરસની સ્પુતનિક-V રસીની પ્રથમ ખેપ 1મેએ ભારત આવી પહોંચી હતી. ડૉ. રેડ્ડીઝ્ લૅબોરેટરીના જણાવ્યા અનુસાર દોઢ લાખ ડોઝની પ્રથમ ખેપ હૈદરાબાદ પહોંચી હતી.

સ્પુતનિક રસી 92 ટકા સુરક્ષિત

નોંધનીય છે કે ગત માસના પ્રારંભે ભારતમાં રસી સંબંધિત બાબતોના નિષ્ણાતોની સમિતિ 'સબજેક્ટ ઍક્સપર્ટ કમિટી' (SEC)એ રશિયન રસી સ્પુતનિક-Vના ઇમર્જન્સી ઉપયોગ માટેની હૈદરાબાદની ડૉ. રેડ્ડીઝ લૅબની અરજી સ્વીકારી લીધી હતી.

ભારતની ડ્રગ નિયામક સંસ્થાએ સ્વીકાર્યું છે કે રશિયામાં વિકસિત આ રસી સુરક્ષિત છે. આ રસી ઑક્સફર્ડ-ઍસ્ટ્રાઝેનેકાની કોવિશિલ્ડ રસીની માફક જ કામ કરે છે.

સાયન્સ જર્નલ 'ધી લૅન્સેટ'માં પ્રકાશિત રસીના અંતિમ તબક્કાની ટ્રાયલનાં પરિણામો અનુસાર સ્પુતનિક-V કોરોના વાઇરસ વિરુદ્ધ લગભગ 92 ટકા સુરક્ષા સુરક્ષા આપે છે.

ભારત માટે રશિયાના રાજદૂતે અગાઉ કહ્યું હતું, "સ્પુતનિક-Vની અસરકારકતા વિશ્વમાં સૌથી વધારે છે અને આ રસી કોવિડ-19ના નવા સ્ટ્રૅન વિરુદ્ધ પણ પ્રભાવિત હશે."

"આનું સ્થાનિક ઉત્પાદન પણ વહેલું શરૂ કરી દેવાશે અને તેને ધીમેધીમે દર વર્ષે 850 મિલિયન ડોઝ સુધી વધારવાની યોજના છે."

ભારતમાં કોરોના સામેની લડાઈમાં ત્રણ રસીઓ ઉપલબ્ધ થઈ ગઈ છે. સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ઇન્ડિયા અને ઑક્સફર્ડ-ઍસ્ટ્રાઝેનેકાના સહયોગથી બનેલી કોવિશિલ્ડ, ભારત બાયૉટેકની કોવૅક્સિન અને રશિયાની સ્પુતનિક-V.

સ્પુતનિક રસી કઈ રીતે કામ કરે છે?

કોરોના વાઇરસ સામે લડવા માટેની રશિયાની સ્પુતનિક-V રસીની અસરકારકતા 92 ટકા હોવાનું પરીક્ષણોમાં પુરવાર થયું છે.

સ્પુતનિક રસી યુકેમાં વિકસાવાયેલી ઑક્સફર્ડ/ઍસ્ટ્રાઝેનેકાની રસી તથા બેલ્જિયમમાં વિકસિત જૅન્સનની રસીની જેમ જ કામ કરે છે.

તેમાં શરદી જેવા વાઇરસનો ઉપયોગ થાય છે જે બિનહાનિકારક માનવામાં આવે છે. તે શરીરમાં અલ્પ પ્રમાણમાં કોરોના વાઇરસ પહોંચાડવા માટે કૅરિયર તરીકે કામ કરે છે.

શરીરમાં આ રીતે વાઇરસના જિનેટિક કૉડ પહોંચાડવાથી તે જોખમને ઓળખી શકે છે અને તેનો સામનો કરી શકે છે તથા બીમાર પડવાનું જોખમ રહેતું નથી.

રસી અપાયા બાદ શરીરમાં ઍન્ટીબૉડીઝ બનવા લાગે છે જે કોરોના વાઇરસ માટે ખાસ તૈયાર કરાયા હોય છે.

જેનાથી રોગપ્રતિકારક શક્તિ વાસ્તવમાં કોરોના વાઇરસના સંસર્ગમાં આવે ત્યારે તેનો સામનો કરવા સજ્જ બની જાય છે.

આ રસીને 2થી 8 ડિગ્રી સે. તાપમાને સંગ્રહ કરી શકાય છે. (સામાન્ય ફ્રીઝનું તાપમાન 3-5 ડિગ્રી સે. હોય છે) તેથી આ રસીનું પરિવહન અને સંગ્રહ વધુ સરળ છે.

સ્પુતનિક-V રસી લીધા બાદ કેટલીક આડઅસરની શક્યતા રહે છે, પરંતુ તે હળવી છે.

બીજી રસીથી વિપરીત સ્પુતનિકની રસીમાં પ્રથમ અને બીજા ડોઝ માટે સહેજ અલગ વર્ઝનનો ઉપયોગ કરવામાં આવે છે અને 21 દિવસના ગાળે આ ડોઝ અપાય છે.

આ બંને ડોઝ કોરોના વાઇરસના વિશિષ્ટ 'સ્પાઈક'ને ટાર્ગેટ બનાવે છે. પરંતુ તેમાં વેક્ટર- એટલે કે ન્યુટ્રલાઇઝ્ડ વાઇરસ જુદાજુદા હોય છે જે 'સ્પાઈક'નું શરીરમાં વહન કરે છે.

તેની પાછળની યોજના એવી છે કે એક સરખું વર્ઝન બે વખત આપવા કરતાં બે અલગ પ્રકારની ફૉર્મ્યુલાથી રોગપ્રતિકારક શક્તિ વધુ મજબૂત બને છે. તેથી વધુ લાંબા સમય સુધી રક્ષણ પ્રાપ્ત થાય છે.

તે અસરકારક હોવા ઉપરાંત સુરક્ષિત પણ છે. ટ્રાયલ દરમિયાન આ રસીની કોઈ ગંભીર આડઅસર જોવા મળી નહોતી.

રસી મુકાવ્યા પછી કેટલીક આડઅસરની શક્યતા રહે છે, પરંતુ તે હળવી છે. તેમાં હાથમાં દુખાવો થવો, થાક લાગવો અને થોડો તાવ આવવો વગેરે સામેલ છે.

જે જૂથને આ રસી આપવામાં આવી હતી તેમાં મૃત્યુ અથવા ગંભીર બીમારીનો કોઈ કેસ નોંધાયો ન હતો.

ભારતમાં વિવિધ રસીની કિંમત શું છે?

ભારતમાં કોવિશિલ્ડ અને કોવૅક્સિન બે રસીને હાલ સુધીમાં પરવાનગી આપવામાં આવી છે.

કોવૅક્સિના એક ડોઝની કિંમત કેન્દ્ર સરકાર માટે 150 રૂપિયા છે, જ્યારે રાજ્ય સરકારો માટે 600 રૂપિયા છે. ખાનગી હૉસ્પિટલ માટે એક ડોઝની કિંમત 1200 રૂપિયા છે.

કોવિશિલ્ડના એક ડોઝની કિંમત કેન્દ્ર સરકાર માટે 150 રૂપિયા, રાજ્ય સરકારો માટે 300 રૂપિયા રાખવામાં આવી છે. જ્યારે ખાનગી દવાખાના માટે રસીની કિંમત 600 રૂપિયા રાખવામાં આવી છે.

સ્પુતનિક-Vની હાલ સુધી કેન્દ્ર અને રાજ્ય સરકાર માટે કિંમત નક્કી કરવામાં આવી નથી.

ભારત ઉપરાંત સ્પુતનિકને બીજા કયા દેશોએ મંજૂરી આપી?

રશિયા ઉપરાંત આ રસી બીજા દેશોમાં પણ ઉપયોગમાં લેવાય છે. તેમાં સામેલ છેઃ

  • આર્જેન્ટિના
  • પેલેસ્ટાઇનનો પ્રદેશ
  • વેનેઝુએલા
  • હંગેરી
  • યુએઈ
  • ઈરાન

લાંસેટ પેપરની સાથે પ્રકાશિત થયેલી ટિપ્પણીમાં પ્રોફેસર ઇયાન જૉન્સ અને પોલી રોયે જણાવ્યું કે, "સ્પુતનિક-V રસી વિકસાવવામાં વધારે પડતી ઉતાવળ, કેટલીક બાબતોની ઉપેક્ષા અને પારદર્શિતાના અભાવના કારણે તેની ટીકા કરવામાં આવી હતી."

"પરંતુ અહીં જે પરિણામ પ્રાપ્ત થયું છે તે સ્પષ્ટ છે અને રસીકરણનો વૈજ્ઞાનિક સિદ્ધાંત પ્રદર્શિત થાય છે. એટલે કે કોવિડ-19 સામેની લડાઈમાં વધુ એક રસીનો ઉમેરો થયો છે."

તેમણે જણાવ્યું કે આ રસી તમામ વયજૂથના લોકોમાં સારી એવી અસરકારક છે અને એક ડોઝ લીધા પછી બીમારીની અસરકારકતા ઘટે છે.

તેમણે કહ્યું કે, રસીનો પુરવઠો મર્યાદિત છે ત્યારે આ બાબત "ખાસ પ્રોત્સાહક" હતી.

સ્પુતનિકને લઈને અગાઉ શંકા હતી?

લાંસેટ પેપરના લેખકોએ જણાવ્યું કે આ વિશ્લેષણમાં કોવિડના માત્ર સિમ્પ્ટમેટિક કેસ સામેલ હતા.

તે બીજા ઍસિમ્પ્ટમેટિક કેસને અટકાવી શકે છે કે નહીં અને રસી અપાયેલા લોકો પર વાઇરસનું વહન થાય છે કે નહીં તે જાણવા માટે વધારે કામ કરવું પડશે.

યુનિવર્સિટી ઑફ લૅસેસ્ટર ખાતે ક્લિનિકલ વાઇરોલૉજિસ્ટ ડૉ. જુલિયન ટેંગે જણાવ્યું કે, "રશિયાની સ્પુતનિક-V રસી જે રીતે બહાર પાડવામાં આવી તેના વિશે અગાઉ કેટલીક શંકા હતી તેમ છતાં હવે આ વલણ અમુક અંશે ન્યાયોચિત જણાય છે. ત્રીજા તબક્કાના ટ્રાયલની પૂરતી વિગત મળે તે પહેલાં સ્પુતનિકનો ઉપયોગ શરૂ કરાયો હતો."

તેમણે કહ્યું કે, "આવી મહામારી સંબંધિત રસીઓને યુકે વૅક્સિનેશન પ્રોગ્રામમાં પણ સામેલ કરવામાં આવેલી છે અને તેમાં પ્રથમ અને બીજા ડોઝ વચ્ચે વધારે લાંબો ગાળો રાખવામાં આવે છે."

"તેથી બીજા દેશોની રસીની વધારે પડતી ટીકા કરવામાં આપણે અત્યંત સાવધ રહેવું જોઈએ."

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો