એ વાવાઝોડું જેણે આખા શહેરને નષ્ટ કરી દીધું

    • લેેખક, કૉર્લિન બાર્સ
    • પદ, બીબીસી અર્થ

350 વર્ષ પહેલાં આવેલા એ વાવાઝોડાએ જાતીયતાનાં સમીકરણો બદલી નાખ્યાં.

વર્ષ 1674ની વાત છે. એક વાવાઝોડું આવ્યું અને એમાં બધું તબાહ થઈ ગયું. વાવાઝોડું તેની પાછળ બરબાદીની એવી દાસ્તાન છોડી ગયું જેનાં નિશાન આજે પણ યથાવત્ છે.

લગભગ 350 વર્ષ પહેલાં ઉત્તર-પશ્ચિમ યુરોપમાં એક ભયંકર તોફાને તબાહી મચાવી હતી. વાવાઝોડાને કારણે નેધરલૅન્ડનું યૂટ્રેક્ટ શહેર સંપૂર્ણ રીતે નષ્ટ થઈ ગયું હતું.

ઘણી વખત કુદરતી આપદાઓ આવે છે. પરંતુ આ વાવાઝોડું આટલું બધું શક્તિશાળી કેમ હતું, તે વિશે આજે પણ સંશોધન ચાલી રહ્યાં છે.

તાજેતરમાં આ વાવાઝોડા વિશેની કેટલીક વાતો પ્રકાશમાં આવી છે, જે ચોંકાવનારી છે.

વર્ષ 1672 ડચ ઇતિહાસનું તબાહીનું વર્ષ

સત્તરમી સદીમાં નૅધરલૅન્ડ પહેલાંથી જ કેટલાક પડકારો સામે ઝઝૂમી રહ્યું હતું. ફ્રેન્ચ અને અંગ્રેજી હકૂમતોએ કેટલાક ડચ ક્ષેત્રો કબજે કરી લીધાં હતાં.

વર્ષ 1672માં ફ્રાન્સ, ઇંગ્લૅન્ડ અને જર્મનીએ સંયુક્ત રીતે ડચ રિપબ્લિક નો ખાત્મો બોલાવી દીધો.

ડચ ઇતિહાસમાં આ વર્ષને તબાહીનું વર્ષ ગણવામાં આવે છે.

રોયલ નૅધરલૅન્ડ મિટિયોરોલૉજિકલ ઇન્સ્ટિટ્યૂટના પ્રોફેસર જેરાર્ડ શિરાયર અનુસાર ફ્રાન્સે ડચ ગણરાજ્યની તમામ સંપત્તિ પડાવી લીધી હતી.

નેધરલૅન્ડની બરબાદીના એ સમયમાં યૂટ્રેક્ટ શહેર પાસે આર્થિક ભંડોળ નહોતું. આથી કોઈ પણ કુદરતી આપદા સહન કરવા તે સક્ષમ નહોતું.

બે વર્ષ બાદ જ્યારે અહીં વાવાઝોડું આવ્યું તેના કારણે યૂટ્રેક્ટ શહેર તબાહ થઈ ગયું.

ખંડેરોમાં મળતાં હતાં સમલૈંગિક યુગલો

કેટલાક દાયકાઓ સુધી તૂટેલી ઇમારતોના કાટમાળ જેમના તેમ જ પડ્યા હતા. કેમ કે, કાટમાળ સાફ કરાવવા માટે પણ સરકાર પાસે પૈસા નહોતા.

મોટી મોટી ઇમારતો ખંડેર બની ગઈ હતી. કહેવાય છે કે, આ ખંડેરોમાં સમલૈંગિક યુગલો એકબીજાને મળતાં હતાં. આ સિલસિલો ઘણાં વર્ષો સુધી ચાલતો રહ્યો.

લગભગ 50 વર્ષો બાદ ખ્રિસ્તી પાદરીઓએ આ બાબત સામે આવાજ ઉઠાવ્યો હતો. ત્યાર બાદ ગુપ્ત રીતે મળતા આ સમલૈંગિક યુગલોને સજા મળવા લાગી હતી.

જોકે, મોટાભાગના લોકો આ વાતો પર વિશ્વાસ નથી કરતા પરંતુ એ સમયના દસ્તાવેજો આ વાત પર મહોર લગાવે છે.

બાળકોનાં માથા જેટલા મોટા કરા પડ્યા

1 ઑગસ્ટ 1674નો દિવસ હતો. દિવસની શરૂઆત ગરમ વાતાવરણથી થઈ હતી. દિવસ જેમ જેમ પસાર થઈ રહ્યો હતો, તેમ તેમ ઝડપી પવનો વાવાઝોડામાં ફેરવાઈ ગયા.

સાંજે છ વાગ્યે તોફાને રૌદ્ર સ્વરૂપ ધારણ કરી લીધું. તેને નજરે જોનારાઓએ પોતપોતાની રીતે તેનું વર્ણન કર્યું છે.

એ સમયે એક અખબારમાં ખબર છપાઈ હતી કે ઝડપી પવનો સાથે મોટા કરાનો વરસાદ પણ થયો હતો.

બાળકોનાં માથા જેટલા મોટા કરાનો વરસાદ થયો હતો. લોકોના મકાનોની છત ઊડી ગઈ હતી.

એક ડચ વેપારી ગેરિટ યાન્સ કુકે આ દૃશ્યો વિશે એક કવિતા લખી હતી.

તેમાં તેમણે ઉલ્લેખ કર્યો છે કે, કઈ રીતે ઍમ્સ્ટર્ડમ પાસે નાવડીઓ ઊછળીને મેદાનોમાં આવી ગઈ હતી.

એક ખેડૂત વાવાઝોડા બાદ પોતાના ખેતરને ઓળખી પણ નહોતો શક્યો.

હદ બાંધવા જે વૃક્ષો વાવ્યાં હતાં તે તમામ ઊખડી ગયાં હતાં. વળી ચર્ચના ટાવર પણ ધરાશાયી થઈ ગયા હતા.

ચર્ચને પડી હતી આ વાવાઝોડાની માર

પ્રખ્યાત ધ ડૂમ કૅથડ્રલને સૌથી વધુ અસર થઈ હતી. તેનો વચ્ચેનો ભાગ તૂટીને જમીનદોસ્ત થઈ ગયો હતો.

ચર્ચના ટાવર અને દેવળ વચ્ચે એક મોટી ગૅપ પડી ગઈ હતી. કેટલાક ચર્ચના ટાવર સંપૂર્ણરીતે તૂટી ગયા હતા.

સાક્ષીઓના દસ્તાવેજો અનુસાર આ વાવાઝોડા વિશે બે મહત્ત્વપૂર્ણ માહિતીઓ જાણવા મળી છે.

એક વાત એ કે, તોફાને મોટાપાયે નહીં પણ સ્થાનિક સ્તરે તબાહી સર્જી હતી.

બીજું કે આ વાવાઝોડું ઘણા ઓછા સમય માટે આવ્યું હતું. આ જ દસ્તાવેજોના આધારે વર્ષ 1980માં હવામાન વિભાગે તેને ટૉર્નેડો ગણાવ્યું હતું.

વાવાઝોડાને 'બો-ઇકો' નામ આપવામાં આવ્યું

હાલમાં થયેલા નવા સંશોધન અનુસાર તેને બો-ઇકો નામ આપવામાં આવ્યું છે. વાવાઝોડાના નામની યાદીમાં હવામાન બાબતોના વૈજ્ઞાનિકો માટે આ નામ નવું છે.

40 વર્ષ પહેલાં પ્રથમ વખત તેનો ઉપયોગ થયો હતો. ટૉર્નેડો વાવાઝોડા એક ખાસ વિસ્તારમાં આવે છે અને થોડા સમય માટે જ આવે છે. તેનો વિસ્તાર પણ ઘણો મર્યાદિત હોય છે.

પરંતુ બો-ઇકોનો વિસ્તાર મોટો હોય છે. આ વાવાઝોડા તીરની કમાનની જેમ ઊઠે છે.

તે દસ કિલોમિટરથી હજાર કિલોમિટરના વિસ્તારને અસર પહોંચાડે છે. વળી તે ખૂબ જ ઝડપથી આગળ વધે છે અને માત્ર થોડા કલાકોમાં જ મોટા વિસ્તારમાં ફેલાઈ જાય છે.

350 વર્ષ જૂના વાવાઝોડાનો રેકૉર્ડ

વાવાઝોડામાં જે ઇમારતો નષ્ટ થઈ હતી તેનું સમારકામ થઈ રહ્યું છે. તેના માટે એ સમયની પેન્ટિંગ અને સાક્ષીઓના દસ્તાવેજોની મદદ લેવાઈ રહી છે.

એ સમયની પેન્ટિંગના આધારે તેને બો-ઇકો નામ આપવામાં આવ્યું હતું. કેમ કે, જે દિશામાં વાવાઝોડા આગળ વધે છે, તે દિશામાં આ ઇમારતો તબાહ થઈ ગઈ હતી.

જાણકારોનું કહેવું છે કે, સામાન્યરીતે આ પ્રકારની ઘટનાઓનો જૂનો રેકર્ડ ઉપલબ્ધ નથી હોતો.

આ તોફાને આવી તબાહી મચાવી હતી કે મોટા ભાગના તમામ સાક્ષીઓએ આ વિશે લખ્યું છે.

આ લખાણના આધારે જ વાવાઝોડાની તાકાતને સમજવામાં મદદ મળે છે.

વાવાઝોડું આજે યૂટ્રેક્ટ શહેરની તવારીખનો એક અતૂટ હિસ્સો બની ગયું છે. તેના નિશાન 350 વર્ષ બાદ પણ જોવા મળે છે.

(અંગ્રેજીમાં મૂળ લેખ વાંચવા અહીં ક્લિક કરો, બીબીસી અર્થ પર તે ઉપલબ્ધ છે.)

મે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો