Ind Vs Pak : ભારતની પર દમદાર જીત, પાકિસ્તાની ટીમ ક્યાં ચૂકી?

પાકિસ્તાન સામે વર્લ્ડ કપમાં 'ભારત અજેય હતું, અજેય છે અને અજેય રહેશે'ની પરંપરા જાળવી રાખતાં રવિવારે વિરાટ કોહલીની ભારતીય ટીમે શાનદાર પ્રદર્શન કરીને કટ્ટર હરીફ પાકિસ્તાનને 89 રનથી હરાવ્યું હતું.

ડકવર્થ ઍન્ડ લૂઇસ સિસ્ટમની મદદથી ટાર્ગેટ બદલાયો હતો. આ સાથે વર્તમાન વન-ડે ક્રિકેટમાં ભારતે તેની વિજયકૂચ આગળ ધપાવી હતી.

ભારતની સફળતામાં રોહિત શર્માની સદી, લોકેશ રાહુલ અને વિરાટ કોહલીની અડધી સદી બાદ બૉલર્સની મહેનત પણ રંગ લાવી હતી.

એક તબક્કે પાકિસ્તાન લડત આપી રહ્યું હતું પરંતુ કુલદીપ યાદવ અને હાર્દિક પંડ્યાએ ઉપરા-ઉપરી બૅ બૅ વિકેટ ખેરવી ભારતને મૅચમાં પુનરાગમન કરાવ્યું હતું.

જેની લાંબા સમયથી રાહ જોવાતી હતી તે ભારત અને પાકિસ્તાન વચ્ચેનો મુકાબલો આ વખતે પણ ઘટનાસભર રહ્યો હતો અને દર વખતની માફક ભાતનો હાથ જ ઉપર રહ્યો હતો.

ઓલ્ડ ટ્રેફૉર્ડ ખાતે રમાયેલી મૅચમાં પ્રારંભથી જ પાકિસ્તાને છબરડા વાળ્યા હતા. ટોસ જીતીને પ્રથમ બૅટિંગ કરવાને બદલે પાકિસ્તાની સુકાની સરફરાઝ અહેમદે બૅટિંગમાં અત્યંત મજબૂત મનાતી વિરાટ કોહલીની ટીમને પ્રથમ બૅટિંગ કરવાનું આમંત્રણ આપ્યું હતું જે નિર્ણય રોહિત શર્મા અને લોકેશ રાહુલે ખોટો પાડી દીધો હતો.

ભારતે વરસાદના વિઘ્ન બાદ 50 ઓવર પૂરી કરીને પાંચ વિકેટે 336 રનનો સ્કોર નોંધાવ્યો હતો જેના જવાબમાં પાકિસ્તાન 40 ઓવરમાં છ વિકેટે 212 રન કરી શક્યું હતું.

ભારતનો વિજય નિશ્ચિત થઈ ગયો હતો ત્યારે 35 ઓવર બાદ વરસાદ પડતાં મૅચનો રોમાંચ ઘટી ગયો હતો પરંતુ અંતે ભારતે મૅચ જીતી લીધી હતી.

રોહિત-રાહુલની કમાલ

રોહિત શર્મા અને લોકેશ રાહુલે સદીની ભાગીદારી નોંધાવીને ભારતને મજબૂત શરૂઆત અપાવી હતી.

રોહિતે શાનદાર સદી ફટકારી હતી. વર્તમાન વર્લ્ડ કપમાં આ તેની બીજી સદી હતી. રાહુલે 57 રન ફટકાર્યા હતા તો કૅપ્ટન વિરાટ કોહલીએ ધમાકેદાર બૅટિંગ કરીને 77 રન ફટકાર્યા હતા.

વર્લ્ડ કપના ઇતિહાસમાં પાકિસ્તાન સામે પહેલી વિકેટ માટે સદીની ભાગીદારી નોંધાવવાનો રેકોર્ડ પણ આ રોહિત-રાહુલે સર્જ્યો હતો. અગાઉની છ મૅચમાં ભારતની કોઈ જોડી પહેલી વિકેટ માટે 100 રન ઉમેરી શકી ન હતી.

રાહુલ 24મી ઓવરમાં આઉટ થયો હતો. 78 બૉલમાં 57 રનની ઇનિંગ્સમાં તેણે બૅ સિક્સર પણ ફટકારી હતી.

જોકે બીજે છેડે રોહિત શર્મા આસાનીથી બૅટિંગ કરી રહ્યો હતો. મોહમ્મદ આમિર સહિત એકેય પાકિસ્તાની બૉલર તેને અંકુશમાં રાખી શકયા ન હતા.

રોહિતે કારકિર્દીની 24મી અને પાકિસ્તાન સામે બીજી સદી ફટકારી હતી તો આ વર્લ્ડ કપમાં પણ તેની બીજી સદી હતી.

85 બૉલમાં સદી પૂરી કર્યા બાદ રોહિત આક્રમક બન્યો હતો. તેણે એ પછી સિક્સર પણ ફટકારી હતી જોકે 140 રનના અંગત સ્કોરે તે એકાગ્રતા ગુમાવી બૅઠો હતો અને વહાબ રિયાઝની બૉલિંગમાં લેગ સાઇડમાં બિનજરૂરી સ્ટ્રોક ફટકારવાના પ્રયાસમાં કેચ આપી બૅઠો હતો.

રોહિતે 113 બૉલની ઇનિંગ્સમાં 14 બાઉન્ડ્રી અને ત્રણ સિક્સર સાથે 140 રન ફટકાર્યા હતા.

રોહિતની વિકેટ પડ્યા બાદ ઇનિંગ્સની જવાબદારી વિરાટ કોહલીએ સંભાળી લીધી હતી. તેણે કારકિર્દીની 50મી અડધી સદી પૂરી કરવાની સાથે સાથે ટીમનો સ્કોર પણ ઝડપથી આગળ ધપાવ્યો હતો.

આ દરમિયાન સામે છેડે હાર્દિક પંડ્યા તેની આદત મુજબ આક્રમક બૅટિંગ કરી રહ્યો હતો. હાર્દિકે 19 બૉલમાં 26 રન નોંધાવ્યા હતા. તેની વિકેટ પડ્યા બાદ તરત જ ધોની પણ આઉટ થઈ ગયા હતા.

ચાર વિકેટે 298 રનના સ્કોરે વરસાદનું આગમન થતાં ભારતની રનગતિ પર અંકુશ આવી ગયો હતો.

થોડી વાર બાદ રમત આગળ ધપી કે તરત જ કોહલી આઉટ થઈ ગયો હતો. કોહલીએ 65 બૉલમાં 77 રન ફટકાર્યા હતા.

પાકિસ્તાન માટે મોહમ્મદ આમિરે બીજા સ્પેલમાં સુંદર બૉલિંગ કરી હતી. આમિરે 41 રન આપીને ત્રણ વિકેટ લીધી હતી.

પાકિસ્તાનની શરૂઆત જ ખરાબ રહી

337 રનના કપરા લક્ષ્યાંક સામે રમતાં પાકિસ્તાને પ્રારંભમાં એક વિકેટ ગુમાવી દીધી હતી પરંતુ ત્યાર બાદ ફખર ઝમાન અને બાબર આઝમે જોરદાર લડત આપી હતી. બંનેએ 104 રનની ભાગીદારી નોંધાવી હતી.

ઝમાને તો અડધી સદી પણ પૂરી કરી હતી. જ્યારે બાબર આઝમ 48 રન નોંધાવીને આઉટ થયો હતો.

કુલદીપ યાદવે 24 અને 26મી ઓવરમાં આ બંનેને આઉટ કર્યા તે સાથે ભારતે વળતો પ્રહાર કર્યો હતો જેમાં હાર્દિક પંડ્યાએ સાથ પુરાવ્યો હતો.

તેણે સળંગ બૅ બૉલમાં મોહમ્મદ હફીઝ અને શોએબ મલિક જેવા અનુભવીને આઉટ કરીને ભારતનો વિજય નિશ્ચિત કરી દીધો હતો. 35મી ઓવર બાદ વરસાદ પડ્યો ત્યાં સુધીમાં પાકિસ્તાનની લડત ખતમ થઈ ગઈ હતી.

પાકિસ્તાન માટે ફખર ઝમાન અને બાબર આઝમ સદીની ભાગીદારી સાથે ખતરનાક બની રહ્યા હતા ત્યારે જ કુલદીપ યાદવે ત્રણ બૉલમાં જ આ બંનેને આઉટ કરી દીધા તેના પછીની ઓવરમાં હાર્દિક પંડ્યાએ પાકિસ્તાની ટીમના સૌથી અનુભવી મોહમ્મદ હફીઝ અને શોએબ મલિકને આઉટ કરીને ભારતને વિજયની નજીક લાવી દીધું હતું.

ભારત હવે તેની આગામી મૅચમાં બાવીસમીએ અફઘાનિસ્તાન સામે રમશે તો પાકિસ્તાન 23મીએ સાઉથ આફ્રિકા સામે રમશે.

અમ્પાયરે આઉટ ના આપ્યો છતાં કોહલી જાતે જ નીકળી ગયો

ભારત-પાકિસ્તાન વચ્ચે મૅચ રમાતી હોય એટલે કંઈક તો અસામાન્ય બનતું જ હોય છે.

માન્ચેસ્ટરમાં રમાયેલી વર્લ્ડ કપની ક્રિકેટ મૅચમાં પણ આમ જ બન્યું. ભારતીય ઇનિંગ્સમાં વરસાદ બાદ રમત આગળ વધી ત્યારે કૅપ્ટન વિરાટ કોહલી 71 રન પર રમતમાં હતો.

તેનો સ્કોર 77 રન પર પહોંચ્યો ત્યારે મોહમ્મદ આમિરના એક બાઉન્સરમાં વિકેટકીપર સરફરાઝે કૅચ ઝડપી લીધો હતો. ફિલ્ડરે અપીલ કરી હતી પરંતુ અમ્પાયરે નિર્ણય જાહેર કર્યો ન હતો.

આમ છતાં કોહલી જાતે જ પેવેલિયન તરફ ચાલવા લાગ્યો હતો. પાછળથી રિપ્લેએ સ્પષ્ટ કર્યું હતું કે બૅટ અને બૉલનો સંગન થયો જ ન હતો.

જોકે, વિરાટ કોહલી ચાલવા લાગ્યો હતો એટલે અમ્પાયરને તો નિર્ણય આપવાનો જ રહેતો ન હતો. આમ છતાં કોહલી જાતે ચાલતો થતાં શંકા પેદા થઈ હતી.

બૉલ જ્યારે બૅટને સ્પર્શ્યો જ ન હતો ત્યારે કોહલી આવી રીતે ચાલવા લાગે તેની પાછળ કોઈ તર્ક જણાતો ન હતો. કોહલી કદાચ ખેલદિલી દાખવવા ગયો હશે પરંતુ ટીવી રિપ્લેએ સ્પષ્ટ કર્યું હતું કે કટ અડી જ ન હતી અને ભારતીય કેપ્ટનની ખેલદિલી નકામી નીવડી હતી.

પાકિસ્તાનની ઇનિંગ્સમાં 35 ઓવર બાદ સ્કોર છ વિકેટે 166 રન હતો ત્યારે વરસાદનું આગમન થયું હતું.

આમ ડકવર્થ ઍન્ડ લૂઇસ સિસ્ટમની મદદ લેવાઈ હતી. આમ મૅચ 40 ઓવરની કરી દેવાઈ હતી જેમાં પાકિસ્તાનનો ટાર્ગેટ 302 રનનો થઈ ગયો હતો.

હવે પાકિસ્તાનને બાકી રહેલી પાંચ ઓવર એટલે કે 30 બૉલમાં 136 રનનો અશક્ય કહી શકાય તેવો ટાર્ગેટ મળ્યો હતો.

કિંગ કોહલીનો નવો રેકોર્ડઃ સૌથી ઝડપી 11,000 રન ફટકાર્યા

ભારતીય સુકાની વિરાટ કોહલીએ વર્લ્ડ કપમાં પાકિસ્તાન સામે રમાયેલા મુકાબલામાં વધુ એક વર્લ્ડ રેકોર્ડ પોતાના નામે કર્યો છે.

ઝડપી બૉલર હસન અલીએ કરેલી 45મી ઓવરના બીજા બૉલ પર તેણે એક બાઉન્ડ્રી ફટકારીને વન-ડે ક્રિકેટમાં પોતાના 11,000 રન પૂરા કર્યા હતા.

જોકે, કોહલી વન-ડેમાં સૌથી ઝડપી 11,000 રન નોંધનાવારો બૅટ્સમૅન બની ગયો છે. તેણે સચિન તેંડુલકરના રેકોર્ડને 54 ઇનિંગ્સથી તોડી નાંખ્યો છે.

કોહલીએ 11,000 રન નોંધાવવા માટે 222 ઈનિંગ્સ રમી છે જ્યારે સચિને આ સિદ્ધિ નોંધાવા માટે 276 ઇનિંગ્સ રમી હતી.

કોહલીએ વન-ડેમાં આ સિદ્ધિ નોંધાવનારો ભારતનો ત્રીજો અને વિશ્વનો નવમો બૅટ્સમૅન છે.

ભારત માટે કોહલી અગાઉ સચિન તેંડુલકર અને સૌરવ ગાંગુલીએ આ સિદ્ધિ નોંધાવી છે. વન-ડેમાં સચિન 18,426 રન સાથે સૌથી વધુ રન નોંધાવનારો બૅટ્સમૅન છે.

પાકિસ્તાન સામે રોહિતનો નવો રેકોર્ડ

રોહિત શર્માએ પાકિસ્તાન સામે શાનદાર સદી નોંધાવતા 140 રનની ઇનિંગ્સ રમી હતી.

આ સાથે જ તે પાકિસ્તાન સામે સળંગ બૅ મૅચમાં બૅ સદી નોંધાવનારો પ્રથમ ભારતીય બૅટ્સમૅન બની ગયો છે.

અગાઉ તેણે 2018ના એશિયા કપમાં દુબઈમાં પાકિસ્તાન સામે અણનમ 111 રન ફટકાર્યા હતા.

આ ઉપરાંત તે વર્લ્ડ કપમાં ભારત અને પાકિસ્તાન વચ્ચેના મુકાબલામાં સૌથી વધુ વ્યક્તિગત સ્કોર નોંધાવનારો બૅટ્સમૅન બની ગયો છે.

વર્લ્ડ કપમાં ભારત-પાકિસ્તાન મૅચમાં સૌથી વધુ રન નોંધાવનાર બૅટ્સમૅન આ મુજબ છે.

રોહિતે સચિન તેંડુલકરને પાછળ રાખ્યો

રોહિત શર્માએ પાકિસ્તાન સામે નોંધાવેલી સદી તેની વન-ડે કારકિર્દીની 24મી સદી છે. તેણે 203 ઇનિંગ્સમાં 24 સદી નોંધાવીને સચિન તેંડુલકરના રેકોર્ડને તોડી નાંખ્યો હતો.

સચિને 219 ઇનિંગ્સમાં 24 સદી પૂરી કરી હતી. સૌથી ઓછી ઇનિંગ્સમાં 24 સદી નોંધાવનાર બૅટ્સમૅન આ મુજબ છે.

પિચ પર દોડવા બદલ આમિરને બૅ વખત ચેતવણી અપાઈ

વર્લ્ડ કપમાં ભારત સામે ઓલ્ડ ટ્રેફોર્ડ ખાતે રમાયેલી મૅચમાં પાકિસ્તાની ક્રિકેટ ટીમના ઝડપી બૉલર મોહમ્મદ આમિરને પિચ પર દોડવા માટે બૅ વખત ચેતવણી આપવામાં આવી હતી.

ડાબેરી ઝડપી બૉલરને ઑસ્ટ્રેલિયન અમ્પાયર બ્રુસ ઓક્સનફોર્ડે મૅચની ત્રીજી અને પાંચમી ઓવરમાં ચેતવણી આવી હતી.

જો, તેને ઓક્સનફોર્ડ કે તેમના સાથી અમ્પાયર મરાઈસ એરાસમસ દ્વારા ત્રીજી ચેતવણી આપવામાં આવી હતી તો તે મૅચમાં આગળ બૉલિંગ કરી શક્યો ન હોત.

મોહમ્મદ આમિર હાલમાં શાનદાર ફોર્મમાં છે અને તેણે ઑસ્ટ્રેલિયા સામે 30 રનમાં પાંચ વિકેટ ઝડપી હતી.

નોંધનીય છે કે બૉલર્સ બૉલ ફેંક્યા બાદ પિચ પર સ્ટમ્પ્સની નજીક રહેલા એરીયામાં દોડી શકે નહીં. આમિરે તેની પ્રથમ ચાર ઓવરના સ્પેલમાં આઠ રન આપ્યા હતા.

શંકરે વર્લ્ડ કપમાં પોતાના પ્રથમ બૉલે જ વિકેટ ઝડપી

ભારતીય ઓલ-રાઉન્ડર વિજય શંકરે વર્લ્ડ કપમાં પોતાના પ્રથમ બૉલ પર વિકેટ ઝડપી છે અને આ સિદ્ધિ નોંધનાવારો તે ભારતનો પ્રથમ અને વિશ્વનો ત્રીજો બૉલર છે.

ભારત માટે ભુવનેશ્વર કુમારે પાંચમી ઓવર કરી હતી પરંતુ તેને હામસ્ટ્રિંગમાં ઈજા થતા તે ડ્રેસિંગરૂપમાં પરત ફર્યો હતો.

તેના સ્થાને બાકી રહેલા બૅ બૉલ કરવા વિજય શંકરને બૉલાવ્યો હતો. શંકરે પ્રથમ બૉલ પર જ ઈમામ ઉલ હકને એલબીડબલ્યુ આઉટ કર્યો હતો.

અગાઉ ઇંગ્લૅન્ડના માર્ક એલહામે 1999, ઑસ્ટ્રેલિયાના ઇયાન હાર્વીએ 2003માં, મલાચી જોન્સે 2007, શ્રીલંકાના થિસારા પરેરાએ 2011 અને અફઘાનિસ્તાનના દવલત ઝાદરાને 2015ના વર્લ્ડ કપમાં પોતાના પ્રથમ બૉલે વિકેટ ઝડપી હતી.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો