World Cup : IND vs PAK મુકાબલા, સચીનથી લઈને વિરાટની સદી સુધી

ભારત અને પાકિસ્તાન વચ્ચે રવિવારે વર્લ્ડ કપ 2019માં મૅચ રમાશે. ભારત-પાકિસ્તાન સહિત વિશ્વની આ મૅચ પર નજર રહેશે. ત્યારે જાણો કે વર્લ્ડ કપમાં ભારત અને પાકિસ્તાન વચ્ચેના મુકાબલા કેવા રહ્યા.

સિડની, 4 માર્ચ 1992: ભારતનો 43 રનથી વિજય

ભારત અને પાકિસ્તાન આમ તો 1975થી વર્લ્ડ કપમાં ભાગ લેતા હતા, પરંતુ પહેલી વાર બંને વચ્ચે છેક 1992માં પહેલી વાર મૅચ રમાઈ હતી.

સિડની ક્રિકેટ ગ્રાઉન્ડ ભરચક હતું અને તેમાં મોહમ્મદ અઝહરુદ્દીને ટોસ જીતીને પ્રથમ બૅટિંગ કરી હતી. ભારત માટે સચીન તેંડુલકરે 54 રન ફટકાર્યા હતા. તે સિવાય ઓપનર અજય જાડેજાએ 46 અને કપિલદેવે 35 રન ફટકાર્યા હતા.

ભારતના 216 રનના સ્કોરને પાર કરવામાં પાકિસ્તાન નિષ્ફળ રહ્યું હતું. આમિર સોહૈલના 62 અને જાવેદ મિયાંદાદના 40 રનને બાદ કરતાં પાકિસ્તાની બૅટ્સમૅન નિષ્ફળ રહ્યા હતા.

ઇમરાન ખાન શૂન્ય પર આઉટ થયા હતા. ભારત માટે કપિલદેવ, મનોજ પ્રભાકર અને શ્રીનાથે બે-બે વિકેટ લીધ, પરંતુ સચીન તેંડુલકર અને વેંકટપથી રાજુએ ચુસ્ત બૉલિંગ કરીને પાકિસ્તાનને રન કરવા દીધા નહોતા.

ભારતનો સ્કોરઃ સાત વિકેટે 216 (સચીન તેંડુલકર 54, અજય જાડેજા 46, મુસ્તાક અહેમદ 3/59).

પાકિસ્તાનનો સ્કોરઃ 173 (આમિર સોહૈલ 62, જાવેદ મિયાંદાદ 40, કપિલ, પ્રભાકર, શ્રીનાથ બે-બે વિકેટ).

મૅન ઑફ ધ મૅચઃ સચીન તેંડુલકર.

બેંગલુરુ 9 માર્ચ 1996: ભારતનો 39 રનથી વિજય

આ વર્લ્ડ કપમાં ભારત અને પાકિસ્તાન ક્વાર્ટર ફાઇનલમાં આમનેસામને આવ્યા હતા. બેંગલુરુમાં ભારે ઉત્સાહ વચ્ચે મૅચ રમાઈ હતી. ભારતે 287નો એ વખતે જંગી કહી શકાય તેવો સ્કોર કર્યો, જેમાં નવજોતસિંહ સિદ્ધુના 93 રન મહત્ત્વના હતા, તો અજય જાડેજાએ 25 બૉલમાં ઝંઝાવાતી 45 રન ફટકાર્યા હતા.

વકાર યુનૂસની બૉલિંગમાં જાડેજા વધુ આક્રમક રહ્યા હતા. પાકિસ્તાને પણ વેગીલો પ્રારંભ કરીને જોતજોતામાં 84 રન ફટકારી દીધા હતા. એક સમયે તો 1992ની મૅચનું પુનરાવર્તન લાગતું હતું, કેમ કે મોટા ભાગના ખેલાડીઓ બંને મૅચમાં રમ્યા હતા. સોહૈલે ઝડપી 55 રન ફટકાર્યા હતા.

સોહૈલ-પ્રસાદ વચ્ચે ગરમાગરમી પણ થઈ હતી. જોકે પાકિસ્તાન 248 રનમાં આઉટ થઈ ગયું હતું. કારકિર્દીની અંતિમ મૅચ રમી રહેલા મિયાંદાદ રનઆઉટ થયા હતા.

ભારતનો સ્કોરઃ 8/287 (સિદ્ધુ 93, જાડેજા 45, વકાર યુનૂસ અને મુસ્તાક અહમદ બે-બે વિકેટ).

પાકિસ્તાનનો સ્કોરઃ 9/248 (સોહૈલ 55, સઇદ અનવર 48, વેંકટેશ પ્રસાદ 3/45).

મૅન ઑફ ધ મૅચઃ નવજોતસિંહ સિદ્ધુ.

માન્ચૅસ્ટર, 8 જૂન 1999, ભારતનો 47 રનથી વિજય

ઇંગ્લેન્ડમાં ચોથા વર્લ્ડ કપ પણ ભારત-પાકિસ્તાન વચ્ચે પહેલી વાર ટક્કર થઈ હતી. વેંકટેશ પ્રસાદનું ફૉર્મ ચાર વર્ષ અગાઉ હતું એવું જ રહ્યું હતું. બેંગલુરુમાં ત્રણ વિકેટ લેનારા પ્રસાદે અહીં પાંચ વિકેટ લીધી હતી.

ભારત માટે રાહુલ દ્રવિડ અને અઝહરુદ્દીને અડધી સદી ફટકારી હતી, તો ઇન્ઝમામ ઉલ હકને બાદ કરતાં પાકિસ્તાનનો ધબડકો થયો હતો.

માન્ચૅસ્ટરના ઓલ્ડ ટ્રેફૉર્ડ ખાતે તમામ ટિકિટ ભારત અને પાકિસ્તાની નાગરિકોએ ખરીદી લીધી હતી. એક તરફ કારગિલ વૉર ચાલી રહ્યું હોવાથી આ મૅચ યુદ્ધ સમાન બની ગઈ હતી.

ભારતનો સ્કોરઃ 6/227 (દ્રવિડ 61, અઝહર 59, સચીન 45, અકરમ, અઝહર મહેમૂદ બે-બે વિકેટ).

પાકિસ્તાનનો સ્કોરઃ 180 (ઇન્ઝમામ 41, પ્રસાદ 5/27).

મૅન ઑફ ધ મૅચઃ વેંકટેશ પ્રસાદ.

સેન્ચુરિયન, 1 માર્ચ 2003: ભારતનો છ વિકેટે વિજય

બંને દેશ વચ્ચેના મુકાબલામાં પહેલી વાર કોઈ સદી જોવા મળી. પાકિસ્તાની ઓપનર સઈદ અનવરે સદી ફટકારતાં પાકિસ્તાને 273 રન નોંધાવ્યા હતા. જોકે સચીન તેંડુલકર અને વીરેન્દ્ર સેહવાગે બાજી ફેરવી નાખી હતી.

સચીને તો વસિમ અકરમ, શોએબ અખ્તર અને વકાર યુનૂસ ત્રણેયને ફટકાર્યા હતા. તેણે થર્ડમૅન પર સિક્સર પણ ફટકારી હતી. સચીનના 98 રન બાદ યુવરાજે 50 રન ફટકારીને ભારતે છ વિકેટે વિજય અપાવ્યો હતો.

ભારતનો સ્કોરઃ 4/276 (સચીન તેંડુલકર 98, યુવરાજ 50, વકાર યુનૂસ બે વિકેટ).

પાકિસ્તાનનો સ્કોરઃ 7/273 (સઇદ અનવર 101, ઝહીર ખાન, આશિષ નહેરાની બે-બે વિકેટ).

મૅન ઑફ ધ મૅચઃ સચીન તેંડુલકર.

મોહાલી 30 માર્ચ 2011 (સેમિફાઇનલ): ભારતનો 29 રનથી વિજય

આ વખતે સેમિફાઇનલ હતી. બંને ટીમ ભારતમાં રમી રહી હતી અને મોહાલીમાં પાકિસ્તાની સમર્થકો પણ હતા. ફરી એક વાર સચીન તેંડુલકર મેચના હીરો બની ગયા. તેણે 85 રન ફટકાર્યા હતા પરંતુ તેમાં તેમને વારંવાર જીવતદાન પણ મળ્યાં હતાં.

શાહિદ આફ્રિદીની બૉલિંગમાં જ તેમના ત્રણ કેચ છૂટતા પાકિસ્તાનમાં વિવાદ થયો હતો અને આફ્રિદી સામે કાવતરું હોવાના આક્ષેપો થયા હતા. હાર્યા બાદ આફ્રિદીએ રાષ્ટ્રની માફી માગી હતી.

ભારતનો સ્કોરઃ 9/260 (સચીન તેંડુલકર 85, સેહવાગ 38, રૈના 36, વહાબ રિયાઝ 5/46).

પાકિસ્તાનનો સ્કોરઃ 231 (મિસબાહ ઉલ હક 56, હફીઝ 43, ઝહીર, નહેરા, મુનાફ, હરભજન અને યુવરાજને બે-બે વિકેટ).

મૅન ઑફ ધ મૅચઃ સચીન તેંડુલકર.

ઍડિલેડ, 15 ફેબ્રુઆરી 2015: ભારતનો 76 રનથી વિજય

2011ના ચૅમ્પિયન ભારતને 2015ના વર્લ્ડ કપમાં પહેલી જ મૅચમાં પાકિસ્તાન સામે રમવાનું આવ્યું હતું. વિરાટ કોહલીએ શાનદાર 107 રન ફટકાર્યા તો શિખર ધવનના એટલા જ ઝડપી 73 રનની મદદથી વર્લ્ડ કપમાં ભારતે પહેલી વાર તેના આ કટ્ટર હરીફ સામે 300નો આંક વટાવ્યો.

સોહૈલ ખાને પાંચ વિકેટ ઝડપી હતી. મિસબાહના 76 રન સિવાય પાકિસ્તાન ક્યાંય લડત આપવાની સ્થિતિમાં ન હતું. મોહમ્મદ શમીએ ચાર વિકેટ ઝડપી હતી.

ભારતનો સ્કોરઃ 7/300 (વિરાટ કોહલી 107, શિખર ધવન 73, સોહૈલ ખાન 5/55).

પાકિસ્તાનનો સ્કોરઃ 224 (મિસબાહ 76, મોહમ્મદ શમી 4/35).

મૅન ઑફ ધ મૅચઃ વિરાટ કોહલી.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો.