You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
IND vs PAK : વિશ્વ કપની આ એક મૅચ ગમે તે ખેલાડીને હીરોમાંથી ઝીરો બનાવી શકે છે
- લેેખક, ટીમ બીબીસી ગુજરાતી
- પદ, નવી દિલ્હી
ક્રિકેટ , હોકી કે કબડ્ડી ગમે તે રમત હોય પણ જો ભારત અને પાકિસ્તાનની ટીમ સામસામે હોય તો માત્ર રમતપ્રેમીઓ જ નહીં, પરંતુ બંને દેશના નાગરિકોની નજર પણ મેદાન પર રહે છે.
રમત હોય કે રાજકારણ, જ્યારે કટ્ટર હરીફો ટકરાય ત્યારે રોમાંચ પેદા થાય છે અને એમાં પણ જો હરીફો ભારત અને પાકિસ્તાન જેવા હોય તો તેનો રોમાંચ પરાકાષ્ઠાએ પહોંચી જાય છે.
પછી રમત માત્ર રમત ન રહેતા પ્રતિષ્ઠાનો સવાલ બની જાય છે. 'ભારત વિશ્વ કપ હારી જાય તો ભલે પણ પાકિસ્તાન સામે જો જીતવું જ જોઈએ' એવું કહેનારા અનેક લોકો દેશમાં મળી આવશે. એવી જ રીતે પાકિસ્તાનમાં પણ આનાથી ઊલટું કહેનારા લોકોની કમી નથી.
ભારત અને પાકિસ્તાન વચ્ચે દિલધડક મુકાબલો આવતી કાલે માન્ચૅસ્ટરમાં યોજાવાનો છે.
ભારત અને પાકિસ્તાન હવે તો એકબીજાની ધરતી પર રમતા નથી પણ આંતરરાષ્ટ્રીય ઇવેન્ટમાં બંને તટસ્થ સ્થળે સામસામે આવી જ જાય છે.
આ વખતે ટુર્નામેન્ટનું માળખું એવું બન્યું છે કે ભારત-પાકિસ્તાનને સામસામે રમવાનું આવે જ.
એટલું જ નહીં પ્રત્યેક ટીમે સામસામે રમવાનું છે. ઉપરાંત સેમિફાઇનલ કે ફાઇનલમાં પણ બંને ટીમ સામસામે રમી શકે છે.
2008માં મુંબઈ પરના હુમલા બાદ બંને દેશ વચ્ચે સિરીઝનું આયોજન અટકી ગયું છે. પાકિસ્તાન વારંવાર ભારત સાથે સિરીઝ રમવાની માગણી કરે છે અને આઇસીસીમાં નુકસાનના વળતરની ફરિયાદ પણ કરે છે, પરંતુ હવે મૅચ યોજવી ક્રિકેટ બોર્ડના હાથમાં રહી નથી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
હવે ટીમને આમંત્રણ આપવું કે ટીમને મોકલવી તેનો નિર્ણય સરકારે કરવાનો છે અને હાલના તબક્કે બેમાંથી એકેય ટીમ હરીફના દેશમાં જઈને રમે તેવી કોઈ શક્યતા જણાતી નથી.
આ સંજોગોમાં રમતપ્રેમીઓ માટે એશિયા કપ કે વર્લ્ડ કપ કે આઇસીસી ચૅમ્પિયન્સ ટ્રૉફી જ શ્રેષ્ઠ તક બની રહે છે અને તેથી જ ભારત-પાકિસ્તાન જંગને રમતગમત મુકાબલાઓનો મહારાજા ગણવામાં આવે છે.
કોહલી સામે પરંપરા જાળવવાનો પડકાર
છેલ્લે 2017ના જૂન મહિનામાં ઇંગ્લૅન્ડમાં યોજાયેલી ચૅમ્પિયન્સ ટ્રૉફીમાં ભારત અને પાકિસ્તાન બે વખત સામસામે ટકરાયા હતા. ત્યારબાદ દુબઈમાં યોજાયેલા એશિયા કપમાં પણ બંને રમ્યા હતા, જેમાં ભારતનો વિજય થયો હતો.
વર્લ્ડ કપમાં પાકિસ્તાનને હરાવવાની પરંપરા વિરાટ કોહલીની ટીમે રવિવારે જાળવી રાખવાની છે.
બે વર્ષ અગાઉ ચૅમ્પિયન્સ ટ્રૉફીમાં લીગ મૅચમાં એજબસ્ટનમાં ભારતનો 124 રનથી ભવ્ય વિજય થયો હતો, પરંતુ એ પછી ઓવલ ખાતે આ પરંપરા તૂટી ગઈ અને ફાઇનલમાં પાકિસ્તાને 180 રનથી ભારતને હરાવી દીધું હતું.
આમ ભારત ટાઇટલથી વંચિત રહી ગયું હતું. ટાઇટલ કરતાં પણ કરોડો ભારતવાસીઓને પાકિસ્તાન સામે હાર્યાનો અફસોસ રહી ગયો છે.
હવે રવિવારે ભારત પાસેથી પરાજયનો બદલો લેવાની તક છે.
વર્લ્ડ કપમાં ભારતનો ઇજારો
દર ચાર વર્ષે રમાતા વર્લ્ડ કપમાં તો પાકિસ્તાન સામે ભારતનો ઇજારો રહ્યો છે.
બંને વચ્ચે વર્લ્ડ કપમાં પહેલી વાર 1992માં ટક્કર થઈ હતી ત્યારથી 2015ના વર્લ્ડ કપ સુધીની તમામ છ મૅચમાં ભારતનો વિજય થયો છે.
ખૂબીની વાત તો એ છે કે આ છ પૈકીની પાંચ મૅચમાં ભારતે પ્રથમ બૅટિંગ કરીને મૅચ જીતી હતી. તેનો અર્થ એ થયો કે ભારતીય ટીમ પાકિસ્તાનને ક્યારેય ટાર્ગેટ સુધી પહોંચવા દેતી નથી.
2003માં સાઉથ આફ્રિકામાં ભારતે સચીન તેંડુલકરના 98 રનની મદદથી પાકિસ્તાને આપેલો 273 રનનો સ્કોર આસાનીથી ચેઝ કરી લીધો હતો. તે સિવાયની તમામ મૅચમાં ભારતે પ્રથમ બૅટિંગ કરી હતી.
ભારત અને પાકિસ્તાન રમતા હોય ત્યારે એક ખાસ વાત એ રહી છે કે બંને ટીમ જુસ્સામાં હરીફ ટીમને ટાર્ગેટ સુધી પહોંચવા દેતી નથી.
131 મૅચમાંથી 65 મૅચમાં બેમાંથી એક ટીમ ટાર્ગેટ સુધી પહોંચવામાં નિષ્ફળ રહી છે. આ જ બાબત પુરવાર કરી દે છે કે ટાર્ગેટ સામે રમતી વખતે ટીમ પર કેટલું દબાણ હશે.
1985ના માર્ચ મહિનામાં શારજાહ ખાતે રમાયેલી મૅચમાં ભારત માત્ર 125 રન કરી શક્યું હતું. પાકિસ્તાનના વર્તમાન વડા પ્રધાન અને તત્કાલીન સુકાની ઇમરાન ખાને માત્ર 14 રન આપીને 6 વિકેટ ઝડપી હતી.
જોકે 126 રનનો નાનો લાગતો ટાર્ગેટ પાકિસ્તાન માટે પહાડ સમાન બની ગયો હતો અને તે માંડ 87 રન કરી શક્યું હતું.
શારજાહ, શુક્રવાર અને પાકિસ્તાન
ભારત અને પાકિસ્તાનનો મુકાબલો હોય અને તેમાંય મેદાન શારજાહનું હોય તો તેનો રોમાંચ ઓર વધી જતો હોય છે. જેમ વર્લ્ડ કપમાં ભારતની ઇજારાશાહી છે તેમ શારજાહમાં પાકિસ્તાનની ઇજારાશાહી છે.
બંને વચ્ચે શારજાહમાં રમાયેલી 24માંથી 18 મૅચ પાકિસ્તાન જીત્યું છે તો ભારતને પક્ષે માત્ર છ સફળતા આવી છે. જેમાં 1986ની ફાઇનલનો પણ સમાવેશ થઈ જાય છે.
આ ફાઇનલમાં જાવેદ મિયાંદાદે મૅચના અંતિમ બૉલે ચેતન શર્માની બૉલિંગમાં સિક્સર ફટકારીને ટીમને એક વિકેટે વિજય અપાવ્યો હતો.
જોકે વારંવારના વિવાદ અને મૅચ ફિક્સિંગના આક્ષેપો બાદ છેલ્લા બે દાયકાથી ભારતે શારજાહમાં રમવાનું બંધ કરી દીધું છે.
આમિર સોહિલ અને પ્રસાદ વચ્ચે ગરમાગરમી
ભારત અને પાકિસ્તાન વચ્ચેની વન-ડે મૅચોમાં ઘણી વાર બે ખેલાડી સામસામે આવી ગયા હોવાના કિસ્સા બનેલા છે.
1996ના વર્લ્ડ કપની ક્વાર્ટર ફાઇનલ બેંગલુરુ ખાતે રમાતી હતી. જેમાં પ્રથમ બૅટિંગ કરીને ભારતે 287 રનનો સ્કોર કર્યો હતો.
ભારતનો આ સ્કોર જાણે ચપટીમાં વટાવી દેવાનો હોય તેવી ઝડપથી આમિર સોહિલે બૅટિંગનો પ્રારંભ કર્યો હતો. તેમણે વેંકટેશ પ્રસાદની બૉલિંગમાં ઉપરાઉપરી બાઉન્ડરી ફટકારી હતી. આમ કરીને તેણે મૂળ બેંગલુરુના જ પ્રસાદને તેમના જ મેદાન પર ઉશ્કેર્યા હતા.
આમિર સોહિલે પ્રસાદને પેવેલિયનનો માર્ગ બતાવ્યો હતો. આની સામે પ્રસાદે આમિર સોહિલને ભૂલ કરવા મજબૂર કરીને દાંડી ઉડાવી દીધી હતી.
પ્રસાદે સોહિલને પેવેલિયનનો માર્ગ દેખાડ્યો હતો અને આ વખતે સોહિલને પેવેલિયન સુધી પહોંચવું ભારે પડી ગયું હતું, કેમ કે બેંગલુરુના પ્રેક્ષકો સ્વાભાવિક રીતે જ પ્રસાદની તરફેણમાં હતા.
અજય જાડેજાની વકાર પર ફટકાબાજી
1996ના વર્લ્ડ કપની ક્વાર્ટર ફાઇનલમાં આમિર સોહિલ અને વેંકટેશ પ્રસાદ વચ્ચે ગરમાગરમી થઈ તેની પાછળ અન્ય એક પરિબળ હતું. આ પરિબળ એટલે આપણા ગુજરાતી ક્રિકેટર અજય જાડેજા.
બન્યું એવું કે ભારતે પ્રથમ બૅટિંગ કરી. નવજોતસિંહ સિદ્ધુના 93 રન બાદ પણ એક તબક્કે ભારતે 236 રનમાં છ વિકેટ ગુમાવી દીધી હતી અને ભારત માટે જંગી સ્કોર ખડકવો આસાન ન હતો.
ભારતીય ઇનિંગ્સના અંતિમ તબક્કામાં વકાર યુનૂસ ખતરનાક બૉલિંગ કરી રહ્યા હતા ત્યારે અજય જાડેજાએ આક્રમક રીતે વકારની એક ઓવરમાં 22 રન ઝૂડી નાખ્યા હતા. જાડેજાએ 25 બોલમાં 45 રન ફટકાર્યા હતા.
અજય જાડેજા રમવા આવ્યા ત્યારે ટીમને રનરેટ જરૂર હતી. અત્યાર સુધી વકારે તેની આઠ ઓવરમાં માંડ 35-40 રન આપ્યા હતા, પરંતુ છેલ્લી બે ઓવરમાં જાડેજાએ તોફાની બૅટિંગ કરતાં આખરે વકાર યુનૂસ 10 ઓવરમાં 67 રન સાથે સૌથી મોંઘા બૉલર સાબિત થયા હતા.
વકારની ઓવરમાં જાડેજાએ જે રીતે બૅટિંગ કરી તે જોતાં પાકિસ્તાની ખેલાડીઓ સમસમી ગયા હતા. એટલે જ પાકિસ્તાનની બૅટિંગ આવી ત્યારે તેમનો ઇરાદો જાડેજાની માફક જ ઝડપી બૅટિંગ કરવાનો હતો.
આ પ્લાનમાં જ સોહિલે પ્રસાદની ઓવરમાં ત્રણ બાઉન્ડરી ફટકારી દીધી હતી, પરંતુ જ્યાં સંયમ રાખવાનો હતો ત્યાં આક્રમક અભિગમ દાખવતાં પરિણામ ભારતની તરફેણમાં આવ્યું હતું. અંતે ભારતે 39 રનથી મૅચ જીતી લેતા જાડેજાના 45 રન મહત્ત્વના સાબિત થયા હતા.
સરફરાઝ-ઇમરાનની અંચઈ, ભારતે મૅચ જતી કરી
1978માં ભારતીય ટીમ પહેલી વાર પાકિસ્તાન સામે વન-ડે રમી રહી હતી. લગભગ બે દાયકા બાદ પાકિસ્તાનનો પ્રવાસ શક્ય બન્યો હતો. બંને દેશના રાજકારણીઓની નજર પણ આ સિરીઝ પર હતી ત્યારે સાહિવાલમાં રમાયેલી ત્રીજી વન-ડે વિવાદાસ્પદ બની ગઈ હતી.
પ્રથમ મૅચ ભારતે અને બીજી મૅચ પાકિસ્તાને જીતી હતી. આમ ત્રીજી મૅચ નિર્ણાયક હતી ત્યારે ભારતનો વિજય હાથવેંતમાં હતો. 204 રનના ટાર્ગેટ સામે ભારતે બે વિકેટે 183 રન કરી લીધા હતા.
અંશુમન ગાયકવાડ 78 રન સાથે સેટ થઈને રમતમાં હતા. આ તબક્કે ઇમરાન ખાન અને સરફરાઝ નવાઝે ખતરનાક બૉલિંગ કરી હતી. તેમણે ભારતીય બૅટ્સમૅનોનાં શરીરને જ નિશાન બનાવ્યાં હતાં.
ખેલાડીઓ પરનું જોખમ પારખીને કૅપ્ટન બિશનસિંઘ બેદીએ રાજદ્વારી સંબંધોની પરવા કર્યા વિના બંને બૅટ્સમૅનોને પરત બોલાવી લીધા હતા. આમ મૅચમાં પાકિસ્તાનને વિજેતા જાહેર કરી દેવાયું. ભારતે મૅચ જતી કરવાનું પસંદ કર્યું હતું.
કિરણ મોરેની જાવેદ મિયાંદાદને ઉશ્કેરણી
1992ના વર્લ્ડ કપમાં ભારત-પાકિસ્તાન વચ્ચે સિડનીમાં જંગ જામ્યો હતો. આજની માફક એ વખતે પણ ભારત ફેવરિટ હતું, કેમ કે તેના થોડાં વર્ષ અગાઉ મેલબોર્નમાં ભારતે રવિ શાસ્ત્રીની મદદથી વર્લ્ડ ચૅમ્પિયનશિપ સિરીઝની ફાઇનલમાં પાકિસ્તાનને હરાવ્યું હતું.
ભારતે માત્ર 216 રનનો સ્કોર કર્યો હતો પરંતુ કપિલદેવ, મનોજ પ્રભાકર, શ્રીનાથ, સચીન તેંડુલકર અને વેંકટપથી રાજુ ચુસ્ત બૉલિંગ કરી રહ્યા હતા.
જાવેદ મિયાંદાદ ગોકળગાયની ગતિએ બૅટિંગ કરતા હતા. સચીન અને રાજુએ માંડ સાડા ત્રણના રેટથી રન આપ્યા હતા. તેમની બૉલિંગથી મિયાંદાદ આમેય અકળાયેલા હતા તેવામાં વિકેટ પાછળથી કિરણ મોરેએ કૉમેન્ટ શરૂ કરી દીધી.
પોતાની સમગ્ર કારકિર્દીમાં સ્લીપમાંથી કૉમેન્ટ કરીને બૅટ્સમૅનોને પરેશાન કરનારા મિયાંદાદ ખુદ પરેશાન થઈ ગયા અને કિરણ મોરેથી અકળાઈને જમ્પ લગાવવા માંડ્યા હતા.
મોહાલીમાં સચીનને વારંવાર જીવતદાન
ભારત અને પાકિસ્તાન વચ્ચે 1992થી 2011 સુધી રમાયેલી વર્લ્ડ કપની તમામ મૅચમાં જ્યારે સચીન તેંડુલકર મેદાન પર હોય ત્યારે બૉલર્સ તો પરેશાન હોય જ પરંતુ ફિલ્ડર પણ ડઘાઈ જતા હોય છે.
2011માં મોહાલી ખાતે ભારત-પાકિસ્તાન વચ્ચે સેમિફાઇનલ રમાતી હતી. બંને ટીમ ફાઇનલમાં પ્રવેશવા માટે આતુર હતી.
સચીન તેંડુલકરે 85 રન ફટકાર્યા હતા, પરંતુ તેમાં તેમને ચાર જીવતદાન મળ્યાં હતાં. આમ પાકિસ્તાની ફિલ્ડર પણ એટલી હદે પરેશાન હતા કે તેઓ વારંવાર સચીનનો કૅચ છોડતા હતા.
ભારત અને પાકિસ્તાન વચ્ચેની 2011 સુધીની વર્લ્ડ કપની પાંચ મૅચમાંથી ત્રણ મૅચમાં સચીન મૅન ઑફ ધ મૅચ બન્યા હતા.
શોએબ અખ્તર સામે સચીનની સિક્સર
2003ની પહેલી માર્ચે સાઉથ આફ્રિકાના સેન્ચુરિયન ખાતે ભારત અને પાકિસ્તાન વચ્ચેનો મુકાબલો હંમેશાં યાદ રહી જાય તેવો જામ્યો હતો.
પાકિસ્તાને 273 રન ખડકી દીધા હતા, જેમાં આમિર સોહિલની શાનદાર સદીનો સમાવેશ થતો હતો. હવે જવાબ આપવાનો વારો ભારતનો હતો.
સચીન અને સેહવાગની જોડીએ પહેલી ઓવરથી જ ફટકાબાજી શરૂ કરી દીધી હતી. વસિમ અકરમ અને શોએબ અખ્તર સામે ભારતે ગણતરીની ઓવરોમાં સ્કોર 50 ઉપર પહોંચાડી દીધો હતો.
શોએબની બૉલિંગમાં સચીને થર્ડમૅન પર સિક્સર ફટકારીને પોતાની આક્રમકતાનો પરચો આપી દીધો હતો. એમ કહેવાતું હતું કે શોએબ સામે ચાલીને બૉલિંગ છોડી દેવાની ઓફર કરી હતી.
જોકે બાદમાં શોએબની બૉલિંગમાં જ સચીન આઉટ થયા અને તે સદી ચૂકી ગયા. અલબત્ત, ત્યાં સુધીમાં ભારતનો વિજય નિશ્ચિત થઈ ગયો હતો.
સચીનના 75 બોલમાં 90 રન પછીની કામગીરી રાહુલ દ્રવિડ અને યુવરાજે સંભાળી લીધી હતી.
ભારત-પાક. મૅચમાં અમિતાભ બચ્ચનની કૉમેન્ટરી
ભારત અને પાકિસ્તાન વચ્ચે મૅચ રમાતી હોય અને બુલંદ અવાજના માલિક શહેનશાહ અમિતાભ બચ્ચનની કૉમેન્ટરી હોય તો મજા પડી જાય.
2015ના વર્લ્ડ કપમાં આમ બન્યું હતું. ભારતમાં અમિતાભ બચ્ચન અને કપિલદેવને આમ આદમીએ એટલી હદે સ્વીકાર્યા છે કે સચીન તેંડુલકર અને સુનીલ ગાવસ્કર પણ તેમની સામે સ્પર્ધામાં ટકી શકે તેમ નથી.
2015માં કપિલદેવ અને અમિતાભ બચ્ચને મુંબઈના સ્ટુડિયોમાંથી ભારત અને પાકિસ્તાન વચ્ચેની વર્લ્ડ કપની મૅચની કૉમેન્ટરી આપી હતી.
બચ્ચનના અવાજમાં તો કોઈ શંકા ન હતી, પરંતુ તેમણે જે રીતે તેમના ક્રિકેટના જ્ઞાનનો રમતપ્રેમીઓને પરચો આપ્યો હતો તેનાથી કૉમેન્ટરી રોમાંચક બની ગઈ હતી.
રવિવારે (16 જૂને) કાલે ભારત-પાકિસ્તાન ફરી આમને સામને છે, પણ ખરેખર તો એને ફક્ત મૅચ ન કહી શકાય. આ એક મહામુકાબલો છે જેની આતુરતાપૂર્વક દેશ અને દુનિયામાં રાહ જોવાઈ રહી છે.
ભારત-પાકિસ્તાન વન-ડે ક્રિકેટમાં
(તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો)