વર્લ્ડ કપ ડાયરી IND Vs PAK : 'ભલે 50 ઓવર નહીં તો 20 ઓવરની પણ મૅચ તો રમાવી જ જોઈએ.'

    • લેેખક, વિનાયક ગાયકવાડ
    • પદ, બીબીસી સંવાદદાતા, માન્ચૅસ્ટરથી

માન્ચૅસ્ટર શહેર આજે સૂરજની રોશનીથી ચમકે છે. એક લાંબા સફર પછી હું માન્ચૅસ્ટર પહોંચી ચૂક્યો છું. દરેક ભારતીય અને પાકિસ્તાની ક્રિકેટ ફેનની જેમ મને પણ રવિવારે યોજાનારી ભારત-પાકિસ્તાનની મૅચની રાહ છે. પણ મેં જેવો ખિસ્સામાંથી ફેસબુક લાઇવ કરવા માટે ફોન બહાર કાઢ્યો કે વરસાદ તૂટી પડ્યો.

છેલ્લા બે દિવસમાં મેં ઘણી મુસાફરી કરી. એક દેશથી બીજા દેશની મુસાફરી કરવી અને પછી વર્લ્ડ કપની મૅચની કવરેજ માટે એક શહેરથી બીજા શહેરની મુસાફરી કરવી. બહુ થાક લાગે પણ વાત જ્યારે તમારી ડ્રીમ મૅચની હોય ત્યારે કશું પણ અશક્ય લાગતું નથી.

હું રવિવારે ઓલ્ડ ટ્રૅફર્ડમાં યોજાનારી ભારત-પાકિસ્તાન મૅચનુ કવરેજ કરવા માટે નૉટિંઘમથી મૅન્ચેસ્ટર આવ્યો. આ મારો ઇંગ્લૅન્ડમાં બીજો દિવસ છે, ત્યારે મોસમ પણ મને મારા મન જેવી જ લાગે છે.

પળવારમાં બદલાતી ઇંગ્લૅન્ડની મોસમ

આજે સવારે જ્યારે હું જાગ્યો ને બારીના પડદા ખોલ્યા તો લાગ્યું જાણે હું મુંબઈમાં છું અને ચોમાસુ ટકોરા દઈ રહ્યું છે.

હું ગઈ કાલથી હું નૉટિંઘમમાં છું અને એક પણ મિનિટ માટે અહીં વરસાદ અટક્યો નથી. મે અને મારા સહયોગી કિવે આજે સવારે માન્ચૅસ્ટર માટે ટ્રેન લીધી. આ જ ટ્રેનમાં અમારી સાથે એક ભારતીય પરિવાર પણ મુસાફરી કરી રહ્યો હતો.

અખિલ અને જ્યોતિ સાથે તેમના બે દીકરાઓ પણ ભારત અને પાકિસ્તાનની મૅચ જોવાં જઈ રહ્યા હતાં. અખિલે જ મને કહ્યું કે, 'માન્ચૅસ્ટરમાં વરસાદ નથી.'

આ વર્લ્ડ કપમાં વરસાદે મૅચ બગાડવાનું કામ કર્યું છે અને તેનાથી ઘણા ક્રિકેટ ફેન્સનું દિલ પણ તૂટ્યું છે. હું અને અખિલ મૅચ પર ચર્ચા કરી રહ્યા હતા અને ખુશ હતા કે માન્ચૅસ્ટરમાં વરસાદ નથી ત્યાં જ મારા સાથી અને બ્રિટિશ નાગરિક કિવે કહ્યું કે હવામાન વિભાગ અનુસાર માન્ચૅસ્ટરમાં શનિવારે અને રવિવારે વરસાદ થઈ શકે છે.

આ સાંભળતાં જ અખિલના ચહેરા પર નિરાશા છવાઈ ગઈ. બરાબર આઠ કલાક અગાઉ પણ મને પણ આવી જ નિરાશાનો અનુભવ થયો હતો.

મારી જેમ જ ઘણા ક્રિકેટ ફેન્સને લાગે છે કે હવામાન વિભાગનું અનુમાન ખોટું સાબિત થશે અને આશાઓ અકબંધ છે. તેમ છતાં ફેન્સમાં ચિંતા છે.

ઘણા લોકો સોશિયલ મીડિયા પર આઈસીસીની ખોટું સ્થળ પસંદ કરવા માટે ટીકા પણ કરી રહ્યા છે, પરંતુ એ જાણવું પણ રસપ્રદ છે કે ઇંગ્લૅન્ડનો મોસમ આવો અણધાર્યો કેમ છે?

મોસમ ઇંગ્લૅન્ડમાં શું શું બદલી શકે છે?

કિવે મને સૂચન કરેલું કે જો હું કોઈ બ્રિટિશ વ્યક્તિ સાથે વાત કરવી હોય તો મોસમના હાલચાલથી વાત શરૂ કરવી જોઈએ. મેં મારી સફર દરમિયાન આ સૂચનનું પાલન કર્યું, પણ મને લાગ્યું કે મોસમ બાબતે મારી બધી જ મુશ્કેલીઓ કિવ જ દૂર કરી શકે તેમ છે.

હકીકતમાં ઇંગ્લૅન્ડ એક ટાપુ પરનો દેશ છે, જે ચાર ભાગમાં વહેંચાયેલો છે. ઉત્તરમાં આર્કટિક છે, પશ્ચિમમાં એટલાન્ટિક મહાસાગર છે, તેની પૂર્વમાં યૂરોપ છે અને દક્ષિણમાં ગરમ આફ્રિકા.

આ બધી દિશાઓમાંથી અલગ અલગ પ્રકારની હવા આવે છે. આ બધી જ તેજ હવા એકબીજા સાથે ટકરાય છે, તેથી અહીંના મોસમનો અંદાજ લગાવવો મુશ્કેલ છે.

આમ તો હાલ અહીં ઇંગ્લૅન્ડમાં ગરમીની મોસમ માનવામાં આવે છે, પણ વરસાદથી ગરમીમાં પણ ઠંડક પ્રસરી ગઈ છે.

પણ હાલ મોસમ કેવી છે તેનાથી કોઈ ફરક પડતો નથી. ઇંગ્લૅન્ડમાં વરસાદ એક નિરંતર પ્રક્રિયા છે, અહીં કોઈ પણ ઋતુમાં અને ગમે ત્યારે વરસાદ પડી શક છે. અહીંના લોકો હંમેશા છત્રી લઇને જ નીકળે છે.

શું રવિવારે વરસાદ મૅચ ખરાબ કરશે?

મોસમ વિભાગની આગાહી અનુસાર તો શનિવારે પણ વરસાદ યથાવત રહેશે. પરંતુ સૌથી મહત્ત્વનો રવિવારનો દિવસ છે.

આશા છે કે રવિવારની સવાર અને બપોર દરમિયાન રમતની દૃષ્ટિએ મોસમ સારી હોઈ શકે છે. પૂર્વ અનુમાન મુજબ રવિવારે બપોરે 2 વાગ્યા બાદ વરસાદની શક્યતા છે. પરંતુ હાલ કોઈ પણ એ વાતની ખાતરી આપી શકતું નથી કે વરસાદ થશે કે નહીં.

અહીંના એક કૅબ ડ્રાઇવર શાહિદે સવારે બિલકુલ સચોટ વાત કરી, "આઈસીસીએ આ મૅચ જરૂર રમાડવી જોઈએ. 50 ઓવર નહીં તો કમ સે કમ 20 ઓવર, પણ મૅચ તો રમાવી જ જોઈએ."

શાહિદ પાકિસ્તાનની રાજધાની ઇસ્લામાબાદમાં જન્મ્યા છે અને પછી પરિવાર સહિત લંડન આવી ગયા.

તેઓ આગળ કહે છે, "ધ શો મસ્ટ ગો ઑન."

પણ હાલ અહીં માન્ચૅસ્ટરમાં મને માત્ર વરસાદ જ દેખાય છે. હવે આવતી કાલે સમય જ બતાવશે કે વરૂણદેવ મહેરબાન થાય છે કે સૂરજદેવ સહાય કરે છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો