You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
IND vs NZ : વરસાદે ભારત-ન્યૂઝીલૅન્ડને વર્લ્ડ કપમાં અજેય રાખ્યા
ગુરુવારે વરસાદ અને ખરાબ હવામાન બંને ટીમને આ પરંપરા જાળવી રાખવામાં મદદ કરી હતી કેમ કે અહીં રમાનારી લીગ મૅચ છેલ્લા બે દિવસથી વરસતા ભારે વરસાદ અને ખરાબ હવામાનને કારણે પડતી મૂકવામાં આવી હતી.
આમ બંને ટીમને એક એક પૉઇન્ટ ફાળવવામાં આવ્યો હતો. ભારત હવે તેની આગામી મૅચમાં રવિવારે કટ્ટર હરીફ પાકિસ્તાન સામે ટકરાશે.
અહીંના ટ્રેન્ટ બ્રિજ ખાતે રમાનારી મૅચમાં વરસાદના વિઘ્નની અપેક્ષા તો પહેલેથી જ હતી પરંતુ તેમ છતાં એવી આશા સેવાતી હતી કે બપોર પછી હવામાનમાં સુધારો આવશે.
એવું પણ હતું કે કમસે કમ 20-20 ઓવરની મૅચ રમાશે પરંતુ લગભગ સાડા ચાર કલાક રાહ જોયા બાદ મૅચના અમ્પાયર્સે મૅચ પડતી મૂકવાનો નિર્ણય લીધો હતો.
અમ્પાયર્સ મેરિયસ ઇરાસમસ અને પોલ રાઇફલે વારંવાર મેદાનનું નિરીક્ષણ કર્યું હતું.
જોકે, વરસાદની આવનજાવન પણ ચાલુ જ રહી હતી. આ સંજોગોમાં ગ્રાઉન્ડ સ્ટાફે પણ રમત શરૂ થઈ શકે તે માટે આકરી મહેનત કરી હતી પરંતુ વરસાદે નિરાશા કર્યા હતા.
આઈસીસી વન-ડે ક્રિકેટ વર્લ્ડ કપ 2019માં ભારત અને ન્યૂઝીલૅન્ડ બે જ એવી ટીમ હતી જે એકેય મૅચ હારી ન હતી અને અજેય હતી.
સાથે સાથે ઇંગ્લૅન્ડમાં વસતા ભારતીયોને પણ નિરાશા સાંપડી હતી. ઘણા સમર્થકોએ તો મહિનાઓ અગાઉ આ મૅચ માટે ટિકિટ ખરીદી લીધી હતી પરંતુ તેમને મૅચ નિહાળવા મળી ન હતી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
વર્તમાન વર્લ્ડ કપમાં આ ચોથી મૅચ હતી જેમાં વરસાદનું વિઘ્ન નડ્યું હોય અને મૅચ રમી શકાઈ ન હોય જેને કારણે બંને ટીમને એક એક પૉઇન્ટ ફાળવાયા હોય.
સાતમીએ પાકિસ્તાન અને શ્રીલંકા વચ્ચે બ્રિસ્ટોલ ખાતેની મૅચમાં એક પણ બોલ ફેંકાયો ન હતો.
દસમીએ સાઉથ આફ્રિકા અને વેસ્ટ ઇન્ડિઝ વચ્ચેની મૅચમાં માત્ર સાત ઓવર શક્ય બની હતી.
11મીએ બાંગ્લાદેશ અને શ્રીલંકા વચ્ચેની મૅચમાં પણ ટોસ શક્ય બન્યો ન હતો. આમ આ ટુર્નામેન્ટમાં શ્રીલંકાને બે મૅચમાં નુકસાન થયું હતું.
ભારત અને ન્યૂઝીલૅન્ડ વર્તમાન ટુર્નામેન્ટમાં એક પણ મૅચ હાર્યા ન હતા. ભારતે તેની બે મૅચમાં અનુક્રમે સાઉથ આફ્રિકા અને ઑસ્ટ્રેલિયાને હરાવ્યું હતું તો ન્યૂઝીલૅન્ડે તેની પ્રથમ ત્રણ મૅચમાં શ્રીલંકા, બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાન સામે વિજય હાંસલ કર્યો હતો.
ગુરુવારની મૅચ ધોવાઈ ગયા બાદ ન્યૂઝીલૅન્ડ ચાર મૅચમાંથી સાત પોઇન્ટ તથા ભારત ત્રણ મૅચમાંથી પાંચ પોઇન્ટ સાથે અનુક્રમે પ્રથમ અને ત્રીજો ક્રમ ધરાવે છે.
ભારત હવે 16મીએ પાકિસ્તાન સામે અને ન્યૂઝીલૅન્ડ 19મીએ સાઉથ આફ્રિકા સામે રમશે.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો