વર્લ્ડ કપ IND vs PAK: ભારત સામે કઈ ભૂલથી બચવા માગે છે પાકિસ્તાન?

વિશ્વ કપમા બુધવારે ઑસ્ટ્રેલિયા સામે 41 રનથી પરાજિત થયા પછી પાકિસ્તાનના કૅપ્ટન સરફરાઝ અહમદે કહ્યું કે જો ભારતને હરાવવું હશે તો ટીમે ફિલ્ડિંગ સુધારવી પડશે.

ભારત અને પાકિસ્તાન વચ્ચે રવિવારે 16 જૂનના રોજ માન્ચૅસ્ટરના ઑલ્ડ ટ્રેફૉર્ડમાં મૅચ રમાવાની છે.

ઑસ્ટ્રેલિયા સામેની મૅચમાં પાકિસ્તાનને તેની ખરાબ ફિલ્ડિંગની મોટી કિંમત ચૂકવવી પડી હતી.

આ મૅચમાં ઑસ્ટ્રેલિયન કૅપ્ટન એરોન ફિંચનો કૅચ આસિફ અલીએ સ્લિપમાં છોડ્યો હતો.

જે વખતે કૅચ છોડવામાં આવ્યો ત્યારે તેઓ 33 રન પર રમી રહ્યા હતા અને ત્યારબાદ એમણે વૉર્નર સાથે 146 રનની ભાગીદારી કરી હતી.

ફિંચે 82 બૉલમાં 84 રન કર્યા હતા.

ખરેખર તો વૉર્નર અને ફિંચની આ ભાગીદારીએ જ ઑસ્ટ્રેલિયા માટે 307 રનનો પાયો નાંખ્યો હતો.

એક તબક્કે 350 રન વટાવી દે તેવું લાગતું હતું. જોકે, વૉર્નર અને ફિંચ સિવાયના બૅટ્સમેન લાંબુ ટકી શક્યાં નહોતાં.

ભારત સામે આ ભૂલ નહીં કરીએ

સરફરાઝે પત્રકારોને કહ્યું કે જ્યારે બે સારી ટીમો રમે છે, ત્યારે ફિલ્ડિંગ મોટું અંતર ઉભું કરી શકે છે અને ફિલ્ડિંગમાં ભૂલોને કારણે અમે રન બનવા દીધા.

એમણે કહ્યું કે જો પાકિસ્તાને ભારત સામેની મૅચ જીતવી હશે તો આવી મોટી ભૂલો ટાળવી પડશે.

એમણે કહ્યું કે અમારી ફિલ્ડિંગ બહુ સારી અને અમે એના પર મહેનત કરીશું. ભારત એક મજબૂત ટીમ છે અને જો અમે એ જ ભૂલ ચાલુ રાખીશું, તો અમને મૅચ જીતવાનો મોકો નહીં મળે.

પાકિસ્તાને ઑસ્ટ્રેલિયા સામે સારી શરૂઆત કરી હતી અને તેમને જીતવા માટે 308 રનની જરૂર હતી.

પાકિસ્તાન 26મી ઓવર સુધીમાં બે વિકેટે 136 રન કરી ચૂક્યું હતું પરંતુ એ પછીની ત્રણ ઓવરમાં એમણે ઇમામ ઉલ હક, મોહમ્મદ હાફિઝ અને શોએબ મલિકની વિકેટ ગુમાવી હતી.

સરફરાજે કહ્યું કે તેમણે સારી શરૂઆત કરી પંરતુ ભાગીદારી ન બનાવી શક્યા.

પાકિસ્તાનનો આગામી મુકાબલો ભારત સામે છે અને આ મૅચ પર બેઉ દેશોમાં અનેક ચાહકોની નજર છે.

એટલે જ ઑસ્ટ્રેલિયા સામે 55 રન કરનાર ઇમામ-ઉલ-હકે કહ્યું કે તે ભારત સામે પોતાની પૂરી તાકાતથી રમશે.

એમણે કહ્યું, "આ પ્રકારની મૅચમાં રમવું એ ખૂબ મોટી વાત હોય છે. માન્ચૅસ્ટરમાં પાકિસ્તાની ચાહકોની સંખ્યા ઘણી છે અને હું એને લઈને ખૂબ ઉત્સાહમાં છું."

એમણે કહ્યું કે આ ખૂબ દબાણવાળી મૅચ હશે અને તેઓ ફક્ત તેમની ક્રિકેટની ક્ષમતાઓ પર અને તેને કેવી રીતે નિખારી શકાય તેના પર ધ્યાન આપશે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો