શિખર ધવન ઈજાને કારણે બહાર, રોહિત શર્મા સાથે ઑપનિંગ કોણ કરશે?

રવિવારે ઑસ્ટ્રેલિયા સામે રમાયેલા મૅચમાં જીતના નાયક રહેલા શિખર ધવન વર્લ્ડ કપમાંથી આગામી ત્રણ અઠવાડિયાં માટે બહાર થઈ ગયા છે એવા અહેવાલો આવી રહ્યા છે.

ભારત માટે આ એક મોટા ઝટકા સમાન છે કારણ કે ઑસ્ટ્રેલિયા સામે ધવને 109 બૉલમાં 117 રનની શાનદાર ઇનિંગ્સ રમી હતી.

ધવનને આ જ મૅચમાં ઑસ્ટ્રેલિયાના નાથન કલ્ટરના બૉલ પર ડાબા હાથના અંગૂઠામાં ઈજા પહોંચી હતી.

આ ઈજાના લીધે શિખર ધવન ફિલ્ડિંગ કરવા પણ મેદાનમાં આવ્યા ન હતા.

ધવનના બદલે રવિન્દ્ર જાડેજા ફિલ્ડિંગ માટે આવ્યા હતા અને સમગ્ર મૅચ દરમિયાન તેમણે ફિલ્ડિંગ કરી હતી.

ધવનની ઈજાની સારવાર દરમિયાન અંગૂઠાના સ્કેનમાં જાણવા મળ્યું કે તેમને ફેક્ચર થયું છે.

ભારત વર્લ્ડ કપમાં માત્ર બે મૅચ જ રમ્યું છે અને હવે કૅપ્ટન વિરાટ કોહલીએ રોહિત શર્મા સાથે ઑપનિંગમાં કોણ ઊતરશે તેની શોધ કરવી પડશે.

શિખર ધવનના બદલે ભારતીય ટીમમાં કોણ?

શિખર ધવન બહાર થઈ જવાને કારણે હવે ભારતની વર્લ્ડ કપની ટીમમાં એક ખેલાડી ઓછો થયો છે. જેના કારણે આ સ્થાન પર નવા ખેલાડીને સમાવવામાં આવશે.

વર્લ્ડ કપમાં રિષભ પંત અને અંબાતી રાયડુને વધારાના ખેલાડી તરીકે રાખવામાં આવ્યા છે.

ગુજરાતના યુવા ખેલ પત્રકાર ચિંતન બૂચે બીબીસી સાથે વાત કરતા જણાવ્યું કે શિખરની જગ્યાએ પંત કે રાયડુને સ્થાન મળે તેવી શક્યતા વધારે છે.

તેમણે કહ્યું, "આ બંનેના બદલે કદાચ અજિંક્ય રહાણેને લાવવામાં આવે તો તે હિતાવહ રહેશે. જેનું કારણ એ છે કે ઑપનિંગ અથવા ચોથા નંબરે જરૂર પ્રમાણે રમી શકે એવા ખેલાડીની જરૂર છે. જેની માટે રહાણે ફિટ બેસે છે."

"રહાણેએ રોહિત સાથે અગાઉ ઑપનિંગમાં પાર્ટનરશિપ પણ કરી છે જેથી એને લાવવાની જરૂર છે."

ઓપનિંગમાં રોહિત શર્મા સાથે કોણ?

ભારત પાસે ચાર ખેલાડીઓ સ્ટેન્ડ બાય છે એટલે કે કોઈને ઈજા થાય તો આ ખેલાડીઓ તુરંત ટીમમાં સામેલ થઈ શકે છે.

આ સ્ટેન્ડ બાય ખેલાડીઓમાં રિષભ પંત, અંબાતી રાયડુ, ઇશાંત શર્મા અને અક્ષર પટેલ છે. આ ચારેયમાંથી એક પણ ખેલાડીઓ ઑપનર બૅટ્સમૅન નથી.

આ ઉપરાંત લોકેશ રાહુલ ભારતની વર્લ્ડ કપ ટીમના બેક અપ ઑપનર છે હાલ તેઓ ટીમમાં ચોથા સ્થાન પર રમી રહ્યા છે.

બીબીસી મરાઠીના ખેલ પત્રકાર પરાગ ફાટકના જણાવ્યા પ્રમાણે લોકેશ રાહુલ રોહિત શર્મા સાથે ઑપનિંગમાં જોવા મળે તેવી પૂરી શક્યતાઓ છે.

તેમના કહેવા પ્રમાણે, "હાલ રહાણેનું નામ પણ ચાલી રહ્યું છે પરંતુ રહાણેની શક્યતાઓ બહુ ઓછી છે, તે સ્ટેન્ડ બાય ખેલાડીઓમાં પણ નથી."

"લોકેશ રાહુલને ચોથા નંબરેથી પ્રમોશન આપીને ઑપનિંગમાં લાવવામાં આવશે."

"ચોથા નંબરના ખાલી પડેલા સ્થાન પર વિજય શંકર કે દિનેશ કાર્તિકને ઉતારવામાં આવે તેવું હાલ લાગે છે. દિનેશ કાર્તિક સારી બૅટિંગ કરે છે અને વિજય શંકરનો બૅટ્સમૅનની સાથેસાથે બૉલર તરીકે પણ ઉપયોગ કરી શકાય છે."

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો