પ્રફુલ્લ ખોડા પટેલ કોણ છે અને લક્ષદ્વીપમાં તેમના કારણે કેમ વિવાદ થયો?

    • લેેખક, જયદીપ વસંત
    • પદ, બીબીસી ગુજરાતી માટે

સોમવારે અને મંગળવારે સોશિયલ મીડિયા ઉપર #SaveLakshadweep અને #Lakshadweep જેવા હૅશટૅગ ટ્રૅન્ડ કરી રહ્યા હતા. યૂઝર્સની માગ હતી કે લક્ષદ્વીપના પ્રશાસકને હઠાવવામાં આવે.

પ્રફુલ્લ ખોડાભાઈ પટેલ લક્ષદ્વીપના વહીવટકર્તા છે અને તેમણે લીધેલા અમુક નિર્ણયોને કારણે સ્થાનિકોમાં આક્રોશ પ્રવર્તે છે, તેમને લાગે છે કે તેનાથી તેમની સાંસ્કૃતિક તથા ધાર્મિક ઓળખને આઘાત પહોંચશે.

ગુજરાતની નરેન્દ્ર મોદી સરકારમાં રાજ્યકક્ષાના ગૃહપ્રધાન રહી ચૂકેલા પ્રફુલ્લ પટેલ અને વિવાદ વચ્ચે જૂનો સંબંધ રહ્યો છે. આ પહેલાં દમણના સંસદસભ્ય મોહન ડેલકરના મૃત્યુના કેસમાં તેમનું નામ ઊછળ્યું હતું.

કૉંગ્રેસ, એનસીપી તથા ડાબેરી પક્ષોના સંસદસભ્યોએ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદને પત્ર લખીને પટેલને તેમના પદ ઉપરથી હઠાવવાની માગ કરી છે.

લક્ષદ્વીપ સમૂહમાં મુખ્યત્વે દસેક ટાપુ પર વસતી છે, જ્યાં લગભગ 75થી 80 હજાર લોકો રહે છે.

તે રોટી-બેટીના વ્યવહારથી મુખ્યત્વે કેરળ સાથે ગાઢ રીતે જોડાયેલું છે અને હિંદ મહાસાગરમાં ભારત માટે વ્યૂહાત્મક દૃષ્ટિએ મોકાના સ્થળે આવેલું છે.

લક્ષદ્વીપમાં વિવાદ કેમ થયો ?

રાજ્યસભામાં CPI(M) (કૉમ્યુનિસ્ટ પાર્ટી ઑફ ઇન્ડિયા-માર્કસવાદી)ના સંસદસભ્ય અને રાજ્યસભામાં પાર્ટીના નેતા એલમારામ કરીમે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદને પત્ર લખીને વહીવટકર્તા તરીકે પટેલને હઠાવવાની માગ કરી છે.

બીબીસી સાથે વાત કરતાં તેમણે જણાવ્યું: "તેઓ (પ્રફુલ્લ પટેલ) આપખુદની જેમ વર્તે છે. તેઓ સ્થાનિક પંચાયત, તંત્ર કે નેતાઓની સાથે પરામર્શ નથી કરતા અને નિર્ણયો લે છે."

"જેના કારણે સ્થાનિકોની ધાર્મિક અને સાંસ્કૃતિક ઓળખની ઉપર જોખમ ઊભું થયું છે."

તેઓ કહે છે, "95 ટકા કરતાં વધુ વસતિ મુસ્લિમ છે, છતાં પ્રાણીસંરક્ષણના નામે ત્યાં બીફ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે."

"બીફના ઉત્પાદન, ખરીદવેચાણ અને પરિવહન પર નિયંત્રણ લાદવામાં આવ્યા છે."

"આ સિવાય પર્યટનને પ્રોત્સાહન આપવા માટે ફાઇવસ્ટાર હોટલ કે ટુરિસ્ટ સ્પૉટ પર શરાબવેચાણની છૂટ આપવામાં આવે તો તે સમજી શકાય છે, પરંતુ અહીં વ્યાપક રીતે વેચાણની છૂટ આપવામાં આવી રહી છે. જે ધાર્મિક લાગણીઓને દુભાવનારી બાબત છે."

કરીમ ઉમેરે છે કે હાલમાં કોવિડ-19ની જોગવાઈઓને કારણે તેઓ અને પાર્ટીના કાર્યકરો રસ્તા ઉપર નથી ઊતર્યા, પરંતુ જો પટેલની કાર્યપદ્ધતિ આમ જ ચાલુ રહેશે અને પ્રસ્તાવો પર અમલ થશે તો તેમની પાર્ટી રસ્તા ઉપર ઊતરશે અને અમે તેમના વિરુદ્ધ દેખાવો કરીશું.

કરીમ ઉમેરે છે, "બે બાળકથી વધુ સંતાન ધરાવનારી વ્યક્તિ ચૂંટણી ન લડી શકે તેવી પ્રસ્તાવિત જોગવાઈ તથા ગુંડા ઍક્ટ દ્વારા તેઓ સ્થાનિકોમાં ભયનું વાતાવરણ ઊભું કરવા માગે છે અને તેમના અવાજને દબાવી દેવા માગે છે."

"વાસ્તવમાં લક્ષદ્વીપની જમીન સુંદર છે અને મોકાની છે. ડેવલપમૅન્ટના નામે અનુકૂળતા કરી આપીને આ જમીન તેઓ કૉર્પોરેટજગતને સોંપી દેવામાં આવે છે."

કેરળમાં કૉંગ્રેસ અને ડાબેરી પક્ષના લોકસભા અને રાજ્યસભાના કેટલાક સંસદસભ્યોએ પણ રાષ્ટ્રપતિને પત્ર લખીને પટેલની કાર્યપદ્ધતિ ઉપર સવાલ ઉઠાવ્યા છે અને તેમને પદ પરથી હઠાવવાની માગ કરી છે.

ડિસેમ્બર-2020માં લક્ષદ્વીપના તત્કાલીન પ્રશાસક દિનેશ્વર શર્માના અવસાનને કારણે પ્રફુલ્લ પટેલને પદભાર સોંપવામાં આવ્યો હતો.

ઇન્ડિયન પોલીસ સર્વિસના (આઈપીએસ) પૂર્વ અધિકારી શર્મા ઇન્ટેલિજન્સ બ્યૂરોમાં રાષ્ટ્રીય સુરક્ષાસલાહકાર અજિત ડોભાલ સાથે કામ કરી ચૂક્યા હતા અને જમ્મુ-કાશ્મીર મુદ્દે મુખ્ય વાટાઘાટકાર પણ હતા.

પ્રફુલ્લ પટેલે ઇન્ડિયન એક્સપ્રેસ સાથે વાત કરતા જણાવ્યું, "લક્ષદ્વીપના લોકો નહીં, પરંતુ અમુક લોકો જેમના હિતો જોખમાય રહ્યાં છે તેઓ (પ્રસ્તાવિત જોગવાઈઓ)નો વિરોધ કરી રહ્યા છે. મને વિરોધ કરવો પડે એવું કંઈ થતું નથી લાગતું."

"લક્ષદ્વીપ માલદીવની નજીક છે. છતાં માલદીવ આંતરરાષ્ટ્રીય ટુરિસ્ટ સ્પૉટ છે, જ્યારે લક્ષદ્વીપમાં આટલા વર્ષોથી વિકાસ નથી થયો. અમે તેને પર્યટન, નાળિયર, માછલી તથા દરિયાઈ સેવાળની બાબતમાં આંતરરાષ્ટ્રીય હબ બનાવવા માગીએ છીએ."

"જો લક્ષદ્વીપ વિકાસ પ્રાધિકરણની સ્થાપના થશે તો ભવિષ્યમાં તેને સ્માર્ટસિટી તરીકે વિકસાવી શકાશે. આવી જ રીતે અસામાજિક પ્રવૃત્તિઓવિરોધી કાયદા હોય તો તેમાં ખોટું શું છે?"

પટેલે ઉમેર્યું હતું કે જોગવાઈઓ પ્રસ્તાવિત છે અને સ્થાનિક લોકો તથા લોકપ્રતિનિધિઓ આ મુદ્દે તેમના વાંધાવિરોધ નોંધાવી શકે છે. તા. 28મી એપ્રિલે આ મુસદ્દો સાર્વજનિક કરવામાં આવ્યો હતો.

પ્રિવેન્શન ઑફ ઍન્ટિ-સોશિયલ ઍક્ટિવિટીઝ ઍક્ટની (ગુંડા ઍક્ટ) જોગવાઈ મુજબ એક વર્ષ સુધી જામીન વગર જેલમાં રાખી શકાય છે. દેશમાં ગુનાખોરીનો નીચો દર ધરાવનારા આ શાંત પ્રદેશમાં આટલી કડક જોગવાઈની જરૂર ન હોવાનું કેટલાકનું માનવું છે.

'ટૂલકિટ વિરોધ'

ભાજપ માને છે કે કૉંગ્રેસ તથા ડાબેરી પક્ષો દ્વારા પટેલનો વિરોધ એ મોદી સરકારની કામગીરી સામે ધિક્કાર દેખાડે છે અને 'ટૂલકિટ કૅમ્પેન' (સોશિયલ મીડિયા ઉપર સંકલિત રીતે હાથ ધરવામાં આવતું અભિયાન) હેઠળ કૉંગ્રેસીઓ અને ડાબેરીઓ કામ કરી રહ્યા છે.

કેરળ ભાજપના પ્રદેશાધ્યક્ષ કે. સુરેન્દ્રને બીબીસી સાથે વાત કરતા જણાવ્યું, "લક્ષદ્વીપમાં જે કોઈ કામ થઈ રહ્યા છે, તે વિકાસને માટે થઈ રહ્યાં છે. તેના કારણે પર્યટનક્ષેત્ર તથા સ્થાનિકોને લાભ થશે."

"કેન્દ્રીય ગુપ્તચર સંસ્થાઓએ લક્ષદ્વીપમાં સુરક્ષાવ્યવસ્થા અંગે ચિંતા વ્યક્ત કરી છે."

"એપ્રિલ-2021 દરિયાકિનારેથી (રૂ. ત્રણ હજાર કરોડની) નશાકારક પદાર્થોની જંગી ખેપ પકડાઈ હતી."

"અગાઉ કેરળમાંથી હથિયારો પણ પકાડાયા છે અને આઈએસઆઈએસ સાથે સંકળાયેલા લોકોની ધરપકડ થઈ છે. એટલા માટે ગુંડા ઍક્ટ જેવી કડક જોગવાઈઓની જરૂર છે. સિક્યૉરિટીને માટે આ પગલાં લેવામાં આવી રહ્યા છે."

પ્રફુલ્લ પટેલ ઉપર આરોપ છે કે તેમણે મનસ્વી રીતે કોવિડ-19ને લગતા નિયમોને બદલાવી નાખ્યા, જેના કારણે લક્ષદ્વીપમાં કોરોનાએ દેખા દીધી છે.

તેમણે બહારથી આવનારાને માટે ફરજિયાત ક્વોરૅન્ટીનનો નિયમ સ્થાનિકો સાથે પરામર્શ વગર કાઢી નાખ્યો.

આને બદલે આઈસીએમઆર (ઇન્ડિયન કાઉન્સલ ઑફ મેડિકલ રિસર્ચ) માન્ય લૅબોરેટરીનો ટાપુ પર પ્રવેશ કરતાં પહેલાંના 48 કલાકની અંદરનો નૅગેટિવ આરટી-પીસીઆર રિપોર્ટ પૂરતો હતો.

સ્થાનિકસ્તરે ઉત્તમ આરોગ્ય સવલત ઉપલબ્ધ ન હોવાથી લોકોએ કોરોનાની સારવાર લેવા માટે કેરળના કોચ્ચી, કોઝિકોડ કે કૅલિકટ જેવા શહેરો ઉપર આધાર રાખવો પડે છે. હાલ ટાપુપ્રદેશમાં છ હજાર જેટલા કુલ કેસ છે.

કેરળ અને લક્ષદ્વીપના લોકો વચ્ચે લાંબા સમયથી રોટી-બેટીના વ્યવહાર છે. બંને સાંસ્કૃતિક અને આર્થિકદૃષ્ટિએ ખૂબ જ નજીક છે.

લક્ષદ્વીપના વિદ્યાર્થીઓ ઉચ્ચ અભ્યાસ માટે કેરળ પસંદ કરે છે.

કે. સુરેન્દ્રન ઉમેરે છે કે પ્રફુલ્લ પટેલનો વિરોધ એ કૉંગ્રેસ તથા ડાબેરી પક્ષોની સમજી વિચારીને લાગુ કરાયેલી રાજકીય વ્યૂહરચના છે.

દમણ, લક્ષદ્વીપ અને સમાનતા

કૉસ્ટગાર્ડ ઍક્ટની વિવિધ જોગવાઈઓને આગળ કરીને લક્ષદ્વીપના દરિયાકિનારાના વિસ્તારોમાંથી હંગામી માળખાને હઠાવી દેવામાં આવ્યા છે.

માછીમારો ત્યાં પોતાની જાળીઓનો સંગ્રહ કરતા હતા. આ સિવાય આંગણવાડી તથા પર્યટનવિભાગ સાથે સંકળાયેલા કેટલાક હંગામી કર્મચારીઓને દૂર કરી દેવામાં આવ્યા છે.

2019માં લોકસભાની ચૂંટણી પછી લાઇટહાઉસથી જમ્પોર બીચની વચ્ચેની સાર્વજનિક જગ્યાને બળજબરીપૂર્વક ખાલી કરાવવામાં આવી હતી.

જ્વલ્લે જ જોવા મળતી ઘટનારૂપ સંઘપ્રદેશમાં 144ની કલમ લાગુ કરવી પડી હતી અને બે શાળાઓને હંગામી ધોરણે જેલમાં ફેરવવી પડી હતી.

પ્રફુલ્લ પટેલની કામગીરીને નજીકથી જોનાર અધિકારીના કહેવા પ્રમાણે, "અત્યારે લક્ષદ્વીપમાં જે થઈ રહ્યું છે, તે અગાઉ દમણમાં થઈ ચૂક્યું છે. પટેલની પોતાની કામ કરવાની આગવી પદ્ધતિ છે, જે બીબાંઢાળ મુજબ નથી એટલે શરૂઆતમાં તેઓ વચેટિયા તથા દખલ કરનારાઓને દૂર કરશે, અસંતોષ ઊભો થશે બાદમાં સંઘર્ષ થશે. એ પછી સમજણ અને સંવાદનો તબક્કો શરૂ થશે. એ પછી વિકાસના કાર્યો માટે માર્ગ મોકળો થશે."

"સેલવાસના રિંગરોડનો પ્રોજેક્ટ 10 વર્ષ કરતાં વધુ સમયથી પેન્ડિંગ હતો, પરંતુ પટેલ આવ્યા બાદ તેમણે પોતાની રીતે કામગીરી હાથ ધરી અને બે વર્ષમાં તૈયાર થઈ ગયો.

"જો તેઓ ન આવ્યા હોત, તો કદાચ હજુ 10-15 વર્ષનો સમય નીકળી ગયો હોત."

અગાઉ સંઘપ્રશાસિત પ્રદેશના વહીવટકર્તા તરીકે આઈએએસ (ઇન્ડિયન ઍડમિનિસ્ટ્રેટિવ સર્વિસ)ના અધિકારીને પ્રશાસક તરીકે નિમવામાં આવતા હતા, પરંતુ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આ પરંપરા તોડી હતી અને પટેલની નિમણૂક કરી છે.

તેમણે ઑગસ્ટ-2016માં AGMUT (અરૂણાચલ પ્રદેશ, ગોવા, મિઝોરમ અને સંઘપ્રશાસિત પ્રદેશ) કૅડરના આઈએએસ અધિકારી વિક્રમ દેવ દત્ત પાસેથી કાર્યભાર સંભાળ્યો હતો.

અધિકારી ઉમેરે છે કે, "સામાન્ય રીતે વહીવટી અધિકારી પદભાર સંભાળતો હોય ત્યારે તેને પોતાની ખુરશી બચાવવાની ચિંતા હોય છે એટલે તેઓ રાજકીય દખલગીરી સહન કરી લેતા હોય છે."

"જ્યારે પટેલને 'ઉપરથી આશીર્વાદ' છે એટલે તેઓ આવી બાબતની ચિંતા નથી કરતા."

"જો અધિકારીએ બદઇરાદાપૂર્વક કે જાણીજોઈને કોઈ ભૂલ ન કરી હોય તો પટેલ તેમની સાથે રહે છે અને તેમનો બચાવ કરે છે, જે તેમની સકારાત્મક બાબત છે."

જાન્યુઆરી-2020માં જ્યારે કેન્દ્રશાસિત પ્રદેશ દમણ અને દીવને ભેળવી દેવામાં આવ્યા, ત્યારે તેઓ પ્રથમ પ્રશાસક બન્યા હતા.

'ભાવવિહીન ચહેરો અને આચરણ'

સંઘપ્રદેશમાં કેન્દ્ર સરકારના ઉદ્યમમાં અધિકારી તરીકે ફરજ દરમિયાન પટેલની કામગીરીને નજીકથી જોનાર વ્યક્તિના કહેવા પ્રમાણે: "સફેદ દાઢી અને કાળા વાળને કારણે તમને કેબીસી (સોનીનો કાર્યક્રમ કૌન બનેગા કરોડપતિ) હોસ્ટ કરતા નાના કદના અમિતાભ બચ્ચન જેવા લાગે, પરંતુ તેઓ ભાવવિહિન અને અંદરથી ખૂબ જ કડક છે."

"તેમના મનમાં જે કંઈ ચાલી રહ્યું હોય, તેને ચહેરા પર આવવા નથી દેતા."

"તેઓ સંઘપ્રદેશમાં એકલા જ રહેતા અને તેમનો પરિવાર સાથે ન હતો."

"તેઓ ભાવશૂન્ય છે અને ક્યારેક તેમનું આચરણ અને વાણી પણ ભાવશૂન્ય બની જાય છે. જે તેમનું હકારાત્મક તથા નકરાત્મક પાસું પણ છે."

"કેન્દ્ર સરકાર દ્વારા દમણ અને દાદરાનગર હવેલીની વીજવિતરણ વ્યવસ્થાનું ખાનગીકરણ કરવાનો નિર્ણય જાહેર કરવામાં આવ્યો, તે માટેની જરૂરી પૂર્વ તૈયારીઓ પટેલે જ કરી હતી, જેના કારણે આંતરિક વિવાદ પણ થયા હતા અને તેમના ઉપર દબાણ પણ આવ્યું હતું."

મોદીના માણસ

2007ની વિધાનસભા ચૂંટણી દરમિયાન તેમણે કૉંગ્રેસના હેવીવૅઇટ ઉમેદવાર સી. કે. પટેલનને પરાજય આપ્યો હતો.

મોદી તેમની ઉપર કેટલો વિશ્વાસ કરતા હશે, તે વાતનું અનુમાન એ વાત પરથી લગાવી શકાય છે કે જ્યારે ઍન્કાઉન્ટર કેસમાં અમિત શાહને ગુજરાતની બહાર રહેવાના આદેશ અપાયા હતા, ત્યારે 2010થી 2012દરમિયાન તેમને રાજ્યના રાજ્યકક્ષાના ગૃહ મંત્રી બનાવ્યા હતા.

તેઓ પ્રથમ વખત જ ધારાસભ્ય બન્યા હતા છતાં તેમને આ જવાબદારી સોંપવામાં આવી હતી.

2012માં તેઓ વિધાનસભાની ચૂંટણી હારી ગયા હતા, એ પછી તેઓ રાજકારણમાં ખાસ સક્રિય ન હતા. છતાં કામ કરવાની તેમની પદ્ધતિ અને 'નો-નૉનસેન્સ ઍટિટ્યૂડ'થી મોદીને પ્રભાવિત કર્યા હતા.

ઉત્તર ગુજરાતમાં લગભગ બે દાયકાથી સક્રિય ભાજપના એક નેતાના કહેવા પ્રમાણે, "ખોડાભાઈ (પ્રફુલ્લભાઈના પિતા) રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘમાં સક્રિય હતા. એ અરસામાં મોદીનો તેમના સાથે ઘરોબો હતો. "

"સિવિલ એંજિનિયરિંગમાં ડિપ્લોમા કરનારા ભાગીદારીમાં માર્ગનિર્માણના સરકારી કૉન્ટ્રાક્ટ લેતા અને ભાજપના સ્થાનિક પદાધિકારી પણ હતા."

"સંગઠનસ્તરે કરેલી કામગીરીને આધારે તેમને 2007માં અને વહીવટી કામગીરીને આધારે 2012માં વિધાનસભાની ટિકિટ મળી હતી."

"તેઓ પાંચેક વર્ષથી હિંમતનગરથી દૂર છે, છતાં તેઓ પોતાના પાટીદાર સમાજના પ્રતિનિધિઓ સાથે સક્રિય સંપર્કમાં છે."

"તેઓ ભાજપના સ્થાનિક નેતાઓ સાથે પણ સંપર્કમાં રહે છે. પૈસે ટકે તેઓ સુખી છે અને ચિંતા નથી એટલે બીજી બાબતોમાં પડતા નથી અને નજીકના લોકોને જરૂર પડ્યે નાનીમોટી મદદ કરે છે."

"તેઓ ઑફિસમાં બેસીને કામ નથી કરતા અને ફિલ્ડમાં ઉતરી જાય છે, એ તેમની ખાસિયત છે."

"છતાં બોલવામાં તેઓ ઋક્ષ છે એ તેમનું નકારાત્મક પાસું છે. પ્રફુલ્લ 'પાવરફૂલ પટેલ' છે, જે રાજકારણમાં 'ડાર્ક હૉર્સ' છે.ભવિષ્યમાં ગુજરાતમાં કે કેન્દ્રમાં તેમની મોટી ભૂમિકા હશે."

સંસદસભ્ય આત્મહત્યા કેસ

દમણના અપક્ષ સંસદભ્ય મોહન ડેલકરે મુંબઈની એક હોટલમાં જઈને આત્મહત્યા કરી હતી.

મૃત્યુ પહેલાં કથિત રીતે 15-પન્નાની સ્યૂસાઇડ નોટ ગુજરાતીમાં લખી હતી. જેમાં તેમણે અનેક વહીવટી અધિકારીઓ, પોલીસ અધિકારીઓ તથા ભાજપના નેતાઓના નામ લખ્યા છે.

પુત્ર અભિનવે મુંબઈ પોલીસ સમક્ષ દાદરાનગર હવેલી, દમણ-દીવના વહીવટકર્તા પ્રફુલ્લભાઈ ખોડાભાઈ પટેલ સિવાય આઠ અન્ય સામે નામજોગ ફરિયાદ દાખલ કરાવી હતી.

તેમણે આરોપ મૂક્યો હતો કે તેમના પિતા પાસેથી પ્રફુલ્લ પટેલ રૂ. 25 કરોડ કઢાવવા માગતા હતા અને જો ન આપે તો તેમને પાસામાં ફિટ કરી દેવાની ધમકી આપવામાં આવી હતી.

મહારાષ્ટ્રની ઉદ્ધવ ઠાકરે સરકારે આ કેસની તપાસ સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમને સોંપી છે.

થોડા સમય અગાઉ મુંબઈના પૂર્વના પૂર્વ કમિશનર પરમવીર સિંહે આરોપ મૂક્યો હતો કે તેમના ઉપર મોહન ડેલકર કેસમાં ભાજપના નેતાને ફિટ કરવા માટે દબાણ હતું.

IAS ઑફિસર વિવાદ

મે-2019માં લોકસભાની ચૂંટણી દરમિયાન વહીવટકર્તા તરીકે તેમણે તત્કાલીન કલેકટર કન્નન ગોપીનાથને નોટિસ કાઢી હતી અને પોતાના આદેશોનું પાલન નહીં કરવા બદલ ગોપીનાથને 'અધિકારી તરીકે ગેરલાયક' ગણાવીને શા માટે તેમની વાર્ષિક કામગીરી સમીક્ષામાં તેની નોંધ ન લેવી, તેવા મતલબની નોટિસ કાઢી હતી.

આ નોટિસ ગોપીનાથને કલેકટર તરીકે નહીં, પરંતુ તેમના હેઠળ આવતા અન્ય એક વિભાગની કામગીરી સબબ કાઢવામાં આવી હતી.

એ સમયે આદર્શ આચારસંહિતા લાગુ હોવાથી ગોપિનાથને તેની ફરિયાદ સંઘપ્રદેશના મુખ્ય ચૂંટણી અધિકારીને કરી.

અહેવાલો મુજબ સીઈઓએ આ મામલો ચૂંટણીપંચને મોકલી આપ્યો અને ચૂંટણીપંચે તેમને નોટિસ પાછી ખેંચવા જણાવ્યું.

તાજેતરના લક્ષદ્વીપ વિવાદ બાદ ગોપીનાથને પોતાના ટ્વિટર હૅન્ડલ ઉપર લખ્યું, "વડા પ્રધાન નરેન્દ્ર મોદી તમે દીવ દમણ અને દાદરા નગર હવેલીમાં નિમીને ત્રાસ ગુજાર્યો. જે એક સંસદસભ્યને આત્મહત્યા સુધી પણ દોરી ગયું. હવે લક્ષદ્વીપે એ ભોગવવાનું આવ્યું છે."

"ગુજરાત ભાજપના આંતરિક રાજકારણ અને તેમને સાચવવાની તમારી મજબૂરીને કારણે નાગરિકોને ત્રાસ ન થવો જોઈએ."

ગોપીનાથને ઑગસ્ટ-2019માં જમ્મુ-કાશ્મીરના વિશેષ રાજ્યનો દરજ્જો નાબૂદ થયો તેની સામે વિરોધ વ્યક્ત કરવા પદ પરથી રાજીનામું આપી દીધું હતું, જે સ્વીકારવામાં નથી આવ્યું અને ફરજ પર હાજર નહીં થવા બદલ તેમને નોટિસો આપવામાં આવી છે.

ગોપીનાથન સ્પષ્ટ કરી ચૂક્યા છે કે તેઓ ફરીથી સનદી સેવામાં નહીં જોડાય. હાલમાં તેઓ સામાજિકકાર્યક્ષેત્રે જોડાયેલા છે.

કન્નન ગોપીનાથને બીબીસી સાથે વાત કરતા જણાવ્યું હતું, "આ મુદ્દે મારે જે કંઈ કહેવું હતું તે ટ્વીટ કરી ચૂક્યો છે. આ સિવાય કશું કહેવા નથી માગતો કે ઉમેરવા નથી માગતો."

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો