તૌકતે વાવાઝોડાએ સર્જેલી તબાહી બાદ રૂપાણી સરકારે 500 કરોડનું કૃષિરાહત પૅકેજ આપ્યું

ગુજરાતમાં તૌકતે વાવાઝોડાએ સર્જેલી તબાહી બાદ રાજ્ય સરકારે નુકસાનની સમીક્ષા અને બાદમાં મદદ માટેની જાહેરાતો શરૂ કરી છે.

એક અખબારી યાદી પ્રમાણે, મુખ્ય મંત્રી વિજય રૂપાણીએ તૌકતે વાવાઝોડાથી અસરગ્રસ્ત વિસ્તારોના ખેડૂતોને ખેતી પાકોની નુકસાનીમાં મદદરૂપ થવા 500 કરોડ રૂપિયાનું કૃષિરાહત પૅકેજ જાહેર કર્યું છે.

મુખ્ય મંત્રીના અધ્યક્ષસ્થાને થયેલી કોર કમિટીમાં આ નિર્ણય લેવાયો હતો.

તેમજ ઉનાળું પિયત પાકોને નુકસાન- બાગાયતી પાકોને નુકસાન અને ફળ-ઝાડ પડી જવાના કેસમાં 33 ટકાથી વધુ નુકસાન માટે રાજ્ય સરકાર સહાય આપશે.

એક અઠવાડિયામાં અસરગ્રસ્ત ધરતીપુત્રોનાં ખાતાંમાં ડીબીટીથી આ સહાય જમા થશે.

મુખ્ય મંત્રી વિજય રૂપાણીએ કહ્યું કે, વાવાઝોડાની વ્યાપક અસર ગીરસોમનાથ, જૂનાગઢ, અમરેલી, ભાવનગર અને બોટાદ એ પાંચ જિલ્લાઓ સાથે દક્ષિણ ગુજરાતના નવસારી, સુરત, વલસાડ, ભરૂચ જિલ્લાઓમાં પણ થઈ છે. રાજ્યના 86 તાલુકાઓમાં અંદાજે બે લાખ હેક્ટર વિસ્તારના કૃષિ અને બાગાયત પાકોને વ્યાપક નુકસાન થયું છે.

મોદી સરકારના નવા નિયમો સામે વૉટ્સઍપની દિલ્હી હાઈકોર્ટમાં અપીલ

સોશિયલ મીડિયા ઇન્ટર મીડિયરી માટે આઈટી નિયમો હેઠળ ભારત સરકારની નવી ગાઇડલાઇનની સામે મૅસેજિંગ ઍપ વૉટ્સઍપ દિલ્હી હાઈકોર્ટમાં ગઈ છે.

સમાચાર એજન્સી પીટીઆઈએ કંપનીના પ્રવક્તાનો હવાલો આપીને કહ્યું કે નવી ગાઇડલાઇન અનુસાર વૉટ્સઍપને 'ચૅટ'ને ટ્રેસ કરીને ખબર કરવી પડશે કે કોઈ સંદેશ સૌથી પહેલા કોણે પોસ્ટ કર્યો છે.

વૉટ્સઍપનું કહેવું છે કે "લોકોની ચૅટ"ને ટ્રેસ કરવાનું કામ ન માત્ર અસંવૈધાનિક છે, પણ આ લોકોની નીજતાના અધિકારીનું હનન પણ છે.

મંગળવારે કોર્ટમાં અપાયેલી અરજી અંગે વૉટ્સઍપના પ્રવક્તાએ કહ્યું, "મૅસેજિંગ ઍપને લોકોની ચૅટ ટ્રેસ કરવા માટે કહેવું એટલે વૉટ્સઍપના માધ્યમથી મોકલેલા બધા સંદેશ અંગે જાણકારી મેળવવી, તેનાથી ન માત્ર ઍન્ડ-ટૂ-ઍન્ડ એન્ક્રિપ્શન દેવાનું વચન તૂટી જશે, પણ તેનાથી લોકોની નીજતાના અધિકારનું ઉલ્લંઘન પણ થશે."

"અમે પોતાના યૂઝરોની નીજતાના અધિકારને લઈને દુનિયાભરના જાણકારો અને સ્વયંસેવી સંગઠનો સાથે સતત ચર્ચા કરીએ છીએ. સાથે જ આ મામલે લોકોની સુરક્ષાને લઈને વ્યાવહારિક પગલાં પર ભારત સરકાર સાથે વાતચીત પણ કરતા રહીએ છીએ."

કંપનીએ કહ્યું કે લોકોની ચૅટ ટ્રેસ કરવાના કામને લઈને નવા આઈટી નિયમોને ન માનવા પર ગુનાહિત મામલાનો ખતરો પણ છે.

આ નવી ગાઇડલાઇન એવા સમયે આવી છે જ્યારે નવા આઈટી નિયમો હેઠળ સોશિયલ મીડિયા કંપનીઓને લોકોની પોસ્ટ્સને લઈને વધુ સતર્કતા રહેવા માટે કહેવાયું છે.

સાથે જ ભારત માટે ચીફ કંપ્લાએન્સ અધિકારી, નોડલ કૉન્ટેક્ટ પર્સન અને રૅસિડન્ટ ગ્રીવાન્સ અધિકારી નિયુક્ત કરવા માટે કહેવાયું છે.

આ વર્ષે ભારત સરકારે ઇન્ફૉર્મેશન ટેકનોલૉજી (ઇન્ટર મીડિયરી ગાઇડલાઇન્સ ઍન્ડ ડિજિટલ મીડિયા એથિક્સ કોડ) જાહેર કરી હતી અને કહ્યું હતું કે ફેસબુક, ટ્વિટર, વૉટ્સઍપ અને ઇન્સ્ટાગ્રામ જેવી મોટી કંપનીઓએ 25 મે સુધી આ નિયમોને લાગુ કરવો પડશે.

સુબોધ કુમાર જયસ્વાલ બન્યા નવા સીબીઆઈ ચીફ

સેન્ટ્રલ બ્યૂરો ઑફ ઇનવેસ્ટિગેશનના નવા ડાયરેક્ટર તરીકે સુબોધ કુમાર જયસ્વાલની પસંદગી કરવામાં આવી છે. આ પોસ્ટ માટે વાય સી મોદી અને ગુજરાત કૅડરના આઈપીએસ રાકેશ અસ્થાનાનું નામ પણ ચર્ચામાં હતું.

વડા પ્રધાન નરેન્દ્ર મોદીના વડપણ હેઠળની ઉચ્ચસ્તરીય સમિતિમાં આ અંગે નિર્ણય લેવામાં આવ્યો હતો. આ સમિતિમાં ભારતના મુખ્ય ન્યાયાધીશ એનવી રમના અને લોકસભામાં વિપક્ષના નેતા અધિર રંજન ચૌધરીનો પણ સમાવેશ થાય છે.

સુબોધ કુમારને 2009માં રાષ્ટ્રપતિ મૅડલ એનાયત થયો હતો. અગાઉ તેઓ રિસર્ચ ઍન્ડ એનાલિસિસ વિંગ -રૉમાં પણ સેવા આપી ચૂક્યા છે.

ઝારખંડના નાના ગામમાંથી આવનાર સુબોધ કુમાર જયસ્વાલની ગણતરી સ્વચ્છ છબિ ધરાવનાર અધિકારીમાં કરવામાં આવે છે.

ઉલ્લેખનીય છે કે સેન્ટ્રલ બ્યૂરો ઑફ ઇન્વેસ્ટિગેશન પર અનેક વાર સરકારની તરફદારી કરાવનો આરોપ લાગી ચૂક્યો છે.

ઉલ્લેખનીય છે કે સમિતિમાં સામેલ ચીફ જસ્ટિસે સુપ્રીમ કોર્ટની 2019ની ગાઇડલાઇનનો હવાલો આપતા વાય સી મોદી અને રાકેશ અસ્થાના આ પોસ્ટની રેસમાંથી બહાર થઈ ગયા હતા. સુપ્રીમ કોર્ટની એ ગાઇડલાઇન મુજબ કોઈ પણ પોલીસ અધિકારીને નિવૃતના છ મહિનામાં પોલીસ ચીફનો હોદ્દો આપી શકાય નહીં.

સુબોધ કુમાર જયસ્વાલ 1985ની બેચના મહારાષ્ટ્ર કૅડરના આઈપીએસ છે અને મુંબઈ અને મહારાષ્ટ્ર એટીએસના એડિશનલ કમિશનર રહી ચૂક્યા છે. 2008માં કેન્દ્ર સરકારમાં ડૅપ્યુટેશન પર ગયા હતા

2018 RAWમાં એડિશનલ સેક્રેટરીના પદ પર હતા ત્યાંથી મુંબઈના પોલીસ કમિશનર તરીકે નિમણૂક થઈ હતી. ભાજપની ફડણવીસ સરકારે તેમને 2019માં મહારાષ્ટ્રના ડીજીપી બનાવ્યા હતા.

જાન્યુઆરી, 2021થી સેન્ટ્રલ ઇન્ડસ્ટ્રિયલ સિક્યૉરિટી ફૉર્સિસના ડિરેક્ટર જનરલ હતા.

મુંબઈમાં પકડાયેલા બોગસ સ્ટેમ્પ પેપર વેચવાના તેલગી કૌભાંડની તપાસ કરતી સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમના સભ્ય હતા. તેમણે અનેક સિનિયર અધિકારીઓ સામે કાર્યવાહી કરતા અનેકના નાપસંદ બન્યા હતા. છતાં પોતાનો કાર્યકાળ પૂર્ણ કર્યો હતો. આ કેસ બાદમાં સીબીઆઈને સોંપી દેવાયો હતો.

મુંબઈમાં 2006માં રેલ્વે બલાસ્ટ અને માલેગાંવ બ્લાસ્ટ કેસની તપાસ તેમણે કરી હતી. બહુ ચર્ચિત

એલગાર પરિષદ કેસ અને ભીમા કોરેગાંવ હિંસાની તપાસ તેમની દેખરેખ હેઠળ થઈ હતી.

મહારાષ્ટ્રમાં શિવસેના-એનસીપી-કૉંગ્રેસની સંયુક્ત સરકાર બનતા સિનિયર અધિકારીઓની નિમણૂક અને બદલીઓને લઈને સુબોધ કુમારને ઉદ્ધવ ઠાકરે સરકાર સાથે વાંધો પડ્યો હતો. એ પછી તેઓ કેન્દ્ર સરકારમાં ડૅપ્યુટેશન પર ગયા હતા.

હવે તેઓ સીબીઆઈ ચીફ બનતા મહારાષ્ટ્રના ગૃહ મંત્રી અનિલ દેશમુખ પર ભ્રષ્ટાચારના આરોપનો કેસ અને સુશાંતસિંહ રાજપૂતના વિવાદ કથિત હત્યા કેસની તપાસ તેમના હાથ નીચે આવશે.

આવનારા સમયમાં મહારાષ્ટ્ર સરકાર અને કેન્દ્ર સરકાર વચ્ચે આને લઈને ઘર્ષણ વધી શકે છે.

વૉકહાર્ટ કંપનીએ વર્ષે 200 કરોડ રસીના ડોઝ બનાવી આપવા તૈયારી બતાવી

ભારતીય દવા કંપની વૉકહાર્ટે સરકારને ઑફર કરી છે કે તે વર્ષે 200 કરોડ રસીના ડોઝ બનાવી આપવા માટે તૈયાર છે. અને 2022-ફેબ્રુઆરીથી 50 કરોડની ક્ષમતા સાથે શરૂઆત પણ કરી શકે છે.

‘ઇન્ડિયન એક્સપ્રેસ’ના અહેવાલ અનુસાર આ મહિનાની શરૂઆતમાં મુંબઈસ્થિત કંપનીએ સરકારને એક ઔપચારિક ઑફર આપી હતી જેમાં ભારતમાં કોઈ કંપની સાથે ભાગીદારી કરીને રસીનું ઉત્પાદન કરવા તેણે તૈયારી બતાવી હતી.

વળી કંપની રસીના ઉત્પાદન માટે જરૂરી કેટલીક ટૅકનૉલૉજી પણ પ્રાપ્ત કરવા માટેની પ્રક્રિયા હાથ ધરી રહી છે.

કંપનીએ સરકારને કહ્યું કે તેની પાસે એમઆરએનએ, પ્રોટિન આધારિત રસી, અને વૅક્ટર આધારિત રસીનું ઉત્પાદન કરી શકાય તે માટે જરૂરી ક્ષમતા અને માળખું ઉપલબ્ધ છે.

જોકે સરકાર આ ઑફરની સમીક્ષા કરી રહી છે.

‘1 એપ્રિલથી અત્યાર સુધી કોરોનાને લીધે કૂલ 577 બાળકો અનાથ થયા’

કેન્દ્રીયમંત્રી સ્મૃતિ ઇરાની અનુસાર અત્યાર સુધી કોરોનાની બીજી લહેરમાં કૂલ 577 બાળકો અનાથ થયા છે. અને સરકાર તેમની સહાય માટે કટિબદ્ધ છે.

‘એનડીટીવી’ના અહેવાલ અનુસાર મહિલા અને બાળ વિકાસ મંત્રીએ કહ્યું કે જે બાળકોએ કોવિડના લીધે માતાપિતા ગુમાવ્યા છે તેમના રક્ષણ અને સહાય માટે સરકાર તમામ પગલા લેશે.

તેમણે જણાવ્યું કે 1લી એપ્રિલથી અત્યાર સુધી રાજ્ય અને સંઘપ્રદેશોમાં કૂલ 577 બાળકોએ માબાપ ગુમાવ્યા છે. તેમને જો કાઉન્સિલિંગની જરૂર હશે તો તે પણ પૂરું પાડવામાં આવશે.

ફાઇઝર શરત સાથે રસીના 5 કરોડ ડોઝ આપવા તૈયાર

દેશમાં કોવિશિલ્ડ અને કોવૅક્સિન એમ બે રસી હાલ રસીકરણ માટે વાપરાવમાં આવી રહી છે. જેનું ઉત્પાદન ભારતમાં થઈ રહ્યું છે. કોવિશિલ્ડ સીરમ ઇન્સ્ટિટ્યૂટ જ્યારે કોવૅક્સિન ભારત બાયોટેક દ્વારા તૈયાર કરાઈ છે.

જોકે ‘ઇન્ડિયન એક્સપ્રેસ’ના અહેવાલ અનુસાર અમેરિકાની કંપની ફાઇઝર ભારતને રસીના 5 કરોડ ડોઝ આપવા તૈયાર છે પણ તેની કેટલીક શરતો છે.

ફાઇઝર આડઅસર મામલે કાનૂની કાર્યવાહી સામે છુટ માગી રહી છે.

બીજી તરફ મોડર્ના રસી સિંગલ ડોઝ વૅક્સિન લૉન્ચ કરશે જે 2021માં ભારતમાં લૉન્ચ થશે. હાલ તે ભારતને રસી આપવાની સ્થિતિમાં નહીં હોવાનું જાણવા મળ્યું છે.

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો