You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
બિટકૉઇન, ડૉગીકૉઇન, એક્સઆરપી, ઇથૅરિયમ : ક્રિપ્ટૉકરન્સીનો રહસ્યમયી ફુગ્ગો ક્યારે ફૂટશે?
- લેેખક, ટીમ બીબીસી ગુજરાતી
- પદ, નવી દિલ્હી
તમારા પૉર્ટફોલિયોમાં ચુનંદા પાંચ-છ કંપનીના શૅર હોય અને તેમાં એક જ દિવસમાં 28થી લઈને 45 ટકા સુધીનો કડાકો બોલી જાય તો? કંઈક આવું જ ક્રિપ્ટૉકરન્સીની બજારમાં થઈ રહ્યું છે.
ગત બુધવારે સાંજે બિટકૉઇન, ડૉગીકૉઇન, એક્સઆરપી અને ઇથૅરિયમના ભાવો ગગડી ગયા હતા. બિટકૉઇન 34 હજારની સપાટી ઉપર આવી ગયો હતો.
આ બજારની ઊથલપાથલનું એક દિગ્ગજ પાત્ર ટૅસ્લા મૉટર્સના ઍલન મસ્ક પણ છે, જેમના એક ટ્વીટ ઉપર બજાર ઊછળી કે ગગડી જાય છે.
ચીન દ્વારા ક્રિપ્ટૉકરન્સીના વેપાર સામે કાર્યવાહી હાથ ધરવામાં આવી હોવાથી આ કડાકો બોલી ગયો, જોકે કેટલાકના મતે તે સુધારો જરૂરી હતો અને આવનારા સમયમાં બજારને ઉપર લઈ જશે.
તો કેટલાકને આશંકા છે કે આ ટ્યૂલિપનાં ફૂલો જેવું થશે, કારણ કે મજાકમાં બનાવવામાં આવેલા ડૉગીકૉઇનનું વૅલ્યૂએશન 14 અબજ ડૉલર જેટલું થવા જાય છે.
ચીન, ચલણ અન ચમક
બુધવારે (ભારતીય સમય પ્રમાણે), ચીનની નિયામક સંસ્થાએ તેની બૅન્કોને સૂચના આપી કે ક્રિપ્ટૉકરન્સીને લગતી આર્થિક લેવડદેવડ તેમના પ્લૅટફૉર્મ પરથી થવા ન દેવી. આ સાથે જ ચેતવણી આપી કે નાગરિકો તેના સટ્ટાથી દૂર રહે.
ક્રિપ્ટૉકરન્સી સામે ચીનની કાર્યવાહી નવી નથી. 2019માં પણ તેના ઉપર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો, છતાં લોકો તેનો વ્યવહાર કરે છે, જે ત્યાંની સરકાર માટે ચિંતાનો વિષય છે.
ચીનની ત્રણ મુખ્ય નાણાકીય સંસ્થાઓએ સોશિયલ મીડિયા ઉપર જનતાને ચેતવી હતી. તેમણે કહ્યું છે કે જો ચેતવણી છતાં કોઈ આ પ્રકારના આર્થિક વ્યવહાર કરે અને નાણાં ગુમાવે તો તેમને કોઈ સંરક્ષણ પ્રાપ્ત નહીં થાય.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
સંસ્થાઓનું કહેવું છે કે તાજેતરમાં ક્રિપ્ટૉકરન્સીમાં જે કડાકો બોલી ગયો હતો, તે નાગરિકોની આર્થિક સલામતીને જોખમમાં મૂકે છે. તેના કારણે આર્થિક અને નાણાકીય વ્યવહારો ખોરવાઈ જાય છે.
ચીનમાં ડિજિટલ કરન્સીમાં વેપાર નથી થઈ શકતા અને હાલમાં 75 ટકા જેટલું બિટકૉઇન માઇનિંગ ચીનમાં જ થાય છે. ચીન 2060 સુધીમાં 'કાર્બન ન્યૂટ્રલ' બનવા માગે છે, પરંતુ બિટકૉઇન માઇનિંગને કારણે આ લક્ષ્યાંક ખોરવાઈ જાય તેમ છે.
માઇનિંગ ઉપરાંત બિટકૉઇનવ્યવહારોના ઑડિટિંગમાં તેઓ મોટી ભૂમિકા ભજવે છે, જેથી કરીને તેમને આ ડિજિટલ કરન્સી મેળવવાની તક મળે. આ પ્રક્રિયા માટે પણ શક્તિશાળી કમ્પ્યૂટર પ્રોસેસિંગની જરૂર પડે છે, જેમાં પણ ઊર્જાની ખપત થાય છે.
2024 સુધીમાં ચીનમાં બિટકૉઇન માટે થતો ઊર્જાનો વપરાશ ઇટાલી અને સાઉદી અરેબિયા કરતાં વધી જશે. દેશની દૃષ્ટિએ જોવામાં આવે તો તે વિશ્વમાં 12મા ક્રમે પહોંચી જશે.
ભારત, બાંગ્લાદેશ તથા ઇન્ડોનેશિયામાં બિટકૉઇન વ્યવહારો પ્રતિબંધિત છે, જ્યારે ઇંગ્લૅન્ડે નિયમનનો માર્ગ અપનાવ્યો છે.
ક્રિપ્ટૉ માસ્ટર મસ્ક
જ્યારે ક્રિપ્ટૉકરન્સીનું બજાર તૂટ્યું, ત્યારે ઇલેક્ટ્રિક કાર બનાવતી કંપની ટૅસ્લાના શૅરના ભાવ પણ ત્રણ ટકા જેટલા ગગડી ગયા હતા, કારણ કે કંપનીએ ક્રિપ્ટૉકરન્સી બિટકૉઇનમાં રોકાણ કરેલું છે.
મસ્કની કંપની પાસે દોઢ અબજ ડૉલરના બિટકૉઇન છે. કંપનીએ ફેબ્રુઆરી મહિનામાં તેમાં રોકાણ કર્યું હતું.
માર્ચ મહિનામાં મસ્કે કહ્યું હતું કે તેમની કંપનીની કાર ખરીદવા માટે બિટકૉઇનનો ઉપયોગ કરી શકાશે, આથી બિટકૉઇનના ભાવોમાં ઉછાળો જોવાયો હતો. પરંતુ ગયા અઠવાડિયે તેમણે યુ-ટર્ન લઈ લીધો અને કહ્યું કે 'પર્યાવરણીય ચિંતા'ને કારણે બિટકૉઇનની મદદથી તેમની કાર ખરીદી નહીં શકાય, આથી બિટકૉઇનમાં કડાકો બોલી ગયો હતો.
મસ્કનું કહેવું છે કે બિટકૉઇન માઇનિંગ દરમિયાન મોટા પાયે જિવાશ્મગત ઈંધણનો ઉપયોગ થાય છે, જેના કારણે પર્યાવરણને ખૂબ જ નુકસાન થાય છે. સૌથી વધુ કોલસાનો ઉપયોગ થાય છે અને તે કાર્બન ઉત્સર્જનમાં મોટી ભૂમિકા ભજવે છે.
મસ્કે કહ્યું કે તેમની કંપની બિટકૉઇન વેંચશે નહીં અને એક વખત માઇનિંગની પ્રક્રિયા સાતત્યપૂર્ણ સંસાધનો ઉપર શિફ્ટ થશે એટલે બિટકૉઇનની મદદથી કાર ખરીદી શકાશે. તેમના ટ્વીટ પછી બિટકૉઇનના ભાવોમાં 10 ટકાનો કડાકો બોલી ગયો હતો અને ટૅસ્લા કંપનીના શૅરના ભાવ પણ ઘટ્યા હતા.
કેટલાક નિષ્ણાતોનું કહેવું હતું કે મસ્ક બિટકૉઇન તથા તેના માઇનિંગ માટેની પ્રક્રિયાથી અજાણ ન હતા, તો પછી તેમણે શરૂઆતમાં બિટકૉઇન સ્વીકારવાની વાત કેમ કહી હતી?
એપ્રિલ મહિનામાં ટૅસ્લાના નફામાં જબ્બર ઉછાળો જોવા મળ્યો હતો, જે બિટકૉઇન તથા કાર્બનક્રૅડિટને આભારી હતો.
બુધવારના કડાકા બાદ મસ્કે ટ્વિટર ઉપર "ડાયમંડ તથા હાથ" ના બિટમોજી મુક્યા હતા. આ ભેદી ટ્વીટ ક્રિપ્ટૉકરન્સીના સંદર્ભમાં હતું એમ માનવામાં આવે છે અને એટલે જ બિટકૉઇન વધીને 38 હજાર ડૉલર આસપાસ આવી ગયો હતો. જોકે 62 હજાર ડૉલરના ઑલ-ટાઇમ હાઈ કરતાં તે ખૂબ જ દૂર છે.
મસ્ક દ્વારા બિટકૉઇન તથા ડૉગીકૉઇનની હિમાયત કરવામાં આવે છે. સોશિયલ મીડિયા ઉપર જૉક તરીકે ડૉગીકૉઇનની શરૂઆત થઈ હતી, પરંતુ મસ્કના ટ્વીટને કારણે તે દુનિયાની ચોથા ક્રમાંકની ક્રિપ્ટૉકરન્સી બની ગઈ.
મસ્કે મે મહિનાનાં બીજાં અઠવાડિયાંમાં પોતાની અન્ય એક કંપની 'સ્પેસએક્સ' મારફત ચંદ્ર ઉપર જવા લોકોના પૅમેન્ટ ડૉગીકૉઇનમાં સ્વીકારવાની વાત કહી હતી તેમણે મિશનને 'ડૉગી1' એવું નામ આપ્યું હતું.
મસ્ક તેને 'લોકોની ક્રિપ્ટૉ' તરીકે ઓળખાવે છે. ફેબ્રુઆરી મહિનામાં તેમના એક ટ્વીટ બાદ આ ક્રિપ્ટૉકરન્સીની કિંમતમાં 50 ટકાનો ઉછાળો નોંધાયો હતો.
મસ્કના ટ્વીટ ઉપર બિટકૉઇનના નેતૃત્વમાં ક્રિપ્ટૉકરન્સીનું બજાર ઉછળે કે ગગડે છે અને આ અંગેના નિયમોમાં ભારે અસ્પષ્ટતા તથા અસંગતતા હોવાને કારણે નિયામકો ટ્વીટ દ્વારા મૅનિપ્યુલેશન બદલ મસ્કની સામે નક્કર કાર્યવાહી કરવાનું વિચારી નથી શકતા.
બિટ'કૉઇન' કે બબલ?
બિટકૉઇન મેળવવાની અને વેચાણની પ્રક્રિયા 2009માં એક ભેદી જાપાનીઝ (કે કદાચ અમેરિકન) સાકાસી નાકામોતો દ્વારા શોધવામાં આવી હતી. તે વ્યક્તિ છે કે વ્યક્તિનો સમૂહ તે પણ નિશ્ચિતપણે કહી શકાય તેમ નથી.
હાઈપાવર કમ્પ્યૂટરની મદદથી માઇનર્સ દ્વારા બિટકૉઇનનું સર્જન કરવામાં આવે છે તથા ગણિતના જટિલ કોયડાને ઉકેલવા માટે તેઓ પરસ્પર સ્પર્ધા કરે છે, જેમાં ભારે ઊર્જાનો ખર્ચ થાય છે.
બિટકૉઇનના હિમાયતીઓનું માનવું છે કે મહત્તમ બે કરોડ 10 લાખ બિટકૉઇન જ અસ્તિત્વમાં આવી શકે છે, જેથી તેમાં ઉછાળો આવશે જ. વિશ્વભરના લોકો એક આંકડાનું અનુમાન લગાવવા માટે પ્રયાસ કરે છે. જે સૌ પહેલાં સાચો આંકડાનું અનુમાન લગાડીને તેને જણાવી શકે તેને ઇનામ સ્વરૂપે બ્લૉક મળે છે.
ફેબ્રુઆરી મહિનામાં સાચું અનુમાન લગાડનારને સવા છ બિટકૉઇન મળી રહ્યા હતા અને એક બિટકૉઇનની કિંમત એ સમયે 50 હજાર ડૉલર હતી. એટલે કે ત્રણ લાખ 12 હજાર 500 ડૉલર મળે. ભારતીયચલણ મુજબ સરેરાશ દર 72.83 જેટલો હતો. ભારતીય ચલણ મુજબ આ રકમ બે કરોડ 27 લાખ 60 હજાર થાય.
જેમ રૂપિયાને પૈસામાં વિભાજિત કરવામાં આવે છે, તેમ દરેક બિટકૉઇનને 10 કરોડ ભાગમાં વિભાજિત કરવામાં આવે છે.
તે 'સાતોશી' તરીકે ઓળખાય છે. બિટકૉઇન મેળવવા માટે વપરાશકર્તા પાસે બિટકૉઇન ઍડ્રેસ હોવું જરૂરી છે, જે 27થી 34 વર્ણ (કૅરેક્ટર) તથા આંકડાનું બનેલું હોય છે. તેના માટે વાસ્તવિક નામ કે સરનામાં આપવાની જરૂર નથી રહેતી એટલે ધારકની ગુપ્તતા જળવાઈ છે અને તે 'અજ્ઞાત' રહી શકે છે.
આવી જ રીતે વિલ્ટેક બ્યુટેરિને સાત કરોડ 50 લાખ કૉઇન સાથે ઇથર લૉન્ચ કર્યું હતું, જેમાંથી 60 ટકા ચલણમાં હોવાનું મનાય છે. તે મેળવવાની પ્રક્રિયાને ઇથૅરિયમ તરીકે ઓળખવામાં આવે છે.
સૉફ્ટવેર કોયડાને ઉકેલવા માટે 10 મિનિટનો સમય આપે છે, મતલબ કે માઇનર્સ માટે દર 10 મિનિટે લૉટરી ખુલે છે. આથી નિર્ધારિત સમયમાં કોયડો ઉકેલવા તથા સાચા આંકડાનું અનુમાન લગાવીને ઇનામને જીતવા માટે માઇનર્સ વિશિષ્ટ પ્રકારના શક્તિશાળી કમ્પ્યૂટર હાર્ડવેર (અને કેટલાક કિસ્સામાં સર્વર)નો ઉપયોગ કરે છે.
માઇનર્સ દ્વારા આ કરન્સીને મેળવવા માટે કેટલા પ્રયાસ કરવામાં આવે છે, તેની માહિતી મળી શકે છે. ગુરૂવાર (20મી મે)ની સાંજની સ્થિતિ પ્રમાણે, ગત 24 કલાક દરમિયાન પ્રતિસેકંડ એક કરોડ 80 લાખ પ્રયાસ થયા હતા. આને આધારે 24 કલાકની ગણતરીનો તમે હિસાબ કરી શકો છો અને આંકડો ક્યાં પહોંચે તેની કલ્પના કરી શકો છો.
મૂળતઃ કમ્પ્યૂટિંગના પ્રયાસ વધે તે રીતે બિટકૉઇન ડિઝાઇન કરવામાં આવ્યું છે. બ્લૉકચેઇનને જાળવી રાખવા માટે જેમ વધુ કમ્પ્યૂટિંગનો ઉપયોગ થાય, તેમ તે વધુ સલામત બને એ તેની પાછળની વિભાવના છે.
જો કોઈએ આ કરન્સીને મૅનિપ્યુલેટ કરવી હોય તો અન્ય તમામ લોકો મળીને જેટલા પ્રયાસ કરે, તેટલી મહેનત પ્રભાવ ઊભો કરવા માગતી વ્યક્તિએ કરવી પડે.
અમેરિકાના વિખ્યાત ફંડ મૅનેજર વૅલ્સ ફાર્ગોનું કહેવું છે કે તે ધનવાન ગ્રાહકોને માટે ક્રિપ્ટૉકરન્સી ફંડ રજૂ કરશે. બુધવારના કડાકા બાદ પણ કંપનીએ આ વાતને દોહરાવી હતી. કંપનીનું માનવું છે કે 'અમુક લોકો' ક્રિપ્ટૉકરન્સીના બજાર સાથે સંકળાયેલી ઉથલપાથલને પચાવી શકે એમ છે.
ગુરૂવારે સાંજની સ્થિતિ પ્રમાણે, ક્રિપ્ટૉકરન્સીની બજારમાં બિટકૉઇન પ્રથમ ક્રમે, ઇથર બીજા, એક્સપીઆર (અમેરિકન દ્વારા લૉન્ચ ક્રિપ્ટૉકરન્સી), ડોગીકૉઇન ચોથા અને લાઇટકૉઇન પાંચમા ક્રમે હતા.
કેટલાક ઍક્સચેન્જ દ્વારા તેને ડૉલર, દક્ષિણ કોરિયાના વૉન, જાપાનના યેન કે અન્ય પરંપરાગત ચલણમાં પરિવર્તિત કરીને ડિજિટલ વૉલેટ કે એકાઉન્ટમાં બિટકૉઇન જેટલી રકમ લાવવાની સવલત આપવામાં આવે છે.
ઇન્ટરનેશનલ મૉનિટરી ફંડના પૂર્વ ચીફ ઇકૉનૉમિસ્ટ કૅન રૉગોફના કહેવા પ્રમાણે, "સફળ ચલણ માટે બે બાબત જરૂરી છે. એક તો તેનો વિનિમય થઈ શકવો જોઈએ અને બીજો તેનું સ્થિર મૂલ્ય નિર્ધારણ થઈ શકવું જોઈએ પરંતુ બિટકૉઇનમાં બેમાંથી કશું નથી થતું."
શું તેનો ફુગ્ગો ફૂટી જશે ? તેના જવાબમાં તેઓ કહે છે, "મારું અનુમાન છે કે હા આ ફુગ્ગો ફૂટી જશે, પરંતુ ક્યારે તે કહી ન શકાય."
ટ્યૂલિપના રસ્તે બિટકૉઇન?
17મી સદીમાં ટ્યૂલિપના ફૂલ નૅધરલૅન્ડ્સ આવ્યાં. રંગ બદલવાની ખાસિયતને કારણે તે લોકોમાં ખૂબ જ લોકપ્રિય થયા.
સમૃદ્ધ ડચ લોકો પોતાના વૈભવ અન ઉચ્ચપસંદને દેખાડવા માટે ટ્યૂલિપના ફૂલનો ઉપયોગ કરતા હતા. જે લોકો સમૃદ્ધ હતા, તેઓ ટ્યૂલિપ ખરીદતા હતા. કેટલાક ફૂલ પાંચ હજાર ગિલ્ડરમાં પણ વેંચાયાં હતાં. એ સમયે એટલી કિંમતમાં નૅધરલૅન્ડ્સમાં સુદર ઘર મળી રહેતું.
તે જ્વલ્લે જ મળતા હોવાથી તેની કિંમત વધુ રહેતી. 1636 સુધી ટ્યૂલિપના ભાવોમાં ઉછાળો થતો રહ્યો, બાદમાં ફેબ્રુઆરી-1637માં તેના ભાવોમાં કડાકો બોલી ગયો. ઇતિહાસના પ્રાધ્યાપક એન્ની ગૉલ્ડગરના કહેવા પ્રમાણે, "કદાચ વધુ પુરવઠાની આશંકાએ તેના ભાવ ઘટી ગયા હતા."
"પરંતુ 'ટ્યૂલિપ મેનિયા' તરીકે ઓળખાય તેટલી નકારાત્મક અસર, તે સમયના લોકો ઉપર થઈ હોવાનું મારા ધ્યાને નથી આવ્યું."
આ મેનિયાની સરખામણી 1840ના દાયકામાં બ્રિટનમાં જોવા મળેલા રેલવે પ્રત્યેના આકર્ષણ, 1990ના દાયકામાં બ્રિટનમાં ઘર માટેના આકર્ષણ કે દેશની 1991-92ની શૅરબજારની તેજી કે 1999ના ડૉટ-કોમ બબલ સાથે કરી શકાય. જ્યારે તર્ક બાજુએ રહી જાય અને ભાવમાં ઉછાળો જોવા મળે.
લાલચમાં ભાવ વધતા જાય અને ભયમાં ગગડી જાય. તેને તર્ક કે વ્યવહારુ તા સાથે કોઈ સંબંધ ન રહ્યો હોય.
એપ્રિલ-2020માં બિટકૉઇનના એક્સચેન્જ તરીકે કામ કરતા કૉઇનબેઝનું અમેરિકાના શૅરબજારોમાં આગમન થયું હતું, ત્યારે તેનું માર્કેટ કૅપિટલ 100 અબજ ડૉલરને આંબી ગયું હતું. એપ્રિલ-2021માં ગુજરાતસ્થિત અદાણી જૂથની તમામ કંપનીઓનું સંયુક્ત માર્કેટ કૅપિટલૅ 100 અબજ ડૉલરને આંબ્યું હતું.
ક્રિપ્ટૉકરન્સી અને કૌભાંડ
સોશિયલ મીડિયા અને તેમાં પણ ટ્વિટર પર અનેક લોકોએ ટૅસ્લાના ઍલન મસ્ક કે અન્ય કોઈ સૅલિબ્રિટીનો સ્વાંગ લે છે અને તસવીર, ટ્વીટ તથા બાયૉ દ્વારા તેમનું જ એકાઉન્ટ હોય એવો આભાસ ઊભો કરે છે.
ત્યારબાદ તે સૅલિબ્રિટીની ટ્વિટરટાઇમલાઇન ઉપર સંવાદ હાથ ધરે છે. ઑનલાઇન મૅસેજ બોર્ડ વેબસાઇટ્સ ઉપર ટિપ્સના બહાને બનાવટી વેબસાઇટ્સ તરફ દોરી જાય છે. આ સિવાય ઑનલાઇન રૉમાન્સ અથવા તો ખુદને સરકારી તંત્રના અધિકારી તરીકે રજૂ કરીને પૈસા પડાવવામાં આવે છે.
અમેરિકાના ફેડરલ ટ્રૅડ કમિશનના અનુમાન મુજબ ઑક્ટોબર-2020થી એપ્રિલ-2021 દરમિયાન 20 લાખ ડૉલર ગુમાવ્યા હતા. જોકે કેટલીક વખત આ ઠગો સ્વાંગ લેવાને બદલે હેકિંગનો માર્ગ પસંદ કરે છે.
અમેરિકામાં વૃદ્ધોની સરખામણીએ 20થી 49 વર્ષની ઉંમરના લોકો આ પ્રકારની છેતરપિંડીનો ભોગ બને તેની શક્યતા પાંચ ગણી વધી જતી હોય છે.
મે મહિનાના બીજા અઠવાડિયા દરમિયાન બ્રિટનના ટીચર જૂલી બસનેલે નવ હજાર પાઉન્ડ ગુમાવ્યા હતા. આ રકમ તેમણે ઘરની ડિપૉઝિટ પેટે બચાવી રાખી હતી.
જૂલી કહે છે કે 'મને ખૂબ જ શરમ આવે છે અને અફસોસ થાય છે કે મેં અમુક ક્લિક ન કર્યા હોત તો સારું હોત.' તેમણે બીબીસીને ભળતી સાઇટ વિઝિટ કરી હતી, જ્યાં ફ્રીમાં બિટકૉઇન મળશે એવી લાલચ આપવામાં આવી હતી. બીબીસીએ આ સાઇટને બંધ કરાવવા માટે તજવીજ હાથ ધરી હતી.
જુલાઈ-2020માં અમેરિકાના વર્તમાન રાષ્ટ્રપતિ જો બાઇડન તથા બરાક ઓબા સહિત અનેક હસ્તીઓના એકાઉન્ટ હૅક થઈ ગયા હતા અને 'એક કા દો' કરી દેવાની લાલચ આપતાં ટ્વીટ કર્યાં હતાં.
ફેબ્રુઆરી-2019માં રાજસ્થાનના જયપુર ખાતે આવા જ એક એક્સચેન્જ ક્વાર્ડિગાસીએક્સના સીઈઓ ગૅરાલ્ડ વિલિયમ કૉટનનું મૃત્યુ થયું હતું. તેમની પાસે એક્સચેન્જને લગતાં પાસવર્ડ હતા, પરંતુ તેમના મૃત્યુથી રોકાણકારોના લગભગ અઢી હજાર કરોડ રૂપિયા અટવાઈ ગયા હતા અને તે વ્યવહારમાંથી 'અદૃશ્ય' થઈ ગયા.
ડૉ. ઋજા ઇગ્નાતોવાએ 'વનકૉઇન' લૉન્ચ કર્યું અને ચાર અબજ 90 કરોડ ડૉલર (રૂ. 35 હજાર 789 કરોડ)ની ઠગાઈ કરી. 2017 પછી તેઓ જાહેરમાં દેખાયાં નથી અને તેઓ ક્યાં છે, તેના કોઈ સગડ નથી. ચાહકો દ્વારા તેમને 'ક્રિપ્ટૉક્વિન' તરીકે ઓળખવામાં આવતાં. 175 દેશના લોકોએ તેમાં રોકાણ કર્યું હોવાનું બહાર આવ્યું હતું.
એપ્રિલ-2018માં 'બિટકનેક્ટ' નામની ક્રિપ્ટૉકરન્સીમાં રોકાણકારોએ રૂ. 500 કરોડ ગુમાવ્યા હોવાનું મનાય છે. તેનો રેલો પોલીસ તથા રાજકારણના મોટા લોકો સુધી પહોંચ્યો હતો.
ઠગો દ્વારા જે રીતરસમો અપનાવવામાં આવતી હોય છે, તેના આધારે અમેરિકાની એફટીસીએ એક માર્ગદર્શિકા બહાર પાડી છે. જે મુજબ કેટલીક કાળજી રાખવાની ભલામણ કરવામાં આવી છે :
- ખાતરીપૂર્વક વળતરના વાયદા ખોટા હોય છે
- વગર મહેનતે 'મફતમાં પૈસા' આપવાના વાયદા ખોટા હોય છે.
- પૂરતી માહિતી કે સમજણ આપ્યાં વગરના મોટા દાવા કરવામાં આવે છે.
- સૅલિબ્રિટી દ્વારા કોઈનો પ્રચાર કરવામાં આવે કે સમર્થન કરવામાં આવે તે ખોટું હોઈ શકે છે.
વાયર-ટ્રાન્સફર કે ગિફ્ટકાર્ડ દ્વારા પૈસા આપવા માટે કહેવામાં આવે, ત્યારે સતર્ક થઈ જાવ કારણ કે આ રીતે ચૂકવાયેલા પૈસા પરત મેળવવા લગભગ અશક્ય છે.
આ સિવાય બિટકૉઇનનો ઉપયોગ ડાર્કવેબ ઉપર ડ્રગ્સ, હથિયાર કે ગેરકાયદેસર ચીજવસ્તુ ખરીદવા માટે થઈ શકે છે. ગેરકાયદેસર ચીજોની ખરીદી કરવા માટે તેનો ઉપયોગ વધી રહ્યો છે. 'ઇનિશિયલ કૉઇન ઓફરિંગ' દ્વારા અનેક ક્રિપ્ટૉકરન્સી બજારમાં લૉન્ચ થઈ રહી છે.
પર્યાવરણ પર પ્રહાર
કૅમ્બ્રિજ યુનિવર્સિટીના સૅન્ટલ ફૉર અલ્ટરનૅટિવ ફાઇનાન્સ દ્વારા 'બિટકૉઇન ઇલેક્ટ્રિસિટી કંઝમ્પશન ઇન્ડેક્સ' બહાર પાડવામાં આવે છે, જેના આંકડા પ્રમાણે, બિટકૉઇન માઇનિંગ માટે જે કૉમ્પ્યુટિંગ પ્રોસેસ થાય છે, તેનો આંકડો મલેશિયા કે સ્વિડનના બજેટના વાર્ષિક આંકડા જેટલો છે.
બિટકૉઇનના હિમાયતીઓનું કહેવું છે કે મોટાભાગે પુનઃપ્રાપ્ય ઊર્જાસ્રોતો દ્વારા જ માઇનિંગ થાય છે, પરંતુ વાસ્તવમાં માઇનર્સ દ્વારા સસ્તું અને ચીનમાં હોય તેના ઉપર ધ્યાન આપવામાં આવે છે. અનેક માઇનર્સ ચીનમાં આવેલાં છે અને ત્યાં મુખ્યત્વે કોલસા દ્વારા વીજળી ઉત્પન્ન કરવામાં આવે છે.
બિટકૉઇન માઇનિંગને કારણે ચીનના જળવાયુ પરિવર્તન માટેના લક્ષ્યાંકો પણ ખોરવાઈ જાય તેમ છે.
બિટકૉઇનના હિમાયતીઓનું કહેવું છે કે હાલની નાણાંકીયવ્યવસ્થા સાથે સંકળાયેલા સંગઠનો મોટી અને ભવ્ય ઓફિસોમાં બેસે છે, ત્યાં કમ્પ્યૂટર, પ્રકાશ તથા ઍરકંડિશનિંગ માટે મોટાપાયે વીજળીનો વપરાશ થાય છે, જે પણ અશ્મિગત ઊર્જાસ્રોતોમાંથી જ મેળવાયેલો હોય છે.
ક્રિપ્ટૉ, કકળાટ અને કાલ
માર્કૅટ્સ ડૉટ કૉમના નિલ વિલસનના કહેવા પ્રમાણે, "ચીન દ્વારા છેલ્લા કેટલાક સમયથી ક્રિપ્ટૉકરન્સીના બજાર ઉપર દબાણ ઊભું કરવામાં આવી રહ્યું હતું. પરંતુ હવે તે વધી ગયું છે."
"અન્ય દેશો પણ ચીનની જેમ ક્રિપ્ટૉકરન્સીની સામે કાર્યવાહી હાથ ધરી શકે છે અને પોતાની કરન્સી લૉન્ચ કરી શકે છે. અત્યારસુધી પશ્ચિમી દેશોના નિયામકોએ બિટકૉઇન પ્રત્યે લચીલું વલણ અપનાવ્યું છે, પરંતુ આ સ્થિતિ આગામી સમયમાં બદલાઈ શકે છે."
બીબીસીના ટેકનૉલૉજી કૉરસપૉન્ડન્ટ રોરી સેલન-જોન્સના કહેવા પ્રમાણે, "જેમણે ક્રિપ્ટૉકરન્સીના બજારને નજીકથી જોયું છે, તેમના માટે આ જૂની અને જાણીતી કહાણી છે. કોઈ એક ઘટના ઘટે તો ભાવોમાં ઉછાળો આવી જાય અને બીજી ઘટના ઘટે તો તેમાં કડાકો બોલી જાય."
"છેલ્લા કેટલાક અઠવાડિયાંથી પણ આવું જ થઈ રહ્યું છે. જ્યારે મસ્કે કહ્યું કે તેમની કંપનીની કારને ખરીદવા માટે બિટકૉઇનનો ઉપયોગ કરી શકાશે એટલે સમાજના મુખ્યવર્ગમાં ક્રિપ્ટૉકરન્સીની 'સ્વીકાર્યતા' વધી રહી હોવાના બહાને તેમાં ઉછાળો આવ્યો હતો."
"જ્યારે મસ્કે તેને સ્વીકારવાનો ઇન્કાર કર્યો , ત્યારે તેમાં કડાકો બોલી ગયો હતો. કેટલાક ફંડ મૅનેજરોને લાગે છે કે સમાજમાં 'વૈકલ્પિક રોકાણ' તરીકે ક્રિપ્ટૉકરન્સીમાં રોકાણની સ્વીકાર્યતા વધી રહી છે. જોકે તાજેતરના કડાકા બાદ 'ફાઇનાન્સિયલ ટાઇમ્સ'માં ફંડ મૅનેજર્સના વલણ ઉપર સવાલ ઉઠી રહ્યાં છે."
આઠ વર્ષ અગાઉ 'બિટકૉઇન બબલ'ના નામથી એક લેખમાં રોરીએ લખ્યું હતું કે જ્યાર સુધી બિટકૉઇનની મદદથી સૅન્ડવિચ ન ખરીદી શકાય અને તમારા મિત્રવર્તુળમાં તેની સ્વીકાર્યતા ન હોય, ત્યાર સુધી તે ગિક્સ (ટેક્નિકલ બાબતોના જાણકાર) અને ગૅમ્બલરના અડ્ડા સમાન છે.
ટીકાકારોના મતે, બિટકૉઇન (કે અન્ય ક્રિપ્ટૉકરન્સી) કરન્સી નહીં પરંતુ સટ્ટાનું સાધન છે, જેને કેટલાક 'મોટાખેલાડી'ઓ નિયંત્રિત કરે છે. ક્રિ અને તેના હાલ 17મી સદીમાં ટ્યૂલિપના ફૂલના જે હાલ થયા હતા, તેવા હાલ થઈ શકે છે.
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો