You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ઇઝરાયલમાં રૉકેટ હુમલા વચ્ચે ગુજરાતીઓનું જીવન, 'એ રાત જેણે કોઈને આંખ મીંચવા ન દીધી'
- લેેખક, ઋષિ બેનરજી અને રવિ પરમાર
- પદ, બીબીસી ગુજરાતી
"રાતના અંદાજે બે વાગ્યા હશે અને અચાનક ધડાકાનો અવાજ સંભળાયો. આ ધડાકો એટલો પ્રચંડ હતો કે મગજ સાથે શરીરનું જાણે કે સંતુલન જ વિખેરાઈ ગયું. ગભરાહટમાં હજુ તો કંઈ સમજાય ત્યાં તો ફરી ધડાકો થયો. આ વખતે એક નહીં, બે નહીં પરંતુ શ્રેણીબંધ ધડાકા સંભળાયા."
ઇઝરાયલ-પેલેસ્ટાઇન વચ્ચેના મિસાઇલ હુમલા જ્યાં થતાં તે આકાશની નીચે એશ્કેલોનમાં 12 સ્ક્વેર ફૂટના રૂમમાં રહેતા ગુજરાતી યુવાન મહેશ જોડના આ શબ્દો છે.
11 દિવસોના ભીષણ સંગ્રામ બાદ આખરે ઇઝરાયલ અને હમાસ વચ્ચે યુદ્ધવિરામ માટે સમજૂતી થઈ ગઈ છે, પણ ઇઝરાયલમાં વસતા ગુજરાતીઓ માટે બૉમ્બમારા વચ્ચે વીતેલી આ રાતો ભયાવહ છે.
મૂળે પોરબંદરના રહેવાસી અને ઇઝરાયલમાં છેલ્લાં 6 વર્ષથી કૅર-ટેકર તરીકે કામ કરતા મહેશ ઍશ્કલોનમાં રહે છે, આ વિસ્તાર ગાઝાથી માંડ 1૦-12 કિલોમિટર જ દૂર છે. એટલે આ વિસ્તાર આ લડાઈમાં પ્રભાવિત હતો.
હારેત્ઝ લખે છે કે ગાઝા બૉર્ડરથી નજીક હોવાને લીધે ઍશ્કલોનની દર ચારમાંથી એક વ્યક્તિ ગાઝાના રૉકેટનો ટાર્ગેટ હોય છે.
તેલ-અવીવમાં વસતા ગુજરાતીની આપવીતી
તેલ-અવીવમાં 100થી વધારે ગુજરાતી હીરાના વેપારીઓ છે અને પાલનપુરના રાજુભાઈ શાહ તેમાંથી એક છે. તેઓ 32 વર્ષથી ઇઝરાયલમાં રહે છે.
1991થી અત્યાર સુધીમાં ઇઝરાયલમાં જેટલા પણ સંઘર્ષો થયા છે, રાજુભાઈ તેના સાક્ષી રહ્યા છે અને તેની ભયાનકતા તેમની સ્મૃતિમાંથી હજી ભૂંસાઈ નથી
બુધવારે વહેલી સવારે તેલ-અવીવ પાસેના લોડ શહેર પર 100થી વધુ રૉકેટ છોડવામાં આવ્યાં હતાં. ગાઝા પટ્ટીથી તેલ-અવીવ અંદાજે 92 કિલોમિટર દૂર છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તેઓ કહે છે, "જ્યારે પણ રૉકેટ હુમલો થાય ત્યારે સાયરન વાગે અને અમારે બંકરોમાં દોડી જઈએ છીએ."
રાજુભાઈ કહે છે કે ત્યાં દિવસ જેટલી જ ડરામણી રાત હોય છે. ઇઝરાયલ-પેલેસ્ટાઇનની લડાઈમાં અડધી રાત્રે પણ સાયરન વાગે છે.
તેઓ કહે છે, "11 દિવસની લડાઈમાં અનેક વખત એવું બન્યું છે કે મોડી રાત્રે પણ સાયરન વાગી ઊઠે. અમારે સતત ઍલર્ટ રહેવું પડે છે."
"અમારી પાસે બંકરમાં જવા માટે દોઢથી બે મિનિટનો સમય હોય છે. સાયરન વાગે એટલે પળનોય વિલંબ કર્યા વગર અમે બંકર તરફ દોડી જઈએ અને જોખમ ટળે એ બાદ જ બહાર આવીએ છીએ."
રામત ગાનના ગુજરાતીઓના માથે ડરનો ઓથાર
ઇઝરાયલના રામત ગાનની સ્થિતિ પણ અલગ નથી, તેલ અવીવ જિલ્લામાં જ આવેલા આ શહેરમાં ઑફિસો અને બીજાં વેપારી કેન્દ્રો રાબેતા મુજબ કામ કરી રહ્યાં છે, પણ લોકોનાં મન પર ભયનો ઓથાર પથરાયેલો છે.
ભાવનગર જિલ્લાના બુઢણા ગામના મનીષ તેજાણી 24 વર્ષ પહેલાં ઇઝરાયલમાં સ્થાયી થયા હતા. તેઓ માતાપિતાની સારવાર કરાવવા સુરત આવ્યા હતા અને હવે ઇઝરાયલની ફ્લાઇટ શરૂ થવાની રાહ જોઈ રહ્યા છે.
તેઓ સુરતમાં છે પણ રામત ગાનમાં તેમની ઑફિસ ચાલી રહી છે અને તેઓ તેમના સ્ટાફ પાસેથી ત્યાંની સ્થિતિનો ચિતાર મેળવી રહ્યા છે.
તેજાણી કહે છે, "સંઘર્ષ શરૂ થયો ત્યારે પણ ઑફિસનું કામ ચાલી રહ્યું હતું અને આજે પણ કામ થઈ રહ્યું છે. રૉકેટ હુમલાની જાણ થાય એટલે સ્ટાફના લોકો બંકરમાં દોડી જાય છે."
તેજાણી કહે છે કે સમાન્ય રીતે આ વખતમાં ઇઝરાયલમાં મોટી સંખ્યામાં લોકો ફરવા નીકળે છે, પણ હાલમાં ચાલી રહેલા સંઘર્ષના કારણે કોઈ બહાર નીકળતા નથી.
તેજાણીનો સ્ટાફ તેમને કહે છે કે જાહેરસ્થળોએ લોકો ભેગા થવાનું ટાળી રહ્યાં છે અને રસ્તા પર સામાન્ય દિવસોમાં હોય એવી ભીડ નથી.
ઇઝરાયલના હર્ઝલિયામાં રહેતા અને રામત ગાનમાં વ્યવસાય કરતા રણજિત બરમેચા કહે છે, "જ્યારે તમારા શહેર પર રૉકેટોથી હુમલો થાય ત્યારે ભયનો માહોલ હોય એ સ્વાભાવિક છે."
"તેલ-અવીવમાં હવે રોકૅટમારો નથી થઈ રહ્યો તેમ છતાં ખાતરીપૂર્વક ન કહી શકાય કે હવે રૉકેટ છોડવામાં નહીં આવે."
"સંઘર્ષના કારણે જીવનમાં પરિવર્તન આવે અને અમારે એ સ્વીકારવું જ પડશે. ઇઝરાયલના લોકો આવા તણાવભર્યા માહોલમાં એક-એક દિવસ કેમ કાઢવો, એ શીખી ગયા છે."
'મિસાઇલો અને ભય હવે જીવનનો ભાગ'
ઇઝરાયલ અને પેલેસ્ટાઇન વચ્ચે આશરે 100 વર્ષ જૂનો સંઘર્ષ છે. સમય સાથે દાયકા વીતી ગયા અને સદી જતી રહી તેમ આ બન્ને દેશ વચ્ચેની દુશ્મનાવટ 100 ગણી પ્રબળ થતી ગઈ.
મિસાઇલ હુમલા સાથેનો ભય હવે ઍશ્કલોનવાસીઓના જીવનનો એક ભાગ બની ગયો છે.
મોત બનીને આકાશમાં ઊડતી આ મિસાઇલોથી ઍશ્કલોનવાસીઓ સહિત મહેશ પણ નિશ્ચિંત હતા પરંતુ એવી પણ રાત આવી જેણે કોઈને નિરાંતે આંખ મીંચવા દીધી નથી.
મહેશ એ રાતને યાદ કરતાં કહે છે, "આશરે 10-12 દિવસ પહેલાંની વાત છે. એ રાત્રે અચાનક ઉપરાઉપર સાયરન વાગ્યાં. આ સાયરનના અવાજથી હું ડરી ગયો."
"અડધી રાત્રે આકાશમાં મિસાઇલ-હુમલા થઈ રહ્યા હતા. આ દૃશ્ય અમારા માટે સહેજ પણ સામાન્ય નહોતું."
"આપણી ત્યાં દિવાળીમાં આતશબાજીથી આકાશ ભરાઈ જાય એમ જ આકાશ મિસાઇલોના ધુમાડા અને વિસ્ફોટના પ્રકાશથી ઘેરાઈ ગયું હતું."
અહીં એક મિસાઇલ ફૂટી અને એમાં ભારતીય મહિલાનું મૃત્યુ નીપજ્યું હતું. મહેશ કહે છે કે આ મહિલાને તેઓ વ્યક્તિગત રીતે ઓળખતા હતા. આ ઘટનાએ તેમને ચોંકાવી દીધા હતા.
પેલેસ્ટાઇન તરફથી છોડવામાં આવેલી મોટા ભાગની મિસાઇલોને ઇઝરાયલની આયર્ન ડૉમ ઍન્ટિ-મિસાઇલ સિસ્ટમ તોડી પાડે છે. પરંતુ એમાંથી છટકી જતી એકાદ બે મિસાઇલો ક્યારેક માનવવસાહતો પર તૂટી પડે છે.
'રસ્તા પર નહીં આકાશ તરફ જોઈને ચાલવું પડે'
ઇઝરાયલ અને પેલેસ્ટાઇનના આકાશી યુદ્ધનો ચિતાર આપતા મહેશ જણાવે છે, 'મારે અવારનવાર ખરીદી કરવા માટે બહાર જવું પડે છે. આ સમયે મનમાં માત્ર એક જ ખ્યાલ હોય છે કે જો મિસાઇલ છૂટે તો નજીકમાં શેલ્ટર ક્યાં છે અને એ તરફ ભાગવાનું છે.'
ઍશ્કલોન સહિત ઇઝરાયલનાં મોટાભાગનાં ઘરો અને ઇમારતોમાં લોખંડની પ્લેટોથી બનેલાં શૅલ્ટર-હૉમ અથવા બંકર હોય છે.
જ્યારે પણ સાયરન વાગે ત્યારે લોકો દોડીને શેલ્ટરમાં જતા રહે છે. લોખંડની જાડી પ્લેટોથી બનેલાં આ ઘરો ઇઝરાયલવાસીઓ માટે મહત્ત્વનાં બની ગયાં છે.
રાજુ શાહ કહે છે કે અહીં દરેક શહેરમાં જાહેરમાં પણ બંકર હોય છે. જો તમે રસ્તામાં જઈ રહ્યા છો અને સાયરન વાગે તો તમે આવાં બંકરમાં આશરો લઈ શકો છો.
આવાં બંકર કે શેલ્ટર ઇઝરાયલનાં ઘરોમાં પણ બનાવવામાં આવે છે.
મનીષ તેજાણી કહે છે, "શેલ્ટર એકદમ સુરક્ષિત હોય છે. તેમાં બૉમ્બ અથવા બીજાં કોઈ શસ્ત્રની અસર થતી નથી. કેટલીક વાર સંઘર્ષની સ્થિતિ હોય તો લોકો આખી રાત શેલ્ટરમાં પસાર કરે છે."
ઘરોમાં બનાવાતાં શેલ્ટર અથવા બંકરરૂમ સામાન્ય રીતે 12થી 16 ફૂટ પહોળા ઓરડા જેવા હોય છે અને તેમાં વીજળી, એસીની સુવિધા હોય છે.
આવો ઓરડો સામાન્ય રીતે દાદરની નીચે અથવા ઘરના એક ખૂણામાં બનાવવામાં આવે છે.
શેલ્ટર અથવા બંકર જેવી વ્યવસ્થા સુરક્ષા માટે ભલે હોય પણ અહીં વસતા લોકોનાં મનમાં ભય છે.
રાજુ શાહ કહે છે, "તેલ-અવીવ 24 કલાક ધબકતું રહેતું શહેર છે પણ લડાઈની અહીં અસર થઈ છે, અહીં સ્મશાનવત્ શાંતિ છે."
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો