કોરોનાઃ બાળકોને સંક્રમણથી બચાવવા આપણી તૈયારી કેવી છે?

    • લેેખક, ઇમરાન કુરેશી
    • પદ, બીબીસી સંવાદદાતા

સમગ્ર દેશમાં ફેલાયેલી કોરોના મહામારીની બીજી લહેર હજુ ખતમ નથી થઈ ત્યાં ત્રીજી લહેરની વાતો શરૂ થઈ ગઈ છે.

ત્રીજી લહેર ક્યારે આવશે તેનો અંદાજ કાઢવો મુશ્કેલ છે, પરંતુ ડૉક્ટરો અને નિષ્ણાતોનું માનવું છે કે બાળકો માટે ત્રીજી લહેર અત્યંત ખતરનાક સાબિત થઈ શકે છે.

કોરોનાની પહેલી લહેરમાં RT-PCR ટેસ્ટમાં ચાર ટકા બાળકો પૉઝિટિવ આવ્યાં હતાં જ્યારે બીજી લહેરમાં 10 ટકા બાળકોના રિપોર્ટ પૉઝિટિવ આવ્યા છે.

વસતીની દૃષ્ટિએ જોવામાં આવે તો દેશના 30 કરોડ બાળકોમાં આ પ્રમાણ 14 ટકા થાય છે.

ઇન્ડિયન કાઉન્સિલ ફૉર મેડિકલ રિસર્ચ (આઈસીએમઆર)એ ફેબ્રુઆરી 2021માં પોતાના સિરો સર્વેમાં જણાવ્યું હતું કે 25.3 ટકા બાળકોમાં વાઇરસના એન્ટીબૉડી હાજર હતા. બીજા શબ્દોમાં કહીએ તો 25.3 ટકા બાળકોને કોરોનાનો ચેપ લાગી ચૂક્યો છે.

જાણીતા વાઇરોલૉજિસ્ટ ડૉક્ટર વી. રવિએ બીબીસીને જણાવ્યું કે, “પહેલી અને બીજી લહેર દરમિયાન કોરોના સંક્રમણના આંકડા અને સિરો સર્વેના આંકડા જોવામાં આવે તો એવું કહી શકાય કે દેશમાં 40 ટકા બાળકો કોરોના વાઇરસના સંપર્કમાં આવી ચૂક્યા છે.”

તેઓ કહે છે, “તેનો અર્થ એ થયો કે 60 ટકા બાળકોને હવે કોરોનાના સંક્રમણનું જોખમ હોઈ શકે છે.”

સિરો સર્વેમાં RT-PCR ટેસ્ટમાં પૉઝિટિવ આવ્યા હોય એવા લોકોને સામેલ નથી કરવામાં આવતા. આમ છતાં ક્યાંક ચૂક રહી જાય તો નિષ્ણાતો તેને બહુ મોટા ફેરફાર લાવતા આંકડા તરીકે નથી જોતા.

ડૉક્ટર વી. રવિ નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ મેન્ટલ હેલ્થ ઍન્ડ ન્યુરો સાયન્સિસમાં ન્યુરોવાઇરોલૉજીના ભૂતપૂર્વ પ્રોફેસર છે.

હાલમાં તેઓ કર્ણાટકમાં સાર્સ સીઓવી-2 જિનોમિક સિક્વન્સિંગ કાર્યક્રમના નોડલ ઑફિસર છે. જિનોમિક સિક્વન્સિંગથી વાઇરસમાં થતા મ્યુટેશન પર નજર રાખી શકાય છે અને તેને સમજી શકાય છે.

મહામારીની ત્રીજી લહેર વધુ જીવલેણ બની શકે

ડૉક્ટર રવિના આ અંદાજ સાથે ઘણા જાણીતા એપિડેમિયોલૉજિસ્ટ સહમત નથી.

પરંતુ એપિડેમિયોલૉજિસ્ટ ડૉક્ટર રવિની એ વાતથી સહમત થાય છે કે ભારતે શક્ય એટલી ઝડપથી કોરોનાની ત્રીજી લહેરનો સામનો કરવાની તૈયારી કરવી જોઈએ, કારણ કે આ વાઇરસ ભવિષ્યમાં બાળકોને કેવી રીતે સંક્રમિત કરશે તેની કોઈ ગૅરંટી નથી.

જાણીતા એપિડેમિયોલૉજિસ્ટ અને વેલ્લુરની ક્રિશ્ચિયન મેડિકલ કૉલેજના ભૂતપૂર્વ પ્રિન્સિપાલ ડૉક્ટર જયપ્રકાશ મુલિયલે બીબીસીને જણાવ્યું કે, “મહામારીની આ લહેરમાં બાળકોના મૃત્યુનું પ્રમાણ ઓછું રહ્યું છે તે સારી વાત છે. પરંતુ ભવિષ્યમાં પણ આવું રહેશે તે કહેવું મુશ્કેલ છે.”

તેઓ કહે છે, “દિલ્હીમાં થયેલા સિરો સર્વેમાં એ વાત જાણવા મળી છે કે આ કોઈ ચોક્કસ ઉંમરના લોકોને થતું સંક્રમણ નથી. બીજા શબ્દોમાં કહું તો આ આખા પરિવારને સંક્રમિત કરતો વાઇરસ છે. એટલે કે પરિવારમાં સંક્રમણ ફેલાશે તો બાળકો પણ તેનાથી અલગ નહીં રહી શકે.”

દિલ્હી, ચેન્નાઈ અને બેંગલુરુના ત્રણ જાણીતા બાળરોગ નિષ્ણાતો ડૉક્ટર રવિ અને ડૉક્ટર મુલિયિલના અંદાજ સાથે સહમત છે.

આંકડા ડરાવનારા હોઈ શકે છે

ડૉક્ટર વી. રવિ કહે છે કે પહેલી લહેરની સાથે સરખામણી કરવામાં આવે તો બીજી લહેરમાં કોરોના પૉઝિટિવ બાળકોનો આંકડો બમણો થઈ ગયો હતો. તેથી એ વાતથી ઇનકાર કરી ન શકાય કે કોવિડ-19ની ત્રીજી લહેરમાં બાળકોમાં સંક્રમણ વધી શકે છે.

ડૉક્ટર રવિ કહે છે, “ભારતમાં લગભગ 30 કરોડ બાળકોમાંથી લગભગ 18 કરોડ બાળકો કોરોનાથી સંક્રમિત થવાનો ખતરો છે. ધારો કે આ 18 કરોડમાંથી માત્ર 20 ટકા એટલે કે 3.6 કરોડ બાળકોને ચેપ લાગે છે અને તેમાંથી એક ટકાને પણ હૉસ્પિટલમાં દાખલ કરવાની જરૂર પડે તો શું આપણે તેના માટે તૈયાર છીએ?”

બાળરોગ નિષ્ણાતો પણ માને છે કે આવી સ્થિતિમાં આપણી તૈયારી બહુ નબળી છે.

એપિડેમિયોલૉજિસ્ટ અને પબ્લિક હેલ્થ ફાઉન્ડેશન ઑફ ઇન્ડિયાના પ્રોફેસર ડૉક્ટર ગિરિધર બાબુ કહે છે, “હું ડૉક્ટર રવિની વાત સાથે સહમત છું. પોતાના બાળકોને કોરોના થાય તેવું કોઈ નથી ઇચ્છતું. પરંતુ બાળકોમાં સંક્રમણ ફેલાય તો શું આપણે તેના માટે તૈયાર છીએ? તેનો જવાબ છેઃ ના.”

ડૉક્ટર મુલિયિલ કહે છે કે, “આપણી તૈયારીને તમે હાસ્યાસ્પદ કહી શકો છો.”

બાળકો માટે ખાસ આઈસીયુની અછત

બાળરોગ નિષ્ણાતો માને છે કે મોટાં ભાગનાં બાળકોમાં સંક્રમણનાં મામૂલી લક્ષણ જોવા મળી શકે છે, પરંતુ કેટલાંક બાળકોને હૉસ્પિટલમાં દાખલ કરવાની જરૂર પણ પડશે.

કોરોનાથી સંક્રમિત થયેલા માત્ર એક ટકા બાળકોની હાલત ગંભીર હોય અને તેમને આઈસીયુમાં દાખલ કરવાની જરૂર પડે તો આપણા માટે તે એક પડકાર બનશે.

ડૉક્ટર બાલાચંદ્રને બીબીસીને જણાવ્યું, “મોટાં શહેરોનો બાદ કરવામાં આવે તો બીજા શહેરોમાં પીડિયાટ્રિક ઇન્સેન્ટિવ કેર યુનિટ (PICU) એટલે કે બાળકોના આઈસીયુ નગણ્ય છે. આરોગ્ય સેવાની વાત કરીએ તો ઉત્તર ભારતનાં રાજ્યો કરતાં દક્ષિણ ભારતનાં રાજ્યોમાં સગવડ ઘણી સારી છે. પરંતુ અહીં પણ માત્ર મોટાં શહેરોમાં જ બાળકોના આઈસીયુ છે.”

ડૉક્ટર બાલા રામચંદ્રન ચેન્નાઈની કાંચી કામકોટી ચાઇલ્ડ ટ્રસ્ટ હૉસ્પિટલમાં ઇન્સેન્ટિવ કેર યુનિટના પ્રમુખ છે.

એ વાત પણ ખરી કે દેશમાં ખાનગી અને સરકારી હૉસ્પિટલોમાં કેટલા પીઆઈસીયુ છે તેનું યોગ્ય ચિત્ર આપણી પાસે નથી. એક ડૉક્ટરનો દાવો છે કે દેશમાં 40,000 જેટલા પીઆઈસીયુ છે.

પીડિયાટ્રિક ઇન્સેન્ટિવ કેરના ઇન્ડિયા ચેપ્ટલના ચૅરપર્સન ડૉ. ધીરેન ગુપ્તાએ બીબીસીને જણાવ્યું કે, ભારતમાં બાળકો માટે લગભગ 70,000 પીઆઈસીયુ છે, જે બધા સરકારી માન્યતા ધરાવે છે અને તેમાં બેડની સંખ્યા અલગઅલગ છે.

"પુખ્ત વયના લોકોની સરખામણીમાં પીઆઈસીયુ બેડ અલગ હોય છે. "

"મોટા લોકોના આઈસીયુ બેડને તાત્કાલિક બાળકો માટે લાયક બનાવવા મુશ્કેલ હોય છે. ઉદાહરણ તરીકે મોટા લોકો માટેના ઓક્સિજન માસ્ક બાળકોને કામ નહીં લાગે, કારણ કે તેમનાં મોઢાં પર ફિટ નહીં થાય. "

ઇંદિરા ગાંધી ઇન્સ્ટિટ્યૂટ ઑફ ચાઇલ્ડ હેલ્થ, બેંગલુરુના ભૂતપૂર્વ નિદેશક ડૉ. આશા બેનકપ્પા કહે છે, “પાયાના માળખા, સુવિધાઓ અથવા માનવ સંસાધનની દૃષ્ટિએ બાળકોની સારવાર માટે તૈયારી નથી. મને ખરેખર બાળકોની ચિંતા છે.”

ભવિષ્યના પડકાર કયા છે?

એપ્રિલ મહિનામાં વધુ બાળકોને સંક્રમણ થયું હોય તો મે મહિનામાં પીઆઈસીયુમાં વધારે બાળકોને દાખલ કરવા પડશે. તેને બાળકોમાં મલ્ટિ સિસ્ટમ ઇન્ફ્લેમેટરી સિન્ડ્રોમ કહેવામાં આવે છે. ડૉક્ટરો તેને સામાન્ય ભાષામાં ‘હિટ ઍન્ડ રન’ સંક્રમણના કેસ કહે છે.

ડૉ. રામચંદ્રનનું કહેવું છે કે, “બાળકોમાં આ સિન્ડ્રોમ વાઇરસથી સંક્રમિત થયાના ત્રણથી ચાર મહિના પછી વિકસે છે. તેનાથી બાળકોની બીમારી તરત વધી જાય છે. આ બીમારીનો ઇલાજ પણ બહુ મોંઘો પડે છે.”

આ સિન્ડ્રોમની ઓળખ ગયા વર્ષે એપ્રિલ મહિનામાં ઇંગ્લૅન્ડમાં થઈ હતી.

ભારતમાં ડૉક્ટર રામચંદ્રન અને તેમની ટીમે તેની ઓળખ કરીને તેની સારવાર માટે એક પ્રોટોકૉલ બનાવ્યો છે. તેની સારવાર માટેની માહિતી બાળરોગને લગતી પત્રિકામાં પ્રકાશિત કરવામાં આવી છે.

બાળકોની સારવારનો ખર્ચ બહુ મોંઘો પડે છે

ડૉ. રામચંદ્રનનું કહેવું છે કે, “સિન્ડ્રોમનો શિકાર થયા બાદ બાળકને તેના વજનના આધારે 24 કલાકથી વધુ સમય માટે ઇન્ટ્રાવિનસ ઇમ્યુનોગ્લોબુલિન ઇન્જેક્શન આપવામાં આવે છે. તમે કહી શકો કે બાળકને એક કિલો વજન દીઠ બે ગ્રામનું ઇન્જેક્શન અપાય છે.”

“આ ઇન્જેક્શનના 10 ગ્રામની કિંમત 16,000 રૂપિયા છે અને આ સૌથી સસ્તો વિકલ્પ છે. એટલે કે બાળક 20 કિલોનું હોય તો તેને 40 ગ્રામ ઇન્જેક્શન આપવું પડશે. એટલે કે 64,000 રૂપિયાની જરૂર પડશે. સાથે સાથી પીઆઈસીયુનો ખર્ચ અલગથી આવશે. આ અત્યંત મોઘું સાબિત થઈ શકે છે.”

ડૉ. બેનકપ્પા કહે છે કે, “પીઆઈસીયુ માટે તમારે વૅન્ટિલેટર ઇનફ્યુઝન પંપ અને બીજા તમામ પ્રકારના ઉપકરણોની જરૂર પડશે જેનો ખર્ચ 10થી 15 લાખ રૂપિયા આવે છે. કોઈ બાળક પીઆઈસીયુમાં હોય અને વૅન્ટિલેટર પર પણ હોય તો તેની સારવાર માટે જરૂરી મશીન અને ડૉક્ટરો, નર્સની વ્યવસ્થા કરવામાં લગભગ 25થી 30 લાખ રૂપિયાનો ખર્ચ આવશે.”

આ ઉપરાંત પીઆઈસીયુના સ્ટીફની તાલીમ પણ સામાન્ય આઈસીયુના સ્ટાફથી અલગ હોય છે.

ડૉક્ટર ધીરેન ગુપ્તા કહે છે કે, “બાળકોની સારવાર માટે તાલીમ ધરાવતી નર્સ મોટી ઉંમરના આઈસીયુ દર્દીઓની સારસંભાળ રાખી શકે છે, પરંતુ મોટા લોકોની સારસંભાળની તાલીમ ધરાવતી નર્સ બાળકોના આઈસીયુમાં કામ કરી શકતી નથી.”

તેઓ કહે છે, “આપણા દેશમાં પીઆઈસીયુની સંખ્યા બહુ ઓછી છે, તેથી તેમાં કામ કરનારા તાલીમબદ્ધ સ્ટાફની પણ અછત છે. આપણે પાયાના માળખા પર કામ કરવાની ખાસ જરૂર છે.”

ડૉક્ટર આશા બેનકપ્પાનું કહેવું છે કે, “આઠ વર્ષથી ઓછી વયનાં બાળકો પોતાની માતા પર વધારે નિર્ભર હોય છે. તેથી માતા રહી શકે તે માટે થોડી જગ્યા ફાળવવી પડશે. છ વર્ષથી ઓછી વયના બાળકોને પીઆઈસીયુમાં રાખવામાં આવે તો તેમને રમકડાંની જરૂર પડશે.”

વાઇરસનું મ્યુટેશન સૌથી મોટો પડકાર

ડૉક્ટરો માને છે કે કોરોના વાઇરસ સતત મ્યુટેટ થાય છે એટલે કે તેમાં ફેરફાર આવતો જાય છે જે સૌથી મોટો પડકાર બની શકે છે.

ડૉક્ટર ધીરેન ગુપ્તા કહે છે કે, “અમારી પાસે એવા મામલા પણ આવ્યા છે કે ગયા વર્ષે ઑક્ટોબરમાં સંક્રમિત થયેલા લોકોને હવે ફરીથી ચેપ લાગી રહ્યો છે. આવા કિસ્સા માત્ર પુખ્ત વયના લોકોમાં નહીં પરંતુ બાળકોમાં પણ જોવા મળે છે. આગામી વર્ષ સુધીમાં કોરોના વાઇરસનું કોઈ નવું મ્યુટેન્ટ આવશે કે નહીં તે આપણે નથી જાણતા.”

ડૉક્ટર બાલા રામચંદ્રન અને ડૉક્ટર વી. રવિ એસ્ટ્રાઝેનેકા અથવા કોવિશિલ્ડ રસીના વિકાસમાં સામેલ રહેલા વૈજ્ઞાનિક એન્ડ્રુ પોલાર્ડ સાથે સહમત છે. તેમણે કહ્યું હતું કે પુખ્ત વયના લોકોની તુલનામાં આ બીમારી બાળકોમાં ઓછી ગંભીર હોય છે. બાળકો માટે આ રોગ એટલો બધો ઘાતક નથી.

ડૉક્ટરનું કહેવું છે કે ઉંમર ઓછી હોવાના કારણે બાળકોનાં ફેફસાં મોટી વયના લોકો જેટલાં પ્રદૂષિત નથી હોતાં અથવા તેઓ બીજી બીમારીના શિકાર બન્યા નથી હોતા. જ્યારે પુખ્ત વયના લોકોને પહેલેથી બીજી બીમારીઓ હોય છે.

પીડિયાટ્રિક ઇન્સેન્ટિવ કેરના ઇન્ડિયા ચેપ્ટરે જાહેરાત કરી છે કે તે નર્સોની સાથે સાથે ડૉક્ટરોને પણ કોવિડ પીડિત બાળકો માટે પીઆઈસીયુ સંભાળવા માટે તાલીમ આપવાનું શરૂ કરશે.

ડૉક્ટર ગુપ્તાનું કહેવું છે કે તેઓ એક મહિના પછી આ કાર્યક્રમ શરૂ કરશે.

આગામી સમયની તૈયારી અત્યારથી શરૂ કરો

ડૉક્ટર રવિ કહે છે કે, “હજુ સુધી એ પણ સ્પષ્ટ નથી કે 12થી 18 વર્ષનાં બાળકો માટે કોરોનાની રસી ક્યારે તૈયાર થશે અને કેટલાં બાળકોને રસી આપી શકાશે. આપણે એવું માની લઈએ કે કોરોનાની ત્રીજી લહેર આ વર્ષે ઑક્ટોબર-નવેમ્બરમાં આવી શકે છે, તો હજુ તો આપણે આગામી ચાર મહિનામાં પુખ્ત વયના કેટલા લોકોને રસી આપી શકીશું તે પણ ખબર નથી.”

"કેટલા લોકો માસ્ક પહેરશે અને સુરક્ષિત રહેવા માટે કોવિડ-19નો ફેલાવો રોકવાની સરકારી ગાઇડલાઇનનું પાલન કરશે. પરંતુ આપણી માળખાકીય સ્થિતિને જોતા આપણે બચવાના ઉપાયોનું પાલન કરીએ તે જ વધારે યોગ્ય રહેશે.”

ડૉક્ટર ગુપ્તા કહે છે, “આપણે આપણી જાતને તૈયાર રાખવી પડશે. આપણે મહામારીની બીજી લહેરમાંથી પાઠ શીખીને ત્રીજી લહેરની તૈયારી શરૂ કરી દેવી જોઈએ. આ વખતે આપણે સેંકડો નહીં પરંતુ હજારો દર્દીના હિસાબે તૈયારી કરવી પડશે. સાથેસાથે આપણે મોટાં શહેરોના બદલે નાનાં શહેરો અને મથકો તરફ વધુ ધ્યાન આપવું પડશે.”

ડૉક્ટર રવિ કહે છે, “હું ઇચ્છું છું કે મારો અંદાજ ખોટો સાબિત થાય. પરંતુ પરિસ્થિતિ બગડે તેવી સ્થિતિમાં આપણે તૈયાર રહેવું જોઈએ.”

“શક્ય છે કે સંક્રમણના કેસ બહુ ન વધે, પરંતુ આખરે આપણી પાસે એક સારી આરોગ્ય વ્યવસ્થા હશે જે ભવિષ્યમાં પણ ઉપયોગી બનશે.”

ડૉક્ટર મુલિયલ અને અન્ય બાળરોગ નિષ્ણાતો પણ ડૉક્ટર રવિની વાત સાથે સહમત છે.

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો