ઇરફાન પઠાણનાં પત્ની સફા કોણ છે, જેમની એક તસવીરના કારણે વિવાદ થયો છે?

પૂર્વ ભારતીય ક્રિકેટર ઇરફાન પઠાણ એક તસવીરના પગલે વિવાદમાં ઘેરાઈ ગયા છે.

ઇરફાન પઠાણ અને તેમના પુત્ર ઇમરાન પઠાણના ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ પરથી એક તસવીર પોસ્ટ થઈ હતી. તસવીર 25 મેની છે.

તેમાં ઇરફાન પઠાણ છે, તેમનાં પત્ની સફા છે અને પુત્ર ઇમરાન પઠાણ છે. તસવીરને લઈને વિવાદ એ માટે થયો છે કેમ કે ઇરફાન પઠાણનાં પત્નીની આંખો છોડીને ચહેરો બ્લર કરી દેવામાં આવ્યો છે.

આ તસવીરને લઈને સોશિયલ મીડિયા પર ઇરફાન પઠાણ ટ્રૉલ થઈ રહ્યા છે.

મી સુહાસ નામના ટ્વિટર હૅન્ડલ પરથી લખવામાં આવ્યું, "ઇરફાન પઠાણની આ પોસ્ટ જુઓ. તેમણે ઍડિટિંગ કરીને પત્નીનો ચહેરો ઢાંકી દીધો છે. ઇસ્લામમાં મહિલાઓની સાથે આવું વર્તન થાય છે."

અરુનક્ષ ભંડારી લખે છે, "મેં હંમેશાં તમને સન્માન આપ્યું કેમ કે તમે દેશનું પ્રતિનિધિત્વ કર્યું. પણ આ સ્વીકાર્ય નથી."

પેટ્રોયોટિક પરિંદે નામના ટ્વિટર હૅન્ડલ પરથી લખાયું છે, "સત્યને છૂપાવો નહીં. આખી દુનિયાને ખબર છે કે ઇસ્લામ મહિલા વિરોધી છે."

મયંક નામના યૂઝરે ઇન્સ્ટાગ્રામ પર લખ્યું છે, "હું તમારો ચાહક હતો અને તમારી બૉલિંગ સ્કિલને ટ્રાય કરતો હતો પણ તમારું કામ પ્રશંસાને લાયક નથી."

ઇરફાન પઠાણે શું જવાબ આપ્યો?

સોશિયલ મીડિયા પર થઈ રહેલી ટીકા વચ્ચે ઇરફાન પઠાણે પોતાના ટ્વિટર અકાઉન્ટ પર આ તસવીરને પોસ્ટ કરીને લખ્યું, "આ તસવીર મારી ક્વિન (પત્ની)એ મારા પુત્રના અકાઉન્ટ પરથી પોસ્ટ કરી છે. તસવીરને લઈને અમને ઘણી નફરત મળી છે."

"આ તસવીરને હવે મને અહીં પણ પોસ્ટ કરવા દો. મારાં પત્નીએ પોતાની મરજીથી આ તસવીરમાં ચહેરો બ્લર કર્યો છે. અને હા, હું તેમનો માલિક નથી, સાથી છું."

ઇરફાન પઠાણના આ નિવેદન પર તેમને ઘણા લોકોનો સાથ મળ્યો છે. બોલીવૂડના પણ ઘણા સેલેબ્રિટી જેમ કે ગૌહર ખાન અને ઋચા ચડ્ઢા જેવા સ્ટાર્સ તેમના સમર્થનમાં આવ્યા છે.

કોણ છે સફા?

ફાઇનાન્શિયલ એક્સપ્રેસના અહેવાલ પ્રમાણે સફા બેગ એક મૉડલ રહી ચૂક્યાં છે અને સાથે જ તેમણે પત્રકાર તરીકે પણ કામ કર્યું છે. તેમણે ઇરફાન પઠાણ સાથે વર્ષ 2016માં લગ્ન કર્યા હતા.

સફાનો જન્મ 28 ફેબ્રુઆરી 1994ના રોજ સાઉદી અરેબિયાના જેદ્દામાં થયો હતો. તેમના પિતા ફારૂક બેગ સાઉદી અરેબિયામાં બિઝનેસમૅન છે.

સફાના જ્યારે લગ્ન થયાં ત્યારે તેઓ માત્ર 21 વર્ષનાં હતાં. તેઓ ઇરફાન પઠાણથી 10 વર્ષ નાનાં છે.

તેમણે ઇરફાન પઠાણ સાથે મક્કામાં લગ્ન કર્યા હતાં. એવું કહેવામાં આવે છે કે ઇરફાન અને સફાની પહેલી મુલાકાત દુબઈમાં થઈ હતી.

રિપોર્ટ પ્રમાણે તેઓ એક નેઇલ આર્ટિસ્ટ પણ છે.

જ્યારે જ્યારે ઇરફાનનાં પત્નીએ ચહેરો ઢાંક્યો

આ પહેલી વખત નથી કે ઇરફાન પઠાણનાં પત્ની સફા ચહેરો ઢાંકીને તસવીરમાં જોવા મળ્યા હોય.

ઇરફાન પઠાણના ઇન્સ્ટાગ્રામ પેજ પર નજર કરીએ તો ઘણી તસવીરો છે, જેમાં સફાનો ચહેરો ઢંકાયેલો જોવા મળ્યો હોય.

અહીં જુઓ આવી જ કેટલીક તસવીરો.

પહેલાં પણ ઇરફાન પઠાણ અને તેમનાં પત્નીની તસવીર વિવાદ ઊભો કરી ચૂકી છે.

આ તસવીર ઇરફાન પઠાણે પોતાના ઇન્સ્ટાગ્રામ હૅન્ડલ પર પોસ્ટ કરી હતી. આ તસવીરમાં પણ તેમનાં પત્નીએ ચહેરો ઢાંકેલો છે અને સાથે નેઇલ પોલિશ કરેલી છે.

આ તસવીર જોઈને કટ્ટર મુસ્લિમોએ ઇરફાન ખાનને ટ્રૉલ કર્યા હતા અને મુસ્લિમ ધર્મ વિરુદ્ધ ગણાવ્યું હતું.

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો